‘આંતર ખોજ’
મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ.
— બકુલા ઘાસવાલા
પદ્મા દેસાઈને વધારે સમજવાં હોય તો તારે અનુરાધાનું આત્મકથન ‘Unbecoming : A Memoir of Disobedience’ : ખાસ વાંચવું જોઈએ. મારા નિકટના સ્વજને મને ભારપૂર્વક કહ્યું. આમ પણ મેં હાલમાં જ પદ્મા દેસાઈનું આત્મકથન ‘Breaking Out : મુક્તિયાત્રા’ વાંચ્યું હતું. પદ્માબહેનને તો પદ્મભૂષણની નવાજેશ પણ થઈ છે તેનો ઉલ્લેખ એમની આત્મકથામાં નથી, કારણ કે તે આત્મકથા પ્રકાશિત થયા પછીની વાત છે. લલિતાબહેન અને કાલિદાસ દેસાઈથી અનુરાધા ભગવતીની ત્રણ પેઢીને સમજવાની સાથે મૂળસોતાં ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય સ્તરની વિદ્વત્તાને સમજવાનો અમૂલ્ય મોકો અહીં મળે છે. પદ્મા દેસાઈની મુક્તિયાત્રા સાથે અનુરાધાની આંતર ખોજનું અનુસંધાન થતું હોય એવું મને વાંચતી વખતે લાગતું રહ્યું હતું. અનુરાધાની સમગ્ર યાત્રામાંથી પસાર થતાં એની પેઢીનાં સંતાનો માટે ખાસ્સી સમજણ વિકસી એમ કહેવું મને વધારે ગમે છે.
અનુરાધા ભારતીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી વિદ્વાન માતા-પિતા પદ્મા દેસાઈ અને જગદીશ ભગવતીની દીકરી છે, પરંતુ એ હોવાનું કે એની Reflected Gloryમાં રાચવાનું કોઈ મિથ્યાભિમાન એના પર સવાર થયું નથી. એના મનનો કોઈ અહમ્ પણ વાચક તરીકે મેં અનુભવ્યો નથી. આત્મકથન છે એટલે બાળપણથી પુસ્તક પ્રગટ થયું તે સમયખંડ આવરી લેવાયો છે. ૧૯૭૫માં અમેરિકામાં માતાની ૪૨-૪૩ વર્ષની વયે એનો જન્મ થયેલો. હાલ એની ઉંમર ૪૭ વર્ષની અને પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ૪૪ વર્ષની. આમ તો દરેક સંતાન પોતાનાં માતાપિતા માટે અણમોલ અને અનન્ય હોય જ છે એવું આપણે માનીએ છીએ. અનુરાધા પણ એ જ રીતે જોઈતી અને વહાલા દીકરી એમ માની લઈએ. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવતો જાય કે અમેરિકામાં જન્મીને મોટાં થતાં અને સ્વતંત્રતપણે વિચારતાં સંતાનો પોતે શું અનુભવે અને વ્યક્ત કરે. અનુરાધાની અનુ તરીકે ઓળખ પણ બની છે એટલે અનુ લખું તો એ અનુરાધા જ છે તે ખ્યાલ રહે એ જરૂરી છે. માતાપિતા સાથે બાળપણથી આજ પર્યંત પોતાના સંબંધો કેવા રહ્યા એ વિશે અનુ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટપણે લખે છે; સાથે વયોવૃદ્ધ માતાપિતાને પોતે જે રીતે સમજ્યાં તે વિશે પણ લખે છે.
અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન ‘અસહ્ય સ્થિતિ : આજ્ઞાભંગનાં સ્મૃતિચિત્રો’ જે મારી દૃષ્ટિએ તો ‘હૈયે તે હોઠે’ તરીકે ઝિલ્યું છે. જ્યારે એણે નક્કી કર્યું કે હું મરીન શાખામાં કારકિર્દી બનાવીશ ત્યારે તો કોઈ ખ્યાલ ન હતો કે ભાવિ શું હશે પરંતુ અહીં તો ડગલું ભર્યું કે ના હઠવું એટલે કડક તાલીમ તો પછી આવી તે પહેલાં સ્નાતક હોવાથી સીધી ભરતી ઓફિસર તરીકે જ થઈ. અત્યંત મહેનતથી ભરચક તાલીમ લઈ લેફ્ટનન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન રંગભેદ અને લિંગભેદના જે કાંઈ અનુભવો થયા છે તેનો સઘળો ચિતાર પુસ્તકમાંથી પસાર થતા મળે છે. અમેરિકન નાગરિક તરીકે જન્મ, ઉછેર અને વ્યક્તિત્વનો વિકાસ છતાં કેવા અનુભવો થયા છે તે તો એમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય. પ્રેમની વિભાવના, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો સંદર્ભે અવારનવાર બંધાતા સંબંધો, ઓફિસરોની ક્રમિક સત્તાકીય ભાંજણી અને મિલિટરી દબદબા સાથે જન્મજાત મૌન રહેવાના સંસ્કારનો સીલસીલો છતાં એવી સરહદને અતિક્રમી જઈ નીડરતાપૂર્વક પોતે જે છે તે રીતે વ્યક્ત થવું એ બે વાક્યમાં લખાય કે સમજાય તેવી ગાથા તો ન જ હોય ને ! કારકિર્દીમાં પોતે જે ફરજો અદા કરવાની છે તે અને જાત સાથે સંઘર્ષ દ્વારા આંતર ખોજ થકી પોતે શારીરિક-માનસિક રીતે જે અનુભૂતિ કરે છે તેનું નગ્નસત્ય ઉજાગર કરવાનું અનુને સહેજ પણ કઠિન લાગ્યું નથી. મેલ બેકલેશ અને ધવલવર્ણીય અધિકારીઓ કે સહકર્મીઓનો પ્રતિઘાત કે પ્રતિક્રિયાનો સામનો કરવાનો બેવડો બોજો કેવી રીતે વેંઢાર્યો તેનું યથાવત્ વર્ણન કરવામાં અનુનાં ટેરવાંને જરાપણ હિચકિચાટ થયો નથી.
SWANની સ્થાપના અને પછી ક્રમબદ્ધ રજૂઆતો દ્વારા મુખ્ય પ્રવાહમાં મિલિટરીમાં કાર્યરત સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપવી, પ્રેસ અને પોલિટિશિયનો સાથે રહી કે સામે રહીને પણ સેનેટ સુધી રજૂઆતો કરવી, સામાજિક જાગૃતિ માટે લખી અને બોલીને અવિરત પ્રયત્નો કરવા, પીડિતોને સંગઠિત કરવા એમની કેફિયતનું દસ્તાવેજીકરણ કરવું અને સચ્ચાઈ દર્શાવવી આ કાર્ય પણ અનુએ પૂરી નિષ્ઠા અને નિસબત સાથે પ્રતિબદ્ધતાપૂર્વક કર્યું છે. સહકર્મીઓનો સહયોગ મળે તેમ એમની રોજ બ રોજની ગમતી-અણગમતી રીતભાત કે ઈર્ષ્યાનો સામનો પણ કરવો જ પડે એ કડવું સત્ય પણ અનુએ જીરવ્યું છે. મોટાભાગે બધાં જ એનો સામનો કરતાં હોય છે એ ય સાચું. ક્યારેક બે ડગલાં આગળ અને ક્યારેક બે ડગલાં પાછળ હસીને પણ પોતાની સચ્ચાઈનો અહેસાસ કરતાં ને કરાવતાં રહેવાનો સ્ત્રીયાર્થ – પુરુષાર્થ-માનવાર્થ અનુ અને એની ટીમે કર્યો છે. એમાં સફળતા સાથે નિષ્ફળતા પણ મળી. થાકી અને હારી જવાય તેવો સંઘર્ષ છતાં અનુ અડગ રહી શકે છે તો એણે તનતોડ મહેનત સાથે મનતોડ વ્યથા – હતાશા પણ ભોગવી છે અને તે માટે માનસિક સારવાર પણ લીધી છે. અનુ પોતાના દરેક અનુભવનું વર્ણન તટસ્થતાથી કરતી વખતે પોતાનો ધારદાર મિજાજ તો બતાવે જ છે પરંતુ પોતાની અનુભૂતિની હળવાશભરી અભિવ્યક્તિ પણ કરી શકે છે. જો કે એમની ટીમે જે ભીંત સાથે માથાં અફાળવાનાં છે તે અસહનીય છે તો મારા જેવા સામાન્ય વાચક માટે તો અકલ્પનીય પણ છે.
