સર જમશેદજી નસરવાનજી તાતા:
રાત–દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી
સ્થળ : જમશેદજી તાતા રોડ
સમય સવારના ચાર
જીન્સ-કુરતું પહેરેલો એક જુવાન પત્રકાર ઓફિસેથી નીકળી ચર્ચગેટ સ્ટેશન તરફ જઈ રહ્યો છે. મોબાઈલ પર ઉમાશંકર જોશીનું ગીત વાગી રહ્યું છે તે સાથોસાથ ગણગણતો રહે છે.
સપનાં લો કોઈ સપનાં,
અવાવરૂ કો હૈયાખૂણે નાખી રાખો,
નહિ કંઈ પૂણે,
નીવડશે કદી ખપનાં
સપનાં લો કોઈ સપનાં
ભીખા શેઠ : પધારો, પધારો વાચ્છા શેઠ. જમશેદજી નસરવાનજી તાતાની શીળી છાયામાં આપનું સ્વાગત છે.
દિનશા શેઠ : કેમ બાવા! તમુની તબિયત તો સોજ્જી છે ને?
ભીખા શેઠ : કેમ?
દિનશા શેઠ : આય તમે પેલા ગુજરાતી લેખકો જેવું ‘શુદ્ધ’ ચોખ્ખું-ચણાક બોલવા લાગિયા એટલે પૂછું છ.
ભીખા શેઠ : એ તો એમ કે આપરી ગુજરાતી ભાસાના એક જાનીતા-માનીતા લેખકે મહેતાજીને લખિયું છે કે આય બધ્ધા પારસી જબાનમાં જ બોલબોલ કીધા કરે ચ એના કરતાં અમારી જેમ ‘શુદ્ધ’ ગુજરાતીમાં કેમ નઈ બોલે? અમુને સમજવું થોરું સહેલું પરે ને!
રઘલો : સેઠ! મેં બી પાંચ-સાત ગુજરાતી ચોપરી વાંચેલી હો. પણ એમાં તો મેઘાણીભાઈ સોરઠી બોલી વાપરે, ઉમાશંકરભાઈ ઈડરિયા મલકની બોલી વાપરે, અને ઓલા ગુણવંતરાયભાઈ તો દરિયાખેડુની બોલી વાપરે. તે વારે કોઈ આવી ફરિયાદ કરે છ?
ભીખા શેઠ : જો રઘલા! આય અમે પારસી લોક તો દૂધમાં સાકરની જેમ મિક્સ થઈ ગિયા, એ વાતને કેટલાં ય વરસ થઈ ગિયાં. પન હજી ઘન્ના ‘સુધ્ધ’ બોલનારાને પારસી જબાન ગોઠતી જ નૈ.
વાચ્છા શેઠ : તમે બેઉ આ લપ મૂકોની! પેલો જવાન ગિયો તે કેવું મીઠ્ઠું ગીત ગુણગુણતો હૂતો : ‘સપનાં લો કોઈ સપનાં.’ આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા!
જમશેદજી : તમે બી સું દીન્શાજી! જે થોરું ઘણું થયું એ કીધું.
વાચ્છા શેઠ : સર! તમુએ એક નહિ પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી કે નહિ?
ભીખા શેઠ : સ્વામી વિવેકાનંદ? પેલા અમેરિકાના શિકાગો શહેરની કોન્ફરન્સમાં સોજ્જું મજાનું ભાસણ કીધેલું તે?
વાચ્છા શેઠ : હા જી, એ જ સ્વામી વિવેકાનંદ. વાત જાને એમ છે કે સ્વામીજી અને સર જમશેદજી, બંને ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામની સ્ટીમરમાં સાથે ટ્રાવેલ કરી રહ્યા હુતા. ૧૮૯૩ના મે મહિનાની ૩૧ તારીખે સ્વામીજી પેનેનસુલા નામની આગબોટમાં મુંબઈથી નીકલિયા. સીધો રસ્તો લેવાને બદલે લાંબો રસ્તો લીધો. મુંબઈથી ગિયા ચીન, અને ત્યાંથી ગિયા જાપાન. તાંના યોકોહામા બંદરેથી આર.એમ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા નામની સ્તિમરમાં વાનકુવર જવા નીકલિયા.
