રોજની પેઠે અમે સવારની ચા માણતાં બેઠાં હતાં. ઠૂઠાં પણ નયનરમ્ય ઝાડવાની વચ્ચેથી ચળાઈને આવતું અરુણું પરભાત અમને કોઠે શાતા પૂરતું હતું. અને તેવાકમાં જ મારી ચાનો બીજો પ્યાલો હોઠે માંડું ને આ સોનેટ તરવરવા લાગ્યું ! લ્યો, મારી એ આનંદની લહેરને તમ લગી વિસ્તારવાનું આ મન કર્યું.
[It was our usual morning with tea and watching the અરુણું પરભાત behind the barren but beautiful trees. And there, surfaces the above sonnet under my second cup of tea! I would like to share the joy it brought me.]
પન્નાને જન્મદિને
(12/28/2021)
*શિખરિણી*
સવારે છાપામાં જરૂર નીરખું કોણ ગુજર્યું,
ગયા મિત્રો જૂના, નવીન વળી કૈં નાની વયના,
વળાવ્યાં કૈં વ્હાલાં, દૂર નજીકના વૃદ્વ વડીલો
હવે મારો વારો અચૂક બસ એવી ગણતરી,
કરી તૈયારી સૌ, ચૂકવી દઈ સૌ દેણુ હતું તો,
વળી માગી માફી કરજ હજી કૈં બાકી રહ્યું તે
હતું બાંધ્યું બીસ્ત્રે ફગવી બધું, કીધી અલવિદા,
પછી હું બેઠો’તો ભજન ભજતો, દિન ગણતો.
અને ત્યાં તું આવી કમલનયના, કામ્ય, રમણી
કહ્યું: આ શું માંડ્યું? જીવન જીવવું બાકી ઘણું છે,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, નયને સૃષ્ટિ સઘળી,
નથી માણી તેને તન મન થકી એક થઈને
જીવીશું, માણીશું, જીવન જીવશું સાથ જ વળી −
ઊઠો, દીધું એવું વચન કરવું સાર્થ હજી છે.