ગ્રંથ પરિચય :
[એક અજાણ્યા ગાંધીની આત્મકથા, લેખક : નટવર ગાંધી, પ્રથમ આવૃત્તિ વર્ષ : 2016, પૃ. 344, પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ – મુંબઈ, અમદાવાદ]
‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ આપણા કવિ, એક બિન નિવાસી ગુજરાતી અને નાણાકીય બાબતોના વિશ્વવિખ્યાત નિષ્ણાત નટવર ગાંધીની આત્મકથા છે. 2016માં પ્રસિદ્ધ થયેલી 270 પાનાની આ આત્મકથા ઉપરાંત આગળ 20 પેજની પ્રસ્તાવના છે અને પાછળ 40 પેજનાં બે લાંબા લખાણો છે જે અમેરિકામાં વસતા ભારતીઓ અને અમેરિકામાં હાલમાં સર્જાઈ રહેલા ગુજરાતી સાહિત્યની દશા અને દિશા સૂચવે છે. Amazon પરથી માહિતી મળે છે કે આ આત્મકથા અમેરિકામાં Still the Promised Land શીર્ષકથી 2019માં પ્રકાશિત થઈ છે. વાચકને આ શીર્ષક જાણીતું લાગવાનો સંભવ છે કેમ કે અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આત્મકથાના બીજા ભાગનું શીર્ષક થોડું મળતું આવતું છે, A Promised Land જે 2020માં બહાર પડી. એ જોતાં નટવર ગાંધીને શીર્ષક પહેલા સૂઝયું એમ કહેવાય. ખેર, હાલ તો આપણે ગુજરાતી આત્મકથાની વાત કરીએ –
મણિલાલ નભુભાઈ દ્વિવેદીની બહુ ચર્ચિત આત્મકથા વિશે આપણા પ્રખ્યાત હાસ્યલેખક વિનોદ ભટ્ટે એક માર્મિક વાત કરી છે, ‘આ આત્મકથાના નાયક મણિલાલ નહીં પણ સત્ય છે.’ અંગત નિબંધો અને આત્મકથામાં લેખકે તંગદોર પર ચાલવાનું હોય છે. એ તમારી જ વાત છે પણ તમારે સિંહાસન પર બેસી જવાનું નથી. જે ક્ષણે તમે બેસવાની ચેષ્ટા કરી એ ક્ષણે સત્ય પાછલા દરવાજેથી વિદાય થઈ જતું હોય છે. એટલે ‘હું…હું…’ની માળા જપતાં લખાણો માટે મજાકીયા અંગ્રેજીમાં કહેવાયું છે કે I is always capital. પ્રેમ ગલીની જેમ સત્યની ગલી અતિ સાંકડી છે એમાં એના કર્તા માટે પણ જગા નથી.
આ આત્મકથા માટે એમ કહી શકાય કે અહીં સત્યને ક્યાં ય અળપાવા દીધા સિવાય લેખકે પોતાની વાત ક્રૂર તટસ્થતાથી કરી છે, એનાં ઉદાહરણ આગળ જોઈશું. આ પુસ્તકનું શીર્ષક ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ ઘણું સૂચક છે, આખી કથામાં ક્યાંક અજાણ્યા પર ભાર છે, ક્યાંક ગાંધી પર ભાર છે (ગાંધી એટલે નટવર ગાંધી જ નહીં, પણ મોહનદાસ કરમચંદ ગાંધી પણ ખરા. સાવરકુંડલાવાળા આ ગાંધીને પેલા પોરબંદરવાળા ગાંધીનું, વધારે ફોડ પાડીને કહીએ તો પેલા ગાંધીની સત્યનિષ્ઠાનું જબરું વળગણ છે.) અને આ નિમિત્તે આત્મકથાનું પોત ક્યાં ય પાતળું ન પડે એ ખાસ કાળજી રાખી છે. આમ આ એક અજાણ્યાની, એક અજાણ્યા ગાંધીની અને એ રીતે એક અજાણ્યા ગાંધીની આત્મકથા છે. એક ઉદાહરણથી આ વાત સમજીએ, આત્મકથાનો આરંભ 67 વરસના નટવર ગાંધીની જિંદગીના એવા દિવસથી થાય છે કે જે દિવસે એમના વહીવટ નીચેના કર વિભાગમાં પચાસ મિલિયન ડોલર એટલે કે આજના ભારતીય ચલણમાં 37 અબજ રૂપિયાના કૌભાંડનો પર્દાફાર્શ થવાનો હોય છે. આમ તો એ કૌભાંડ અગાઉનાં વીસેક વરસથી ચાલતું હતું એટલે ‘આમાં મારો કોઈ વાંક નથી’ એમ કહીને હાથ ઊંચા કરી દેવાની તક હતી પણ – આ ગાંધી – પેલા ગાંધીની જેમ – વિભાગના વડા તરીકેની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની દરખાસ્ત પણ કરે છે. આ એમનો ગાંધી સ્પિરિટ! જો કે એમની નિષ્ઠા અને અનિવાર્યતાને સમજીને આ બનાવ પછી પણ એ જ્યાં સુધી સ્વેછિક નિવૃત્તિનો નિર્ણય નથી લેતા ત્યાં સુધી રાજીનામું સ્વીકારવાનો વિચાર સુધ્ધાં નથી કરાતો. એ બધી રસપ્રદ વાતો છે પણ આત્મકથાનો આરંભ પોતાની આવી પડતાલ થઈ એ ક્ષણથી કરવામાં એમની ગાંધીબ્રાન્ડ સત્યનિષ્ઠા સૂચવાય છે.
આત્મકથામાં વતનની વાતો લાગણીથી અને ક્યારેક તો લાગણીવેડાથી થતી હોય છે, ‘વતનની ધૂળથી માથું ભરી લઉં’ એ અંદાઝમાં. પણ લેખક અહીં પહેલા પ્રકરણથી જ પોતાના ગામ સાવરકુંડલા અને ઘર-કુટુંબ અંગે ‘નીરસ બાળપણ’ નામના પેટા પ્રકરણમાં કહે છે કે ‘આ કુટુંબ, આ ગામ, આ ઘર હું ક્યારે છોડું? અને એ બધું છોડ્યા પછી ક્યારે ય થયું નથી કે ચાલો ત્યાં પાછા જઈએ.’(34). એવું જ વલણ એમના પિતા પ્રત્યે છે, my papa is the best papa એવા લાગણીવેડામાં એ ક્યારે ય તણાયા નથી. મારી જાણમાં અહીં લેખકે પોતાના પિતાને જેટલા કઠોર તાટસ્થ્યથી જોયા છે એટલી તટસ્થતાથી ગુજરાતી આત્મકથામાં કોઈ લેખકે જોયા હશે કે કેમ એ તપાસનો વિષય છે. ક્યાંક તો વાચકને એમ લાગ્યા વગર નહીં રહે કે લેખક પિતા પ્રત્યે વધારે કઠોર થઈ જતાં હોય, પરંતુ અગત્યની વાત એ છે કે પોતાની પિતા પ્રત્યે જે લાગણી હતી એને ક્યાં ય એમણે દંભના વાઘા ચડાવ્યા નથી. એ જે રીતે કુટુંબ વિષે પણ લખે છે, ‘કુટુંબમાં મેં ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ જોયું નથી’ (34) ઘરનો દેખાવ પણ વખાણવા લાયક નહોતો, એ લખે છે, ‘ઘરની ભીંતો બધી મેલી અને અડવી.’ (38) ઉપરાંત એમ પણ લખે કે ‘સત્તર વરસના મારા વસવાટ દરમ્યાન ક્યારે ય અમારે ઘરે ટપાલ આવી હોય એવું મને યાદ નથી.’