સંવેદનાની સફરમાં
મિ. સ્વપ્નિલ મહેતા, તમે એક તેજસ્વી યુવાન છો. તમારી વિદ્યાર્થી અવસ્થાની કારકિર્દી અદ્દભુત રહી છે. નવચેતન હાઇસ્કૂલના એક આદર્શ શિક્ષક તરીકે નામના મેળવી છે તે જયંતભાઇ મહેતાના એકના એક પુત્ર છો. એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યા પછી કૌટુંબિક જવાબદારી લેવા સાથે તમે અનેક જગ્યાએ નોકરી માટે અરજી કર્યા પછી પણ તમારી તેજસ્વી કારકિર્દીને કોઇએ, ગણત્રીમાં ન લીધી. અને તમે સતત બે વર્ષથી બેકારીના ખપ્પરમાં હોમાયા છો, પણ તમે એક આદર્શ શિક્ષક જયંત મહેતાના આદર્શ પુત્ર હોવાના નાતે, મૂલ્યનિષ્ઠ જીવન જીવવામાં માનો છો અને સમાજની કોઇ પણ બદી તમારામાં આવી નથી. તમને બે વર્ષ સુધી મનગમતી, લાયકાત મુજબની નોકરી ન મળતાં, તમે મિ. સ્વપ્નિલ મહેતા, છેવટે રિક્સા ચલાવવાનો નિર્ણય કરી, સવારના સાતથી સાંજના સાત કલાક સુધી કોઇ પાસેથી ભાડાની રિક્સા ચલાવી તમારા કુટુંબના આર્થિક જરૂરિયાતો પૂરી કરો છો. તમે, મિ. સ્વપ્નિલ મહેતા, તમારામાં પોતાનામાં અખૂટ તાકાત હોવાને નાતે તમે નિરાશા, ઉદાસી, ગમગીનીને તમારી પાસે આવવા દીધી નથી. મિ. સ્વપ્નીલ મહેતા, તમારી કોલેજકાળ દરમ્યાનની તમારી તેજસ્વી કારકિર્દી તમારો માયાળુ સ્વભાવ, અને સ્ટ્રોંગ વિલ-પાવરથી, તમારી પાસે મોટું મિત્રવર્તુળ ધરાવી શક્યા છો. તમારી સાથે ભણતા અનેક મિત્રો કોઇ ડૉક્ટર, કોઇ એન્જિનિયર, કોઇ મોટા વેપારી બની ગયા છે, પણ તમારી સ્થિતિ એક મધ્યમ વર્ગના કુટુંબના માત્ર સામાન્ય જીવનશૈલી ધરાવતા યુવાનની બની ચૂકી છે. છતાં તમે હૃદયથી, અંદરથી ખૂબ જ મજબૂત હોવાથી રિક્સા ચલાવવામાં નાનપ અનુભવ્યા વિના, તમારા કુટુંબ જીવનનું ગાડું ચલાવ્યા કરો છો. તમે તમારા અનેક મિત્રોને અવાર નવાર મળીને ફોન કોલ કરીને સંબંધ જાળવી રાખ્યો છે. પણ ક’દી કોઇ મિત્ર પાસે આર્થિક મદદ માંગી નથી. તમે જ પરિસ્થિતિ છે તેમાં તમારી જાતને પૂરેપૂરી ગોઠવી તમારી પોતાની મસ્તીમાં જીવો છો.
