Opinion Magazine
Number of visits: 10,234,284
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|1 October 2026

આજરોજ 01 ઑક્ટોબરે જેન ગુડૉલનો પહેલો સ્મૃતિદિન છે. તેમણે માનવના પૂર્વજ એવા ચિમ્પાન્ઝી વંશના વાનરો પર અપાર મમતા સાથે આજીવન સંશોધન કર્યું. તે નિમિત્તે ગુડાલ (1934-2025) તેમ માનવના પૂર્વજ વાનરોના બીજા બે વંશો પર સંશોધન કરનાર પ્રાઇલેટોલૉજિસ્ટ મહિલાઓના પ્રદાનને પણ આદરપૂર્વક યાદ કરી શકાય. ડાયૅન ફૉસી(1932-1985)એ ઓરાંગઉટાન પર અને બિરુટે ગાલ્ડિકાસ(1946-2026)એ ગોરિલા પર સંશોધન કર્યું. 

વિકસિત દુનિયાની આ ત્રણ મહિલાઓ પ્રાઇમેટોલૉજિ વિદ્યાશાખામાં વાનરોના અભ્યાસ માટે તેઓએ 1960-70ના દાયકાથી લઈને લગભગ આખી જિંદગી ઘોર જંગલોમાં જે રીતે ગાળી તે માત્ર કલ્પિત કથા જ લાગે. વાનરોના આખા ય જીવનક્રમના સીધા જ ક્ષેત્રઅભ્યાસ માટે તેઓએ દિવસો સુધી ઝાડીઓમાં એકલાં છૂપાઈને વાનરોનાં નિરીક્ષણો કરીને નોટબુકોમાં નોંધો કરી. રસ્તા અને વીજળી વિનાના વેરાન સ્થળે કાચા ઘરોમાં વસવાટ કરીને વિશ્લેષણ કર્યાં. આ ત્રણેયના પ્રેરક અને માર્ગદર્શક કેનિયાના વિશ્વવિખ્યાત માનવવંશશાસ્ત્રી લૂઈ લીકી (1903-1972) હતા. 

ઇન્ગ્લેન્ડમાં 1934માં જન્મેલાં જેન ગુડૉલને બાળપણથી પ્રાણીઓના વર્તનમાં જે રસ હતો તેમાં માતાપિતાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું. એમણે ટાન્ઝાનિયાના ગોમ્બે સ્ટ્રીમ પંથકના જંગલોમાં રહીને ચિમ્પાન્ઝી પર કામ શરૂ કર્યું. તેના માટે તેમને કેમ્બ્રિજે પી.એચડી.ની પદવી, સ્નાતક પદવી વિના જ આપી. ગુડૉલે ચિમ્પાન્ઝી વિશેની કેટલીક પાયાની ગેરસમજણો દૂર કરી. તેમણે ચિમ્પાન્ઝી શાકાહારી નથી પણ ઊભયાહારી છે એ બતાવી આપ્યું. આ વાનર સાધનો બનાવીને તેનો ઉપયોગ કરી શકે છે એ વાતનું એમનું પ્રતિપાદન ઉત્કાન્તિવાદ અને માનવવંશશાસ્ત્રની વિચારણામાં મહત્ત્વનું ઉમેરણ છે. ચિમ્પાન્ઝીનું સંકુલ અને સુવિકસિત સામાજિક વર્તન પણ તેમણે સિદ્ધ કર્યું. ગુડૉલનાં લાડકા કપિઓનાં નામ હતાં ડેવિડ ગ્રેબિયર્ડ, ફ્લો, ફ્લિન્ટ, ગિગી, માઈક, રૂટ્સ, શૂટ્સ અને અન્ય. વન્ય જીવનના ફોટોગ્રાફર સાથેનાં લગ્ન બાદ આ દંપતીએ પોતાનાં સંતાનને પણ ચિમ્પાન્ઝીની જેમ ઉછેરવાની શરૂઆત કરી હતી. તેમનું જીવન ચિમ્પાન્ઝીના જીવનથી અભિન્ન હતું તેના સંખ્યાબંધ અચંબાજનક વર્ણનો મળે છે.

