સમાજનો મોટો હિસ્સો એવો છે જેને યાતના અને અભાવ કોઠે પડી ગયાં છે અગર તે વિશે બોલવાની એમની ઇચ્છાશક્તિ જ બચી નથી. આ એક મૂંગું જેલખાનું છે. મારે જનસાધારણની આ જેલની દીવાલો તોડવી છે
બારમી માર્ચનો દાંડીકૂચ દિવસ, કેમ કે તે મુક્તિસંઘર્ષનું મોંઘેરું સંભારણું છે, અમથોયે યાદગાર બની રહેતો હોય છે. આ વખતનો એવો એક સ્ફૂર્તિસંચાર સાબરમતી આશ્રમના કથિત નવીકરણને છેડેથી નહીં પણ દિલ્હીથી, સુપ્રીમની દેવડીએથી, દાંડીકૂચ દિવસના પૂર્વસપ્તાહે અનુભવ્યો : પ્રોફેસર જી.એન. સાઈબાબાને લાંબા ને આકરા જેલવાસ પછી ‘હું જીવતો બહાર આવ્યો એ એક અચરજની વાત છે’ એવી લાગણી સાથે સર્વોચ્ચ અદાલતે મુક્તિનો શ્વાસ આપ્યો, તે!
મહારાષ્ટ્ર હાઈકોર્ટે એમને છોડી મૂક્યા તેની સામે મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં મનાઈ હુકમ મેળવવાની ચેષ્ટા કાનૂની સોઈ સબબ કરી તો ખરી, પણ સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના સુચિંતિત ચુકાદા બાબતે પુનર્વિચારની વાત દોટૂક ખારીજ કરી.
કોણ છે આ સાઈબાબા? ભાઈ, બાળપણથી પોલિયો પ્રતાપે જેમને પેરેલિસિસનું વરદાન મળ્યું છે એવા એ વિધાતાના પ્રીતિપાત્ર છે. આંધ્રના કિસાનપુત્ર કાળક્રમે શારીરિક-આર્થિક મર્યાદા વચ્ચે ભણી ઊતર્યા. સંઘર્ષનાં એ વરસો (કેમ જાણે આજે ‘સંઘર્ષ’ ન હોય!) જીવનસાથી વસન્તાની સ્મૃતિમાં જીવતાં છે. બેઉ પંદરેકનાં હશે અને ટ્યૂશન ક્લાસમાં મળ્યાં. વસન્તા અંગ્રેજી વ્યાકરણમાં કાચાં ને સાઈબાબા ગણિતમાં. કાચાં, એકબીજાને ભણાવતાં બેઉ પાકાં બન્યાં ને એમ એમનું ‘તું સોળની ને હું સત્તર’નો એવું રોમાન્સચક્ર ચાલ્યું.
સાઈબાબાને ડોક્ટરેટ મળી અને 2003માં દિલ્હી યુનિવર્સિટીને સંલગ્ન કોલેજ સાથે જોડાયા ત્યારે, વસન્તા કહે છે, આજ લગી હાથે સ્લીપર પહેરી ઘૂંટણિયે ચાલતા સાઈબાબા પહેલી વાર વ્હિલચેર ભેગા થઈ શક્યા.
ભણાવવું ને ભણવું, પ્રોફેસર જી.એન. સાઈબાબા સારુ નકરી નોકરીખોજ નથી. ભણવું ને ભણાવવું, એ કહે છે, એક એવી પ્રક્રિયા છે જે મને ને તમને જ્ઞાન-પ્રેમ-મુક્તિનો આનંદ આપે. જેલબંધ થયા પછી એક તબક્કે એમણે વિદ્યાર્થીઓ અને સાથી અધ્યાપકોને લખેલા પત્રમાં કેફિયતનુમા અંદાજમાં દિલની વાતો કરી છે : આમ આદમીનાં સુખદુ:ખમાં સહભાગી થતાં હું જે શીખ્યો ને સમજ્યો તે તો એ કે થોડાક લોકોને સારુ આઝાદી હોય એ વસ્તુત: આઝાદી જ નથી. આપણો બહુસંખ્ય હિસ્સો એવો છે જેને યાતના ને અભાવ કોઠે પડી ગયાં છે અગર તો તે વિશે બોલવાની એમનામાં ઈચ્છાશક્તિ જ બચી નથી. આ એક મૂંગું જેલખાનું છે. મારે જનસાધારણની આ જેલની દીવાલો તોડવી છે.
2014માં એક નમતી બપોરે પ્રોફેસર કોલેજેથી આવતા હશે ને પોલીસે એકાએક એમની કાર આંતરી. કારમાંથી એમને વ્હિલચેરસોતાં બહાર ખેંચ્યા ને સાથેના પોલીસ વાહનમાં ફંગોળ્યા. વ્હિલચેર તૂટી ગઈ અને પ્રોફેસરના ડાબા હાથને પણ ભારે ઈજા પહોંચી. સરવાળે, આજે બંને હાથ લગભગ નકામા છે.
ટ્રાયલ કોર્ટ પહેલાં ને પછીના જેલદિવસો વિશે શું કહેવું. અંગ્રેજી-ગુજરાતી વ્યાકરણછૂટ લઈને કહેવું હોય તો એ એક એવી દાસ્તાં છે જે આઉટસિતમ્સ સિતમ! એકાંત કોટડીની ગંદીગોબરી જિંદગીમાં પાણી પીવાની પ્લાસ્ટિક બોટલથી માંડી ઘરેથી આવેલી દવા મેળવવા સારુ દસ દસ દિવસની ભૂખહડતાળ કરવી પડી હતી. સી.સી.ટી.વી. કેમેરા ટોઈલેટની ક્ષણો ઝડપતો ને જેલર દફતરે તે નિત્યજોણું હતું.
ગુનો શો હતો, પૂછશો તમે. જો કે, એ તો આ દસ વરસના ગાળામાં સાઈબાબા ને વસન્તા જ નહીં દુનિયાભરનાં માનવહક્ક સંગઠનો (જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમજૂતી સાથે ભારત સરકાર વિધિવત્ જોડાયેલી છે એના અન્વયે) પૂછતાં રહ્યાં છે. મહારાષ્ટ્ર પોલીસે એમને માઓવાદી સાથે સંબંધ હતો અને બંને મળીને ‘રાષ્ટ્ર સામે યુદ્ધે ચડવાની પેરવી કરતા હતા’ એવો ગુનો નોંધ્યો છે. ટ્રાયલ કોર્ટે એ ધોરણે લગીરે વિવેકતપાસ વગર આતંકવાદ વિરોધી કાયદાની રૂખે જનમટીપ ઝીંકી.
એક અંતરાલ પછી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવ્યો. પણ રાજ્ય સરકાર આડી પડી. વચ્ચે સર્વોચ્ચ અદાલતનોયે એક જુદો તબક્કો આવ્યો. એ બધી ટેકનિકલ વાર્તામાં લાંબે ગયા વિના એટલું જ નોંધીશું અહીં કે હાઈકોર્ટના છેલ્લા મુક્તિ ચુકાદા સામે રાજ્ય સરકારે મનાઈ હુકમ મેળવવાની ચેષ્ટા કરી, પણ સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ‘સુચિંતિત ચુકાદા’ને અંગે મનાઈ આપવાનો સાફ ઈનકાર કર્યો છે અને આજાર તો આજાર ને નેવું ટકા ખખડેલ શરીરે પણ પ્રોફેસર સાઈબાબા આજે આપણી વચ્ચે છે. જો કે, કોલેજે એમને સસ્પેન્ડ કર્યા ને 2021માં તો છૂટા જ કરી દીધા એટલે આવકસાધન નથી. વસન્તા સારુ હમણેનાં બેત્રણ વરસોમાં તો દિલ્હીથી મહારાષ્ટ્ર મળવા જવું પણ વરસમાં બેત્રણ વારથી વધુ પોસાતું નહોતું.
દસકા પછી પ્રોફેસર બહાર તો આવ્યા, પણ એમના રાષ્ટ્રવિરોધી ગંભીર ગુનાની પોલીસ રજૂઆતમાં રાજ્ય સરકારના ચોક્કસ વલણે જે ભાગ ભજવ્યો અને એમાંથી આખી વાતને ન્યાયિક પ્રક્રિયાને ધોરણે બહાર કાઢતાં ઉપલી કોર્ટોના સ્તરે જે વિલંબ અનુભવાયો એને વિશે શું કહીશું? માઓવાદી (નક્સલ) કાવતરાં સંડોવણી વિશે ઠીક જ કહ્યું હાઈકોર્ટે કે સાહિત્ય વાંચવું, વસાવવું, ડાઉનલોડ કરવું તે ગુનો નથી, કાવતરું નથી. બૌદ્ધિક વિચારણાની દૃષ્ટિએ કોઈ રાજકીય સિદ્ધાંત સાથે તમે કામ પાડો છો તે પોતે કરીને કોઈ રાજ્યવિરોધી અપરાધ નથી. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકાર અને ટ્રાયલ કોર્ટને પણ ઠીક લબડધક્કે લીધા છે કે રાષ્ટ્રીય સલામતી બાબતે કાલ્પનિક જોખમની વેદી પર તમે કાનૂની પ્રક્રિયાનો બલિ ન ચડાવી શકો.
1930માં ગાંધીપ્રતાપે આપણે લવણ સારુ લડી લોકશક્તિનું લાવણ્ય ખીલવ્યું : સાઈબાબા કેસ આસપાસની જદ્દોજહદ એ કટોકટી રાજની પચાસી આગમચ પેલા લાવણ્યનો સંકેત છે, અને શાસનજોગ એલાર્મ બેલ પણ! માત્ર યાદ રહેવું જોઈએ કે તમારો ને મારો ન્યાય મેળવવાનો અધિકાર અને તે માટેનો આપણો આગ્રહ એ હર સામાજિક-રાજકીય સંસ્થાની દૃષ્ટિએ જરૂરી છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 માર્ચ 2024