મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને અનિલભાઈ શાહનો સંબંધ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ અને વિરલ ગણાય. બંને પરમ બૌદ્ધિક, બંનેની સાહિત્યપ્રીતિ અસાધારણ, રાષ્ટ્રના પુનર્નિર્માણની તાલાવેલી નિસ્બતભરી, બંનેનું વાંચનક્ષેત્ર વિશાળ, બંનેની સંવેદનશીલતા ઉત્કટ, બંને વ્યાપકતા(વૈશ્વિકતા)ના ચાહક, બંનેને હૈયે લોકશક્તિ-જાગરણની ઝંખના સતત રહી એટલે બાર વર્ષનો ઉંમરનો તફાવત અનેક વખત ગૌણ બની ગયો છે. બંનેનાં જીવનમાં ખાડા-ટેકરા તથા વળાંકો આવ્યા અને બંનેને પરસ્પર માટે કાળજી-ચિંતા-અપેક્ષા-તૃપ્તિ રહી. સમાન રસ-રુચિને કારણે સ્વરાજની લડત વખતે ભાવનગરની જેલથી પ્રારંભાયેલો, કંઈક અંશે ગુરુ-શિષ્ય જેવો સંબંધ ક્રમશઃ મૈત્રી સુધી પહોંચ્યો. દર્શકે સ્વીકારેલું કે તેમને બહુ ઓછા (ત્રણ-ચાર) મિત્રો છે તેમાંના એક અનિલ શાહ છે. અનિલભાઈ માટે મનુભાઈને વાત્સલ્યપૂર્ણ પક્ષપાત રહ્યો, તો અનિલભાઈને મન મનુભાઈ આદરપૂર્ણ સુહૃદ રહ્યા.
૧૯૪૨માં જેલમાં બંધાયેલો એમનો સંબંધ ૨૦૦૧માં દર્શકનું અવસાન થયું ત્યાં સુધી અખંડ રહ્યો. એ કાળે લેન્ડલાઇન ફોન હતા અને એ ચાલે જ એવું ન બનતું. એટલે પત્ર દ્વારા અભિપ્રાય-વિચાર-ચિંતન-પ્રતિભાવ પ્રગટ કરવાનું સહજ હતું. બંને પત્રવ્યવહાર માટે ઉત્સાહી હતા. ઉત્તરની રાહ જોનારા હતા. વળી આ પત્રવ્યવહારમાં વચ્ચે લાંબા ગાળા ખાલી ગયેલા છે. ખાસ કરીને અનિલભાઈના પત્રો દર્શક પાસે સચવાયેલા નથી એમ દેખાય છે. પરંતુ સદ્ભાગ્યે આટલા પત્રો સચવાયેલા છે તે મોટી વાત છે.
પત્રો નિખાલસ અને પારદર્શક એમ બંને રીતે પ્રગટ થયા છે. તેઓ અસંમતિમાં પણ નિસંકોચ છે. એમના અભિપ્રાયો અને પ્રતિભાવો પ્રતીતિમાંથી જન્મેલા છે. એનો એક છેડો કૌટુંબિક નિકટતાનો છે તો બીજો છેડો વિચારની નિરભ્રતાનો છે. અનિલભાઈ પોતાની સફળતા, દૃષ્ટિ, કાર્યપદ્ધતિમાં મનુભાઈનું પ્રદાન ગણે છે. તો મનુભાઈ પોતાને અદ્યતન (ખાસ કરીને અર્થશાસ્ત્રમાં) રાખવામાં અનિલભાઈનો ફાળો સ્વીકારે છે. દર્શક અનેક વિષયોના ગહન અભ્યાસી છે, તો અનિલભાઈ ઉત્તમ અભ્યાસી અને વહીવટને — વ્યવસ્થાને લોકાભિમુખ અને લોકકલ્યાણયુક્ત કરવા માટેની ઝંખનાવાળા છે. ભાવનગરની જેલમાં જે કેટલાક તરવરિયા, દેશદાઝવાળા અને જેમની સંવેદનશીલતાને બૌદ્ધિકતાને કારણે ધાર નીકળી હતી તે પૈકીના અનિલભાઈ શાહ હતા. સમાજપરિવર્તનમાં આર્થિક આયોજન અને વહીવટ કેમ કારગર બને એની ખોજમાં સરકારમાં (ડી.