નીલ શાંત વ્યોમ ને ફાગણની કાળજાળ,
ફૂટે છે રંગ ને ફૂટે છે ધરતીના શ્વાસ,
લીલું શરીર ખીલ્યા શતદલ આયો ફાગણિયો ફાલ.
ઝીણું જંતર વાગતું ને સાંભળે લીલીછમ ડાળ,
મનની ડાળ ઉપર પાંદડે પંખીના શ્વાસ,
પારિજાતના શરણે રંગીન ઝાંય આયો ફાગણિયો ફાલ.
લૂંબઝૂંબ લીલીકુંજાર ઝુમી રહી ગુલમહોરની ડાળ,
ખુશ્બૂ છે ખીલી ચોગમ હરિયાળીના શ્વાસ,
કૂંડામાં ઊગ્યું સાવ નાનું ફૂલ આયો ફાગણિયો ફાલ.
કોરીકટ માટલી સળગે ને ફાગણની કાળજાળ,
પાણિયારે મળ્યા છે આજ દીવડાના શ્વાસ,
સાગરજલનો નીલનીતાર આયો ફાગણિયો ફાલ.
ઘાટકોપર, મુંબઈ
E.mail : bijaljagadsagar@gmail.com