રઘલો : અરે સેઠ! મુને આગગાડી અને આગબોટની વાતો બઉ ગમે છ. આય આગબોટની થોરી વાત કરો ની!
વાચ્છા શેઠ : સાંભલ દિકરા. એ જમાનામાં એરોપ્લેન તો હુતાં નહિ. એટલે એક દેસથી બીજે દેસ જવા માટે આગબોટ એક જ સાધન હુતું. આય એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા કેનેડિયન પેસિફિક સ્ટીમશિપ્સ નામની કંપનીને વાસ્તે ગ્રેટ બ્રિટનમાં ૧૮૯૦-૧૮૯૧માં બંધાઈ હુતી. કલાકના ૧૬ દરિયાઈ માઈલની ઝડપે ચાલતી આય ટ્વીન પ્રોપેલર બોટ એ વખતે સૌથી ફાસ્ટ ચાલતી સ્ટીમર હુતી. તેમાં એકુ વખતે ૭૭૦ મુસાફરો બેસી સકતા હુતા.
ભીખા શેઠ : બીજી એક વાત. ૧૯૧૪માં કેનેડિયન કંપનીએ આય બોટ આપના દેસના ગ્વાલિયરના મહારાજાને વેચી દીધી. એવને બોટનું નવું નામ રાખ્યું ‘લોયલ્ટી.’ પણ તે વારે જ પહેલી વર્લ્ડ વોર સુરુ થઈ. આ બોટમાં ફેરફાર કરી તેને સૈનિકો માટેની ઓસ્પિટલ બનાવી નાખી. વોર પૂરી થયા પછીથી ૧૯૧૯ના માર્ચમાં આપના દેસની પહેલવહેલી ‘દેશી’ શિપિંગ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશને આય શીપ ખરીદી લીધું. અને એ જ વરસના એપ્રિલ મહિનાની પાંચમી તારીખે આપના દેસના વહાનવટાના હિસ્ટરીમાં એક નવું સોનેરી ચેપ્ટર લખાયું. તે દહારે આય દેશી કંપનીની ‘લોયલ્ટી’ સ્ટીમર મુંબઈથી ગ્રેટ બ્રિટન જવા નીકલી. તે દહાડા સુધી હિન્દુસ્તાન-બ્રિટન વચ્ચેની મુસાફરી પર અંગ્રેજ કંપનીઓની મોનોપોલી હુતી.
ભીખા સેઠ : પણ વાચ્છા સેઠ! સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદની વાત હવે આગળ ચલાવોને!
વાચ્છા સેઠ : સર જમશેદજી બી શિકાગો જતા હુતા, પણ ધંધાના કામે. જાપાનથી કેનેડાની મુસાફરી સુરુ થઈ ત્યારે સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદ એકુમેકુને ઓલખતા હુતા નહિ. પન શીપની લાંબી મુસાફરીમાં એકમેકુને મલિયા, વાતો કીધી. તે વારે સર જમશેદજીએ સ્વામીજીને કીધું કે આપ તો આપરા દેસનું નામ રોશન કરવા જાવ છો. પણ મારાં બી બે નાલ્લાં સપનાં છે આપરા દેસ માટે. એક તો સાયન્સના ટીચિંગ અને રીસર્ચ માટે એક મોટ્ટી ઇન્સ્ટિટ્યૂટ શુરુ કરવી ચ આપરા દેસમાં. અને બીજું સપનું તે પાણીની મદદથી વીજળી પેદા કરવા એકુ હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ નાખવો ચ, મુંબઈની પાસે. સ્વામીજીએ એવનની વાત સાંભલીને કીધું કે બહુ ઉમદા વિચાર છે આપના. આવું કોઈ કામ કરો અને મદદની જરૂર પરે તે વારે મુને યાદ કરજો.
રઘલો : સર જમશેદજી સાહેબનાં એ સપનાં સાચાં પડિયાં કે નહિ?