મિ. સ્વપ્નીલ મહેતા, તમારી આર્થિક, નાજુક પરિસ્થિતિના હિસાબે તમારું કુટુંબજીવન ઘરનું ગુજરાન મધ્યમ કક્ષાએ ચાલી રહ્યું છે, અને તમે માત્ર તમારા અંધકારભર્યા દિવસો પસાર કરી, હાર્યા વિના થાક્યા વિના, તમારી ઘરખર્ચી કાઢીને, તમારાં મમ્મી પપ્પાની સારી રીતે સંભાળ રાખો છો. પણ તમારી નાજુક પરિસ્થિતિથી ક’દી તમારા બેંક એકાઉન્ટમાં માતબર રકમ લાવી શક્યા નથી. અને તમે લગભગ કોઇપણ બચત વિનાના કારોબારમાં તમારા દિવસો પસાર કરી રહ્યા છો. તમારા પિતાશ્રી જયંત મહેતા આશરે ૮૦ વર્ષ પહોંચી ગયા છે. મૂલ્યનિષ્ઠ શિક્ષક હોવાના નાતે તમારા પિતાશ્રીએ ક’દી કોઇ વિદ્યાર્થી પાસેથી ટ્યુશનના પૈસા લીધા નથી અને અનેક વિદ્યાર્થીઓને સેવા નાતે શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે, તે સિદ્ધાંત સાથે કોઇપણ પૈસા લીધા વિના અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જેમાના ઘણા વિદ્યાર્થી ડૉક્ટર, એન્જીનિયર, નામાંકિત વેપારી બની ચૂક્યા છે. અને ઘણાં વિદ્યાર્થી અમદાવાદ બહાર પણ જતાં પોતાના આગવી આઇડેન્ટીટી ઊભી કરી લગભગ સેટલ થઇ ગયા છે. મિ. સ્વપ્નિલ મહેતા, આ તમારો હવે ભૂતકાળ બની ગયો છે. અને તમારા પિતાશ્રી મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને ઉમદા વ્યક્તિત્વએ કોઇ બેંકમાં હાથ પર કોઇ ખાસ બચત કરી શક્યા નથી. એટલે રોજિંદી જીવન વ્યવહાર દવા મેડિકલ એક્સપેન્સ માટે પણ કોઇવાર તમે આર્થિક સંકડામણ અનુભવતા હો છો. પણ તમે નિરાશ થયા વગર, તમારી રિક્સા ચલાવવાની પ્રવૃત્તિમાંથી ફારેગ થયા નથી, અને તમારો જીવનરથ મધ્યમ કક્ષાની ગતિએ ચાલ્યા કરે છે.
મિ. સ્વપ્નિલ, તમારા મધ્યમ ગતિએ ચાલતા જીવનરથમાં એકાએક એક દિવસ ભયંકર કટોકટીમાં ફેરવાઇ ગયો. તમારા પિતાશ્રી જયંત મહેતાની તબીયત એકદમ બગડી જતાં શ્વાસ પણ ન લઇ શકે, તેવી પરિસ્થિતિમાં, તમારે તેમને તાત્કાલિક તમારા ઘરથી નજીક ડૉ. સચિન કાપડિયાની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા ખિસ્સામાં તમારી પાસે એકપણ રૂપિયો ન હોવા છતાં, હિમ્મત કરીને તમે ડૉ. કાપડિયાને તમારા પિતાશ્રીની તબિયત બતાડવા પહોંચો છો. તમારા પિતાશ્રીની નાજુક પરિસ્થિતિ જોતા ડૉ. કાપડિયા તમારા પિતાશ્રીને આઇ.સી.યુ.માં દાખલ કરી દે છે, અને તેમને વેન્ટીલેટર પર રાખી ડૉ. કાપડિયા તેમના આસિસ્ટન્ટને જરૂરી સૂચના આપી દવાની યાદી બનાવે છે. અને મિ. સ્વપ્નિલ મહેતા, તમને દવા લઇ આવવાનું સૂચન કરે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમે તાત્કાલિક મેડીકલ સ્ટોર પર પહોંચો છો અને દવાનું લીસ્ટ આપી દવા આપવાનું કહો છો. ત્યાં જ તમારો ખાસ મિત્ર આસુતોષ ગજ્જર દવાની દુકાન પાસેથી પોતાની લક્ઝરિયસ કારમાં પસાર થતાં, તમને જૂએ છે અને કાર પાર્ક કરી તમારી પાસે આવીને કહે છે, સ્વપ્નિલ, શું થયું દવા લેવા શું કામ આવ્યો છે, બધા તો ક્ષેમકુશળ છે ? ને તારા પપ્પા કેમ છે ? એકધારા અનેક સવાલોના કોઇ જવાબ દેવાની, સ્વપ્નિલ મહેતા, તમારી કોઇ તાકાત નથી. માત્ર તમે એટલું જ કહો છો કે પપ્પાને બાજુની ડૉ. કાપડિયાની હોસ્પિટલમાં દાખલ કર્યા છે, અને હું દવા લેવા આવ્યો છું. પણ મારી પાસે એક પણ રૂપિયો નથી. દોસ્ત, હું દવાવાળાને સમજાવવા ટ્રાય કરતો હતો, કે પછી પૈસા આપી જઇશ ત્યાં તું આવી ગયો. મિ. સ્વપ્નિલ મહેતા, તમારી વાત સાંભળી, તમારા મિત્ર આશુતોષે કહ્યું કે કોઇ વાંધો નહીં. દોસ્ત, હું શું કામનો છું. ચાલ, કેટલા પૈસા આપવાના છે, આપણે આપી દઇએ. દવાવાળાએ દવાનું પેકેટ આપી ૨૦૦૦/-નું બીલ આપ્યું અને આશુતોષે ડેબીટ કોર્ડથી રૂા. ૨૦૦૦/- ચૂકવી, સ્વપ્નીલ મહેતા, તમને કહ્યું હું તારી સાથે છું તારે મુંઝાવાની જરૂર નથી. ચાલ જલદી પપ્પા પાસે જઇને તેની દવા ચાલુ કરાવીએ.