ડી.ઓ / સચિવ), આગાખાન રૂરલ સપૉર્ટમાં કે ડેવલોપમેન્ટ સપૉર્ટ સેન્ટર(DSC)માં વહીવટને રચનાત્મક રૂપ આપી શક્યા. વનસંરક્ષણ અને સહભાગી સિંચાઈ અંગેના નિર્ણયો કેન્દ્ર સરકાર પાસે કરાવવામાં અનિલભાઈનું મહત્ યોગદાન રહ્યું. મનુભાઈને લાગતું હતું કે દેશને ઉપયોગી એવા અભ્યાસી અનિલભાઈ છે. એટલે પત્રમાં નોંધે છે : ‘તું લાબી દૃષ્ટિથી જોનારો શીલવાન વિદ્વાન છે.’ એટલે ૨૧–૧૦–૯૮ના પત્રમાં લખે છે : ‘ગુજરાતના ડઝનેક બુદ્ધિમંતોમાં તું છે એમ મેં એકથી વધુ વાર નથી કહ્યું?’ અને (૪–૯–૧૯૯૪) શુભેચ્છા પાઠવે છે : ‘તારે હાથે ગ્રામપુર્નિર્માણનું સારું કામ થાઓ અને તને મેગ્સેસે ઍવૉર્ડ મળે.’
અનિલભાઈ સરેરાશ વહીવટદાર ન થયા, પણ આગવા, રચનાત્મક અને લોકભાગીદારીના હિમાયતી થયા તેમાં પિતા ચુનીભાઈ અને મનુભાઈનું પ્રદાન ગણાવે છે. જન્મદિવસે ૧૭–૬–૧૯૯૦ના પત્રમાં લખે છે : ‘ચુનીભાઈ પાસેથી ધૈર્ય, અભ્યાસવૃત્તિ, નિર્વ્યાજ પ્રેમ અને કર્તવ્યપરાણયતા મળ્યાં હશે. તમારી પાસેથી બૃહત જીવનરસોનો પરિચય અને અમુક અંશે લગન.’ … ‘જે કંઈ કરવાનું આવ્યું તે પૂરા દિલ, ખંત અને ખાસ તો રચનાત્મક સર્જનાત્મક ઉત્સાહથી કર્યે ગયો. અને મારું કામ એકંદરે ઉત્કૃષ્ટ ગણાયું એમાં ચુનીભાઈએ મૂકેલાં બીજ અને તમારી માવજતની અસર વર્તાય.’ અનિલભાઈનું આગવાપણું તેમના આ નિવેદનમાં છે : ‘કંઈ કેટલો ય વહીવટ કર્યો, વિકાસના સુધારણાના વહીવટકર્તા તરીકે નામ પણ કમાયો, પરંતુ એ બધા સાથે તમારી પાસેથી મળેલા રસ — માણસમાં, વિચારમાં, શબ્દમાં — કદી મોળા ન પડ્યા. હજુયે કોઈ નવીન વ્યક્તિની છટા જોઉં તો વારી જાઉં. વહીવટ વિસારી જાઉં. એવું જ નવીન વિચાર કે રૂઢ શબ્દપ્રયોગનું. આ ત્રણે મારા રચના વિષય બની ગયા.’
છેક ૧૯૬૨માં મનુભાઈ લખે છે : ‘તારી જોડેનો સ્નેહસંબંધ નિર્વ્યાજ મૂડી સમો માન્યો છે. ને મને એમાંથી આનંદ અને પ્રકાશ બંને મળ્યા છે … કેટલાક પ્રશ્નો મને આપણી વાતોમાંથી વધારે સમજાયા છે એમ કહું તો એ અતિશયોક્તિ નથી. આપણે સહપ્રવાસી છીએ તેમ મેં માન્યું છે.’