પુસ્તક વાંચતી વખતે મને કેટલાક પ્રશ્નો થતા જ હતા કે અનુએ આ મુદ્દે લખ્યું તો આ વાત કેમ ન લખી અને ત્યાં એણે લખી જ હોય જેમ કે ઘરેલુ હિંસાનો મુદ્દો. અધિકારીઓનાં બાળકો અને પત્ની વિષયક કે મિલિટરીમાં કામ કરતી સૈનિકાઓને થતાં ઘરેલુ હિંસાના અનુભવો વિષયક દાસ્તાનનું આલેખન એણે કર્યું જ છે. શિસ્તબદ્ધ કર્મશીલની જેમ સૈદ્ધાંતિક રીતે મુદ્દાસર આંકડા અને હકીકતનું બયાન તો આંખે ઊડીને વળગે એવું મને તો લાગ્યું છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય અને કોઈપણ સરકાર હોય, નેતા હોય એનું અગત્યના મુદ્દા પર ધ્યાન દોરવા માટે જે જરૂરી કુશળતા જોઈએ તે SWAN ટીમે કેળવી એટલે એમને ક્યાંક સફળતા મળી તો જ્યાં ન મળી ત્યાં એનું તાર્કિક વિશ્લેષણ પણ અહીં વાંચવા મળ્યું છે. અનુએ પોતાના બંને શ્વાન અને નિકટના મૈત્રીસંબંધો વિશે લખ્યું ત્યારે મને સહજ વિચાર આવતો હતો કે એણે ક્યારેક રસોડું જોયું હશે કે ? અનુના ઉત્ક્રાંતિ આલેખમાં એની SWANમાંથી નિવૃત્તિ અને યોગ-વિપશ્યનામાં પ્રવૃત્તિ ઉપરાંત માંસાહારથી શાકાહાર જ નહીં પણ વિગન કે વેગન જેઓ દૂધનો ઉપયોગ પણ ન કરે તેનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ યોગ શિક્ષક તો બને છે સાથે સો માણસની રસોઈ બનાવવાની ટીમમાં જોડાઈને નિષ્ણાત તરીકે આશ્ચર્યચકિત પણ કરે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોગ ચળવળની અનુ પ્રશંસક છે તે એની વિલક્ષણતા છે.
મને એક બીજો વિચાર સતત આવ્યો છે કે આપણે માટે ભારતીય સૈનિકો ભારતમાતાના પુત્રો છે. એમની શહાદત, ત્યાગ, બલિદાનની ગાથાઓ સાંભળીને મોટાં થયાં છીએ અને બાળકો પણ મોટાં થાય છે. ભારતીય સેનામાં સ્ત્રીઓની સંખ્યા કેટલી સ્ત્રીઓ હશે ? કોઈએ ભારતની સાચી પરિસ્થિતિ વિશે અનુભવગાથા લખી હશે ? દુનિયાભરમાં નારીવાદીઓ Militarisationનો વિરોધ કરતી આવી છે. અહીં મને શર્મિલા ઈરોમની યાદ આવી. મિલિટરીમેન અને ટેરરિસ્ટોની માનસિકતા વિશે તો લખાતું પણ રહ્યું છે, ગુજરાતીમાં કેટલું સાહિત્ય છે તે વિશે મને ખાસ જાણ નથી. પરંતુ અનુએ જે લખ્યું છે તેવી હિંમતથી ભારતમાં કોઈ મિલિટરી વુમને-સ્ત્રીએ લખ્યું હોય તો મને ખબર નથી. તો પણ જુઓ કે અનુનાં વંશીય મૂળ ભારતમાં છે. અનુ તો વર્ગ, વર્ણ, જ્ઞાતિથી પર છે અને queer છે. સ્વતંત્રમિજાજી, સ્વનિર્ભર, ઉદ્દામવાદી વ્યક્તિત્વનું ઉમદા, પ્રેમાળ અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિત્વમાં રૂપાંતર થવું એ પ્રલંબ પ્રક્રિયા ભલે હોય પણ એવું પરિવર્તન શક્ય છે એ અનુની આંતરખોજનું દર્શન કરાવે છે.