મિ. સ્વપ્નિલ મહેતા, તમે અને તમારા મિત્ર આશુતોષ દવાના પેકેટ સાથે હોસ્પિટલ પર પહોંચો છો. ડૉ. કાપડિયાના આસિસ્ટન્ટ ડૉક્ટર શેખ સાહેબને દવાનું પેકેટ આપો છો. અને ડૉ. શેખસાહેબ તેમ જ સ્ટાફ તમારા પપ્પાને દવા આપવાના કામમાં લાગી જાય છે. તમે, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાની કૃત્રિમ શ્વાસ લેવાની પરિસ્થિતિમાં હવે શું થશે, તેની ચિંતામાં પડી ગયા છો. પણ તમારો મિત્ર આશુતોષ જે તમારો જીગરી દોસ્ત છે, તેણે બીજા અનેક કોમન દોસ્તોને ફોન કરી તમારા પિતાશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, અને બહુ જ નાજુક પરિસ્થિતિ છે, તે સમાચાર આપી બધા જ મિત્રોને તાબડતોબ બોલાવી લે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા સંબંધ નામના કુંડમાં પ્રેમનો આવિશ્કાર થાય છે. બધા જ મિત્રો તાબડતોબ આવતાં, મિ. સ્વપ્નિલ મહેતા, તમને એક અદ્દભુત મોરલ સપોર્ટ અને હૂંફ મળ્યાનો અહેસાસ થાય છે, અને મનમાં બોલી ઊઠો છો કે વાહ, કુદરત ! તારી પણ ગતિ ન્યારી છે. મારા અંધારામાં તે અદ્દભુત દીવો પ્રગટાવ્યો.
આ તરફ ડૉ. કાપડિયા તમારા પિતાશ્રીને ઓળખી ગયા હોય છે કે આ તો મારા એક મૂલ્યનિષ્ઠ ઉમદા શિક્ષક છે, કે જેમની પાસે હું ભણ્યો હતો. અને આજે તેમની શિક્ષાથી જ હું ડૉક્ટર બન્યો. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયા તમને ખભા પર હાથ મૂકીને કહે છે કે દોસ્ત, મુંઝાતો નહીં હો, પપ્પાની તબીયત સારી થઇ જશે. અને તેમની હસતા મુખે એકદમ સાજા સારા કરી ઘરે લઇ જઇશું. બસ પપ્પા પાસે રહી તેમની કાળજી રાખ. અને હોસ્પિટલ સ્ટાફ જે દવા ટ્રીટમેન્ટ આપે તેમાં સહકાર આપજે. મિ. સ્વપ્નિલ મહેતા, કૃત્રિમ શ્વાસ સાથે આંખો ફાડીને જોતા જયંતભાઇ મહેતા, તમારા પિતાશ્રી કોઇને ઓળખતા નથી – આ બાજુ ડૉ. કાપડિયા બધા જ લોહી, ઇ.સી.જી., એન્જિયોગ્રાફી વગેરે કરીને શું કરવું અને કેવી રીતે તમારા પિતાશ્રીને બચાવવા તેની પેરવીમાં પડે છે. અંતે નક્કી થાય છે કે ચાર પાંચ દિવસમાં જયંતભાઇની તબીયત સ્ટેબલ થાય અને વેન્ટીલેટર કાઢી નાખીએ પછી તેમનું બાયપાસ ઓપરેશન કરવું પડશે.