અંગત પત્રો નિર્ભાર અને પારદર્શક હોઈ શકે છે. એમાંથી લખનારની આત્મશ્રી અને વિચારક્ષિતિજો પ્રગટતી હોય છે. દર્શકમાં પ્રબળ સિસૃક્ષા હતી, સાથે જ અનેક વિષયોમાં તેમની પ્રજ્ઞાનો પ્રસન્ન વિહાર હતો. તેઓ પારખતા હતા કે જીવનની સમગ્રતાને પામવામાં બંનેને ઉત્કટ રસ હતો. બંનેની સંવેદનશીલતા અને નિસ્બત એવી અસાધારણ હતી કે જાહેર ઘટના, વિચાર કે વિવાદ વખતે તેઓ પ્રતિભાવ પ્રગટ કરે જ. અને પ્રતિભાવ નિર્ભીક રીતે પ્રગટ કરે એવી બંનેની મનોરચના હતી. એટલે વિચારો લેખરૂપે મૂક્યા તેમ પત્રરૂપે પણ મુકાયા છે. પ્રત્યક્ષ મળ્યા વિના, વિચારવિનિમય કર્યા વિના જેમને ચેન ન પડે એવા આ બંને સ્નેહીજનો હતા. વિચારયાત્રામાં બંને મુક્ત અને નિજગતિ હતા. દર્શકનો સ્નેહ અનિલભાઈની ચિંતનગતિથી પ્રસન્ન થતો અને અનિલભાઈનો આદર દર્શકના સ્નેહાભિષેકથી બળવત્તર બનતો.
દર્શક અને અનિલભાઈના સંબંધનું ઊંડાણ અને નિકટતા એવાં કે ચિંતનના ક્ષેત્રમાં એકસાથે ઊડતા બે હંસ જેવા લાગે. બંને સ્વતંત્ર બુદ્ધિના હિમાયતી, પ્રત્યક્ષ ક્ષેત્રમાં રમમાણ રહેવાની નિષ્ઠાવાળા અને જીવનના સંદર્ભોને મૌલિક રીતે સમજવા-પામવા માટે નિરંતર સ્વાધ્યાયરત. બંને સ્વરાજના સૈનિકો અને પછીથી સ્વરાજને સાચા અર્થમાં સુરાજ્યમાં પલટવાની ઝંખનાવાળા. એ માટે અંતઘડી સુધી વણથાક પુરુષાર્થ કરનારા. બંનેનાં ચિંતન, સ્વભાવ, જીવનકાર્ય અને મિશનને દર્શકે જ એક પત્ર(૧૫–૮–૬૨)માં પ્રગટ કર્યાં છે.
‘તારું અને મારું એક સત્ય સમાન છે. આપણે પશ્ચિમના ઉત્તમ અંશોના એટલા બધા પ્રેમી છીએ કે કોઈ વાર મને એમ થાય છે કે હું પૌર્વાત્ય ઓછો છું. વસ્તુતઃ આપણે નથી પૌર્વાત્ય કે નથી પાશ્ચાત્ય. બૌદ્ધિક સ્તરે આપણે સ્વાધીન જીવો છીએ.’
આ પત્રવ્યવહારમાં સાહિત્યસ્વરૂપ અને કૃતિઓ, અર્થશાસ્ત્ર, સમાજકારણ, તંત્ર, રાજકીય બનાવો, દેશની ગતિવિધિ, સંસ્થા-સંચાલન, કર્મ અને વિચારનો સંબંધ, વ્યક્તિસંદર્ભો, વ્યક્તિગત ઘટનાઓ, દાંપત્યજીવન વગેરે વિશે નિસંકોચ રીતે વિચારો વ્યક્ત થયા છે. બંને વિચારની ભૂમિકાએ ઉદાર અને ખુલ્લા છે. પરસ્પરની કદર છે એમ જ આડપડદો રાખ્યા વિના અસંમત થઈ શકે છે. પત્રાચારની એક મહત્ત્વની ખૂબી તે અંગતતા. જાણે બે નિકટજનો પરસ્પર નિરાંતજીવે બનાવો, વિગતો, વ્યક્તિસંબંધો અંગે સલાહ, અભિપ્રાય, શુભેચ્છા અને અપેક્ષાઓ વ્યક્ત કરે છે. પતિ-પત્ની વચ્ચે પણ ઘણી વાર દુર્લભ એવી આ સ્નેહાદરની સંબંધભાત છે. એમાં ઉચ્ચ અને સાચા જીવનની અભિલાષા છે અને એની ગુણાત્મકતા પરસ્પર પોષક છે.
