-
વિનોબા ભાવેએ બહુ માર્મિક ભાષામાં કહ્યું હતું કે ‘હી’ની જગ્યાએ ‘ભી’ અપનાવશો તો જીવન સાર્થક થઈ જશે
-
આપણે આપણાં પોતાનાં અને બીજાના ઓછાપણાનો પણ સ્વીકાર કરીએ છીએ. ટૂંકમાં ‘હી’ વિધ્વંસક છે
ગયા સપ્તાહના મારા લેખમાં પારસી કોમ વિશેની અજાણી બાજુ જાણીને એક વાચકે પ્રતિક્રિયા આપી હતી કે પારસીઓ વિષે ભ્રમનિરાસન થયું. ભ્રમનું નિરાસન ત્યારે થાય જ્યારે ભ્રમ સેવ્યો હોય અને આ દુનિયામાં સૌથી મોટો ભ્રમ એ છે કે ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ કોમ સર્વગુણસંપન્ન છે અને ચોક્કસ વ્યક્તિ કે કોમ અધમ છે. માણસ આખરે માણસ હોય છે અને પારસીઓ પણ માણસ છે. પ્રત્યેક માણસ સારા-નરસા ગુણોનું પૂતળું હોય છે અને સમાજ આખરે માનવીઓનો બનેલો હોય છે, એટલે સમાજમાં પણ સારાપણું અને નઠારાપણું બન્ને હોય છે. એક સત્ય ગાંઠે બાંધી રાખો : આ જગતમાં કોઈ વ્યક્તિ અને કોઈ સમાજ સર્વગુણસંપન્ન નથી કે અધમ નથી. બન્ને છે અને એમાં આપણો પોતાનો, આપણાં પોતાનાંઓનો, આપણા સમાજનો તેમ જ માનવરચિત પ્રત્યેક સંસ્થા અને કૃતિનો પણ સમાવેશ થાય છે.
વિનોબા ભાવેએ બહુ માર્મિક ભાષામાં કહ્યું હતું કે “હી”ની જગ્યાએ “ભી” અપનાવશો તો જીવન સાર્થક થઈ જશે અને જો “હી”માં અટવાયેલા રહ્યા તો અમૂલ્ય જિંદગી કોઈની આરતી ઉતારવામાં અને કોઈનું બુરું ઇચ્છવામાં વેડફાઈ જશે. પણ આ શીખ એ લોકો માટે છે જે પોતાની જિંદગીની કિંમત સમજે છે. જેની આરતી ઉતારો છો એની પણ કોઈ મર્યાદાઓ હશે અને જેને નીચ સમજો છો એની પણ કોઈ ઉજળી બાજુ હશે. મહાત્મા ગાંધી પણ મર્યાદાઓથી ગ્રસ્ત હતા અને તેમણે તેમની મર્યાદાઓનો ખુલ્લો સ્વીકાર પણ કર્યો છે. આ વાત ઇતિહાસમાં થયેલા અન્ય મહાપુરુષોને પણ લાગુ પડે છે. માટે વિનોબા કહેતા કે હમારી કૌમ “હી: શ્રેષ્ઠ હૈ કે હમારા ધર્મ “હી” શ્રેષ્ઠ હૈ એમ કહેવાની જગ્યાએ એમ કહેવું જોઈએ હમારા સમાજ “ભી” શ્રેષ્ઠ હૈ ઔર હમારા ધર્મ “ભી” શ્રેષ્ઠ હૈ. આમ જ્યારે તમે કહેશો ત્યારે બીજાના સારા હોવાપણાનો તમે સ્વીકાર કરો છો. તુમ ભી અચ્છે હો ઔર તુમ્હારા ધર્મ ભી અચ્છા હૈ. એટલું જ નહીં, આમ કહેતી વખતે આપણે આપણા પોતાના અને બીજાના ઓછાપણાનો પણ સ્વીકાર કરીએ છીએ. ટૂંકમાં “હી” વિધ્વંસક છે. જો તમારે તમારી અમૂલ્ય જિંદગીને એળે જવા દેવી હોય તો આવી પ્રવૃત્તિ કરો.
પારસીઓ “પણ” મહાન કોમ છે એમાં કોઈ શંકા નથી અને પારસીઓ “પણ” માનવીય મર્યાદાઓથી ગ્રસ્ત છે. પારસી કોમની મર્યાદાઓ બતાવવી હોય તો હું હજુ બીજી બે-પાંચ મર્યાદાઓ બતાવી શકું એમ છું. આ જગતમાં કોઈ સર્વગુણસંપન્ન નથી. ગુણ-અવગુણથી ગ્રસ્ત માનવી અને માનવીનો બનેલો સમાજ સમય અને સંજોગો મુજબ વર્તે છે. જો સમય અને સંજોગો અનુકૂળ હોય તો માણસ માનવીય મર્યાદાઓ સાથે બાંધછોડ કરવા લાગે છે અને સમાજ તો વળી હજુ વધુ મર્યાદાઓ સાથે બાંધછોડ કરે છે, કારણ કે તે સમૂહમાં તાકાતનો અનુભવ કરે છે. ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભારતની બીજી કોઈ કોમ કરતાં પારસીઓને અંગ્રેજોની નજીક જવામાં ઓછી તકલીફ પડી હતી. જ્ઞાતિનાં બંધનો, ધાર્મિક બંધનો, પરંપરાનાં બંધનો, વેશભૂષાનાં બંધનો, ભોજનનાં બંધનો તેમને અન્ય ભારતીય કોમની તુલનામાં ઓછા નડ્યાં હતાં. પાશ્ચાત્યપણાને તેઓ ઝડપથી અપનાવી શક્યા હતા. અંગ્રેજ અને અંગ્રેજિયતના આસાન સ્વીકારને કારણે પારસીઓ અંગ્રેજોની નજીક પહોંચી ગયા હતા. દેખીતી રીતે એક વાર સત્તાની નજીક પહોંચી ગયા પછી પારસીઓ પણ મર્યાદાઓ સાથે બાંધછોડ કરવા લાગ્યા હતા. તેઓ પણ તાકાતનો, અજેયતાનો, ઐશ્વર્યનો ખોટો અનુભવ કરવા લાગ્યા હતા. આ બધું માનવસહજ છે.
પણ માનવસહજ છે એનો અર્થ એવો નથી કે એ યોગ્ય છે. પારસીઓનું કૃત્ય માનવસહજ હતું, પણ યોગ્ય તો નહોતું જ. માટે પ્રસંગ આવ્યે “ભી”ને કેન્દ્રમાં રાખીને કહેવું જોઈએ કે પારસીઓએ પણ અત્યાચારો કર્યા હતા. ભારતમાં જ્યારે મુસલમાનોનું રાજ હતું ત્યારે કેટલાક મુસલમાનો મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હતા, મરાઠાઓનું રાજ હતું ત્યારે કેટલાક મરાઠાઓ મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હતા, ક્ષત્રિય રાજવીઓનું રાજ હતું ત્યારે કેટલાક ક્ષત્રિયો મર્યદાઓનું ઉલ્લંઘન કરતા હતા અને અત્યારે કેટલાક હિંદુઓ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્રણ ચીજ છે : એક, આ માનવસહજ છે. બે, આ અપવાદ વિના સાર્વત્રિક છે એટલે કે દરેક પ્રજામાં આ જોવા મળે છે અને ત્રણ, આ નિંદનીય પણ છે.
મારા લેખમાં મૂક સંમતિ કે સ્વીકાર મોટાભાગે શરણાગતિ હોય છે એ મુદ્દો સાબિત કરવા પારસી કોમનું ઉદાહરણ આપ્યું હતું કે પારસીઓ “પણ” આવું કરતા હતા. મુદ્દો મહત્ત્વનો હતો, પારસીઓની મર્યાદા નહીં. પણ ઘડીભર વિચારો કે હું ખોતરી ખોતરીને પારસીઓની મર્યાદાઓ શોધ્યા કરું, તેની યાદી બનાવું, દિવસરાત પારસીઓની અંધારી બાજુ શોધ્યા કરું તો? તો હું “ભી” ને “હી”માં ફેરવી નાખીશ. એમાં પારસીઓનું તો થવાનું હશે તે થશે પણ હું મારી અમૂલ્ય જિંદગીનું અને મારી આવનારી પેઢીનું નખ્ખોદ કાઢવાનો એ નક્કી છે. આજકાલ કેટલાક લોકો દિવસરાત “ભી”ને “હી”માં ફેરવવાનો વ્યાયામ કરી રહ્યા છે એ જોઇને દયા ઉપજે છે. હમ “હી” અચ્છે ઔર દુસરે “હી” બુરે. એક જ જિંદગી મળી છે એટલે અમૂલ્ય છે, પણ તેઓ તેમની જિંદગીની કિંમત સમજતા નથી!
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 27 ઑગસ્ટ 2023