Opinion Magazine
Number of visits: 10,234,335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  

સોનલ પરીખ|Opinion - Opinion|1 October 2026

અગિયાર સપ્ટેમ્બરે આચાર્ય વિનોબા ભાવેનો જન્મદિન. પાંચમી સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી અને ચોથી સપ્ટેમ્બરે એમણે સેન્ટહૂડ મળ્યાને દસ વર્ષ પૂરાં થયાં. આ બે મેગ્સેસે વિજેતા, ભારતરત્ન વિભૂષિત આધુનિકકાળના સંતોને આપણે કેટલું ઓળખીએ છીએ?  

‘પથ્થર ભલે એક પ્રહારથી તૂટ્યો હોય, પણ તેને તોડવામાં અંતિમ પ્રહાર પહેલાના તમામ પ્રહારનો એટલો જ ફાળો હોય છે.’ આ સાદું પણ વિચારતા કરી મૂકે તેવું વિધાન વિનોબાજી જેવાં વિચક્ષણ સંતપુરુષનું જ હોઈ  શકે. અને ‘ભગવાન એ અપેક્ષા કરતા નથી કે આપણે સફળ થઈએ. ભગવાન એ અપેક્ષા કરે છે કે આપણે પ્રયાસ કરીએ.’ આ સુંદર વિચાર મધર ટેરેસા જેવા ધર્મપરાયણ માતૃહૃદયમાંથી જ નીકળે.

મધર ટેરેસા અને વિનોબા ભાવે બંનેના વ્યક્તિત્વ, કાર્યશૈલી, ધર્મ અને રાષ્ટ્રીયતામાં બહુ ઓછી સમાનતાઓ છે; છતાં બંનેનો પાયો જાણે એક છે, બંનેની માટી જાણે એક છે. બંને આજીવન બ્રહ્મચારી, સ્વેચ્છાએ ગરીબ રહેનાર, માનવીય કરુણાથી છલકતાં, દીનદુખિયાના બેલી અને સતત સક્રિય સેવકો. એશિયાનું નોબેલ પ્રાઇઝ ગણાતો મેગ્સેસે ઍવોર્ડ ફિલિપાઈન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં એશિયામાં ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સમુદાય સેવકોને અપાય છે, જે વિનોબાજી અને મધર ટેરેસા બંનેને મળ્યો છે. બંને ભારતરત્ન વિભૂષિત પણ ખરાં. સપ્ટેમ્બરમાં આ બંને વિશેષ યાદ આવે કારણ કે પાંચમી સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ અને અગિયારમી સપ્ટેમ્બરે વિનોબાજીનો જન્મદિન. આ વર્ષની ચોથી સપ્ટેમ્બરે મધર ટેરેસાને સેન્ટહૂડ મળ્યાને દસ વર્ષ થયાં. આધુનિકકાળના આ બંને સંતોની સરખામણી કરવાની ધૃષ્ટતા કરવાનો બિલકુલ ઇરાદો નથી, તારીખોના તાલમેળને કારણે બંને વિષે એકસાથે જે થોડા વિચાર આવ્યા, એ જ વ્યક્ત કરું છું.   

આચાર્ય વિનોબાજી

1895માં મહારાષ્ટ્રના ગાગોદે ગામમાં વિનોબાજી એટલે કે વિનાયકનો જન્મ. 21માં વર્ષે વિનાયકે ઘર છોડ્યું. અધ્યાત્મ અને વિપ્લવ બંને પ્રત્યેનું આકર્ષણ તેમને બંગાળ-હિમાલય તરફ લઇ ચાલ્યું. 1916ની સાલમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના પ્રસંગે દક્ષિણ આફ્રિકાથી તાજા જ ભારત આવેલા મહાત્મા ગાંધીએ જે નિર્ભીક સ્પષ્ટતાથી બ્રિટિશ અધિકારીઓ, રાજામહારાજાઓ અને ક્રાંતિકારીઓને થોડાં કડવાં સત્યો મંચ ઉપરથી કહી સંભળાવ્યા તે સાંભળી વિનાયકને થયું કે આ માણસમાં હું જે શોધું છું તે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સંગમ છે. પણ ઉતાવળ કર્યા વિના તેમણે ગાંધીજી પાસે પોતાને બરાબર વ્યક્ત કર્યા, ગાંધીજીને પણ ચકાસી લીધા અને ત્યાર પછી જ પૂર્ણપણે સમર્પિત થયા. શરૂઆતમાં સાબરમતી આશ્રમમાં રહ્યા, તે પછી ગાંધીજીએ શરૂ કરેલ સેવાગ્રામ આશ્રમમાં રહ્યા અને પછી વર્ધામાં પવનાર અને આસામમાં મૈત્રી આશ્રમ સહિત દેશભરમાં આશ્રમો સ્થાપ્યા. 

સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે અનેક વાર જેલવાસ ભોગવ્યો. ધૂળેની જેલમાં હતા ત્યારે તેમણે ભગવદ્દગીતા પર જે વાતો કરી તેને સાને ગુરુજીએ શબ્દોમાં ઉતારી. આ ‘ગીતાપ્રવચનો’ આજે પણ પુષ્કળ વંચાય છે. સમસ્યાઓથી ઘેરાયેલા મનને પ્રકાશ અને દિશા આપવાની શક્તિ વિનોબાના ‘ગીતાપ્રવચનો’માં છે. સ્વતંત્રતા મળ્યા પછી જમીનમાલિકો અને ભૂમિહીનો વચ્ચેની ખાઈ પૂરવા વિનોબા પહેલા પવનારથી દિલ્હી ગયા, વડા પ્રધાનને મળ્યા અને ત્યારબાદ ભૂદાન યજ્ઞનો આરંભ કર્યો. 1951માં શરૂ થયેલો આ ભૂદાન યજ્ઞ એટલો અદ્દભુત અને મૌલિક હતો કે આજે કોઈને તેની કલ્પના પણ ન આવે. ગામેગામ સભા ભરીને તેઓ જમીનદારોને કહેતા, ‘તમારે પાંચ દીકરા હોય તો તમે મને તમારો છઠ્ઠો દીકરો સમજો અને મારો ભાગ આપો.’ આ રીતે મળેલી જમીન ત્યાં ને ત્યાં કોઈ ભૂમિહીનને અપાઈ જતી. આ રીતે તેઓ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ફર્યા. ચૌદ વર્ષમાં ચાલીસ હજાર માઈલની પદયાત્રા કરી અને હજારો ભૂમિહીનોને જમીન અપાવી. 1958માં પ્રથમ મેગ્સેસે પુરસ્કાર મેળવ્યો. ભૂદાન ઉપરાંત ગ્રામડાં, સંપત્તિદાન, કાંચનમુક્તિ, ઋષિખેતીના પ્રયોગો કર્યા. 

અગિયાર ભાષાઓ જાણતા વિનોબાએ જુદાજુદા ધર્મોનો અભ્યાસ કરી મનનીય પુસ્તકો લખ્યાં છે. તેઓ ઉત્કૃષ્ટ વક્તા અને સંનિષ્ઠ સમાજસુધારક હતા. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક વારસ ગણાતા વિનોબા પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી પણ હતા. તેમનું અધ્યાત્મ બુદ્ધિનિષ્ઠ છે અને મહાત્મા ગાંધીને ચરણે તેમણે કરેલું સમર્પણ અંધ નહીં, બલકે એક દૃષ્ટિવાન પ્રાજ્ઞ પુરુષનું સમર્પણ છે. છેવાડાના માણસને ઊંચો લાવવા તેમણે સર્વોદય અભિયાન ચલાવ્યું. અમુક સર્વોદય કાર્યકર્તાઓ મહાત્મા ગાંધીએ ચીંધેલાં કામો ભક્તિપૂર્વક કરતા પણ તેમના વિચારોને સાચા અર્થમાં ન સમજતા તે જોઈને વિનોબાજી ખેદ પામતા – ‘આવું અનુકરણ ન ટકે’. 1975માં કટોકટીને ‘અનુશાસન પર્વ’ કહી તેમણે ખૂબ વિવાદ વહોરી લીધો હતો. જો કે જાણકારો કહે છે કે તેમના શબ્દને પકડી ઊહાપોહ કરવામાં આવ્યો હતો, પણ તેની પાછળનો અર્થ ઉપેક્ષિત રહ્યો હતો. 1982ની  દિવાળીમાં તેમણે અન્નજળનો ત્યાગ કરી જીર્ણ અને વૃદ્ધ થયેલા દેહનો પરિત્યાગ કર્યો. પવનાર આશ્રમની બહેનોએ તેમણે મુખાગ્નિ આપ્યો હતો. 