ત્રીજો વિચાર એ હાવી થઈ ગયો હતો કે અનુના સ્ત્રી-પુરુષના જન્મજાત Conditioning વિશે ક્યા વિચારો હશે. કદાચ એ Conditioning શબ્દપ્રયોગ ન કરે તો પણ જે જડબેસલાક માનસિકતા રોપાઈ જતી હોય છે જે સહેલાઈથી છૂટે નહીં તે વિશે તો એણે વિચાર્યું જ હશે ! એણે એ શબ્દપ્રયોગ સાથે જ વિચાર્યું છે. પદ્મા દેસાઈની પોતાના જમાનાની માનસિકતાથી મુક્ત થઈ પોતે બળવો કરનાર પણ લાગે તે હદે વર્તન કરવાની ચેષ્ટા એક વર્તુળ પર પરિક્રમા શરૂ કરે છે. અનુ એ પરિક્રમાને પોતાના જમાના પ્રમાણે બળવો લાગે તે રીતે આગળ વધારે છે. માતા-પુત્રી પોતપોતાના હિસ્સાનો સંઘર્ષ કરે છે. ક્યાંક સફળ-નિષ્ફળ પણ જાય છે છતાં બન્ને સિદ્ધિને પણ વરે છે. અંતે અનુની ખોજ અંતર્યાત્રામાં પરિણમે છે અને એ સત્યમ્-શિવમ્-સુંદરમ્ના માર્ગે યોગસાધના તરફ વળીને વર્તુળની પરિક્રમા પૂર્ણ કરે છે.
આ બીજું પુસ્તક મને કિન્ડલ પર વાંચવાં મળ્યું અને મને એ ફાવી ગયું કારણ કે આઈપેડ પર ફોન્ટ્સ મોટા કરી વાંચી શકી. વાર તો લાગી પણ ગમ્યું. એમેઝોન પર મળે છે. પુસ્તક મેળવવા માટે ઈન્ટરનેટ સર્ફિંગ કરતાં હું અનુરાધા દેસાઈ ટાઈપ કરતી રહી અને અલગ વિગત મળતી રહી પછી યાદ આવ્યું કે ભગવતી ટાઈપ કરું અને તરત વિગતો મળી. પછી મને વિચાર આવ્યો કે અનુરાધા પોતાની અટક વિદ્રોહી કે ક્રાન્તિ રાખતે તો ? એવો વિચાર પણ આવ્યો કે કેટલા Facebook Friends એ વાંચ્યું હશે ? તરલિકાબહેન, રવીન્દ્ર પારેખ, ખેવના, વિભૂતિ, નંદિતા, કિરણ, મહાશ્વેતા, ગૌરાંગ, મનીષી, પ્ર.ન. શાહ, વિપુલ કલ્યાણી, ફાલ્ગુની, દિવ્યાશા ….. વાંચી હશે તેવાં અનેક નામો યાદ આવે છે એટલે હવે યાદી મૂકતી નથી ……… કોઈ મિત્ર આ પુસ્તક વિશે મંતવ્ય આપશે તો ગમશે.
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર