કેન્દ્ર સરકારે કન્યાની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે. એમ કરીને પુરુષની લગ્નની કાયદેસરની ઉંમરની બરાબરી કરવાનો હેતુ છે ને સાથે જ લગ્ન મોડાં થતાં, સંતાનો પણ મોડાં થશે ને એ રીતે વસ્તી નિયંત્રણ કરવાનો ઉદ્દેશ પણ સરકારનો હોય એમ બને. જો કે, ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલ સમતા પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષા જયા જેટલીનું કહેવું છે કે જન્મ દર ઘટી જ રહ્યો છે એટલે વસ્તી નિયંત્રણમાં જ છે, તેથી કન્યાની લગ્નની ઉંમર 21ની કરવા પાછળ વસ્તી નિયંત્રણનો હેતુ નથી. મતલબ કે લક્ષ્ય વસ્તી નિયંત્રણ નથી. લક્ષ્ય મહિલા સશક્તિકરણનું છે. 18 વર્ષે કન્યાને લગ્ન ન કરવા દેવાથી મહિલા સશક્તિકરણ થાય છે એ શોધ જયા જેટલીની છે. જો કે, કઈ રીતે આમ કરવાથી મહિલા સશક્તિકરણ થાય છે એ એમણે જણાવ્યું નથી એટલે એમની વાત પર ભરોસો જ મૂકવાનો રહે. હા, બંનેની લગ્નની ઉંમર એક થઈ જતાં સ્ત્રી-પુરુષ સમાનતા સાચવાઈ ગઈ છે તે ખરું. વડા પ્રધાને પણ મહિલાઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારવાનો સંકેત વરસેક પર આપ્યો જ હતો ને તે પ્રમાણે લગ્નની કન્યાની ઉંમર 21ની કરવામાં આવી છે. મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ જણાવ્યું છે કે તમામ ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાયની કન્યાઓની લગ્નની લઘુત્તમ વયમર્યાદા 21ની એક સમાન રીતે લાગુ કરાઈ છે. લોકસભામાં આ અંગેનો ખરડો રજૂ કરવામાં આવ્યો ને વિવાદ વધતાં તેને સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો છે. બાળવિવાહ ખરડો 2021 લોકસભામાં રજૂ થતાં વિપક્ષે રાજકીય શંકા દર્શાવી ભારે હોબાળો મચાવ્યો એટલે આ ખરડો પણ સંસદની સ્થાયી સમિતિને મોકલવાનું ઠરાવાયું હતું.
જયા જેટલીએ ઉંમર વધારવા બાબતે કારણો આપતાં જણાવ્યું છે કે 18ની ઉંમરે લગ્ન કરી દેવાતાં છોકરીઓ સ્કૂલ કે કોલેજનું ભણતર પૂરું કરી શકતી નથી. મહિલાઓની લગ્નની ઉંમરમાં વધારો થતાં હવે પુરુષ અને સ્ત્રીની લગ્નની ઉંમર સમાન થઈ ગઈ છે. આમ તો જૈવિક કારણોસર લગ્ન માટે સ્ત્રી અને પુરુષની ઉંમર અપવાદરૂપે જ સરખી હોય છે, બાકી બંને વચ્ચે ત્રણથી પાંચ વર્ષનો તફાવત આદર્શ ગણાય છે એટલે કે પુરુષ 21નો હોય તો સ્ત્રી 18ની આસપાસની પસંદ કરાતી. હવે કન્યા જ 21 ની હોય તો વરની ઉંમર 24 આસપાસની નક્કી થાય એમ બને. આ તફાવતનું કારણ એ છે કે કન્યા કુમારો કરતાં વહેલી પુખ્ત થાય છે ને આજના પ્રસાર માધ્યમોએ તેને એથી પણ વહેલી એટલે કે 15-16 ની આસપાસ જ પુખ્ત કરવા માંડી છે. તે બોયફ્રેન્ડ રાખે છે, તેની સાથે સંબંધ બાંધે છે ને કેટલાક કિસ્સાઓમાં બાળકને જન્મ પણ આપે છે.
આ પરિસ્થિતિમાં કન્યાની લગ્નની ઉંમર 21 થાય તો તે 21 પહેલાં સગીર ગણાશે, બાળક કહેવાશે. એક તરફ છોકરીઓ આજના બદલાયેલા સમયમાં 18થી વહેલી પુખ્ત થઈ જતી હોય તો તેને 21ની ઉંમરે પુખ્ત ગણવાનો ખરડો પસાર કરવાથી તે પુખ્ત હોવા છતાં બાલિકા જ ગણાશે ને એ દરમિયાન લગ્ન કરશે તો તે ગુનો ગણાશે. જે 18ની ઉંમરે છોકરી કાયદેસર રીતે પરણી શકતી હતી તે હવે પરણશે તો ગેરકાયદે ગણાશે. આજે પણ 45થી વધુ ટકા કન્યાઓને 18થી ઓછી ઉંમરે પરણાવી દેવાનું સામાન્ય છે, તે 18ની ઉંમરે પરણે તો પણ તે હવે ગેરકાનૂની ગણાતા ઓછી ઉંમરે પરણાવી દેવાની ટકાવારીમાં વધારો જ કરશે. એવાં લગ્નો, જે અન્ય સંજોગોમાં કાયદેસર ગણાય તે ઉંમર 21ની થવાથી લગ્નને લગતા ગુનાઓનું પ્રમાણ વધારશે. એવાં લગ્નનો સંબંધ સંમતિથી થયો હોવાથી તે બળાત્કાર તો નહીં ગણાય, પણ તેનાથી થયેલું બાળક, લગ્નથી થયેલાં સંતાનનો કાનૂની દરજ્જો નહીં પામે તેમ બનવાનું. તે અનૌરસ ગણાશે. 18થી ઓછી ઉંમરે ગુનાઓનું પ્રમાણ ઓછું હતું તે 18ની ઉંમર 21 કરીને વધારવું છે?
હવે કન્યાની લગ્નની ઉંમર 18થી વધીને 21ની થતાં પુરુષ 24 પચીસનો યોગ્ય ઠરે એમ બને, કારણ બંનેની ઉંમરમાં જૈવિક કારણોસર તફાવત રાખવાનો હોવાથી 21ની પુખ્ત ઉંમર હોવા છતાં પુરુષને મોડું પરણવાનું મળે એમ બને. એટલું ખરું કે 21ની ઉંમર થતાં સ્ત્રી શિક્ષણ પૂરું કરી શકશે, પણ 18ની ઉંમરે પરણીને પછી પણ અભ્યાસ ચાલુ રાખનારી પરિણીતાઓ છે જ ! ને જેણે અભ્યાસ છોડવો જ છે તેને તો કોઈ પણ ઉંમર ક્યાં કોઈ રોકે છે? એમ બને કે સાસરું પરિણીતાને ભણવા પર રોક લગાવે ને એ ભણતી અટકે તો એટલું નુકસાન સો ટકા થાય. એટલા પૂરતું 21ની ઉંમર વધારવાનું સકારણ લાગે, પણ એનો કાયદો થતાં લાભ કરતાં નુકસાન વધારે થાય એમ બને.
એક વાત છે કે 18નો કાયદો હતો ત્યારે પણ કન્યાઓએ પરણવાનું ફરજિયાત ન હતું. એ જ રીતે લગ્નની ઉંમર 21ની થતાં પણ, પરણવાનું ફરજિયાત નથી, પણ 18ની ઉંમર 21ની થતાં લગ્ન સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધશે, કારણ કોઈ 20ની ઉંમરે પરણશે તો પણ તે ગુનો ગણાશે. એ પણ છે કે જેમ જેમ સભાનતા વધી છે તેમ તેમ છોકરીઓ 18ની ઉંમરે પરણવા બહુ ઉત્સુક નથી હોતી. તે હવે કેરિયર તરફ ધ્યાન આપતી થઈ હોવાથી ઘણી સ્ત્રીઓ 21ની થાય તો પણ લગ્ન કરવા જ બહુ રાજી નથી. આમ તો લગ્ન વગર જ રહેવા- જીવવાની સ્ત્રીઓની ટકાવારી વધતી જતી હોવાથી 21ની કાયદેસર ઉંમર પાર કરવા છતાં સ્ત્રીઓ ન પરણે એવી શક્યતાઓ વધુ છે. એટલે એવી સ્ત્રીઓને લગ્નની ઉંમર 18 કે 21 થાય તેનાથી ખાસ ફેર પડતો નથી. હા, પુખ્તતા નક્કી કરવાની સરકારની ગણતરી સમજાતી નથી. 