નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 કહે છે કે દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા વીસ વધીને 1,020 થઈ છે. આઝાદીના 75માં વર્ષે જ પહેલી વાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે તે આવકાર્ય બાબત છે. 2015-16માં 1,000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 991ની નોંધાઈ હતી તેમાં સીધો 29નો વધારો સુખદ જ ગણાય. એમ તો આ સર્વે મુજબ જન્મ સમયના જાતિ દરમાં પણ વધારો થયો છે. 2015-16માં 1,000 દીકરાએ, દીકરીઓ 919 જ હતી, તે 2021માં 10 વધીને 929 થઈ છે. એનો અર્થ એ થયો કે દીકરીઓ 2015-16ને હિસાબે 2021માં 10 વધી છે, તો પણ 1,000 પુત્રના જન્મની તુલનામાં પુત્રી 79 ઓછી જ એ ભૂલવા જેવુ નથી. એ એમ પણ સૂચવે છે કે દીકરીઓને હજી જન્મની પૂરતી મોકળાશ નથી. ભ્રૂણ પરીક્ષણ પર પ્રતિબંધ હોય તો પણ, દીકરીનો કોઈક રીતે હજી ક્યાંક નિકાલ થતો હોય એવું લાગે છે. કારણો બીજા હશે જ, પણ દીકરીનો જન્મ દર હજી ક્યાંક ટાંચો પડે છે તે ખરું. એ પણ ખરું કે આ સુધારો શહેરની તુલનાએ ગામડાઓમાં વધુ જોવાયો છે. ગામડાઓમાં 1,000 પુરુષે સ્ત્રીઓ 1,037 છે. જ્યારે શહેરોમાં 985 છે. એનો અર્થ એવો થાય કે ગામડાઓમાં બાળકીના જન્મને અવરોધ ઓછા છે, જ્યારે શહેરમાં વધારે છે. એ પણ છે કે આ આંકડા વસતિ ગણતરીના નથી. આ સેમ્પલ સર્વે છે એટલે અંદાજ તો મળે, પણ ચોક્કસ આંકડા જુદા હોય એમ બને. સર્વે વખતે ઘરમાં મહિલાઓ જ હોય ને પુરુષો કામધંધે બહાર ગયા હોય ને એ સંખ્યા ધ્યાનમાં ન લેવાઈ હોય એ શક્ય છે, છતાં મહિલાઓની સંખ્યા વધે એવી શક્યતાઓ સાવ નકારી શકાય એમ નથી. એવું બન્યું છે કે નોકરીમાં, શિક્ષણમાં, રાજકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે, મહિલાઓની અનામતમાં ટકાવારી વધી છે, એ ઉપરાંત બાળકીના જન્મને ઉત્તેજન અપાઈ રહ્યું છે, આ બધાંની હકારાત્મક અસર સ્ત્રીઓની સંખ્યા વધારવા પર પડી હોય એમ બને.
એક સમય હતો જ્યારે બાળકી જન્મતી તો તેને દૂધ પીતી કરાતી. પછી એવું થયું કે માતા દીકરીને જન્મ આપતી તો દીકરો ન જન્મે ત્યાં સુધી બાળકને જન્મ આપવામાંથી તેને મુક્તિ ન મળતી. તે એટલા માટે કે દીકરી તો પારકી થાપણ છે અને તે તો પરણીને સાસરે જશે, જ્યારે દીકરો તો વંશ આગળ વધારશે ને માબાપની ટેકણલાકડી બનશે. એમાં કેટલાક દીકરાઓ ખરેખર ટેકો બન્યા, પણ પછી વાત બે રીતે ફંટાઈ. એકમાં માબાપનો જ લોભ કામ કરી ગયો ને તેમણે વધુ પૈસા આવે એ લોભે દીકરાઓને વિદેશ મોકલ્યા અને જે દેશમાં હતા એ દીકરાઓ નોકરીધંધા નિમિત્તે માબાપથી દૂર ગયા. દીકરી પરણીને સાસરે ગઈ અને માબાપ છતે સંતાને એવાં એકલાં પડ્યાં કે કોઈને દત્તક લેવાની નોબત આવી. તે શક્ય ના બન્યું તો ઘરડાઘરમાં આયુષ્ય ખુટાડતાં રહ્યાં. વંશ છતાં નિર્વંશ જેવી સ્થિતિ થઈ. આવામાં મદદે આવી તે દીકરી. પરણેલી હતી ને નજીક હતી. તેણે માબાપનું ઘડપણ સાચવી લીધું. એવું પણ થયું કે ભાઈ વિદેશમાં પરણીને ત્યાં જ ગોઠવાઈ ગયો ને દીકરી માબાપને ઉછેરવા અપરિણીત રહી. આ સ્થિતિએ સમાજને સમજાવી દીધું કે વંશબંશ તો ઠીક છે, અણીને વખતે દીકરી જ પડખે ઊભી રહે છે. આ બધી બાબતોએ પણ દીકરી જન્મનો મહિમા વધાર્યો હોય એમ બને.