તે મુજબ પછીના આઠ દિવસમાં, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાની તબીયત સ્ટેબલ થતાં એક દિવસ બાયપાસ સર્જરી કરવાનું નક્કી થતાં પાંચ કલાકના સફળ ઓપરેશન પછી તમારા પપ્પાને આઇ.સી.યુ.માં ફરીથી લાવવામાં આવે છે. ઓપરેશન સફળ થાય છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમને ડૉ. કાપડિયા તેમની ચેમ્બરમાં બોલાવે છે; અને કહે છે દોસ્ત, મુંઝાતો નહીં, પપ્પાની તબીયત સારી થઇ જશે. આવતા પંદર દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપીશું અને તું તેમને ઘરે લઇ જઇ શકીશ. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયાના સહૃદયપૂર્વકના વર્તાવથી તમે આનંદિત થઇ જાવ છો. વિચારો છો કે ડૉ. કાપડિયાએ આજ સુધી હોસ્પિટલના બીલના ચૂકવવાના પૈસાની વાત કેમ ન કરી. – સ્વપ્નિલ મહેતા, તમારી આર્થિક રીતે નાજુક પરિસ્થિતિ હોવા છતાં, તમે ડૉ. કાપડિયાને પૂછો છો કે સાહેબ, મારે કેટલા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. આપ કહો તો હું એટલા પૈસાની વ્યવસ્થા કરું. ડૉ. કાપડિયા કહે છે કે દોસ્ત, અત્યારે પપ્પાની તબીયત પહેલાં સારી કરવાના છે, તેની જ ચિંતા કર. હોસ્પિટલના બીલની વાત પછી કરીશું. મિ. સ્વપ્નિલ મહેતા, તમે ડૉ. કાપડિયાની વાતથી નિરાંત અને શાંતિનો શ્વાસ લો છો અને નિશ્ચિંત થઇ, પપ્પાની સેવા કરવામાં લાગી જાવ છો.
મિ. સ્વપ્નિલ મહેતા, હોસ્પિટલમાં તમારા બધા જ મિત્રો સતત હાજરી આપી તમારા પપ્પાના ખબર પૂછી, તમારી સાથે અડીખમ મિત્રતા નિભાવે છે. અને તમારા ખાસ મિત્ર આશુતોષ ગજ્જરે બધા જ મિત્રોને સૂચના આપ્યા મુજબ બધા જ મિત્રો તમારા પિતાશ્રીના હોસ્પિટલના બીલ બાબત ચિંતિત હોય છે. અને બધા જ મિત્રોએ ભેગા થઇને આશરે પાંચેક લાખ રૂપિયા ભેગા કરીને એક દિવસ, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા હાથમાં મૂકે છે. દોસ્ત, સ્વપ્નિલ મુંઝાતો નહીં. આ સાથે પાંચેક લાખ રૂપિયા તારા પપ્પા માટે અમે લાવ્યા છીએ, તે તારી પાસે રાખ.
મિ. સ્વપ્નીલ મહેતા, તમારા મિત્રોના આવા ઉમદા સહકારથી, તમે ઘડીભર તો અચંબામાં પડી જાઓ છો, અને મનમાં કહો છો કે સંબંધોના પરિપાકરૂપે મળેલી આ પાંચ લાખ રૂપિયાની રકમ નાની સૂની તો નથી જ. પણ સંબંધોનું યોગ્ય રીતે વાવેતર કરવામાં આવે તો સંબંધોમાં પ્રેમનો કુંડ ભરાઇ જાય. આજે ચારેબાજુ સ્વાર્થ પર નભતો સમાજ ચારે તરફ માત્ર પૈસાને જ મહત્ત્વ આપતી દુનિયા અને માત્ર અને માત્ર સ્વકેન્દ્રીત સમાજવ્યવસ્થામાં મારા મિત્રોની લાગણીસભર પૈસાની મદદ મારા માટે રણમાં મીઠી વીરડી સમાન છે. તેમ કહી, તમે ધન્ય ધન્ય અનુભવો છો. આઠેક દિવસ થાય છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પિતાશ્રીની તબીયત સ્વસ્થ થઇ જાય છે. તમારા પિતાશ્રી હવે સંપૂર્ણ તંદુરસ્ત થઇ, હોસ્પિટલમાં લોબીમાં ચાલતા થઇ જાય છે. અને બધા જ રિપોર્ટ નોર્મલ આવતા, ડૉ. કાપડિયા એક દિવસ આવીને કહે છે કે દોસ્ત, પપ્પાને હવે બહુ જ સારું છે. આપણે કાલે ડિસ્ચાર્જ કરીશું. તું તેને આવતી કાલે ઘરે લઇ જઇ શકીશ. મિ. સ્વપ્નિલ મહેતા, તમે પછી ડૉ. કાપડિયા સાહેબને પૂછો છો કે સાહેબ, હોસ્પિટલનું બીલ કેટલું થયું ? મારે કેટલા પૈસા આપવાના છે ? ત્યારે ડૉ. કાપડિયા કહે છે કે દોસ્ત, તારે એક પણ પૈસો આપવાનો નથી. તારા પપ્પા મારા આદર્શ શિક્ષક હતા, તારા પપ્પાએ અમને મૂલ્યનિષ્ઠાના પાઠો ભણાવ્યા છે. તારા પપ્પાએ અમને જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાનના પરિણામે આજે હું ડૉક્ટર બન્યો છું. દોસ્ત, તેમના શિક્ષણ અને જ્ઞાનને હું આજે પણ વંદન કરું છું. તેમણે જે રીતે મને તૈયાર કર્યો છે તે બીજા કોઇ શિક્ષક ન કરી શકે. દોસ્ત, તારા પપ્પાએ એક પણ પૈસા લીધા વિના મારા જેવા અનેક વિદ્યાર્થીને ટ્યુશન આપ્યું છે. સ્કૂલમાં પણ પ્રેમથી ભણાવ્યા છે. એટલે તેમના જ્ઞાનની કિંમત રૂપિયામાં ન હોય, દોસ્ત. તારે કોઇ પણ પૈસા દેવાના નથી. દવા જે લખી દઇશું તે નિયમિત આપજે અને પપ્પાનું ધ્યાન રાખજે. એમ કહી મિ. સ્વપ્નિલ મહેતા, કાપડિયા સાહેબ તારા પપ્પાને વંદન કરે છે, અને તેમને યાદ કરાવે છે કે સાહેબ, હું આપનો વિદ્યાર્થી સચિન છું. તમારા પપ્પા યાદ કરે છે અને કહે છે કે હા સચિન, તું આટલો બધો મોટો ડૉક્ટર થઇ ગયો, બેટા, ખૂબ સરસ. હું તો તને ઓળખી જ ન શક્યો. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયા કહે છે કે સાહેબ, તમને મેં જ્યારે હોસ્પિટલમાં દાખલ ક,ર્યા ત્યારે જ હું તમને ઓળખી ગયો હતો. પણ તમારી નાજુક પરિસ્થિતિ હોવાથી ત્યારે મેં ઓળખાણ ન આપી – સાહેબ, આપ ઘરે જઇ શકો છો. આરામ કરજો. તબીયત સાચવજો અને નિયમિત દવા લેજો. અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અચૂક મારી પાસે આવજો. એમ કહી ડૉ. કાપડિયા, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાને ડીસ્ચાર્જ કરે છે. અને મિ. સ્વપ્નિલ મહેતા, તમે તમારા પપ્પાને લઇને ખૂબ જ આનંદ સાથે તમારા ઘરે લઇ જાઓ છો. અને ઘડીભર શિક્ષક અને વિદ્યાર્થીના અદ્ભૂત પ્રેમને વંદન કરી મૂલ્યનિષ્ઠા અને લાગણીના વાવેતરથી ઊગેલું ફળ કેટલું મધુર હોય તેનો હુબહુ અહેસાસ અનુભવો છો. તે સાથે જ તમારા મિત્રોએ આપેલા પૈસા રૂપિયા પાંચ લાખ તેમને પરત કરી તેમનો પણ આભાર માની, તમારા જીવનરથને ફરીથી એ જ રિક્સા ચલાવવાના નિત્યક્રમમાં જોતરી આગળની જીવનયાત્રા શરૂ કરો છો.
મિ. સ્વપ્નિલ મહેતા, સલામ તમારા આશુતોષ ગજ્જર તેમ જ અનેક બીજા મિત્રોને કે જેઓ તમને ખરેખર કટોકટીના સમયમાં મદદ કરી હૈયાની હૂંફ આપી. અને લાખ લાખ સલામ, પેલા ડૉ. કાપડિયાને કે જેમણે તમારા પપ્પાના હોસ્પિટલના ખર્ચ પેટે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના, તમારા પપ્પાએ આપેલા વિદ્યાદાનનું ઋણ ચૂકવ્યું. અને સલામ મૂલ્યનિષ્ઠ તમારા પિતાશ્રી શિક્ષક જયંત મહેતાને કે જેણે અનેક વિદ્યાર્થીઓનાં જીવનને સાચું જ્ઞાન આપી, તેમના જીવનને ઉજાળ્યું.
e.mail : koza7024@gmail.com