બંને સાહિત્ય અને અન્ય વિષયોને કઈ દૃષ્ટિથી જુએ છે તે આ પત્રોમાં વારંવાર પ્રગટ થયું છે. બંનેનો રસ સમાન છે : લોકો વિચારતા, સમજતા અને નિર્ણાયક બનતા કેમ થાય એમાં. બંને મિજાજથી સ્વતંત્ર, કાર્યગતિમાં પણ ઘણો ફરક છે અને બંનેની જીવનગતિ વિશિષ્ટ છે છતાં તેઓ ખૂબ નિકટ રહ્યા છે. તેમાં સાહિત્યે મોટો ભાગ ભજવ્યો છે એમ દેખાય છે. દર્શકની ‘દીપનિર્વાણ’ નવલકથાના લેખનનો ગાળો એ તેમના પરિચયનો પ્રારંભ છે. દર્શકના સહવાસે સહજપણે ટાગોર અને શરદબાબુ અનિલભાઈનાં રસકેન્દ્રો બન્યાં. એની કેવી પ્રગાઢ અસર પડી તે તેમણે નોંધ્યું છે : ‘મારી પ્રકૃતિ, કાર્યપદ્ધતિ ઘડવામાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે. તેમાંનું એક ‘ઘરે બાહિરે’ છે. સંભવ છે કે એ પહેલાં પણ મારા મનનું બંધારણ ઘડાતું આવતું હતું. તેની સાથે એ સુસંગત હતું. (૧૧–૨–૯૩). ઘડતર અને કાર્યના મેળમાં, સામૂહિક વિકાસની જે પદ્ધતિ નિપજાવી તેમાં ‘ઘરે બાહિરે’, ‘ચતુરંગ’નો ફાળો છે. નિખિલ-શ્રીવિલાસ અનિલભાઈના મૉડલ બન્યા છે. સાથે જ ઝેર તો પીધાં, સૉક્રેટિસ, કુરુક્ષેત્ર, વસ્ત્રાવરણ, ગીતા, રામાયણ, મહાભારત, રાજ્યરંગ વગેરે એમના આસ્વાદ અને પ્રતિભાવનાં નિમિત્તો બન્યાં છે. ૨૭–૧૦–૯૮ના પત્રમાં અનિલભાઈ નોંધે છે : ‘શહેરમાં ઊછરેલા છતાં ગ્રામવિકાસના કામમાં જે કાંઈ સફળતા મળી તેમાં સાહિત્યવાંચન, ખાસ કરીને શરદચંદ્ર, રવીન્દ્રનાથ અને મેઘાણીના સાહિત્યની અસરે સારો ભાગ ભજવ્યો હશે તેવો મારો ખ્યાલ રહ્યો છે.’ મનુભાઈ માટે ૨–૨–૨૦૦૦ના પત્રમાં લખે છે : ‘આવા મોટા સર્જક-ચિંતકનો મને આટલો સ્નેહ આટલા લાંબા વખત સુધી મળ્યા કર્યો તે કેવું સદ્ભાગ્ય!’ એટલે જ મનુભાઈ નવા વર્ષે તેમના સંબંધને આ રીતે વ્યક્ત કરે છે (૨૧–૧૦–૯૮) : ‘આપણો સંબંધ ઇતિહાસ, રાજકારણ, શિક્ષણ, સમાજસેવા, કેટલા ય વિશાળ વિસ્તારે પથરાયેલો છે કે એવો સંબંધ ભાગ્યે જ હોય — ને તે પણ માત્ર બૌદ્ધિક નહીં, ભાવસભર. એટલે આ નવા વર્ષે ઘણી વાતો યાદ આવે જ. તને હંમેશાં યશ મળશે તેમ મારા આશીર્વાદ છે.’
