મંદિરો-મસ્જિદોનો પાર નથી !
એ છતાં તકલીફોનો પાર નથી !
આમ તો સખ્તીઓનો પાર નથી !
ખૈરખાં હસ્તિઓનો પાર નથી !
વ્યાસપીઠ સામે કૈંક બેઠા છે,
જેલમાં કેદીઓનો પાર નથી !
કોઇ કોઈ છે ભક્તજન સાચાં;
ધૂર્ત ને ઢોંગીઓનો પાર નથી !
એક-બે નામ રોજ ચમકે છે,
બાકી તો વસ્તીઓનો પાર નથી !
પારધિઓની ધાક બ્હોળી છે,
અવનવા પંખીઓનો પાર નથી !
મોંઘવારીએ મૂકી છે માઝા
ને વળી મંદીઓનો પાર નથી !
એક તો છે બીમાર હૉસ્પિટલ,
ને વળી દર્દીઓનો પાર નથી !
એની વચ્ચે ય જીવનારા; જ્યાં,
મચ્છરો-માખીઓનો પાર નથી !
પગ ‘પ્રણય’, મૂકજો સંભાળીને,
સાપ ને વીંછીઓનો પાર નથી !
તા. ૧૫/૦૬/૨૦૨૧
![]()


‘નિરીક્ષક’ તા. ૧૬.૫.૨૦૨૨ના અંકમાં નિલય ભાવસારનો પંડિત શિવકુમાર શર્માર્ને ભાવસભર સ્વરાંજલિ આપતો લેખ વાંચી આનંદ થયો. એમાં ‘ઝનક ઝનક પાયલ બાજે’ની વાત વાંચતા પંડિતજીની સ્મરણકથા ‘सन्तूर मेरा जीवन संगीत’ (મૂળ અંગ્રેજી ‘જર્ની વિથ એ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ – માય લાઈફ ઇન મ્યુઝિક’નો શૈલેન્દ્ર શૈલ દ્વારા હિન્દી અનુવાદ) વાંચતાં એ ચલચિત્ર સંદર્ભે થોડી રસપ્રદ વાતો વાંચેલી તે મનમાં તાજી થઈ. ‘નિરીક્ષક’ના વાચકો સાથે એ વાતો વહેંચવાનું મન થયું. તો એ પુસ્તકના આધારે જ થોડી વાતો મૂકું.