૧૯૮૦-૧૯૮૨ની સાલમાં અબ્દુલ રહેમાન અંતુલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા. સરકાર કાઁગ્રેસની હતી એ કહેવાની જરૂર નથી. એ સમયે સિમેન્ટની અછત હતી અને મુંબઈના ઝડપભેર થઈ રહેલા વિસ્તારને કારણે બાંધકામ ઉદ્યોગ જોરમાં હતો. સરકારે સિમેન્ટનું રેશનીંગ કર્યું હતું. અને એ તો દેખીતી વાત છે કે જ્યાં અછત હોય અછતને પહોંચી વળવા માટે નિયંત્રણ હોય ત્યાં ભ્રષ્ટાચાર હોય. અબ્દુલ રહેમાન અંતુલેએ ‘ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિભા પ્રતિષ્ઠાન’ નામના એક ટ્રસ્ટની રચના કરી, જેમાં તેઓ પોતે અને બીજા અનુકૂળ લોકો ટ્રસ્ટી હતા. અબ્દુલ રહેમાન અંતુલે મુંબઈના નામચીન બિલ્ડરોને સિમેન્ટના કોટા ફાળવતા હતા અને તેની સામે ‘ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન’ માટે દાન લેતા હતા.
આ રમત જાણીતા પત્રકાર અરુણ શૌરીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ‘ઇન્દિરા ગાંધી એઝ કોમર્સ’ એવી એક સ્ટોરી કરીને ઊઘાડી પાડી. એ મુક્ત પત્રકારત્વનો યુગ હતો. દેશભરમાં હોબાળો મચ્યો. સંસદમાં વિરોધ પક્ષોએ સરકારને ઘેરી. (ત્યારે સંસદમાં ચર્ચા થતી હતી અને વિરોધ પક્ષોના નેતાઓને બોલવા દેવામાં આવતા હતા. સંસદનાં સત્રોને ટૂંકાવવામાં પણ નહોતાં આવતાં) એ.આર. અંતુલે સામે બી.જે.પી.ના નેતા રામદાસ નાયકે (૧૯૯૪માં રામદાસ નાયકની દાઉદ ઈબ્રાહીમના ગુંડાઓએ હત્યા કરી હતી. કારણ જાણવા મળ્યું નથી) મુંબઈની વડી અદાલતમાં કેસ કર્યો. ૧૯૮૨માં ન્યાયમૂર્તિ બખ્તાવર લેન્ટિને ચુકાદો આપ્યો હતો કે મુખ્ય પ્રધાન દ્વારા સ્થાપિત ‘ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન’ને બિલ્ડરો દ્વારા જે દાન મળ્યું છે એ શુદ્ધ હ્રદયથી આપવામાં આવેલું દાન નથી. એ દાન લાભાર્થીઓએ આપેલું દાન છે. લાભ લો અને લાભ કરાવો. કાયદાની ભાષામાં આને quid pro quo કહેવામાં આવે છે. લાભ સાટે લાભ અથવા ખાવ અને ખાવા દો. જે દિવસે ચુકાદો આવ્યો એ જ દિવસે અંતુલેએ રાજીનામું આપ્યું. અહીં એક હકીકત નોંધવી જોઈએ કે ભારતીય જનતા પક્ષ ત્યારે ભ્રષ્ટાચારની બાબતે અત્યંત સંવેદનશીલ હતો. તેના નેતાઓ ભ્રષ્ટાચારની ગંધ પણ સહન કરી શકતા નહોતા. એટ લીસ્ટ એવો દેખાવ કરવામાં આવતો હતો. પવિત્રતાના પૂંજથી એ લોકો દીપતા હતા.