(39) લેખકે કેમેરાની આંખે ગામનું લંબાણપૂર્વકનું વર્ણન કર્યું છે ત્યાં પણ એમને ક્યાં ય કશું આકર્ષક લાગ્યું નથી. એમને જાણે કે સ્પર્શ, ગંધ અને સ્વાદ પ્રત્યે અણગમો હોય એવું સતત લાગ્યા કરે. દાદાના ગાંઠિયા ખાવાના અતિ શોખને એમણે ‘ઇંડલજન્સ’ – વ્યસન – તરીકે ઓળખાવ્યું છે. કુટુંબભાવનાના અભાવ વિષે એમણે લખ્યું છે, એટલે સુધી કે ‘જાણે કે કોઈ અજાણ્યા માણસો અકસ્માતે એક ઠેકાણે ભેગા થઈ ગયા હોય એમ અમે બધાં સાથે રહેતા.’(54) રહી રહીને લેખક પોતાના અને બીજાં ભાઈબહેનોના ઉછેરમાં વડીલોએ દાખવેલી બેદરકારીની વાત કરે છે, ‘જેવી રીતે શેરીમાં કૂતરાં બિલાડાં ઉછરી જાય એમ અમે ઉછરી ગયાં.’ (59) છેવટે ન્યાય કરવા એ એક વાક્ય લખે છે, ‘એનો અર્થ એ નહીં કે એમને અમારે પ્રત્યે માબાપને સંતાનો પ્રત્યે સહજ વ્હાલ અને પ્રેમ હોય તે નહોતાં, પણ એ જમાનો જ જુદો હતો.’ (59) છતાં એ કહ્યા વગર રહી શકતા નથી કે, ‘પણ મારે જો આ મારી કથા પ્રમાણિકતાથી લખવી હોય તો મારા મનમાં કાકા (અહીં, લેખકના પિતા) વિષે જે ઉબળખો ભર્યો છે તે કાઢવો જ જોઈએ. ખોટો ખોટી સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવાનો કોઈ અર્થ નથી.’ ( 61) સ્કૂલ વિષે લખે છે, ‘સ્કૂલમાં પણ ગીતસંગીતના ક્લાસ નહોતા’. (35)
નવાઈ લાગે એવી વાત છે કે બાળપણ ભેરુઓ સાથેની ધિંગામસ્તીથી ભર્યુભર્યું હોય પણ એમને કોઇની મૈત્રી સાંપડી નહોતી, કહે છે કે ‘હા ગામના પ્રેમાળ લોકો સાથે ઓળખાણ ઘણી છે પણ એને મૈત્રી ન કહી શકાય.’ (35) નાનપણમાં એમને જો કોઈ ઠરવા ઠેકાણું હોય તો પુસ્તકો, ‘ફળિયાની જમણી બાજુ એક મેડી હતી … ત્યાં બેઠોબેઠો હું ગુજરાતી નવલકથાઓની દુનિયામાં ખોવાઈ જતો.’ ત્યાર બાદ તરુણ અવસ્થામાં બૉલીવુડ અને હોલીવુડની ફિલ્મો એમની રસકીય ભૂખ સંતોષે છે. એમની બૌદ્ધિક મૈત્રીની ખોટ ભારતમાં હતા ત્યાં સુધી તો ફક્ત છાપાં, પુસ્તકો અને ફિલ્મોએ જ ભરપાઈ કરી આપી છે. એમણે આ જ્ઞાનપિપાસા આજીવન જાળવી રાખી છે. અમેરિકામાં પણ એમને કોઈ કોલમિસ્ટ ગમ્યા હોય તો એ ચાહેને મોટું માથું કેમ ન હોય એમને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો જ હોય અને જો હા આવે તો એ એક કલાક ચર્ચા કરવા માટે પાંચસો માઈલ જાતે ગાડી ચલાવીને ગયા જ હોય! વિયેતનામનું યુદ્ધ અમેરિકાની જગત જમાદારી છે એવી સભાનતા તે સમયના ગણ્યાગાંઠયા ભારતીયોમાં હતી, જે પૈકી આ લેખક તો ખાસ. પછી અમેરિકા ગયા અને અનેક ગુજરાતીઓ સર્જકોના યજમાન બનવાનું એમણે હોંશપૂર્વક સ્વીકાર્યું ત્યારે એમણે નોંધ્યું છે એમ ફક્ત ‘દર્શક’ અને ઉમાશંકર જોશી જ એવા હતા જેમણે લિંકનની સમાધિ કે અમેરિકન ઇતિહાસમાં મહત્ત્વના એવાં ગેટિસબર્ગ ગામે જઈએ એવી ઇચ્છા વ્યક્ત કરી હોય. એમનું આ નિરીક્ષણ કે શું ભારતીય કે શું અમેરિકન બહુ ઓછા લોકોને ઇતિહાસની આવી સમજણ હોય છે, એ ઠેઠ ગામમાં હતા ત્યારથી કેળવાયેલું છે. એટલે જ એક કિશોર તરીકે સાવરકુંડલામાં તા. 20/9/54ના દિવસે યુગમૂર્તિ સાહિત્યકાર ર.વ. દેસાઈના અવસાનના સમાચાર રેડિયો પર સાંભળે છે, ત્યારે એ મનોમન સોરાય છે કે આ ગામમાં કોને જઈને આવા મહાન સાહિત્યકારના અવસાનની વાત કરે? ઠેઠ બીજા દિવસે સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક મુકુંદભાઈને આ વાત કરે છે ત્યારે જ એમનો જીવ હેઠો બેસે છે. ત્યારે કુદરતી આવેગો પર બળપૂર્વક નિયંત્રણ કરવું પડતું એ વિષે એ લખે છે કે, ‘ગામના એ ચોખલિયા અને સંકુચિત વાતાવરણમાં જાણે કે જાતિયવૃત્તિનો સર્વથા અભાવ છે એવી રીતે જ વર્તવાનું. અમને કહેવાતું કે રસ્તામાં સામે કોઈ છોકરી મળે તો નીચું જોઈને પસાર થવું.’ (44) એમના શિક્ષકો વિષે પણ લેખકનો ખ્યાલ ઊંચો નથી. લક્ષ્મીકાંત હ. ભટ્ટ કે મુકુંદભાઈ જેવા એકાદ બે શિક્ષકોને બાદ કરતાં એ લખે છે કે, ‘…. મોટા ભાગના શિક્ષકો તો સાવ નકામા હતા. એમને ક્લાસમાં ભણાવવા કરતાં પ્રાઈવેટ ટ્યૂશનો કરીને પૈસા કમાવામાં વધુ રસ હતો. સાયન્સના એક શિક્ષક ક્લાસમાં કોઈ પણ પ્રયોગ કરીને કહેતા કે આ તો બધી માયા છે. (51) બીજા શિક્ષકો વિષે પણ એમણે આ અર્થનું ઘણું લખ્યું છે. જો જાતે કેળવેલો સાહિત્યનો શોખ ન હોત તો એમણે જાત અને જગત વિષે જે સમજ કેળવી એ કેળવાઈ ન હોત. સંબંધોને કઠોરતાથી લેવાની આ ટેવ એમને ઠેઠ સાધન સંપન્ન થયા ત્યાર પછી પણ ચાલુ રહી છે. ઠેઠ અમેરિકામાં સ્થાયી થયા પછી પોતાના કે સાસરા પક્ષના સગાંઓને અમેરિકા બોલાવ્યા તો પણ લેખક કહે છે કે, ‘ … તે પણ મારી ફરજ છે તેમ માનીને જ …. એમાં ક્યાં ય મારો કુટુંબપ્રેમ ઉભરાતો નહોતો. (55)
આ રીતે લેખકની જિંદગીનાં પ્રથમ સત્તર વરસ પૂરાં થાય છે. માતાપિતા કે વડીલોનો સ્નેહ પામ્યા વગર, ઉભડક શિક્ષણ લઈને વતનના ગામેથી મુંબઈમાં બહેતર જીવન મળશે એ આશાએ નસીબ અજમાવવા નીકળી પડે છે. એમની મૂડીમાં જો કશું હોય તો ઉત્તમ વાચનને કારણે કેળવાયેલી સંપન્ન રુચિ અને હિન્દી ફિલ્મોમાં દેખાડેલું ઝાકઝમાળ ભરેલું સપનાનું મુંબઈ.