આવા પત્રોની ઉપયુક્તતા અને આવકાર્યતા તેના લખનારની વિશાલ દૃષ્ટિ અને લોકકલ્યાણના ચિંતનમાં હોય છે. મનુભાઈ અને અનિલભાઈ બેચાર લીટીનો પત્ર લખે, જન્મદિવસ કે નૂતનવર્ષની શુભેચ્છા લખે કે વિગતભર્યો પત્ર (વિચાર, ઘટના, કૃતિ કે લોકકલ્યાણની વાત વિશે) લખે પણ તેમાંનો વિચાર-સ્ફુલ્લિંગ વાચકને સ્પર્શી જાય છે. એ પત્ર લખાયો હોય ત્યારે ભલે અંગત ભાવ-પ્રતિભાવરૂપે હોય, પરંતુ એનું ચિંતન વાચકને વિચારણીય લાગે છે. પત્રલેખકના સંવિતને સમજવામાં આ પત્રો આધારરૂપ બને છે.
આ પત્રોની લાક્ષણિકતા એ છે કે એના લખનારા બંને પ્રાજ્ઞ છે. આર્થિક સફળતા અંગે (ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારોનાં વધુ પડતાં નિયંત્રણો છતાં) અનિલભાઈ આવા ઉપાયો સૂચવે છે :
(ક) લોકોની નિજની શક્તિ, સમજ અને આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ, (ખ) તેને તકનીકી ટેકો, (ગ) પ્રયોગો કરવામાં સહાય, (ઘ) વ્યાપ માટે કેવળ લોનની સગવડ, (ચ) સરકારી સહાય-સબસિડી નિશ્ચિત ગાળામાં બંધ થાય એવું જ સહાયની યોજનાનું સ્વરૂપ, (છ) પ્રયોગો માત્ર ઉત્પાદનને લગતા નહીં, તંત્રના સ્વરૂપ વિશે, બજારને ધ્યાનમાં રાખી Scale વિશે વગેરે. કસોટી સરકારી સહાયથી મુક્તિ — એટલે યોજનાની સફળતા. આ વિશે આપણે મળીએ ત્યારે વિચારીએ. આ વિશે એક રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન યોજવાની જરૂર છે. (ચીનના પ્રવાસ દરમિયાન, તા. ૨–૧૦–૧૯૯૪).
પ્રમાણી શકાશે કે બંને કઈ વ્યાપક કક્ષાએથી અને મૂલગામી રીતે રાષ્ટ્રીય પ્રશ્નોના ઉકેલો વિચારે છે. અનિલભાઈના સમાજવાદ પ્રત્યેના આકર્ષણનો ભંગ કેમ થયો, એમાં સાહિત્યકૃતિઓએ કેવો ફાળો આપ્યો એ તેઓ કેવા જાગ્રત ચિંતક હતા તે દર્શાવે છે. તો દર્શક કેટલી મુક્ત રીતે દેશ-દુનિયાના પ્રશ્નોને તપાસતા-મૂલવતા હતા, તેનાં બે ઉદાહરણો પૂરતાં થશે :
‘મારે મન લોહીભીના વર્ગવિગ્રહ દ્વારા સામ્યવાદ લાવવાને બદલે મત-પદ્ધતિ દ્વારા સમાજવાદ લાવવાનો મજૂરપક્ષનો ધીમો પ્રયોગ અહિંસાનો જ પ્રયોગ છે.’ (તા. ૧૮–૬–૧૯૪૬).
‘તું મને ગાંધીવાદી કહે છે — પણ અત્યારે હું તેવો નથી. ને વિચારણામાં હું એમાંનું બધું ગળે ઉતારી શકતો નથી. દરેક વાદનાં ત્રણ અંગો હોય છે. એક એનું તત્ત્વજ્ઞાન, બીજું એની કાર્યપદ્ધતિ (Method) ને ત્રીજું એનો તાત્કાલિક ને ભાવિ કાર્યક્રમ. હું ગાંધીવિચારણાના પહેલાં બે અંગો સ્વીકારું છું. ને ત્રીજા વિશે હું Critical રહેવા માગું છું. કારણ કે એ સ્થળ-કાળ પ્રમાણે થોડું જુદું રૂપ ધરી શકે છે; ધરવું જોઈએ’. … ‘વિકેન્દ્રીકરણને નામે હું મધ્યયુગી સંકુચિતતા લાવવા માગતો નથી. એ પ્રત્યાઘાતી છે. ઘણા ગાંધીયનો અજ્ઞાતપણે એ તરફ જઈ રહ્યા છે.’ દર્શકનો દર્શનવ્યાપ કેટલો વિશાળ છે, જીવન વિશેની શ્રદ્ધા કેવી અમીટ છે, જીવન વિશેની સમજ કેટલી સ્પષ્ટ છે તેના પરિચાયક આ પત્રો છે.
મનુભાઈ અને અનિલભાઈ બુદ્ધિથી અર્થશાસ્ત્ર અને સમાજકારણના અભ્યાસી છે અને હૃદયથી સાહિત્યના રસપિપાસુ છે. એથી બંને વારંવાર સાહિત્યની વાત કરે છે અને તેનું મંથન કરે છે. બંનેના સંબંધની આંતરિક ઉત્કટતા અને નિરામયતા અનેક વખત ગેરસમજ થતી અટકાવે છે.
શું નથી લખી શકાયું, શું નથી થઈ શક્યું, દર્શક લેખન માટે કેવી ગંભીર તૈયારી કરતા હતા, પ્રવૃત્તિની અસરો (પ્રવૃત્તિની વિશ્વમન પર શી અસર પડશે તે વિશે બેદરકાર રહી શકાય નહીં. — દર્શક), અનિલભાઈની અભ્યાસનિષ્ઠા, સાથીઓને તૈયાર કરવાની તેમની વ્યાપક દૃષ્ટિ, બંનેએ લખેલાં કાવ્યો વગેરે પણ ખૂબ રસપ્રદ છે.
નોંધપાત્ર વિચારકો, સર્જકો અને નવરચનાના વાહકોના પત્રચિંતનમાં એમના કાળનો સમાજ અને ઇતિહાસ સચવાયેલા હોય છે. રાષ્ટ્રની ગતિવિધિના ઇશારા તેમાંથી મળતા હોય છે. તેમનાં પુરુષાર્થ અને પરિણામો સૂચિત થતાં હોય છે. દેશકાળની સીમાથી ઉપર ઊઠીને થયેલું તેમનું ચિંતન નવી દિશા ઉઘાડવામાં ખપ લાગી શકે છે. માટે આવો પત્રવ્યવહાર સંગ્રહાવો જોઈએ, પછીની પેઢી સુધી પહોંચવો જોઈએ. ‘બે પ્રાજ્ઞનો સંવાદ’ એમાં નોંધપાત્ર ઉમેરણ બની રહેશે એવો વિશ્વાસ છે.
°
નોંધ :
અનિલભાઈનાં પુત્રી પલ્લવીબહેને પિતૃઋણ અદા કરવાના ભાવથી આ પત્રો પ્રગટ કરવાનું વિચાર્યું અને આ પત્રોના સંપાદનનું કાર્ય મને સોંપ્યું તેથી આ બંને મહાનુભાવોનો પૂરતો પરિચય હતો, છતાં ઘણી બાબતો નવેસર સમજવા મળી. તેમના સંબંધની નિકટતા અને જીવનભાવોની ઉદાત્તતા સમજવા મળી. દર્શકનો વ્યાપક પત્રવ્યવહાર થયેલો છે તે શા માટે વહેલી તકે પ્રગટ થવો જોઈએ તેની પ્રતીતિ થઈ. — આ સઘળાંનો આનંદ છે. બહેન પલ્લવીબહેને આ પત્રવ્યવહાર પ્રગટ કરવા દ્વારા એક આવશ્યક અને આવકાર્ય બાબતમાં રસ લીધો એ અભિનંદનીય છે.
[1]. ‘બે પ્રાજ્ઞનો સંવાદ’ : મનુભાઈ પંચોળી અને અનિલભાઈ શાહનો છ દાયકાનો પત્ર–સંવાદ : સંપાદક – મનસુખ સલ્લા : પ્રકાશક – નવજીવન મુદ્રણાલય : પૃ. ૨૧૫ : કિં. ૩૦૦/- : ૨૦૨૪