સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા‘ નથી, પ્રેમનું અફીણડોડું નથી; પણ માનવીય બિરાદરીમાં ન્યાય અને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે
તાજેતરમાં બે વાત, લગરીક આગળપાછળ પણ લગભગ એક સાથે બની. સિતાંશુ યશશ્ચંદ્રે આજના જગતની કવિતામાં સહુની સહિયારી તોયે એકેએકની પોતાની સફર લઈને આવતો કાવ્યસંચય ‘संगच्छध्वम्’ હાથમાં મૂક્યો. એમ જ પાનાં ફેરવતાં હું પ્યોર્તોરિકન કવિ માર્તિન એસ્પાદાની રચના ‘બગીચામાં બંદૂકધારીઓ’ આગળ અટકી પડ્યો. ચીલે(ચીલી)ના વિશ્વવિશ્રુત ને નોબેલ પુરસ્કૃત કવિ-રાજપુરુષ પાબ્લો નેરૂદાના અંતિમ પર્વને સ્પર્શતી એ કૃતિના થોડા અંશો :
તખ્તાપલટ પછી
નેરૂદાના બગીચામાં, એક રાતે
સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા
* * *
કવિ મરતા જતા હતા
કેન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી
* * *
તો પણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા
ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું :
તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા
લેફ્ટેનન્ટે અદબથી પોતાને માથેથી ટોપો ઉતાર્યો
સેનોર નેરૂદાની માફી માગી
ને દાદરા ઊતરી ગયો.
* * *
આજકાલ કરતાં ત્રીસ વરસથી
અમે ગોત કરીએ છીએ
એવા બીજા એક મંત્રની
જેને બોલતાં
બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.
કવિ પાબ્લો નેરૂદા મૂડીવાદ ને સરમુખત્યારી શાસનના ઘોર વિરોધી હતા. ચીલેમાં ક્યારેક સેનેટર રહ્યા હતા, તો પરદેશમાં વખતોવખત રાજનયિક (ડિપ્લોમેટિક) કામગીરી પણ બજાવી હતી. વચ્ચે કેટલાંક વરસ દેશનિકાલ પણ વેઠ્યો હતો. 1970માં જ્યારે સમાજવાદી-માર્ક્સવાદી ઝુકાવ સાથે ઉદાર લોકશાહી વલણોવાળી સાલ્વાદોર આયંદેની સરકાર બની ત્યારે નેરૂદા પેરિસ ખાતે ચીલેના રાજદૂત પણ હતા.
1971માં એમને નોબેલ પારિતોષિક મળ્યું. એ સ્વીકારીને તે જ્યારે પરત ફર્યા ત્યારે એમના અભિવાદન સારુ સ્ટેડિયમ સિત્તેર હજાર લોકોથી ઉભરાઈ ઊઠ્યું હતું. 1973માં મિલિટરી કૂ(પ)થી આયંદે સરકાર ગઈ ને જમણેરી સરમુખત્યારી શાસન સ્થપાયું ત્યારે નેરૂદા કેન્સરની સારવાર હેઠળ હતા. સરમુખત્યાર પિનોશેના ઈશારે ભળતા ઈન્જેક્શન થકી એમનું મોત નીપજ્યાની ત્યારે લાગણી હતી.
હમણાં, એસ્પાદાની ઉપર ઉતારી તે પંક્તિઓ વાંચતો હોઈશ એવામાં એક સમાચાર તરફ ધ્યાન ગયું કે ચીલેની અદાલતમાં નેરૂદાના મૃત્યુને લગતો કેસ ખૂલ્યો છે અને એના શંકાસ્પદ સંજોગોનો ભેદ ખૂલે એવી શક્યતા છે.
કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાન્તિકાળે ઉત્કટ પ્રણયકાવ્યોથી ઊંચકાયેલા કવિની દલિત-દમિત માનવતા માટેની લાગણી 1936ના સ્પેનિશ આંતરવિગ્રહ સાથે જાણે કે એક નવું જ બેપ્ટિઝમ પામી એમ અભ્યાસીઓ કહે છે.
પોતે ત્યારે સ્પેનમાં ચીલેના કોન્સલ હતા, અને ફેડરિક ગાર્સિયા લોર્કા સાથે એમના મૈત્રીબંધનને નવો પુટ ચડ્યો હતો. આ લોર્કા સ્પેનની લોકશાહી રુઝાનવાળી સરકાર સામે જમણેરી લશ્કરી બળોની સામે અવાજ ઉઠાવવામાં સક્રિય હતા. આ બળોનું નેતૃત્વ ફાસીવાદી જનરલ ફ્રાન્કો કરતા હતા. લોર્કાને આ લશ્કરી બળોએ ઝબ્બે કર્યો ત્યારે જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે એણે પોતાની પેનથી એવો દેકારો બોલાવ્યો હતો જે પિસ્તોલથીયે ન મચ્યો હોત.