લેખકના વ્યક્તિત્વનું એક પાસું જેમ કઠોર નિરીક્ષણ દૃષ્ટિ છે તો બીજું એક મહત્ત્વનું પાસું અસંતોષનું છે. અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે, divine discontent (દિવ્ય અસંતોષ), લેખકનો અસંતોષ દિવ્ય નહીં પણ disturbing રહ્યો છે જે આજીવન દોડાવ્યે રાખે છે, એ કારણે એમની પ્રગતિ તો થઈ છે પણ એ અસંતોષે એમને ઠરીને ઠામ થવા નથી દીધા, એ પ્રગતિનાં મધુર ફળ ભાગ્યે જ ચાખવાં દીધા છે. એ લખે છે, ‘આ ભાગવાની જે વાત છે એ મારા ગામ પૂરતી નથી, આ મારી રોજની કઠણાઈ છે. હું જ્યાં જ્યાં હોઉં ત્યાંથી બીજે ક્યાંક જવું, ‘ચાલો ક્યાંક વધુ સારું ગોતો.’ એવી મારી મનોદશા હંમેશાં રહી છે. મારે કૂલે ભમરો ચોંટયો હોય તેમ હું જિંદગી આખી ભટકતો રહ્યો છું. સાવરકુંડલામાંથી નીકળીને મારે મુંબઈ જવું હતું, મુંબઈ છોડીને અમેરિકા જવું હતું, અને અમેરિકા આવીને પછી હું બેસી નથી રહ્યો. અમેરિકામાં આવ્યો એટલાંટામાં, પણ ત્યાંથી નોર્થ કેરોલીના, પેન્સીલ્વેનિયા, લૂઇઝીનિયાના, વળી પેન્સીલ્વેનિયા, અને અત્યારે વોશિંગ્ટન અને એમ ફરતો ને ફરતો રહ્યો છું.’ (56)
પિતા અને ગામ-ઘર વિષે કઠોર નિરીક્ષણો બેધડક રજૂ કર્યા પછી નટવર ગાંધી એ જ દૂરબીનનો છેડો ઊંધો કરીને પોતાની જાત વિષે પણ નગ્ન સત્ય રજૂ કરી શકે છે. નહિતર આ જ ચિર અસંતોષની ભાવનાને શબ્દોના સાથિયા પૂરીને ‘હું તો હંમેશાં પ્રગતિશીલ રહ્યો છું અને મારો આ સ્વભાવ જ મને વોશિંગ્ટનના ચીફ ફાયનાન્સ ઓફિસરના હોદ્દા સુધી લઈ ગયો’, એવું એવું કહ્યું હોત, તો ઘટક ઘટક કરીને પ્રેરણનાં મૃગજળ પીવાં તત્પર આપણી પ્રજા આ અસત્યના ઘૂંટડા પણ પી ગઈ હોત, અને વધુમાં એની સરાહના પણ કરી હોત. પણ લેખક ક્યાં ય અસત્યને સત્ય રૂપે તો નથી કરતાં પણ સત્યના થડિયામાં એક ત્રાંસી કલમ રોપીને એને ‘મમ સત્યમ’ આ મારું સાપેક્ષ સત્ય છે એ રીતે પણ રજૂ કરતાં નથી. આમ પોતાની જાતને તોલવાની વાત આવી ત્યાં પણ આ ગાંધીની કસોટી પેલા ગાંધી જેટલી જ નિર્મમ છે. એ સમયની વાત કરતાં એ લખે છે કે, ‘નાના ગામમાંથી મુંબઈ આવવું તે દેશમાંથી અમેરિકા આવવા કરતાં પણ મોટો બનાવ હતો.’ (67) મુંબઈ પશ્ચિમ ભારતની સાંસ્કૃતિક રાજધાની હતી. ત્યાં એ વિશ્વવિખ્યાત સાહિત્યકારોને મળે છે, જુદાં જુદાં બૌદ્ધિક સામયિકો વાંચે છે, ખાસ કરીને ઉમાશંકર જોશીનું ‘સંસ્કૃતિ’ એમને જુદા જ વિશ્વમાં લઈ જાય છે, એનો ફેલાવો હજારોમાં નહોતો એ રીતે લેખક એને ‘લિટલ મેગેઝીન’ કહે છે. આ સમયગાળો એવો હતો કે ગુજરાતી કે ભારતીય ભાષાઓમાં જ નહીં, પણ અંગ્રેજી અને ફ્રેંચ ભાષામાં પણ આવા ‘લિટલ મેગેઝિનો’એ એવી એવી પ્રતિભાઓનું બૌદ્ધિક ઘડતર કર્યું કે પછી એ બધા વિશ્વના દરેક ક્ષેત્રોમાં છવાઈ ગયા. લેખક સુરેશ જોષીનાં સામયિકોને પણ યાદ કરે છે. આ બધું એમને આટલાં વારસો બાદ લેખોનાં શીર્ષક અને લેખકોનાં નામ સહિત યાદ છે. હવે મુંબઈમાં લેખકની દુનિયા ફક્ત સાહિત્ય પૂરતી મર્યાદિત ન હતી. એમને ત્યાં ભલભલા ધુરંધર રાજપુરુષોને સાંભળવા અને મળવાનો લહાવો લીધો.
આ તો બધું મનનું ભોજન પણ પેટનો ખાડો પુરવાનો સંઘર્ષ તો દારુણ હતો અને વધારે વિકટ થતો જતો હતો. રહેવાનું બહેનબનેવીનાં બહોળા કુટુંબમાં, કોઇની કશી આર્થિક મદદ નહીં. એમની નજર સામે સફળતાની જે ગાથાઓ હતી એ સાવ મામૂલી ભણેલાઓની હતી. એ દિવસોમાં વગર પગારે અનુભવ લેવાના નામે એક નોકરી મળી તે પણ ઘાટીની! દુકાનમાં સૌથી ઊંચો હોદ્દો શેઠનો, પછી મહેતાજી, એની નીચે ગુમાસ્તા અને સાવ તળિયે ઘાટી. ભવિષ્યમાં જે વોશિંગ્ટન શહેરના ચીફ ફાઇનાન્સ ઓફિસરના હોદ્દા પર ચૌદ ચૌદ વરસ માટે અમાપ અને એકહથ્થુ સત્તા ભોગવવાના હતા, તે નટવર ગાંધીની પહેલી નોકરીમાં કામ શેઠના માટે ચા-પાન અને શેઠના દીકરા માટે નાસ્તા લઈ આવવાનું કે એમના વતી થિયેટરની લાઇનમાં ઊભા રહી ટિકિટ બૂક કરાવવાનું પણ હતું, અલબત બેન્ક અને ઉઘરાણીનાં નાનાં મોટાં કામ એ એમની કાયદેસરની ફરજ.