કાઁગ્રેસ અને કાઁગ્રેસીઓ દૂધે ધોયેલા નહોતા, પણ ત્યારના સમયમાં અને અત્યારના સમયમાં ફરક એ છે કે ત્યારે પત્રકારો, અખબારો, અદાલતો, નાગરિક સમાજ મુક્ત રીતે કામ કરી શકતા હતા. દરેક પ્રકારની નીચતા સામે અવાજ ઊઠાવતા હતા અને અવાજ ઉઠાવનારની કદર થતી હતી. આજની જેમ નીચતા સામે અવાજ ઉઠાવનારાઓને બદનામ કરવામાં નહોતા આવતા. તેમને દેશદ્રોહી ઠરાવવામાં નહોતા આવતા. જે તે આરોપ લગાડીને જેલમાં ધકેલવામાં નહોતા આવતા. મીડિયાને ખરીદવામાં નહોતા આવતા. કાઁગ્રસના દરેક કાંડ એટલા માટે બહાર આવ્યા હતા કે લોકતંત્ર હજુ જીવતું હતું.
આજે ઈલેક્ટરોલ બોન્ડ્સનો જે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે એની સામે એ.આર. અંતુલેએ કરેલો ભષ્ટાચાર તો હિમાલય સામે ટીંબો લાગે. એમાં અંતુલેની લાભ કરાવીને લાભ લેવાની પેટર્ન તો છે જ પણ જે લાભ ન આપે એને સતાવીને લાભ લેવાની નવી પેટર્ન પણ છે. આવું કૃત્ય અંતુલેએ નહોતું કર્યું. અંતુલે શું, આઝાદી પછીના ભારતના રાજકીય ઇતિહાસમાં કોઈએ નથી કર્યું. કરોડરજ્જુ ધરાવનારા સ્વતંત્ર પત્રકારો ધીરે ધીરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચૂંટણી પંચને આપેલા અને ચૂંટણી પંચે ખુલ્લા કરેલા ઈલેક્ટરોલ બોન્ડ્સના ડેટાની વિગતો બહાર પાડી રહ્યા છે. મુખ્ય કામ લેવડદેવડના અથવા ગળું પકડીને ખંખેરવાના છેડા જોડવાનું છે અને તે થોડું મહેનત માગી લે એવું અઘરું કામ છે. સમસ્યા એ છે કે આ દેશમાં દરેક જણ બીકાઉ નથી દરેક જણ ડરેલા નથી. તેઓ દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓના ફુગ્ગામાં ટાંચણી મારીને તેમને બિચારાને હેરાન કરે છે. અથાક મહેનત કરીને દેશપ્રેમીઓ સાડા ચારસો વરસે માહારાણા પ્રતાપને હલ્દીઘાટીના યુદ્ધમાં જીતાડે એ આ લોકોથી જોવાતું નથી. મુસલમાનોના ભયભીત ચહેરાને જોઇને આ લોકો રાજી થતા નથી, ઊલટું હવે પછી તમારો નંબર આવવાનો છે એમ કહીને હિંદુઓને ડરાવે છે. અમે હાલરડાં ગાઈને માંડ મીઠી નીંદમાં સુવડાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યાં આ લોકો બૂંગિયો વગાડીને તેમને સુવા દેતા નથી.
જ્યારે ઈલેક્ટરોલ બોન્ડ્સને ચૂંટણી માટેનાં ફંડ તરીકે દાખલ કરવામાં આવ્યા ત્યારથી જ જાગેલા લોકોને જાણ હતી કે આ ભારતના ઇતિહાસમાં ક્યારે ય જોવા ન મળ્યું હોય એવું આપ-લેનું મોટું કૌભાંડ છે. જાગૃત લોકોને એ વાતની પણ જાણ હતી કે આની પાછળનો ઈરાદો પૈસા નહીં આપનારાઓનું ગળું પકડીને પૈસા પડાવવાનો છે. જાણતલોને એ વાતની પણ જાણ હતી કે આ પૈસાના જોરે ભારતના સંસદીય રાજકરણને પહેલા અસંતુલિત અને પછી એકપક્ષીય કરવાની ચાલ છે. જાણતલોને એ વાતની પણ જાણ હતી કે આના દ્વારા ભારતના લોકતંત્રનો અંત આવવાનો છે. તુર્કી, રશિયા. ચીન, ઉત્તર કોરિયામાં જે રીતે ચૂંટણી યોજાય છે એ રીતે આપણે ત્યાં પણ યોજાતી રહેશે. જાણતલોને એ વાતની પણ જાણ હતી કે ભારત પશ્ચિમના લોકશાહી દેશોની પંક્તિમાં જે સ્થાન ધરાવે છે એ હવે પછી રશિયા-ચીન-ઉત્તર કોરિયાની પંક્તિમાં સ્થાન પામશે. જ્ઞાન અને સરોકાર એ પીડાનું મોટું કારણ છે. શાસ્ત્રોમાં પણ આમ કહેવામાં આવ્યું છે. મૂઢ પણ કેવળજ્ઞાની મુક્તની જેમ આનંદમાં રહે છે. જેમનામાં અક્કલ જ નથી અથવા સરોકાર નથી તેમને કોઈ ફરક પડતો નથી, પરંતુ જેમને સમજાય છે અને સંવેદના તેમ જ સરોકાર ધરાવે છે તેમના માટે તો આ આઘાતજનક ઘટના હતી. ભારત જેવો દેશ ચીન-રશિયા-કોરિયાની પંક્તિમાં? ભારત તુર્કી અને પાકિસ્તાનને અનુસરે?
ભલું થજો સર્વોચ્ચ અદાલતના એ પાંચ જજોનું જેમણે અત્યારે તો દેશને બચાવી લીધો છે. તેમના કારણે વિગતો બહાર આવી રહી છે અને અત્યાર સુધીમાં બહાર આવેલી વિગતો બન્ને અંદેશાઓને સાચા ઠરાવી રહી છે. કેટલાક લોકોને તેમણે જે દિવસે ઈલેક્ટરોલ બોન્ડ્સ ખરીદ્યા તેના ચાર-પાંચ દિવસ પછી લાભ મળી ગયો હતો. કેટલાક લોકોને ત્યાં ઇ.ડી. અને બીજી એજન્સીઓએ રેડ પાડી અને એ પછી ચાર-પાંચ દિવસે એણે ઈલેક્ટરોલ બોન્ડ્સ ખરીદ્યા હતા. કેટલાક વળી વધારે વળ ખાતા હતા તેમની ધરપકડ કરવામાં આવી. એનાં સગાંવહાલાંઓએ બે-ચાર દિવસમાં ઈલેક્ટરોલ બોન્ડ્સ ખરીદ્યા અને જેને પકડવામાં આવ્યા હતા તેને છોડી મૂકવામાં આવ્યા. કેસ પણ આગળ ચાલ્યો નહીં અને બંધ થઈ ગયો.
ન્યાયમૂર્તિ લેંટિને કહ્યું હતું કે એ.આર. અંતુલેએ લાભ આપીને લાભ લીધો હતો એટલે તેમણે લીધેલું દાન અશુદ્ધ હતું. મેલું હતું. ઈલેક્ટરોલ બોન્ડ્સમાં પણ એ જ વાત છે અને એ હવે સાબિત થઈ રહી છે. હદ તો એ વાતની છે અત્યારના શાસકો આમાં ઘણાં આગળ નીકળી ગયા છે. સતાવો, પકડો, જેલમાં નાખો અને પૈસા પડાવો. આને દાન ન કહેવાય, ફિરૌતી કહેવાય. એક ભાઈને તેમની કૂલ આવક કરતાં ચાર ગણા પૈસાના ઈલેક્ટરોલ બોન્ડ્સ ખરીદવા પડ્યા. ભારત જેવા દેશમાં આવું બને!
અને હા, અંતુલેનાં કૌભાંડ વખતે ઝડપભેર ઊંડી ગર્તામાં ધકેલાતા જાહેરજીવનથી દુઃખી દુઃખી થઈ ગયેલા લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી આજે ચૂપ છે. તેઓ ત્યારે પણ ચૂપ હતા જ્યારે ૨૦૧૮માં ઈલેક્ટરોલ બોન્ડ્સને બજેટના ભાગરૂપે પાછલે બારણેથી લાવવામાં આવ્યા હતા. ત્યારે તો તેઓ બન્ને લોકસભામાં હતા અને લોકસભામાં તેમણે આનો વિરોધ નહોતો કર્યો.
ખમો, થોડા દિવસમાં બધું બહાર આવી જશે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2024