વાચ્છા શેઠ : સર જમશેદજીનાં બેઉ સપનાં સાચાં પરિયાં બી, અને નૈ બી પરિયાં.
ભીખા શેઠ : એ વરી કઈ રીતે?
વાચ્છા શેઠ : એ એવી રીતે કે બેઉ પ્રોજેક્ટની શુરૂઆત તેમની આંખ સામે થઈ પન એ પૂરા થાય એ પહેલાં જમશેદજી શેઠ ખોદાયજીને પ્યારા થઈ ગયા.
ભીખા શેઠ : એ બે પ્રોજેક્ટ તે કિયા?
વાચ્છા શેઠ : સ્વામી વિવેકાનંદ સાથેની સફર પછી પાંચ વરસે જમશેદજી શેઠે કાગજ લખિયો : ‘આજથી પાંચ વરસ પર જાપાનથી વાનકુવર જતી શીપ પર આપરે મલિયા હુતા તે આપને કદાચ યાદ હોસે. એ વખતે મેં મારાં બે સપનાં બાબત વાત કરી હુતી. મને કહેતાં ખુસી ઉપજે છ કે તેમાંથી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું કામ હવે સુરુ થૈ ગયું છે. બેંગલોરમાં આય માટે મૈસૂરના મહારાજાએ ૩૭૧ એકર જમીન અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. મેં બી મારી થોરી જમીન અને મકાનો આપ્યાં છે.’ નવાં મકાનો બંધાવા લાગિયાં, બીજી બધી સગવરો ઊભી થવા લાગી. આય બધી તૈયારી જોઈને જમશેદજી જરૂર હરખાયા હોસે. પન એવન પરદેશની મુસાફરી પર ગિયા હુતા ત્યારે જર્મનીમાં ૧૯૦૪ના મે મહિનાની ૧૯મી તારીખે એવન આ ફાની દુનિયા છોરીને ચાલી ગિયા.
૧૯૨૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાતે ગાંધીજી
જમશેદજી તાતા : એકુ વાત કેઉં? ઘન્ના લોક કહે છ કે મહાત્મા ગાંધી વિજ્ઞાનની વિરુદ્ધ હુતા. પન એવું નથી. મારા સપનાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની મહાત્માએ બે વાર મુલાકાત લીધી હુતી. પહેલી ૧૯૨૭ની ૧૨મી જુલાઈએ. અને બીજી ૧૯૩૬ના જૂનની ૧૨મી તારીખે. પહેલી વાર આવિયા તેવારે કસ્તૂરબા અને મહાદેવ દેસાઈ બી સાથે હુતાં અને સર સી.વી. રમણ અને કેનેથ એસ્ટને તેઓની પરોણાગત કીધી હુતી. એ વખતે મારી રૂહ બી ત્યાં હાજર હુતી.
ભીખા શેઠ : અને સર સાહેબનું બીજું સપનું?
તાતા પાવર સ્ટેશન, અસલ મકાન
વાચ્છા સેઠ : એ હુતું મુંબઈ શેરને ઈલેક્ટ્રીસિટી પૂરી પાડવા માટે હાઈડ્રોલિક પાવર સ્ટેશન શુરુ કરવાનું. લોનાવલા પાસેની એકુ જાગા જોઈને જ એવનને થિયું કે અહીં હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઊભું કરી મુંબઈને પાવર પહોચારી સકાય. પરદેસથી એક્સપર્તોને બોલાવિયા, તેમણે બી કીધું કે હા, આમ જરૂર જ થઈ સકે તેમ છે. પન આ પાવર સ્ટેશન ધમધમતું થિયું તે બી સર સાહેબ બેહસ્તનશીન થયા તે પછી.
ભીખા શેઠ : આય તાતા પાવર સ્ટેશન આજે બી મુંબઈ શેરના ઘન્ના ભાગોમાં પાવર પૂરો પાડે છે. અને એ રીતે લોકો આજે બી સર સાહેબને યાદ કરે છે.
વાચ્છા શેઠ : તમુની આય વાત એકદમ સાચ્ચી, પન આય મુંબઈમાં સર જમશેદજીનું બીજું બી એક બહુ મોત્તું મેમોરિયલ બિલ્ડિંગ છે.
રઘલો : એ વરી કયું?
વાચ્છા શેઠ : પાલવા બંદર પર આવેલી તાજ મહાલ હોટેલ.
ભીખા સેઠ : પાલવા બંદર એટલે તો ગેટ વે ઓફ ઇન્ડિયા કની?
તાજ મહાલ હોટેલ, ૧૯૦૩માં બંધાઈ ત્યારે
વાચ્છા શેઠ : હા, પણ ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે આય હોટેલ સુરુ થઈ ત્યારે તિયાં ગેટ વે ઓફ ઇન્ડિયા હૂતો જ નઈ. એ તો ૧૯૨૪ના ડિસેમ્બરની ચોથી તારીખે ખુલ્લો મૂકાયો હૂતો. એ જાગોને આપરા દેસી લોકો પાલવા બંદર કહેતાં, અને અંગ્રેજો એપોલો પિયર.
આય તાજ મહાલ હોટેલ એ સર જમશેદજી નસરવાનજી તાતાનું રાત-દિવસ લોકની આવનજાવન વરે ધબકતું મેમોરિયલ છે.
ભીખા શેઠ : સર સાહેબ બેહસ્તનશીન થિયા પછી એવનને વાસ્તે દિલગીરી જાહેર કરવાને આપરા ટાઉન હોલમાં એક મોટ્ટી મિટિંગ ભરાઈ હુતી. તે વેલા જસ્ટીસ નારાયણ ગણેશ ચંદાવરકર શોકના ઠરાવને ટેકો આપવાને ઊભા થિયા ત્યારે બોલ્યા હુતા : ‘ઘન્ના લોક કહે ચ કે સર જમશેદજી તાતાના દિમાગમાં રોજ નવા નવા વિચારો આવતા હુતા. તો કોઈ વલી બોલે ચ કે એવન હંમેશ બીજાઓને નવાં નવાં કામ કરવા ઇન્સ્પીરેશન આપતા હુતા. પન કદાચ વધુ સાચી વાત તો એ છે કે સર જમશેદજી નસરવાનજી તાતા એટલે રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી.
સાહેબો, આપની આય પુતલાં પરિષદનો આજે છેલ્લો દિવસ છે. એટલે છુટ્ટા પરતાં પહેલાં આપરે સૌ સાથે મળીને જેહાંગીર નસરવાનજી પટેલ ‘ગુલફામ’ના ‘ધન ધન ધોરી’ નામના નાટકનું એક ગીત ગાઈએ.
રઘલો : અરે પણ સેટ! આય ગુલફામ હુતા કોન એ તો જરા કહો.
વાચ્છા સેઠ : આપરી ગુજરાતી ભાસાના બહુ મોટ્ટા નાટક-લેખક હુતા.
૧૮૬૧ના જુલાઈની ૧૪મી તારીખે ખોદાયજીએ એવનને આય દુનિયામાં મોકલિયા અને ૧૯૩૬ના ઓગસ્ટની ૨૪મી તારીખે પોતાની પાસે પાછા બોલાવી લીધા. આપરી ગુજરાતી બોલીમાં – ફક્ત પારસી ગુજરાતીમાં નહિ, one act plays કહેતાં એકાંકી નાટક સૌથી પેલ્લે એવને લખિયાં. બટુભાઈ ઉમરવારિયા અને યશવંત પંડ્યાનાં એકાંકી છપાયાં તે પેલ્લાં દસ-બાર વરસે ગુલફામનાં એકાંકી છપાયાં અને તખ્તા પર ભજવાયાં બી હુતાં.
(બધા ઊભા થઈને ગાય છે)
જગ કિરતાર સરજનહાર,
કિસ્તી મારી તું પાર ઉતાર.
મુજ કોમનો તું કર ઉધ્ધાર,
ઓ દાતાર! કર બેડો પાર.
સખાવત ને બહાદુરીનું
આપજે અમને જોમ
કૂલ દુન્યા સાથે કહે
ધન ધન પારસી કોમ.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 05 ઑગસ્ટ 2023)