પણ કિસ્મતનું ચક્ર બદલાય છે અને એમને રતિભાઈ નામના સગાનો ભેટો થાય છે જેમને એક જમાનામાં લેખકનાં માતા-પિતાએ આશરો આપેલો. આ વાત રતિભાઈ ભૂલ્યા નહોતા. એમણે લેખકની આંખ ખોલી કે ક્યારેક શેઠ થઈશું એવી આશામાંને આશામાં લોકો ગુમાસ્તા કે મહેતાજી તરીકે જિંદગી કાઢી નાખે છે, અને એમ જ પગ ઘસડીને ગુજરી જાય છે. જો પ્રગતિ કરવી હોય તો ભણ્યા વગર છૂટકો નથી. વાત સાચી, પણ ભણતરનો ખર્ચો કોણ આપે? પિતાજી પોતે આખા કુટુંબનું માંડ પૂરું કરતાં, વળી એમની સાથે એવો કોઈ સંબંધ જિંદગીભર બંધાયો નહોતો કે જેમાં પોતાની આશાસ્પદ કારકિર્દીની ચર્ચા કરી શકે. એમને તો દીકરો જલદી કમાતો થાય એ સિવાય કશામાં રસ નહોતો. રતિભાઇએ ખર્ચાનો પ્રશ્ન પણ હલ કરીને પોતાને ત્યાં ટ્યુશન અપાવ્યું. મૂળે લેખકનાં મનમાં ભૂત હતું સાહિત્યનો અભ્યાસ કરવાનું પણ એમાં નોકરી ન મળે એમ કહી એ ખયાલ પણ રતિભાઈએ ઓગાળી નાખ્યો અને સિડનહામ કોલેજમાં કોમર્સમાં પ્રવેશ લેવરાવીને જ્ઞાતિની હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા કરાવી. લેખકની જિંદગીમાં આ સૌથી મોટો વળાંક છે. આના આધારે જ પછી એમનો અમેરિકા જવાનો રસ્તો ખૂલ્યો. આ ઉપકાર લેખક જિંદગીભર ભૂલ્યા નથી, એટલું જ નહીં પણ આ આત્મકથા – એમણે જેમ અત્યારે ચાલ છે એમ માતા-પિતા કે ગુરુજનોને નહીં પણ – રતિભાઈમે અર્પણ કરી છે.
આ ઉંમરે સહજપણે વિજાતીય આકર્ષણ હોય જ. લેખક એ વિષે પણ નિખાલસતાથી લખે છે, ‘કોલેજમાં જવાનું બીજું આકર્ષણ એ હતું કે ત્યાં ભણતી મુંબઈની આધુનિક છોકરીઓ સાથે મારી મૈત્રી થશે. આવી કોઈ મૈત્રી પ્રેમમાં પણ કદાચ પરિણમે! આવું બધું ઘર ઉપરની મેડીએ નવલકથાઓ વાંચતાં વાંચતાં કલ્પેલું.’ (97) પણ લેખકમાં હિંમતનો અભાવ અને ગામડિયા વ્યક્તિત્વને કારણે આ શક્ય નથી બનતું. કેમ કે છોકરા છોકરીઓ હળતાં મળતાં પણ એ છોકરાઓ કેવા હોય?, ‘ટાયનોલના એક્સ્ટ્રા સ્ટાર્ચવાળા પેન્ટ શર્ટમાં આંટા મારનારા, કેટલાકના મોઢામાંથી સિગારેટના ઘુમાડાના ગોટા નીકળે, અને તાજેતરમાં જોયેલી હોલિવૂડની મુવીની વાતો કરતા હોય. કેટલાક તો પોતાની ગાડીમાં કોલેજમાં આવે. કેટલાકને ડ્રાઈવર લઈ મૂકી જાય.’ (97) તો આ બાજુ લેખક કહે છે, ‘હજી હું કફની લેંઘા અને ચપ્પલમાં આંટા મારતો. અંગ્રેજી બોલવાના શરૂઆતમાં ફાંફા હતા. છોકરીઓની બાબતમાં તો જેવી દશા દેશમાં હતી તેવી જ અહીં હતી.’(97) અહીં પણ લેખક હકીકતનું બયાન માત્ર રજૂ કરે છે. એમણે વર્ણન કર્યું એ બધા છોકરાઓ કરતાં એ પોતે વધુ લાયક અને બુદ્ધિશાળી હતા કે જુઓ ત્યારે યુવાનોમાં કેવાં ખોટાં મૂલ્યો પ્રચલિત હતાં અને યુવાધન ખરાબીને રવાડે ચડી ગયું હતું એવા મિથ્યા સંતોષમાં રાચવાને બદલે આવી પરિસ્થિતિ હતી, અને એમાં પોતાની સ્થિતિ આવી હતી, એનું તટસ્થ બયાન સહેજ પણ કડવાશ વગર કરી દે છે. આમ પોતાની વયસહજ વિજાતીય હૂંફ પામવાની ઈચ્છા નથી સંતોષાતી ત્યાં પણ એમના મનમાં એવી કડવાશ નથી. પરિસ્થિતિનું આકલન કરવાની આ દૃષ્ટિ આપણને આખા પુસ્તકમાં ઠેર ઠેર જોવા મળે છે. આ સમયે કુદરત ફરીથી પોતાની અકળ ચાલ ચાલે છે. એમણે નવીન જારેચા નામના કોલેજિયન સાથે મૈત્રી બંધાય છે. કોલેજની વોલપેપરમાં કવિતાઓ છપાતી જેનું સંપાદન નવીન જારેચા નામના યુવાન કરતા હતા, એમની સાથે કવિતાના કારણે ઓળખાણ થાય છે. આમ લેંઘા કફની અને ચપ્પલમાં ફરતા આ યુવાનને લાગે છે કે કવિતાએ એમને નવી પહેચાન અપાવી. લેખક કહે છે કે, ‘આમ હું કોલેજમાં જ્યારે હારીને બેઠેલો ત્યારે કહો તો કવિતાએ મને બચાવ્યો. જ્યાં મને કોઈ ઓળખાતું ન હતું ત્યાં એકાએક જ મારા ભાવ વધી ગયા.’ (99) આ બધુ ચાલતું હતું અને જારેચાના પિતાને જ્ઞાતિમાં ગૌરવ પ્રાપ્ત કરવા માટે પોતાનો દીકરો સૌ પ્રથમ અમેરિકા ગયો એવું દેખાડી આપવું હતું. એ રીતે જારેચા અમેરિકા જાય છે અને લેખકના મનમાં અમેરિકા નામના એલ ડોરાડો પ્રત્યે આકર્ષણનાં બીજ રોપાય છે. પણ એ સપનું સાચું પડવાને હજી વાર હતી. દરમ્યાનમાં લેખક બી.કોમ. થાય છે.
એટલે કે બેકારોની ફોજમા એક વધુ સૈનિકનો ઉમેરો થાય છે. લેખકે નિયમ રાખેલો કે રોજ એક અરજી કરવી, એક આકર્ષક સી.વી. બનાવીને એ મચી પડે છે પણ અંતે સફળતા પોતાની લાયકાતથી નહીં પણ લાગવગથી જ મળે છે! અત્યારે આઈ.ટી. અને આઉટસોર્સિંગના જમાનામાં કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે પણ એ જમાનામાં હાથીને કણ મેળવવા માટે ભીષણ સંઘર્ષ કરવો પડતો હતો.