ગયા વર્ષે 92 વર્ષની ઉંમરે જેન ગુડૉલનું કોઈ પણ માંદગી વિના રાતની ઊંઘ દરમિયાન કૅલિફોર્નિયાના બેવરલિ હિલ્સ ખાતે અવસાન થયું. પર્યાવરણ અને વન્યજીવનના ચાહકોમાં ખૂબ આદરનું સ્થાન ધરાવનારાં ગુડૉલને મળેલાં સન્માનોની યાદી ઘણી લાંબી છે. ત્રીસથી વધુ પુસ્તકો અને અનેક અભ્યાસ લેખો લખનારાં ગુડૉલ સંખ્યાબંધ ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સના કેન્દ્રમાં હતાં. વન્યજીવનનાં કર્મશીલ ગુડૉલે પ્રાણીઓ તરફ લોકોને સંવેદનશીલ બનાવવાં માટે ઝુંબેશો ચલાવી. તેમનું અવસાન થયું તે દિવસોમાં તેઓ વન્યજીવન પરનાં જાહેર વ્યાખ્યાનોની શ્રેણી માટે અમેરિકાના પ્રવાસે હતાં. 

વચ્ચે જેન ગુડૉલ, ચશ્માંવાળાં બિરુટે ગાલ્ડિકાસ અને ત્રીજાં ડાયૅન ફૉસી

જેન ગુડૉલ સહિતની ત્રિપુટીના અભ્યાસો થકી પોતાના આ વિદ્યમાન પૂર્વજો અંગે માનવજાતે સેવલાં ભય, આશંકા અને ગેરસમજ દૂર થયાં; તેમની સાથે અનુબંધ સધાયો; માનવવંશશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ વિષયોમાં નવી દિશાઓ ઉઘાડી. સહજસુંદર વિદ્વત્તા ધરાવતાં અંગ્રેજીના દિવંગત અધ્યાપક જયંત જોશી આ ત્રણેય સંશોધકોને ‘ત્રણ બ્રહ્મવાદિનીઓ’ કહેતા. બીજી અનેક અદ્દભુત બાબતોની જેમ આ ત્રિપુટીનો પણ પહેલવહેલો પરિચય તેમણે જ કરાવ્યો હતો. તેમાંથી બિરુટે ગાલ્ડિકાસ હમણાં વિશેષ યાદ આવ્યાં, કેમ કે હમણાં 8 સપ્ટેમ્બરે અખબારોમાં એવા સમાચાર હતા કે ઇન્ડોનેશિયન જંગલોના વતની એવા ઓરાન્ગઉટાનનાં પાંચ બચ્ચાં હજારો કિલોમીટર દૂર આવેલા ઓડિશાના બાલાસોર જિલ્લાના જંગલમાં તરછોડાયેલી હાલતમાં જોવા મળ્યાં ! 

જેન ગુડૉલ વિશેની ઇન્ટરનેટ પરની વિપુલ સામગ્રીમાં તેમની મુલાકાતો પણ છે. નેટફ્લિક્સે લીધેલી તેમની મુલાકાત તેમની ખુદની શરત મુજબ તેમનાં અવસાન બાદ 7 ઑક્ટોબર 2025ના દિવસે પ્રસારિત કરવામાં આવી. તેમાં એક સવાલ હતો : ‘એવા કયા લોકો જે તમને ગમતાં નથી ?’ ગુડૉલનો જવાબ છે : ‘ચોક્કસ વળી, એવા અનેક લોકો છે, અને હું એમને ઍલન મસ્કના સ્પેસક્રાફ્ટમાં બેસાડીને સહુથી દૂર એવા ગ્રહ પર મોકલી દેવા માગું છું.’ એ માણસો કોણ હશે એનો જવાબ હતો : ‘મસ્ક તો યજમાન હોવાના, અને એની સાથે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેકેદારો હશે.’ 

જેન ગુડાલ મુલાકાતને અંતે એક સરસ સંદેશો આપે છે : 

‘અત્યારે હું જ્યાં છું ત્યાંથી પાછળ નજર નાખું છું, મેં જે દુનિયા છોડી તેને જોઉં છું. મારે શો સંદેશો આપવાનો થાય? 

‘મારે એ વાતની ખાતરી કરવી છે કે તમારે બધાંએ એ સમજવાનું છે કે તમારામાંથી દરેકે દરેકે એક જવાબદારી નિભાવવાની છે. તમારી દરેકની જિંદગી મહત્ત્વની છે, તમે આ પૃથ્વી પર છો તેની પાછળ એક ઊદ્દેશ છે – એનો તમને કદાચ ખ્યાલ નહીં આવે, કદાચ તમને એ કારણ  જડશે પણ નહીં.

‘તમારી જિંદગી આગળ વધતી જશે તેમ તેમ એ ઉદ્દેશ તમારા ધ્યાનમાં આવતો જશે. મારે તમને એ જણાવવું છે કે તમારા ભાગે જે જવાબદારી છે તેનો તમને ખ્યાલ આવે કે ન આવે, તમારી જિંદગી મહત્ત્વની છે. તમે જીવો છો તે દરેક દિવસ બદલાવ લાવે છે. પણ કયો બદલાવ લાવવો એની પસંદગી તમારે કરવાની છે. 