18 વર્ષે જો સ્ત્રી કે પુરુષ મતાધિકારનો ઉપયોગ કરી શકે, લાઇસન્સ મેળવી વાહનો ચલાવી શકે કે મહિલા બાળકને જન્મ આપી શકે તો લગ્ન કરવામાં જ તે પોતે સગીર-બાળક કેવી રીતે ગણાય? કે 18ની ઉંમરે મતાધિકારનો સમજદારીપૂર્વક ઉપયોગ ન થતાં સરકાર નબળી બને છે એવું સરકારને લાગે છે? એટલે 21ની ઉંમર કરી છે? તો મતાધિકાર કેમ 21 વર્ષે નક્કી નથી થતો? એ નહીં થાય, કારણ એમ કરવા જતાં સારી સરકાર આવી જવાનું જોખમ છે. એ નથી સમજાતું કે કન્યાની લગ્નની ઉંમર વધારવાની માંગ કોઈએ કરી નથી કે એવી કોઈ કટોકટી પણ ઊભી થઈ નથી કે કન્યાની લગ્નની ઉંમર વધારવાનો ખરડો પસાર કરવો પડે. તો, એકાએક આવા ફેરફારો કરવાનો ઉછાળ સરકારને કેમ આવ્યો હશે તે નથી સમજાતું. વિપક્ષોના હુમલાઓ વેઠવાનો સરકારને શોખ છે તેથી સરકાર આવા તુક્કાઓ લડાવે છે કે કેમ તે નથી ખબર, પણ સામી ચૂંટણીએ સરકારે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું નથી તે સમજી લેવાનું રહે.
21ની ઉંમર કરવાનું એક કારણ એ પણ ખરું કે 18 કે તેથી ઓછી ઉંમરની કન્યાઓનાં લગ્ન થાય છે ત્યારે ઘણી કન્યાઓ પોતે જ કુપોષિત અને અવિકસિત હોય છે. દેખીતું છે કે તેવી કન્યા પરણે તો તેનું સંતાન તંદુરસ્ત ન હોય, આવાં બાળકોને ધરતી પર લાવીને કુપોષિત ભારત સર્જવાનું કોઈ સરકાર ન ઈચ્છે, પણ કુપોષણનો શિકાર તો 21ની કન્યા પણ હોઈ શકે છે. એટલે અહીં 18ની ઉંમર 21ની કરવાનો ઉપાય થાય એના કરતાં, કન્યાને પૂરતું પોષણ મળે એ જોવાય તે હોવો જોઈએ, પણ એવું કશું સરકારનાં મનમાં હોય એમ લાગતું નથી. સરકારનો હેતુ, કન્યાની લગ્નની ઉંમર 21 કરવા પાછળનો એ છે કે એ કુપોષણને કારણે થતાં બાળમૃત્યુનો કે માતૃમૃત્યુનો દર ઘટે ને એ ચિંતા કરવા જેવી છે જ, પણ એ પણ ન ભૂલવું જોઈએ કે બાળલગ્ન વિરોધી કાયદો હોવા છતાં કેટલીક જ્ઞાતિ-કોમોમાં બાળલગ્ન આજે પણ રોકી શકાતાં નથી. કેટલીક રૂઢિઓ અને રિવાજોને કાયદાથી નથી રોકી શકાતાં તેનું સબળ ઉદાહરણ બાળલગ્નો છે. કેટલીક કોમોમાં આજે પણ સમાજનો ચાલ હોવાને નામે 18થી ઓછી ઉંમરે કન્યાને પરણાવી દેવાતી હોય છે. હવે જે 18ની ઉંમરે લગ્ન કાયદેસર ગણાતાં હતાં તે 21ની ઉંમર નક્કી થતાં ગેરકાયદે ગણાશે, એટલું જ નહીં તે બાળલગ્નો ગણાશે. એટલે 21ની ઉંમરે જ લગ્ન કાનૂની ગણાતાં, તેથી ઓછી ઉંમરનાં લગ્નો બાળલગ્નોનું પ્રમાણ વધારશે ને તે સરકારને જમા પક્ષે નહીં નોંધાય તે નક્કી છે. એટલે ઘાટ ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવો થાય તો નવાઈ નહીં ! સરકારે આ મુદ્દે ફેરવિચારણા કરવી જોઈએ એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ડિસેમ્બર 202