જે દિવસે, ૩૦મી ઓકટોબરે, ભારતીય મૂળના, ૩૭ વર્ષીય, અમેરિકન પરાગ અગ્રવાલની, માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સી.ઈ.ઓ.) નિમણૂક થયાના સમાચાર આવ્યા, તે જ દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે છેલ્લાં પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ તેમનું નાગરિકત્વ ત્યજી દીધું છે. વિદેશી બાબતોના મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૧માં એક લાખથી વધુ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસે છે.
એક જ દિવસનો આ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ બંને સમાચારોમાં એક બાબત સામાન્ય છે કે જેમનામાં ક્ષમતા છે તેવા ભારતીવાસીઓ ઉજળા ભવિષ્ય માટે વિદેશને પસંદ કરે છે, અને પરાગ અગ્રવાલ એવા ભારતીયોની સોચની સાબિતી પૂરી પાડે છે.
પરાગની નિમણૂંકની જાહેરાત થઇ, તેના ગણતરીના કલાકોમાં ટ્વિટર એક મીમ વાઈરલ થયું હતું; તેમાં એક મધ્યમ વર્ગના ઘરની સ્ત્રી એક હાથમાં ચપ્પલ લઈને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, "ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર સી.ઈ.ઓ. બન ગયા, ઔર તુ બસ ડેઈલી ટ્વિટર પે બોયકોટ ધીસ ધેટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ."
ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે, ત્યારે અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે, તેની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી.
બેંગલોર સ્થિત ફાયનાન્સિયલ ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપની 'ક્રિડ'ના સી.ઈ.ઓ. કુણાલ શાહે પરાગના સમાચાર પર ટ્વીટ કરતાં લખ્યું હતું, "ગૂગલ, માઈક્રોસોફ્ટ, અડોબ, આઈ.બી.એમ., પાલો, અલ્ટો નેટવર્ક અને હવે ટ્વિટરનું સંચાલન ભારતીય મૂળની વ્યક્તિના હાથમાં હશે. આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં કેવી રીતે ભારતીયો સી.ઈ.ઓ. બની રહ્યા છે. તેની ખુશી મનાવી રહ્યા છીએ, ત્યારે બીજી તરફ ભારતીયો તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે, અને એ લોકો અહીં જ રહેવાનું પસંદ કરશે. જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય, તે દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?"
છેલ્લા ઘણા સમયથી ભારતીય મૂળના લોકો વૈશ્વિક કંપનીઓમાં સી.ઈ.ઓ. બની રહ્યા છે તેના સંદર્ભમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાના ચેરમન આનંદ મહેન્દ્રાએ રમૂજમાં, પણ આ જ વાત કરી હતી; "આપણને આ એક મહામારીનું ગૌરવ છે, જે ભારતમાંથી શરૂ થઇ છે. તેને ઇન્ડિયન સી.ઈ.ઓ. વાઇરસ કહે છે … તેની સામે કોઈ વેક્સિન બની નથી."
આનંદ મહેન્દ્રાએ ભલે મજાકમાં તેને મહામારી કહ્યું હોય, પરંતુ ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડોકટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઉપડી જતા હતા. તેના માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જતા રહેવાનાં સપનાં સેવતાં હોય છે.
"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા" એવું વર્ષમાં એકાદ બે પ્રસંગોએ બોલી લેવાથી દેશભક્તિનું સાર્વજનિક કેથાર્સિસ થઇ જાય એટલું જ, બાકી મોટા ભાગના લોકો પહેલી ફ્લાઈટ પકડીને ન્યુયોર્ક જતા રહેવાની ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે ત્યાં તેમની મહેનત અને આવડતની કદર વધુ થાય છે. આવી ફિરાક સાધારણ લોકોને જ છે એવું નથી. ભણેલા-ગણેલા અને સાધન-સંપન્ન ભારતીયો પણ બહેતર ભવિષ્ય માટે પરદેશી બનવા તત્પર છે.
હેન્લે એન્ડ પાર્ટનર્સ નામની વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મનો તાજેતરનો એક સર્વે કહે છે કે અગાઉ કરતાં પણ વધુ સંખ્યામાં હાઈ નેટ-વર્થવાળા ભારતીયો બીજા દેશમાં ઘર વસાવી રહ્યા છે. એ લોકો ઇન્વેસ્ટમેન્ટનાં નામે વિદેશમાં ઘર ખરીદી રહ્યા છે. સર્વે કહે છે કે ૨૦૨૦માં કોવિડની મહામારીમાં સરહદો બંધ હતી, ત્યારે પણ તેમની પાસે વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની પૂછતાછમાં ૬૨ ટકાનો વધારો થયો હતો.
આ જ સર્વેના ભાગ રૂપે જારી થયેલા ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટના ડેટા પ્રમાણે, ૨૦૧૯માં ભારતના હાઈ નેટ-વર્થ વ્યક્તિઓમાંથી ૭ ટકા, એટલે કે ૭,૦૦૦ લોકો વધુ ઉત્તમ જીવનની શોધમાં દેશ છોડી ગયા હતા. એ જ વર્ષે, ચીનમાંથી ૧૬,૦૦૦ અને રશિયામાંથી ૫,૫૦૦ અમીરો વિદેશમાં સ્થાયી થઇ ગયા હતા.
આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટા ભાગનાં સંતાનો અને પેરન્ટસનું એ સ્વપ્ન રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું ન હતું, જે બીજા દેશો આપી શકતા ન હતા, પરંતુ ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે તેને ભારતમાં આવકાર આપ્યો છે છતાં, બ્રેઈન ડ્રેઇનમાં રુકાવટ નથી આવી, તે એક વિચારવા જેવો મુદ્દો છે.
જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધાં એકબીજાને કહેતાં હોય છે કે, “આના કરતાં તો ફોરેન જતા રહેવું જોઈએ.” આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમેનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે, તે ભારતમાં નજર નથી આવતી.
એક આંકડા પ્રમાણે, ૧૯૯૯માં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોની સંખ્યા ૧,૩૭,૨૩૦ હતી, જે ૨૦૧૫માં ૪,૪૫,૨૮૧ થઇ ગઈ હતી, મતલબ તેમાં ૨૨૫ ગણો વધારો થયો હતો. ૨૦૦૯ પછીથી અમેરિકા જવામાં તેજી આવી છે. અમેરિકાની ટેક રાજધાની સિલિકોનવેલીમાં તો જોક પણ છે કે ત્યાં સુધી વધુ હિન્દી અને તેલુગુ ભાષા બોલાય છે.
ભારતની પ્રતિભાઓ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહી છે તે વાતને લઈને ભલે આપણે કોલર ઊંચા કરીએ, પણ ભારત દેશ તેમની કિંમત નથી કરી શકતો એ પણ એ જ સિક્કાની બીજી બાજુ છે. પરાગ અગ્રવાલની ટ્વિટરમ નિમણૂંક થઇ, ત્યારે એક બીજું મીમ પણ વાઈરલ થયું હતું : તેમાં આઈ.બી.એમ.ના ચેરમેન-સી.ઈ.ઓ. અરવિંદ ક્રિશ્ના, માઈક્રોસોફ્ટના ચેરમેન-સી.ઈ.ઓ. સત્યા નંડેલા અને ગૂગલના સી.ઈ.ઓ. સુંદર પિચાઈની તસ્વીરો સાથે લખેલું હતું, “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા અમેરિકા.” (મૂળ આ ભારત સરકારનું સર્વશિક્ષા અભિયાનનું સૂત્ર હતું; પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા)
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 ડિસેમ્બર 2021