વિનોબા ગાંધીજીથી પચીસ વર્ષ નાના અને મધર ટેરેસા વિનોબાજીથી પંદર વર્ષ નાનાં. તેઓ અત્યારના મેસીડોનિયાના સ્કોપ્જેમાં જન્મેલાં આલ્બેનિયન સાધ્વી. થોડાં વર્ષ મેસીડોનિયા, પછી આયર્લેન્ડ અને ત્યાર પછી ભારતમાં તેમનું સેવાકાર્ય થયું. 1950માં તેમણે સ્થાપેલ મિશનરીઝ ઑફ ચેરિટીની શાખાઓ આજે દુનિયાના 133 દેશોમાં છે. બ્રહ્મચર્ય, ગરીબી, આજ્ઞાંકિતતા અને સેવાવ્રત ધારણ કરેલી 4,500 સાધ્વીઓ અનાથાલય, સૂપ કિચન્સ, શાળાઓ, હોસ્પિટલો ચલાવે છે અને ટી.બી.-એઇડ્ઝ-રક્તપિત્તના રોગીઓની સારવાર કરે છે.   

મધર ટેરેસા

મધર ટેરેસાની કર્મભૂમિ ભારત હતું. કોલકાતાના ગરીબો-અનાથો અને ત્યજી દીધેલ બીમારોને તેમણે માતાની જેમ પ્રેમપૂર્વક અપનાવ્યાં અને જાળવ્યાં. 1962માં મધરને મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને 1980માં ભારતરત્ન. ભારતરત્ન મેળવનાર તેઓ પહેલા વિદેશી-ભારતીય નાગરિક હતાં. ત્યાર પછી 1987માં ખાન અબ્દુલ ગફારખાનને અને 1990માં નેલ્સન મંડેલાને ભારતરત્ન અપાયું હતું. ગર્ભપાત અંગેના અને અન્ય કેટલાક વિચારોને લીધે મધર વિવાદોમાં પણ ઘેરાયાં હતાં. 

ખ્રિસ્તી ધર્મપરંપરામાં સંતત્વ એટલે કે સેન્ટહૂડ મેળવવાની પ્રક્રિયા અટપટી અને ઘણી લાંબી હોય છે. તેના દરેક તબક્કાઓ પસાર કરી મધર ટેરેસાને ‘સેન્ટ’ ઘોષિત કરવામાં આવ્યાં. 2016ની ચોથી સપ્ટેમ્બરે આ ઘોષણા થઈ અને તેમની પુણ્યતિથિ પાંચમી સપ્ટેમ્બરને ‘ફિસ્ટ ડે’ જાહેર કરવામાં આવ્યો. ‘ફિસ્ટ ડે’ એટલે શાનદાર ભોજનસમારંભ એવું આપણને લાગે, પણ તેમ નથી. ‘ફિસ્ટ ડે’ એક ધાર્મિક ઉત્સવ છે જેમાં એક વિશેષ દિવસ એક ખાસ સંતને સમર્પિત કરવામાં આવે છે. ‘સિસ્ટર’ અને ‘મધર’થી ‘સેન્ટ’ સુધીની આ યાત્રા અત્યંત પ્રેરક અને રસપ્રદ છે. તેમાંથી પસાર થયા પછી પણ એક સવાલ તો ઊભો જ રહે છે – સેન્ટહૂડ મહાન કે મધરહૂડ – સંતત્વ મોટું કે માતૃત્વ? પણ એ ચર્ચામાં ન પડીએ એ જ સારું. આપણને બાંધ્યા વિના ચાલતું નથી અને મહાન આત્માઓ આ-તેથી કદી બંધાતા નથી. 

અનુશાસિત જીવન અને મુક્ત આત્મા એ વિનોબાજી અને મધર ટેરેસા બંનેનો આદર્શ હતો. સેવાના ભેખધારીઓ આ રીતે જ વિચારે. વિનોબાજી કહેતા, ‘વિશ્વમાં આજે જેટલી સમસ્યાઓ છે તેની પાછળ ઓછી મહેનતે વધુ લાભ ઉઠાવી લેવાની સ્વાર્થી લાલસા છે. આ ચોરી છે.’ મધર ટેરેસા કહેતાં, ‘કેટલું આપ્યું તે કરતાં કેટલા પ્રેમથી આપ્યું તે વધારે મહત્ત્વનું છે. સંખ્યા પાછળ ન પડો. એક સમયે એક વ્યક્તિને મદદ કરો અને જે તમારી આસપાસ જ છે તેમનાથી શરૂઆત કરો.’ 

હૃદયના ગહન મૌનમાં આ વિચારોનો પ્રકાશ ફેલાવા દઈએ.

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 સપ્ટેમ્બર 2026

Loading

1 October 2026 Vipool Kalyani
← ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ

Search by

Opinion

  • ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ
  • થોડું, ગાંધી જયંતીના પૂર્વપ્રભાતે કિંચિત નાગરિક અભિજ્ઞતા સાથે 
  • પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈં 
  • આપણી પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે?
  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved