દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સલામતી કાફલામાં તેમની મોટરકારની આગળ એક પાઈલોટિંગ મોટરસાઈકલ જ રહેતી હતી. આજે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માનના સલામતી કાફલામાં બેતાળીસ વાહનો હોય છે ! કદાચ એ દેશના કોઈ પણ વી.આઈ.પી.નો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. પણ રહો તેમની પૂર્વેના કાઁગ્રેસ અને અકાલી દળના મુખ્ય મંત્રીઓના સુરક્ષા કાફલા પણ કંઈ સામાન્ય નહોતા. તેમના કાફલામાં અનુક્રમે ઓગણચાલીસ અને તેત્રીસ વાહનો રહેતા હતા ! સલામતીના નામે વી.આઈ.પી. કલ્ચર કેવું ફાટીને ધૂમાડે ગયું છે, તેના આ વિરોધ અને રોષ જન્માવે તેવા દાખલા છે.
પદ, પ્રતિષ્ઠા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમને કેટલીક ખાસ સગવડો કે વિશેષાધિકારો આપવામાં આવે છે તે વી.આઈ.પી. ગણાય. તેમાં રાજનેતાઓ, વહીવટી, પોલીસ અને લશ્કરી અધિકારીઓ, ન્યાયાધીશો, ફિલ્મીકલાકારો, ક્રિકેટરો, ધાર્મિક નેતાઓ વગેરેનો સમાવેશ થાય છે.
વી.આઈ.પી.ને મળતી ખાસ સુવિધાઓનો એ હદે દેખાડો અને અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે કે તે વી.આઈ.પી. કલ્ચર નહીં અપસંસ્કૃતિ કહેવાય. તેને માઈબાપ સરકાર સંસ્કૃતિ, વી.આઈ.પી. ફસ્ટ, હીરોગીરી, શક્તિનું પ્રદર્શન, તાકાતનો દેખાડો, સ્ટેટ્સ સિમ્બોલ અને સરકારી સુવિધાભોગી વર્ગ તરીકે પણ ઓળખી શકાય. વૈભવ પ્રત્યે આકર્ષિત અને અચંબિત ભારતીય લોકમાનસ દિલોદિમાગથી તો સાદગી સમર્થક અને પ્રશંસક છે. એટલે વી.આઈ.પી. કલ્ચર પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના વ્યાપક છે.
હજુ હમણાના જ દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ગૌતમ ચૌધરી પુરુષોત્તમ એકસપ્રેસમાં નવી દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ટ્રેન ત્રણ કલાક લેટ ચાલતી હતી. તેથી જજસાહેબે અલ્પાહાર માટે પેન્ટ્રીનો અને પછી પોલીસનો સંપર્ક કર્યો. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. આ સંદર્ભે અલ્હાબાદ વડી અદાલતના રજિસ્ટાર (પ્રોટોકોલ) એ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી ફરિયાદ કરી અને જજસાહેબને પડેલ તકલીફ તથા પ્રોટોકોલનો અમલ ના કરવા બદલ જવાબદારો સામે પગલાં ભરવા જણાવ્યું. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ અને કોલકાતા હાઈકોર્ટના વર્તમાન જજ ગૌરાંગ કંઠના દિલ્હી આવાસે સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીથી ઘરનો બહારનો ગેટ ખૂલ્લો રહી જતાં જજસાહેબનો પાલતુ કૂતરો ક્યાંક જતો રહ્યો. એટલે ન્યાયાધીશ મહોદયે દિલ્હીના પોલીસ કમિશનરને પત્રથી ફરિયાદ કરી કે તેમનો કૂતરો સુરક્ષાકર્મીના બેજવાબદાર વર્તનથી ખોવાઈ ગયો હોઈ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરો.
શાયદ તાજેતરના આવા જ બનાવોને અનુલક્ષીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ તમામ હાઈકોર્ટોના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે જજીસ તેમને પ્રોટોકોલ પ્રમાણે જે સુવિધાઓ મળે છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને લોકોના કરતાં તેઓ જુદા કે ઊંચા છે તેવું દેખાડવા તેનો ઉપયોગ ન કરે. જસ્ટિસ ચંદ્રચૂડની આ ટકોર સમયસરની છે અને જો તેનો અમલ થશે તો તે જજીસને જાહેર આલોચનાથી બચાવશે.
છેક ૨૦૧૩માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વી.આઈ.પી.ઓના વાહનો પરની લાલ લાઈટ દૂર કરવા કાયદામાં સુધારો કરવા અને વી.આઈ.પી.ની યાદી જાહેર કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. સરકારને આટલી આસાન બાબતનો અમલ કરતાં ચાર વરસ લાગ્યા હતા. ૨૦૧૭માં ભારત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને લાલ લાઈટ દૂર કરી હતી. સામંતશાહી કે સત્તાનું પ્રતીક લાલ બત્તી જવાથી લોકોના તમામ દુ:ખ દૂર થઈ ગયાં અને વી.આઈ.પી. કલ્ચર નાબૂદ થઈ ગયું એવો માહોલ એ સમયે ઊભો કરવામાં આવ્યો હતો.
પરંતુ વી.આઈ.પી. કલ્ચર તો બીજા અનેક સ્વરૂપે હજુ છે જ. અત્યાધિક સુરક્ષા વ્યવસ્થા, વી.આઈ.પી.ને કારણે રસ્તા પરનો ટ્રાફિક રોકવો, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ઉદ્દઘાટનો અને શિલાન્યાસોની તકતીઓમાં નામ, સાઈરન, એરપોર્ટ કે રેલવે સ્ટેશનો પર અલગ વી.આઈ.પી. લોન્જ, વિમાનમાં ચઢવામાં પ્રાથમિકતા, અનેક બાબતોમાં વી.આઈ.પી. ક્વોટા જેવા વિશેષાધિકારો હજુ યથાવત છે. કેટલાક તો તેમણે જાતે મેળવી લીધા છે. જેમ કે સરકારી ગાડીમાં બાળકોને શાળાએ મોકલવા કે પત્નીએ શાકબકાલું લેવા જવું, પટાવાળાએ સાહેબ આવે ત્યારે બ્રીફ કેસ લેવા જવું, ડ્રાઈવર ઉંમરમાં મોટા હોય તો ય સાહેબની ગાડીનો દરવાજો તો તેમણે જ ખોલવો, અંગત કામ માટે સરકારી કચેરીના સ્ટાફનો ઉપયોગ કરવો, ઓફિસના પટાવાળાને ઘરકામ માટે રાખવા વગેરે. એટલે આ બધી સગવડોની તુલનામાં વાહનો પરની લાલ લાઈટ દૂર કરવી તો સાવ તુચ્છ લાગે છે.
જો કે કેટલાક વી.આઈ.પી.એ આ વિશેષાધિકારો પર લગામ કસવાના પ્રયાસો કર્યા છે. વર્તમાન સરકારે આખા દેશમાં સાવ સસ્તી એવી સંસદની કેન્ટીનમાં મળતી ખાણીપીણી પરની સબસિડી દૂર કરી છે. વી.પી. સિંઘે તેમના પ્રધાનમંત્રીકાળમાં વડા પ્રધાનના વિદેશપ્રવાસ વખતે આખી કેબિનેટ એરપોર્ટ પર વિદાય આપવા કે આવકારવા જાય તે બંધ કરાવ્યું હતું. તે પછીના વડા પ્રધાનો પણ તેને અનુસર્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાતે ઓફિસમાં બેલ વગાડી પટાવાળાને બોલાવવાનું બંધ કરી રેલવેના અધિકારીઓને પણ બેલ વગાડવી બંધ કરવા જણાવ્યું છે. અસમના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમાએ તેમની ગાડી રસ્તા પરથી પસાર થાય ત્યારે જરા ય ટ્રાફિક ના રોકવા આદેશ કર્યો છે. તેથી વી.આઈ.પી.ને કારણે જાહેર રસ્તા બંધ કરવાથી લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે. કદાચ આ પ્રયત્નો વી.આઈ.પી. માનસિકતામાં બદલાવ આણી શકશે. જો કે કેટલાક વી.આઈ.પી.એ લાલબત્તીના વિકલ્પે હૂટર અને કેટલાકે સરકારી હોદદ્દો લખેલી ઝંડી લગાવીને પોતે સામાન્ય પ્રજાથી નોખા હોવાનું જણાવવાનું ચાલુ રાખ્યું છે.
વી.આઈ.પી. સંસ્કૃતિ સર્વત્ર વ્યાપેલી છે. નવી દિલ્હીના યમુના તટે રાજઘાટની પાડોશમાં વી.આઈ.પી. સ્મશાન વિકસ્યું છે. ઘણાંને તેમાં મર્યા પછી સ્થાન જોઈએ છે. ભલે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠના ચુકાદામાં મંદિરમાં વિરાજતા ભગવાન સિવાય કોઈ વી.આઈ.પી. નથી તેમ જણાવે પણ મંદિરોમાં વી.આઈ.પી.ના માનપાન એ હદના હોય છે કે તેઓ દર્શનાર્થે પધારે છે ત્યારે આખા મંદિર પરિસરને સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હજયાત્રામાં પણ મોટો વી.આઈ.પી. ક્વોટા હોય છે. કુદરતી કે માનવ સર્જિત આફત વખતે વી.આઈ.પી. અને તેમના કુટુંબને બચાવ અને રાહત પહેલા પહોંચે છે. હોસ્પિટલની સારવારમાં તેમને અગ્રક્રમ મળે છે. એટલે માત્ર લાલ લાઈટ જવાથી વી.આઈ.પી. કલ્ચર જવાનું નથી.
સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને ૨૦૧૫માં વી.આઈ.પી.ની સૂચિ બનાવવી પડી ત્યારે તેમાં પહેલા ૨,૦૦૦ અને પછી ૧૫,૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨, ઓસ્ટ્રેલિયામાં ૨૦૫, અમેરિકામાં ૨૫૨, દક્ષિણ કોરિયામાં ૨૮૨, રશિયામાં ૩૧૨ અને ચીનમાં ૪૨૫ વી.આઈ.પી. છે. પણ મેરા ભારત મહાનમાં આજે આશરે પ લાખ ૮૦ હજાર વી.આઈ.પી. છે ! હવે આ અપસંસ્કૃતિ સામે ના તો ન્યાયતંત્ર સંઘર્ષ કરતું દેખાય છે કે ના તો આમ આદમી. એટલે વી.આઈ.પી.ને તેનો પેધો પડ્યો છે અને બાકીનાને જાણે કે કોઠે પડી ગયું છે.
e.mail : maheriyachandu@gmail.com