બેકારીનો સમય એવો હોય છે કે માણસની તટસ્થતાથી વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને જાતજાતનાં હવાતિયાં મારવા લાગે. આર્થિક સ્થિરતા માટે લેખક ખાડીના આરબ દેશોમાં જવાનું વિચારે છે, એ સમયે ટાઈપિસ્ટોની માંગ હોય છે તો ટાઈપકામ શીખવાનું પણ વિચારે છે, છેવટે નવા શરૂ થયેલા એક ડિપાર્ટમેંટમાં મિત્રોની ભલામણથી નોકરી મળી જાય છે, આ સ્ટોર એક ગર્ભશ્રીમંત પિતાના બિનઅનુભવી દીકરાનું સાહસ હતું, એટલે વહેલા મોડો બંધ થવાનો હતો એટલે વધુ સ્થાયી નોકરીની શોધમાં પત્રકાર તરીકે પણ અઠવાડિયું નોકરી કરીને મૂળ સ્થાને સ્ટોરમાં આવી જાય છે, વળી એકાદ અઠવાડિયા માટે વીમા એજન્ટ થાય છે પણ અંતે તો ઠેરના ઠેર. આ બધુ વાંચવાનું રોચક લાગે પણ જેના પ્રાણ કંઠમાં સુકાતા હોય એને મુંબઈની એ હાડમારીભરી જિંદગીમાં કેવાં સાંસાં પડતાં હશે? આ એમની જિંદગીનો સૌથી કપરો સમય હતો પણ કવિતા અને સાહિત્યનો સંસ્પર્શ એમની મદદે આવે છે. અમેરિકન કવિ ડબલ્યુ.એચ. ઓડેને કહ્યું છે કે Poetry makes nothing happen, કવિતાથી કોઈ હેતુ સરતો નથી, પણ નિષ્ફળ માણસ માટે કવિતા કેવું આલંબન બની શકે એનો જીવતો જાગતો દાખલો આ લેખક પોતે છે. કેટલીક ઘટનાઓ રોજબરોજ બનતી હોવા છતાં અને નરી આંખે દેખાતી ન હોવા છતાં એ રોજેરોજ બન્યા જ કરતી હોય છે, પણ ટાળી શકાયેલી દુર્ઘટનાના સમાચાર છાપામાં પહેલા પાને કે કોઈ પણ પાને છપાતા ન હોવાથી મોટા ભાગના લોકોને એની જાણ હોતી નથી. એટલે કલા અને કવિતાથી કશું નથી બનતું એવું વિધાન કરવામાં ઉતાવળ ન કરવી. આ બાજુ સ્ટોરમાં એમની હાલત એટલી ખસ્તા હતી કે એમના જ શબ્દોમાં, ‘એકવાર થોમસન એન્ડ ટેલરના મેઝેનીન ફ્લોરમાં જ્યાં હું બેસતો ત્યાંથી નીચે સ્ટોરમાં મેં બે મિત્રોને આવતા જોયા. હું દોડીને બાથરૂમમાં સંતાઈ ગયો! કંઈ કામે ગાંધી બહાર ગયા હશે એમ માનીને થોડીવાર મારી રાહ જોઈને મિત્રો પાછા ગયા.’ (112) વળી મૂળજી જેઠા માર્કેટમાં પ્રમાણમાં ઠીક કહેવાય એવી નોકરી મળે છે, આ વખતે ઘાટીની નહીં પણ જગાના અભાવે રાતે ઘાટી સાથે ઓફિસમાં સૂઈ રહેવું પડે એવી નોકરી મળે છે.
એક અણધારી ઘટના તરીકે લેખકના જીવનમાં લગ્નનો પ્રસંગ આવે છે. દર રવિવારે મામાને ત્યાં જતાં ત્યાં પાડોશમાં વોરા કુટુંબની નલિની નામની કન્યા સાથે આંખો ચાર થાય છે અને અચાનક પરણવાનો નિર્ણય કરે છે. લેખક નિખાલસતાથી જણાવે છે, ‘ત્યારે મારી ઉમર વીસેક વરસની હતી. મારા જુવાનજોધ શરીરની નસેનસમાં વીર્ય ઊછળતું હતું. અને મારી જાતીય ઝંખના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતી.’ (117) આ એક જ સર્જનાત્મક વાક્યમાં લેખકે બહુ સંયમીતપણે એમની હાલતની કબૂલાત કરી દીધી છે. એમનાં પત્ની વિષે પોતાનો અભિપ્રાય અરધા વાક્યમાં કહી દે છે કે, ‘એ ઝાઝું ભણી નહોતી. (117) એમનાં સ્વભાવ, રીતભાત કે બીજી કોઈ બાબત અંગે લેખકે આખી કથામાં ખાસ માહિતી આપી નથી. આમ લેખક જ્યારે કોઈ વ્યક્તિ અંગે માહિતી આપતા હોય છે ત્યારે એની વિષે પોતાનો અભિપ્રાય પણ આપવાનું ચુકતા નથી. આમાં અપવાદ સ્ત્રીઓ અંગે કર્યો છે. પત્ની, માતા કે બહેનો વિષે સંયમપૂર્વક મૌન જાળવ્યું છે.
લગ્ન પછી પણ રહેઠાણનો પ્રશ્ન તો વિકટ હતો. એટલે થોડા દિવસ તો પત્નીને સાવરકુંડલા મૂકી આવે છે, નાની ખોલી પણ મળવી દુષ્કર થઈ જાય છે એટલે મુંબઈમાં સહજીવન શરૂ કરવા માટે લેખક એક એવો રાહ અપનાવે છે કે જે આપણી કલ્પનાની બહાર હોય. મુંબઈમાં એ સમયે ઘણાં સેનેટોરિયમ હતાં જે મૂળે તો ક્ષય રોગના દરદીઓ માટે હતાં પણ વખાના માર્યાં ઘણાં લોકો ત્રણ ત્રણ મહિનાની મુદ્દતથી એમાં રહેતાં. આવાં સેનિટિરિયમમાં લેખક સજોડે રહે છે. ક્યાંક વળી વધુ ત્રણ માસની મુદ્દત મળી જાય પણ મુંબઈનાં બધાં સેનેટોરિયમમાં ખાનાબદોશની જેમ રહી લે છે પછી એ રસ્તો પણ બંધ થઈ જાય છે. એકવાર તો આવી પરિસ્થિતિમાં વધુ નહીં જીવાય, બહેતર છે કે મુંબઈ છોડી દઈએ એમ કહેતા લેખક પત્નીની સમક્ષ રડી પડે છે. અહીં રતિભાઈ ફરીથી મદદે આવે છે અને લેખકને ઓરડીની પાઘડી પેટે આપવાના પૈસા ધીરે છે. એ ઓરડીમાં ઘરસંસાર તો ગોઠવાય છે પણ પ્રથમ સંતાન પ્રસૂતિગૃહમાં જ ગુજારી જાય છે. એકબાજુથી એમને થતું હતું કે ‘આપણે ભાગે જે પત્ની, જે નોકરી અને જે ઓરડી લખાઈ હતી તે છે અને તેમાં જ સંતોષ માનીને જીવન જીવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’ (142) તો અંદરનું લોખંડી મનોબળ માથું ઊંચકતું હતું, ‘હું સ્પેશિયલ છું, આ હાડમારીને લાયક નથી, મારી આવડત, બુદ્ધિ, વિચારસૃષ્ટિ, આકાંક્ષાઓ, જોતાં મને ઘણું મળવું જોઈએ, ઉપરવાળો કંઈક ભૂલ કરે છે.’ (145) આ મનોબળના આધારે લેખક ટકી જાય છે. આ બધામાં એકવાર અમેરિકા જવાની તક ઊભી થાય છે અને રોળાઇ જાય છે, બધાની આગળ હું અમેરિકા જાઉં છું એમ કહી દીધા પછી ક્ષોભમાં મુકાવું પડે છે. પણ છેવટે જારેચા અમેરિકા જઈને એક યુનિવર્સિટીમાં નોકરીએ લાગ્યા હોય છે, એ મોટા ભાગના ખર્ચની વ્યવસ્થા કરે છે અને લેખક અમેરિકા જવા માટે નીકળે છે.
અમેરિકા પહોંચ્યા. ત્યાં એટલાંટા યુનિવર્સિટીમાં ભણવાનું હતું જે કાળા વિદ્યાર્થીઓએ માટે હતી. ગણ્યાગાંઠયા ચાઇનીઝ કે ભારતીયો હોય. કારણ? બસ એ જ કે, ‘દક્ષિણના રાજ્યો હજી રંગભેદમાં માનતા હતા.’ (166) વધુમાં, ‘કાળા લોકોની ગુલામીમાંથી મુક્તિ ભલે થઈ, પણ એ કલંકનો ડાઘો હજી અમેરિકાના રોજબરોજના જીવનમાંથી સાવ ભૂંસાયો નથી.’ (167). વધુમાં, ‘અમારા સહાધ્યાયી કાળા વિદ્યાર્થીઓ ભણવામાં દેશી વિદ્યાર્થીઓ જેટલા સજ્જ ન હતા.’ (169). અમેરિકામાં ભણવાની સાથે મોટેભાગે વિદ્યાર્થીઓ કરતાં હોય છે એમ લેખક પણ પાર્ટ-ટાઈમ નોકરી શરૂ કરે છે.
સમાંતરે લેખકની નિરીક્ષણ શક્તિ બધું અંકે કરતી રહે છે, ‘આપણે ત્યાં જે પૈસાદારો જ માણી શકે એ બધું સામાન્ય માણસને અહીં સહેલાઈથી મળતું હતું તે મેં જોયું.’(181) પણ બધું ગુડ્ડી ગુડ્ડી નહોતું, ‘અનેક લોબીથી કલુષિત થયેલું અમેરિકન રાજકારણ બહુજન પ્રજાના હિતો કરતાં સ્વાર્થી સ્થાપિત હિતોનું જ રક્ષણ કરતી. આ બધું મને અહીંના વસવાટ પછી જ સમજાણું. એક જુદી જ ભાત જોવા મળી.’(185) આ ડોલરિયા દેશમાં પણ ઘણા ડુંગરા દૂરથી જ રળિયામણા છે! આજે પણ. નટવર ગાંધી સાચા ડાયસ્પોરિક છે. એમની નજર સાફ છે. અહીં ભારતમાં અત્યંત અભાવ ભરેલું જીવન જીવ્યા પછી ત્યાંની સંસ્કૃતિમાં સોનું કેટલું છે અને ક્યાં વરખ લગાડેલો છે એ પારખવામાં અને એને તટસ્થતાથી રજૂ કરવામાં કોઈ છોછ નથી નડતો. જેમ કે ત્યાં ‘એફર્મેટિવ એકશન’ નીચે કાળી પ્રજાને જોબ આપવા, પ્રમોશન આપવાનું શરૂ થયેલું. આ પદ્ધતિ લેખકની નજરમાં આવે છે, ‘ક્વોટા રાખવાની અમેરિકનોને મોટી સૂગ, પણ હકીકતમાં આ કાળા લોકોને સારા જોબ આપવાનો ક્વોટા જ હતો.’ (186) આવું આવું ઘણું લેખકને સાફ દેખાય છે છતાં એમની નેમ એક જ છે, ‘મારે કંઈ દેશમાં પાછા જવું નહોતું. પાછા જઈને દેશસેવા કરવી છે કે દેશ તમારી રાહ જોઈને બેઠો છે એવાં શેખચલ્લીનાં શમણાં હું ક્યારે ય જો’તો નહોતો. (186). એટલે એટલાંટામાં જેવી પરીક્ષા પતી કે તરત એમને ગ્રીન્સબરો નામના નાનકડા શહેરની પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી લીધી. હવે લેખકનું અમેરિકા ભ્રમણ શરૂ થાય છે, પગે ભમરો વળગેલો એ ગુંજારવ કરવાનું શરૂ કરે છે.આ બાજુ લેખક પીએચ.ડી શરૂ કરે છે, વતનમાં પૈસા મોકલવા જેટલી કમાણી શરૂ થાય છે. ફરી પ્રગતિ માટે આગેકૂચ શરૂ થાય છે અને લેખક એકાઉંટના અધ્યાપક તરીકે લુઈઝિયાના યુનિવર્સિટીમાં જોડાવા બેટન રુજ શહેરમાં ઉપડે છે. ત્યાં એમણે શિક્ષણના ક્ષેત્રમાં સાથી અધ્યાપકોમાં જોયું તો, ‘અહીં ફેકલ્ટીમાં ઉચ્ચ કક્ષાના અધ્યાપકો બહુ ઓછા હતા. હા, જેમનો જે વિષય હોય, અને જે ભણાવતા હોય, તેમાં હોંશિયાર હોય એ ખરું, પણ પછી બીજી બધી બાબતોમાં એમનું જ્ઞાન કે સમજણ સામાન્ય કક્ષાના ….. અમેરિકન પબ્લિક અફેર્સ અને રાજકારણની બાબતમાં તેમના કરતાં હું વધુ જાણતો હતો! ….. જો પ્રોફેસરો અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મારી દૃષ્ટિએ બૌદ્ધિક ક્ષેત્રે પછાત હોય, તો પછી સામાન્ય લોકોની તો શી વાત કરવી?’ (204) આ છે એમનું અમેરિકા દર્શન! આપણને અહીં બેઠા એમ થાય કે અમેરિકન પ્રોફેસરો પ્રખર બુદ્ધિમતાવાળા હશે, હાર્વર્ડ કે જહોન્સ હોપકીન્સ યુનિવર્સિટીઓમા એવું હશે પણ એ દેશમાં મોટા ભાગે આવા જ હાલ છે. હવે લેખકના જીવનમાં પ્રોફેશનલ કટોકટી શરૂ થાય છે. લેખકને એમ હતું કે હજી અમેરિકન યુનિવર્સિટીઓમાં કેનેથ ગાલબ્રેથ જેવા અર્થશાસ્ત્રીઓની લેખન પ્રણાલી અમલમાં હશે કે જે મુજબ અઘરા આર્થિક મુદ્દાઓને લોકભોગ્ય અને પ્રવાહી શૈલીમાં રજૂ કરીને અભ્યાસલેખો લખાતા હોય. ત્યાંની યુનિવર્સિટીમાં અધ્યાપકોએ દર વરસે પોતાના વિષય અંગે ફરજિયાત અભ્યાસલેખ લખવાં પડે અને પ્રતિષ્ઠિત જર્નલમાં છપાવવા પડે. અર્થશાસ્ત્રમાં મેથેમેટિકલ ઈક્વેશન અને ઇંપિરિકલ એનાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરીને લેખો લખવા પડે એ સિવાય નોકરીમાં ચાલુ ન રહી શકાય. ફક્ત આ પદ્ધતિએ તમે લખો તો જ નોકરીમાં ટકી શકો. આ અમેરિકન શિક્ષણ પદ્ધતિની મોટી ખામી છે પણ એ જ વાસ્તવિકતા હતી. તેમ છતાં લેખકે પ્રયત્ન તો કર્યો અને એવો થીસિસ રજૂ કર્યો કે એકાઉન્ટિંગ ક્ષેત્રનું ભવિષ્ય આંકડાઓમથી બહાર નીકળવામાં છે. એ વાત વ્યાવહારિક રીતે શક્ય નહોતી. સાહિત્યના કોઈ અધ્યાપક એવું સાબિત કરી દે કે સાહિત્યનું ભવિષ્ય ભાષા છોડવાનું છે એવી વાત થઈ. આટલું અવ્યવહારિક સંશોધનકાર્ય પૂરું કર્યા પછી બેટન રુજમાં પોતાનું ભવિષ્ય નથી એ સમજી જઈને લેખકે એ ગામ પણ છોડયું અને પીટસબર્ગ તરફ હંકાર્યું. ત્યાં નેચરલાઇઝ્ડ અમેરિકનની જેમ ઘર લીધું. અમેરિકામાં રહેલા બિન નિવાસી વસવાટીની બેવડી જિંદગી અંગે લેખક નોંધે છે કે, ‘અમે સોમથી શુક્ર સુધીના અમેરિકન, શનિ રવિએ પાછા ઇંડિયન થઈ જઈએ. ભલે અમે અમેરિકામાં રહીને અમારો કામધંધો કરીએ, પણ ઘરે આવીએ ત્યારે પાછું બધું અમારું ઇંડિયન જ! અમારું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, બોલવા ચાલવાનું ખાસ કરીને વિકએન્ડમાં બધું ઇંડિયન જ સમજો. (217) દરમિયાનમાં લેખક બે બાળકોના પિતા થયા હતા, આ બાજુ થીસિસને આધારે તૈયાર કરેલો આર્ટિકલ ક્યાં ય છપાતો નહોતો, લેખકને ભાન થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં આજીવન રહેવું હોય તો મૂળે સ્કૉલર હોવું જરૂરી છે પણ,’ ભલે હું પીએચ.ડી. થયો પણ સાચા અર્થમાં હું સ્કૉલર ન હતો, વધુમાં હું સ્કૉલર થઈ શકું એવી કોઈ શક્યતા પણ નહોતી ….. મારો એટેન્શન સ્પાન બહુ મર્યાદિત છે. હું ભલે મેક્ષ વેબરની વાતો કરું, પણ એના જેવા થવા માટે જે અસાધારણ પરિશ્રમપરાયણતા જોઈએ, જે ધીરજ જોઈએ એનો મારામાં સર્વથા અભાવ છે. …. પુસ્તક લખવાની વાત બાજુએ મૂકો પણ કોઈ પુસ્તક આખુને આખું વાંચવાની ધીરજ મારામાં નથી …. ગુજરાતી કે અંગ્રેજી સાહિત્યના અગત્યના ગ્રંથો મેં વાંચ્યા નથી.’ (223) પોતાની જાત વિષેનું આ ક્રૂરતમ નિરીક્ષણ છે અને આવું આત્મદર્શન થયા પછી એની શબ્દો ચોર્યા સિવાય કબૂલાત કરવાની પારદર્શકતા કેટલામાં હોય છે?
આ દરમ્યાન સંઘ સરકાર કેવી રીતે ચાલે છે એનું અધ્યાપકોને જ્ઞાન થાય એ માટેના કાર્યક્રમમાં ફેલોશિપ મળે એવા સંજોગો ઊભા થયા આથી વોશિંગ્ટન જવાનું આવ્યું. આમ સાવરકુંડલાથી શરૂ થયેલી આ યાત્રા છઠ્ઠા પડાવે આવે છે, અહીં ફેલોશિપ દરમ્યાન એમને ઈન્સ્યોરન્સ કંપની કાયદાનો લાભ લઈને સરકારને કેવી રીતે ઓછો કર આપે છે અને વધુ કર ભરે એ માટે કાયદામાં શું સુધારા કરવા જોઈએ એનો અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપાય છે. એ કામ એમણે એટલી દક્ષતાથી કર્યું કે એમની સેવા વધુ એક વરસ માંગવામાં આવી. પછી તો ત્યાં જ કાયમી નોકરી મળી. આમ અધ્યાપન ક્ષેત્રેથી સુકાન બદલીને એમને વહીવટી સેવામાં પોતાનું ભવિષ્ય નિશ્ચિત કરવાનું વિચાર્યું. એક મોભાદાર અધિકારી અને ગૌરવવંતા નાગરિક તરીકે એમણે વોશિંગ્ટનમાં સ્થાન પ્રાપ્ત કર્યું પણ સદાના જીવનસંગિની નલિનીબહેનનું અવસાન થતાં દાંપત્યજીવન નંદવાયું. અહીં પણ લેખક પોતાની પ્રમાણિક કબૂલાત કરવાનું ચુકતા નથી, ‘નલિનીનું અને મારુ 47 વર્ષનું દાંપત્ય અમેરિકન દૃષ્ટિએ ઘણું લાંબુ ગણાય, છતાં એ સર્વથા પ્રસન્ન હતું તેવું કહેવાનો દંભ હું નહીં કરું.’ (238) એમાં પોતાનો ફાળો વિશેષ છે એ કહેવાનું પણ લેખક ચુકતા નથી, ‘મોટે ઉપાડે આ કરવું અને તે કરવું એવી ઘેલછા ઝાઝી, આવડત ઓછી અને મારી મહાત્ત્વાકાંક્ષાની કોઈ હદ નહીં. જે કરું તેનાથી મારા અસંતોષી જીવને ઓછું પડે. આ કારણે જે નિષ્ફળતાઓ મળી છે એનો ત્રાસ નલિની જ સહન કરવો પડ્યો છે.’ (239) જો કે આવો આત્મસાક્ષાત્કાર જે તે વ્યક્તિની ગેરહાજરીમાં જ થતો હોય છે.
અહેવાલનું કામ પૂરું થયા પછી લેખકને વોશિંગ્ટનના ટેક્ષ કમિશ્નર થવાની દરખાસ્ત મુકાય છે. અમેરિકન રાજધાની હોવા છતાં એનો એક શહેરથી વધીને કોઈ દરજ્જો નથી અને ભારતીય બંધારણની ભાષામાં સમજીએ તો એ નથી રાજ્ય કે નથી કેન્દ્રશાસિત પ્રદેશ, એ એક શહેર છે જેના પ્રતિનિધિને સંસદમાં લાંબી લડાઈને અંતે સ્થાન મળ્યું હોવાં છતાં મતાધિકાર નથી. વળી, આ શહેરે પોતાની આવક નાગરિકોના કરમાંથી મેળવવાની રહે છે. આ કર ઉઘરાવવાના તંત્રના કમિશ્નર તરીકે નટવર ગાંધીની નિમણૂક થાય છે. આ શહેરની 70 ટકા વસ્તી કાળાઓની. એ બધા નિમ્ન મધ્યમવર્ગના અને શહેર ચલાવવા માટે ખર્ચ થાય 36 અબજ રૂપિયા. વળી મેયર કાળા નાગરિકોનો પ્રતિનિધિ અને ભલભલા ગુનેગારોથી બે આંગળ ચડે એવો. આમાં અર્થવ્યવસ્થા ભાંગી પડી એટલે બધી આર્થિક સત્તા રાજકીય નેતા ન હોય એવા એક નાણાકીય વિશેષજ્ઞના હાથમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો. કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિનું એક માત્ર ધ્યાન તિજોરી પર ભાર પડે તો પણ લોકપ્રિય લાગતી યોજનાનો અમલ કરવાનો હોય. આ હોદ્દાને ચીફ ફાયનાન્સ ઓફિસર (CFO) એવું નામ અપાયું અને એ જગા ઉપર એંથની વિલિયમ નામના કાળા અધિકારીની નિમણૂક થઈ અને કર ઉઘરાવવાની લોકપ્રિય ન હોય એવી કર કમિશ્નરની જગા ઉપર નટવર ગાંધીની. રહેતા રહેતા ગુનેગારને પણ ચડે એવા પેલા મેયર બેરીની લોકપ્રિયતા આથમી ગઈ અને એંથની વિલિયમને લોકોએ મેયર તરીકે ચૂંટી કાઢ્યો. હવે ચીફ ફાયનાન્સ ઓફિસરની જગા ઉપર એકાદ વચગાળાની નિમણૂક થયા પછી નટવર ગાંધી નિમાયા. અમેરિકા આદર્શ ડાયસ્પોરિક દેશ ગણાયો છે. જગતના કોઈ પણ ખૂણેથી આવેલા નાગરિકનું ત્યાં સન્માન છે અને ત્યાંના જીવનમાં ભળી જવાની એક રાસાયણિક પ્રક્રિયા એ વ્યક્તિની જાણ બહાર શરૂ થઈ જતી હોય છે એટલે જ એ melting pot – ઉકળતો ચરુ – કહેવાયો છે. સત્તર વરસે જે છોકરડાને વિરમગામ જંકશનેથી મુંબઈની ટ્રેન કેવી રીતે પકડવી એની ગતાગમ નહોતી એણે CEO તરીકે એવી રીતે કલમ પકડી કે વોશિંગ્ટન શહેરની તિજોરી 37 અબજ રૂપિયાના ફડચામાં હતી એને 110 અબજ રૂપિયાની સિલક સોંપીને હોદ્દો છોડયો. એટલે કે નટવર ગાંધીએ પોતાના કાર્યકાળ દરમ્યાન રોજેરોજ પોણા બે કરોડની સરેરાશથી રકમ તિજોરીમાં જમા કરાવી! નટવર ગાંધી માટે જ નહીં પણ ભારત માટે અને એના દરેક બિનનિવાસી ભારતીય માટે ગૌરવ લેવા જેવો કિસ્સો છે. વોશિંગ્ટન શહેરના ઇતિહાસમાં આ વસ્તુ કાયમને માટે નોંધાયેલી રહેશે કે મૂળજી જેઠા માર્કેટમાં એક ઘાટીથી નોકરીની શરૂઆત કરનારો માણસ અમેરિકાનો fianancial wizard બન્યો. એ બદલ એમને ત્યાં તો અઢળક સન્માન મળ્યું પણ આપણા દેશે અને ગુજરાતે એમને એકલ દોકલ એવોર્ડ સિવાય કશું સંપડાવ્યું નથી, એ અર્થમાં ગાંધી એક અજાણ્યા ગાંધી બનીને રહી ગયા છે એવો હળવો કટાક્ષ કહોને કે ‘અજાણ્યા’ શબ્દ એ tongue in cheek – અવળવાણીમાં-કહી રહ્યા છે! એ દરમ્યાન એમના હાથ નીચે ચાલતા કર વિભાગમાં મોટું કૌભાંડ પણ પકડાયું છતાં નટવર ગાંધીની મુદ્દત બે વાર વધારી આપવામાં આવી એ એમની પ્રમાણિકતા અને કાર્યક્ષમતાનું જ્વલંત ઉદાહરણ છે. સફળતાની ટોચે હતા ત્યારે લેખક આવો વિરાટ હોદ્દો છોડીને લખવા વાંચવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું નક્કી કરે છે અને ક્રિકેટર વિનુ માંકડને ટાંકે છે, one should retire when people would ask “why?’ rather than “why note?” આ વાત સાદા શબ્દોમાં આમ મૂકી આપે છે, ‘ .. લગભગ 60 વરસ હું સતત પાર્ટટાઈમ કે ફૂલટાઈમ કામ કરતો રહ્યો છું …. મને મનગમતી લેખન, વાંચન અને સાહિત્યની પ્રવૃત્તિ હું વિકેંડમાં કરી શકતો હવે એ મારે ફૂલટાઇમ કરવી હતી. એનાથી પણ આગળ વધીને લેખક રહસ્ય ખોલે છે, ‘પણ: નિવૃત્તિ લેવાનું મુખ્ય કારણ હતું : પન્ના નાયક!’ પન્ના નાયક આપણાં પ્રથિતયશ કવયિત્રી છે પણ અંગત જીવનના મોરચે પન્નાબહેન અને નટવર ગાંધી પોતપોતાના જીવનસાથી ગુમાવી ચૂક્યાં હતાં અને ભેંકાર એકલતાથી પીડાતાં હતાં. એમણે બહુ મોટી વયે નિર્ણય કર્યો કે સાથે રહેવું. આમ આજીવન કાવ્ય સાથે જીવનારા આ લેખક હવે કવિ સાથે પણ રહે છે!
આ આત્મકથા એટલા માટે વિશિષ્ટ છે કે અત્યારે પ્રકાશન ક્ષેત્રે પ્રેરણાના પીયૂષ પીવરાવતી કિતાબોનું ઘોડાપૂર આવ્યું છે ત્યારે એક સામાન્ય માણસના સંઘર્ષોનું સોળ આની સચ્ચાઈ ધરાવતું આ પુસ્તક સામાન્ય માણસને અખૂટ હિંમત આપવા સક્ષમ છે.
આ આત્મકથાની લખાવટ પ્રવાહી અને રોચક છે. લેખકે મુખ્ય પ્રકરણો અને એનાં પેટાપ્રકરણોમાં એને વહેંચી છે અને પોતે જે વાત કરી રહ્યા છે એનાં સ્પષ્ટ અને આધારભૂત સંદર્ભો ટાંકયા છે. આ આત્મકથામાં અપેક્ષિત નથી હોતું પણ લેખકે સ્વયં શિસ્ત સ્વીકારીને એને reader friendly બનાવી છે. આ પુસ્તકની શૈલીનું સ્વરૂપ રોજબરોજ સામાન્ય માણસ દ્વારા બોલાતી સરળ ગુજરાતીનું રાખ્યું છે અને પોતાની વાતને બળ આપવા જરૂર પડે ત્યાં ક્યાંક ક્યાંક કાઠિયાવાડી શબ્દો સચોટપણે ટાંકયા છે. કેટલાંક ઉદાહરણો જોઈએ –
‘હું છાપે અને છાપરે ચડ્યો’ (11)
ભાવનગરથી કુંડલા જવા અમે એક બસમાં ખડકાઈએ. (48)
એ લાઇબ્રેરિયન પણ એક નમૂનો હતો. (53)
અમે બધા ચોળાયેલા લેંઘા-કફની અને ચંપલમાં આંટા મારતા હોઈએ ત્યારે એ રાણો સ્ટાર્ચ કરેલા કડક પેન્ટ શર્ટ અને પૉલિશ કરેલા બૂટમાં સજ્જ હોય. (83)
બંને કાંઈ ભણેલા નહીં, પણ ભારે ખાપરાકોડિયા. (84)
હાઇટની કોઈ હડતાળ નહીં (95)
એ બધી વાતોથી ઘરે છોકરા ઘૂઘરે રમે નહીં. (106)
આ બધા ભોટાઓ કરતાં તો અમેરિકા જવાની લાયકાત મારી વધુ છે. (147)
છેલ્લે એક નિરીક્ષણ કરવાનું એ પણ થાય કે લખાવટની ચોકસાઇ પ્રથમ બે વિભાગમાં છે એટલી ત્રીજામાં નથી, ક્યાંક ક્યાંક તો વાકયરચના શિથિલ થઈ ગઈ છે. ઉપરાંત બિનજરૂરી એવા અંગ્રેજી શબ્દો આવી ગયા છે કે જેના સ્વીકૃત ગુજરાતી પર્યાયો રોજના વપરાશમાં છે. જેમ કે –
આજે અમેરિકાનું મોટા ભાગનું ઇનએફિસિયંટ મેન્યુફેક્ચરિંગ સેકટર ખલાસ થઈ ગયું છે. (211)
મને કહે કે તમને અમે ઊંચી કક્ષાનો જોબ આપવા માગીએ છીએ. (232)
આ દેશમાં વ્યક્તિગત સફળતા મેળવવા માટે વ્યક્તિગત ઇનિશિએટિવ અને હાર્ડ વર્ક અગત્યના છે. (242)
એનો અર્થ એ નથી કે અહીં કાળાધોળાનો રંગભેદ અને ભેદભાવ સાવ ભૂંસાઈ ગયો છે, કે ડિસક્રિમિનેશન નથી. (ડિસક્રીમીનેશન એટલે જ ભેદભાવ) (247)
અને જો એને કાઢવો હોય તો એનો પ્રોસીજર કોમ્પ્લિકેટેડ હતો. (259)
વોલસ્ટ્રીટમાં ડિસ્ટ્રિક્ટની આબરૂના કાંકરા ઊડતા હતા. ( અહીં ‘કાંકરા થઈ ગયા હતા’ વધારે બંધ બેસે. કાંકરા ઊડવા એટલે નિર્જન કે ભેંકાર હોવું. પછી આગળના પાનાંઓમાં ‘કાંકરા થઈ ગયા’ એવું ત્રણેકવાર યોગ્ય સંદર્ભમાં વપરાયું છે.)
તમારા જીઓએના રેકમંડેશનને કેવી રીતે અમલમાં મૂકો છો. (264)
આ અને આવી બધી ભૂલો હવે પછીની આવૃત્તિમાં નિવારી શકાય તો વાંચન હજી વધુ રસાળ બને. આ સહેજ અમથી વાત થઈ. આત્મકથાના ક્ષેત્રે હાલમાં ગુજરાતી સનદી સેવાના નિવૃત્ત અધિકારીઓ ભલભલા કાલ્પનિક સાહિત્યને પણ શરમાવી મુકાવી દે એવી ઊટપટાંગ ચોપડીઓ બહાર પાડવા માંડ્યા છે, એની સરખામણીમાં અહીં નટવર ગાંધી સત્યમાં ચૂક ન થઈ જાય એ રીતે તલવારની ધારે ચાલ્યા છે, એ આજના આપણાં ઉજ્જડ આત્મકથા સાહિત્યમાં વિરલ છે અને આવનારા સમયમાં પણ રહેશે.
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી 2022; પૃ. 54-63