સ્પેનિશ આંતરવિગ્રહના અનુભવ અને લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા’ નથી પણ માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે. એ કંઈ પ્રેમનું અફીણડોડું નથી. સાંભરે છે, લોર્કા વિશે પેલા સ્પેનિશ લશ્કરખોરની ટિપ્પણી કે કલમ ને કવિતા, પિસ્તોલથી ક્યાં ય ચડિયાતી હાણ પહોંચાડે છે!
કદાચ, કોઈ એક રચનાંશ વાસ્તે નેરૂદા સતત સંભારાશે તો તે ‘હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ હશે. પેરુમાં મચ્છુપિચ્છુ ખાતે 7,970 ફૂટની ઊંચાઈએ તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી વસાહત બે’ક સૈકામાં લુપ્ત પામ્યા પછી પણ લાંબા સમય લગી વિદેશી આક્રાન્તાઓથી અસ્પૃષ્ટ, એ રીતે અજેય જેવી રહી, એમાંથી અનુભવાતા એક અવિનાશી જીવનની આ દાસ્તાં છે. દેવહુમાની પેઠે, ‘રાઈઝ અપ ઍન્ડ બી બોર્ન’ એ જાણે કે સ્થાનિક જન જનને, લેટિન અમેરિકા માત્રને જગવતો યુગમંત્ર છે.
લેખિકા સુવર્ણાએ 2005માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ની પ્રસ્તાવનામાં નેરૂદા અને લોર્કાને અનાયાસ જ એક સાથે સરસ સંભાર્યા છે. ‘લલિત’ પણ લખતાં પોતે દલિતોને સમર્પિત છે એમ કહેતાં એમણે આ મથામણ ક્યાં સુધી એવા પ્રશ્નનો ઉત્તર નેરૂદાના સપનામાં જોયો છે : ‘ચાલો, આપણે ચાંદા જેવડી મોટી પોળી બનાવીએ, જેમાંથી જાતિ-ધર્મ-દેશ-વેશના ભેદથી પર થઈ, એકબીજામાં ભળી જઈ, બધાં એક જ થાળીમાં જમીએ.’ અને પછી જાણે આ પ્રક્રિયાનું વાર્તિક કરતાં હોય તેમ લોર્કાને સંભાર્યો છે : ‘જ્યારે શોષિત મુક્ત થશે ત્યારે ખરેખર તો શોષક મુક્ત થયો હશે. શોષણે શોષિતને જ નહીં શોષકને પણ અમાનવીય બનાવી દીધો છે. અત્યારે ગુલામ અને ગુલામધારક બંને બેડીમાં છે. ગુલામની બેડી તૂટે તો જ માલિકનીયે તૂટે.’
નેરૂદા સામ્યવાદી પક્ષને આજીવન વફાદાર રહ્યા પણ પ્રસંગે ઢાંચાઢાળ વફાદારીથી ઊંચે પણ ઊઠી શકતા. કોઈક સંદર્ભે એમને સોવિયેત યુનિયન માટે પ્રીતિવશ પક્ષપાત કઠ્યો ને ખૂંચ્યો પણ હશે. ક્રાંતિકારી ચે ગુવેરાના અતોનાત ચાહક છતાં શાંતિમય પરિવર્તનની શક્યતાઓ માટે કંઈક કૂણા પણ હશે.
ચીનની મુલાકાત પછી ભરીબંદૂક કહ્યું હતું એમણે કે મને માઓ ગમે તેથી માઓવાદ પણ ગમે એવું ચોક્કસ નહીં. એમના મિત્ર મેક્સિકન કવિ ઓક્ટેવિયો પાઝે (જેઓ ભારતમાં મેક્સિકી રાજદૂત હતા, એમણે) ક્યારેક સ્તાલિન ભણી અઢળક ઢળિયા નેરૂદાને ટપાર્યા પણ હશે. નેરૂદાની અપીલ હમણેના દાયકાઓમાં એવી જ બરકરાર છે.
એકાદ દાયકા પર ‘અરબ વસંત’ના દિવસોમાં કેરોની સડકો ને દીવાલો પર નેરૂદાની એ પંક્તિ ચીતરાયેલી હતી કે તમે સઘળાં પુષ્પોને સંહાર્યા પછી પણ વસંતને ખાળી શકતા નથી.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 માર્ચ 2024