‘પ્રાકૃતિક દુનિયાનો આપણે એક હિસ્સો છીએ એ તમે સમજો એમ હું ઇચ્છું છું; અને આજે જ્યારે આ દુનિયા અંધકારમય છે ત્યારે પણ આશા તો જીવંત જ છે. આશા ન છોડશો. જો તમે ઉદાસિનતા સેવશો તો નિષ્ક્રિય બની જશો. પણ જો તમે આ દુનિયામાં હજુ પણ જે કંઈ સુંદર છે તેને બચાવવા ઇચ્છતા હો, તમે આ ગ્રહને આવતી પેઢીઓ માટે, તમારા પોતરાંનાં પોતરાંનાં પોતરાં માટે બચાવવા માગતા હો તો રોજે રોજ તમારે શી સક્રિયતા બતાવવી તે અંગે વિચારજો.

‘કોઈ એક જવાબદારી પણ જો લાખો, કરોડો વખત નિભાવવામાં આવે તો તેનાથી મોટો બદલાવ આવી શકે છે. આ પૃથ્વી ગ્રહ પરની જિંદગી એટલે સર્વસ્વ નથી એ વાત તમે સમજો, હું આશા રાખું છું કે તમે એ સમજશો. હું માનું છું, અને હવે તો હું જાણું પણ છું કે મૃત્યુને પેલે પાર જિંદગી છે, હું એ પણ જાણું છું કે ચેતના ટકી રહે છે. 

‘જે રહસ્યો હું જાણું છું, પણ જે મારાં નથી, તે હું અત્યારે જ્યાં છું ત્યાંથી તમારી સામે ખોલી શકું નહીં. આ પૃથ્વી ગ્રહ છોડી દીધાં બાદ તમને શું હાથ લાગશે એ હું તમને કહી ન શકું. પણ મારે તમને એ કહેવું છે કે પૃથ્વી ગ્રહ પરની જિંદગી તમે જે રીતે જીવો તેનાથી તમારા મૃત્યુ પછી તમને જે જિંદગી મળે તેમાં ફેર પડશે. 

‘સહુથી વધુ તો હું ઇચ્છું કે આપણે આ પૃથ્વી ગ્રહ પર હોઈએ ત્યારે આપણે પ્રકૃતિ માતાનો હિસ્સો હોઈએ છીએ એ અંગે તમે વિચારો. આપણે ચોખ્ખી હવા, પાણી, અન્ન,વસ્ત્ર અને પ્રત્યેક બાબત માટે પ્રકૃતિ માતા પર આધાર રાખીએ છીએ; છતાં આપણે એક પછી એક પર્યાવરણતંત્ર(ecosystem)નો નાશ કરતાં જઈએ છીએ અને વધુ ને વધુ ખરાબ જલવાયુ પરિવર્તન લાવતાં જઈએ છીએ, વધુ જીવવૈવિધ્ય ગુમાવતાં જઈએ છીએ. આવા તબક્કે અત્યારે જીવી રહેલાં આપણા સંતાનો માટે અને તેમનાં પછી આવનારાં માટે વધુ સારી દુનિયા બનાવવા માટે આપણી ક્ષમતા મુજબ આપણે બધું કરવાનું છે. 

‘પરિવર્તન લાવવાનું તમારા હાથમાં છે. પરિવર્તન લાવવાનું કામ પડતું ન મૂકશો. ભાવિ તમારા માટે છે. અત્યારે હું જ્યાં છું ત્યાંથી જે સુંદર પૃથ્વી ગ્રહને જોઈ રહી છું તે સુંદર પૃથ્વી પર તમે અત્યારે છો ત્યારે તેના માટે તમારા જીવતે જીવ જે  કંઈ કરી છૂટવું પડે તે કરશો. 

ગૉડ બ્લેસ યુ ઑલ.’ 

 (ઉપરોક્ત સંદેશની લિન્ક https://www.youtube.com/watch?v=lfLKHY52ERc)
ફોટા – કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ 
01 ઑક્ટોબર 2026   
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

1 October 2026 Vipool Kalyani
← થોડું, ગાંધી જયંતીના પૂર્વપ્રભાતે કિંચિત નાગરિક અભિજ્ઞતા સાથે 
ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા   →

Search by

Opinion

  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  
  • થોડું, ગાંધી જયંતીના પૂર્વપ્રભાતે કિંચિત નાગરિક અભિજ્ઞતા સાથે 
  • પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નજરાને લાયે હૈં 
  • આપણી પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે?
  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved