પુસ્તક-પરિચય
‘અમે તો પંખી પારાવારનાં’; લેખક – દાઉદભાઈ ઘાંચી; સંપાદક – કેતન રુપેરા; પરામર્શક – વિપુલ કલ્યાણી; પ્રકાશક – 3S Publication; પ્રાપ્તિસ્થાન – ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-380 009; પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 2022; પાકું પૂઠું; સાઈઝ : 5.75” x 8.75”; પૃ. 256; રૂ. 400 • £ 5 • $ 7.5
‘અમે તો પંખી પારાવારનાં’ દાઉદભાઈ ઘાંચીના ‘ઓપિનિયન’માં પ્રકાશિત થયેલા લેખોનો સંચય છે. પુસ્તકનું પરામર્શન વિપુલ કલ્યાણીએ અને સંપાદન કેતન રુપેરાએ કર્યું છે. પુસ્તક હાથમાં લેતાં એનું સોહામણું રૂપ આપણને આકર્ષે છે, અને એમાંથી પસાર થતાં લેખોની ઊંચાઈ અને ઊંડાણ હૃદયને સ્પર્શે છે. ગુજરાત અને ગુજરાતી ડાયસ્પોરા દાઉદભાઈને આજીવન શિક્ષક તરીકે, મૂલ્યનિષ્ઠ ચિંતક તરીકે, ભાવિ નાગરિકોના ઘડવૈયા તરીકે સુપેરે ઓળખે છે, અને એમની આ મુદ્રા પુસ્તકના પાનેપાને પ્રતિબિંબિત થાય છે. વિપુલભાઈ ઉચિત રીતે દાઉદભાઈને મૂલ્યોના મશાલચી કહે છે, અને ગુજરાતના વૈચારિક ઘડતરમાં તથા બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં એમના યોગદાનને સરાહે છે.
કેતનભાઈ આ લેખોમાંથી ‘અવિરત ફોરતા’ દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિના મૂળગામી તત્ત્વને ચીંધતાં કહે છે કે, એનો ગર (pith) હર્યોભર્યો છે ‘નાગરિકતા’થી.
પુસ્તકમાં સમાવિષ્ટ બાવીસ લેખોને સંપાદકે અભિવ્યક્તિ-આલેખન અનુસાર વર્ગીકૃત કર્યા છે : પત્ર, નિબંધ, વિચાર-વિમર્શ, ચિંતન-મનન-સંશોધન, વ્યક્તિચિત્ર, અને રસાસ્વાદ-વિવેચન. આ વિષયવૈવિધ્યથી ચિંતક તરીકે દાઉદભાઈના ક્ષેત્રવિસ્તાર (range) અને બહુશ્રુતતા(versatility)નો ખ્યાલ આવે છે.
૨૦૦૫માં લંડન પર આત્મઘાતી હુમલો થયો તેના પ્રતિભાવરૂપે દાઉદભાઈએ ‘ઓપિનિયન’ને લાંબો પત્ર લખ્યો. આ કટોકટીના પ્રસંગે લંડનના નાગરિકોએ વિચાર, વાણી અને વર્તનનું જે ‘સંતુલન’ જાળવ્યું તેને પત્રલેખક ‘હેરતંગેજ’ કહે છે. આ ‘પ્રમાણભાન’ના મૂળમાં બ્રિટિશ પ્રજાની ‘આંતરિક તાકાત’, જે એની મૂલ્યનિષ્ઠામાંથી જન્મે છે. આ છે લંડનની ચેતના, લંડનની આગવી ઓળખ. દાઉદભાઈના શબ્દોમાં આ મહાનગરની ‘લંડનિયત’(Londonness). વિલાયતની આ આન, બાન, શાનને સલામ કર્યા પછી પત્રનું સમાપન આ વાક્યથી થાય છે, ‘તારી એ વિલાયતનો એકાદ અંશ મારા હૃદયમાં સંઘરી હવે હું ભારત પાછો જઈશ.’ આ પત્રમાં દાઉદભાઈના વ્યક્તિત્વનાં બે પાસાં બરોબર ઊપસે છે : ગુણદર્શન અને ગુણગ્રહણ. એ આ મૂલ્યોને આત્મસાત્ કરવા ચાહે છે, એનો અર્થ એ કે દાઉદભાઈ આજીવન શિક્ષક જ નહીં, આજીવન વિદ્યાર્થી પણ ખરા. આમાં બ્રિટનના ગુજરાતી સમાજ માટે પણ સંદેશ છે. દાઉદભાઈએ જે મૂલ્યોની કદર બૂઝી તે આ સમાજનાં કેટલાંકને દેખાતાં નથી. કારણ એ કે, દાઉદભાઈને બ્રિટન સાથે, તેની મૂલ્યનિષ્ઠા સાથે ‘દિલનો નાતો’ છે, જ્યારે આમને માત્ર ‘પાઉન્ડનો નાતો’ છે. જે લોકો આ મૂલ્યનિષ્ઠ સમાજરચનાને લીધે અહીં તાગડધિન્ના કરે છે તે જ લોકો ભારતમાં આ મૂલ્યોનું રોજેરોજ હનન કરતાં તત્ત્વોનો અહીં બેઠાં જયજયકાર કરે છે, આરતી ઉતારે છે. અહીં એમને જોઈએ સમાનતા, અને ત્યાં ઊંચનીચ ચાલે. સાચી દેશદાજ એ કે, આ માનવતાવાદી મૂલ્યોની એન.આર.આઈ. સમાજ ભારત ખાતે નિકાસ કરે જેથી ત્યાં મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બને, તેને બદલે ત્યાંનાં અનિષ્ટોની અહીં આયાત કરનારા ય પડ્યા છે.
દાઉદભાઈ એવો સમાજ ચાહે છે જે લોકશાહી અને માનવતાવાદી મૂલ્યોને વરેલો હોય, સમાવેશી (inclusive) હોય, જ્યાં કાયદાનું શાસન હોય, જ્યાં માનવગરિમા સચવાતી હોય. આવા સુસંસ્કૃત (civilised) સમાજના નિર્માણની પ્રક્રિયાની વિશદ ચર્ચા આ લેખોમાં મળે છે. આની પ્રથમ શરત છે ‘જાત સાથેની પ્રામાણિકતા’.
દાઉદભાઈ ‘ખમ્મા, વિલાયતને!’ કહી એના ઉપર ઓળઘોળ થાય છે ત્યારે એ કોઈ મુગ્ધ Anglophile-બ્રિટનઘેલાનો ઉદ્ગાર નથી. એ મહિમા કરે છે બ્રિટિશ મૂલ્યોનો. કાયમી વસવાટ ભારતમાં, પણ બ્રિટનના એકાધિક પ્રવાસો દરમિયાન એમણે આ મૂલ્યો પર આધારિત સમાજજીવનનો જાતઅનુભવ કર્યો, અને વિપુલ કલ્યાણીને એક પત્રમાં જણાવ્યું કે, ‘હું બ્રિટનમાં હોઉં તો વૈચારિક નવજન્મ પામું.’
મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણની પ્રક્રિયા વિશે દાઉદભાઈ પાસેથી જે સૂચનો મળે છે તે સૂક્ષ્મ સૂઝવાળાં – Insightful છે. રાષ્ટ્રીય ઉત્થાનના આ ભગીરથ કાર્યમાં સમાજના દરેક વર્ગના ઉત્તરદાયિત્વને એ અધોરેખિત કરે છે.
દાઉદભાઈમાંનો શિક્ષક આ પરિબળોમાં અગ્રક્રમે મૂકે છે શિક્ષણને. કહે છે, ‘શિક્ષણને માનવ પુનરુત્થાનનું સાધન બનાવવું આવશ્યક છે.’ બ્રિટનની શિક્ષણપ્રથામાં બ્રિટિશ મૂલ્યો અભ્યાસક્રમનું અભિન્ન અંગ છે, અને પ્રત્યેક શાળા વિદ્યાર્થીઓમાં એની સભાનતા કેળવે છે. વર્તમાન ભારતની શિક્ષણપ્રથા આ માનવતાવાદી, ઉદાર મૂલ્યોને કોરે મૂકી ‘સંકીર્ણ વિચારધારા વડે દૂષિત’ થઈ છે તે સુવિદિત છે. જે દેશની શિક્ષણપ્રથા દૂષિત થાય તેની શી વલે થાય તે સમજવા સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીના પ્રવેશદ્વારે કોતરેલ નેલ્સન મંડેલાના શબ્દો પ્રસ્તુત છે : Destroying any nation does not require the use of atomic bombs or the use of long-range missiles. It only requires lowering the quality of education and allowing cheating in the examinations by the students. (કોઈ પણ રાષ્ટ્રનો વિનાશ કરવા અણુબોમ્બ કે દીર્ઘ અંતર સુધી ફેંકાતા અસ્ત્રોની જરૂર નથી. જરૂર છે ફક્ત એના શિક્ષણની ગુણવત્તાને નિમ્ન કરવાની અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટથી ચોરી કરવા દેવાની.)
‘સર્જકનો ધર્મ’, ‘બજાર, માણસ અને કવિ’, તથા ‘કવિ લૂંટાયા’ નિબંધોમાં લેખક સાહિત્યસર્જકનું કર્તવ્ય ચીંધતાં કહે છે, ‘એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે.’ ગુજરાતી ડાયસ્પોરાના ચિંતકો, કવિઓ, લેખકોને હાકલ કરતાં દાઉદભાઈ કહે છે કે, તેઓ ફક્ત એમના વસવાટી મુલકોને જ નહીં, બલકે ‘તળ ગુજરાત અને ભારતને, અને હિંસા તથા નફરતથી ખદબદતા અનેક દેશોને તેમનો પ્રેમપંથનો સંદેશ હરકોઈ શક્ય રીતે, વણથંભ્યા આપતા રહેશે.’
ભારતમાં સભ્ય સમાજના નિર્માણમાં બ્રિટનમાં વસતા એન.આર.આઈ. સમાજના ઉત્તરદાયિત્વની ચર્ચા કરતાં દાઉદભાઈ પ્રોફેસર ભીખુ પારેખે આ બાબતે આ સમાજની નૈતિક નબળાઈનો નિર્દેશ કરતાં જે કહેલું તેની યાદ અપાવે છે : ‘હાલના શાસન હેઠળ ભારતને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના અતિસંકીર્ણ મનોવૈજ્ઞાનિક રોગનો ભોગ બનાવવામાં આવી રહેલું છે. ભારતનું એક ગૌરવશાળી રાષ્ટ્ર તરીકેનું હિત તો એ સંકીર્ણ વિચારધારામાં નહીં, પણ ઉદાર અને સહિષ્ણુ એવા કલ્ચરલ યુનિવર્સાલિઝમમાં રહેલું છે. શું એન.આર.આઈ. સમાજ આ સંદેશનો પ્રહરી બનશે?’
આ લેખો ગુજરાતી ભાષામાં ચિંતનાત્મક નિબંધો(reflective essays)ના ઉત્કૃષ્ટ નમૂના છે. લેખક સભ્ય સમાજની અનિવાર્યતા – the why, વિભાવના – the what, અને નિર્માણરીતિ – the howનું સુરેખ આલેખન કરે છે. દાઉદભાઈએ સ્વપ્નેલ ‘સમાનતાનું, સ્વતંત્રતાનું, સૌહાર્દનું આવું કૉમનવેલ્થ’ રચાય તો આપણાંમાંનો પ્રત્યેક જણ એનો વિશ્વ-નાગરિક હશે. તેથી જ સંપાદક કેતન રુપેરા આ પુસ્તક ‘વિશ્વ-નાગરિક બનવાની આપણા સૌની મથામણમાં ઉપયોગી નીવડશે’, એવો વિશ્વાસ પ્રકટ કરે છે ત્યારે આપણે ‘અસ્તુ’ જ કહેવાનું હોય.
બૉલ્ટન, યુનાઇટેડ કિંગ્ડમ,16 February 2022
e.mail : ghodiwalaa@yahoo.co.uk
પ્રગટ : “કુમાર” 1129; માર્ચ 2022; પૃ. 44-46