એ જગજાહેર છે કે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક કે રમતગમતને ક્ષેત્રે મહિલાઓએ હરણફાળ ભરી છે ને રમતમાં તો તે વૈશ્વિક સ્પર્ધાઓમાં ચંદ્રકો મેળવતી પણ થઈ છે, એ સાથે જ ગુનાખોરી કે વ્યસનમાં પણ મહિલાઓની ટકાવારી વધી છે. ગુજરાતની જ વાત કરીએ તો તમાકુ ખાવામાં મહિલાઓની સંખ્યામાં 1.3 ટકાનો વધારો થયો છે, તો દારૂની પરમીટમાં પણ મહિલાઓની સંખ્યા વધી છે. ડ્રગ્સની, દારૂ, ગાંજાની હેરાફેરીમાં પણ તે પાછળ નથી. લગ્નેતર સંબંધોમાં પણ મહિલાઓ એટલી આગળ નીકળી છે કે કેટલાક કિસ્સાઓમાં પતિની હત્યા સુધી જવામાં પણ તેને સંકોચ થતો નથી. વ્યાવસાયિક ક્ષેત્રોમાં પણ તે મોખરે રહી છે ને હાથ નીચેના પુરુષો પાસેથી પૂરી ક્ષમતાથી કામ કઢાવતી પણ થઈ છે. આ બધું છતાં તેનું શોષણ પણ એટલું જ થાય છે તે નોંધવું ઘટે. તેની સાથે થતું દુષ્કર્મ શરમજનક રીતે વધ્યું છે. પરાપૂર્વથી તેનું અનેક રીતે શોષણ થતું રહ્યું છે. તેનાં પર શારીરિક આક્રમણ તો થાય જ છે, પણ ઘણી વાર તો તેને લાચાર જ એટલી કરવામાં આવે છે કે તેણે સામેથી જાત સોંપવી પડે. આવું થાય ત્યારે તે શોષિત હોય તો પણ, ફરિયાદ કરી શકતી નથી. કેટલા ય ઘરેલુ કિસ્સાઓ એવા બને છે કે આબરૂ જવાની બીકે ફરિયાદ જ નથી થતી. સગો બાપ દીકરીને છોડતો ન હોય ત્યાં બીજાની તો વાત જ શી કરવી?
હાલના સંજોગોમાં શારીરિક શોષણની સૌથી વધુ તકો મોબાઈલે પૂરી પાડી છે. મહિલાના છૂપી કે અંગત રીતે મોબાઇલમાં ફોટા પાડીને બ્લેક મેલ કરવાનું હવે સામાન્ય બની ગયું છે. મૈત્રી કેળવીને અંગત ક્ષણોના ફોટા પાડવામાં આવે છે ને પછી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવે છે કે દુષ્કર્મની ફરજ પાડવામાં આવે છે. તેમાં જો સ્ત્રીમિત્ર પરિણીત હોય તો ફોટા તેનાં પતિ કે પરિવારને વાયરલ કરી દેવાની ધમકી અપાય છે. આજના જ સમાચાર છે કે એક શિક્ષકાને, એક બેકાર ઈજનેરે પુત્રને રમાડવાને બહાને પ્રેમમાં ફસાવી અને તેને જુદે જુદે સ્થળે લઈ જઈને તેનાં ફોટા પાડયા. પછી કોઈક વાતે વાંકું પડતાં શિક્ષિકાએ વાત કરવાનું બંધ કર્યું તો તેનાં ફોટા સ્કૂલમાં ને કુટુંબમાં વાયરલ કરવાની ધમકી તેનાં કહેવાતા ઇજનેર મિત્રે આપી ને તેની સાથે બળજબરી કરી. ફોટા વાયરલ કરી દેવાને મુદ્દે મહિલાઓ સાથે બળજબરીના કદાચ સૌથી વધારે બનાવો આજકાલ બનતા હોય તો નવાઈ નહીં.
ગમે એટલો સુધારો ને પ્રગતિ સમાજમાં થાય કે શિક્ષણ વધે, પણ સ્ત્રી અંગેની માનસિકતા બહુ ધીમી બદલાય છે. સ્ત્રી વ્યક્તિ નથી, પણ વસ્તુ છે એ માનસિકતા હજી છે. તેની સાથે થતા અત્યાચારમાં અધમ અને ક્રૂર વર્તણૂક ચરમસીમાએ હોય છે. સગાસંબંધી કે અજાણ્યા સુધીના કોઈ પણ ઉંમરના માણસો દુષ્કર્મ કરી શકે છે ને તેમાંથી કોઈ પણ ઉંમરની સ્ત્રી કે બાળકી મુક્ત નથી. આજના જ સમાચાર છે કે ગાંધીનગર જિલ્લાની 3 વર્ષની એક બાળકીનું અપહરણ કરી તેનાં પર અત્યાચાર કરી મોત નિપજાવવાની ઘટનામાં ગુનેગારને છેલ્લા શ્વાસ સુધીનો જેલવાસ કોર્ટે ફટકાર્યો છે. આ ચુકાદો ફાસ્ટ ટ્રેક કોર્ટે નવેક દિવસમાં જ આપ્યો છે. એક સમયે દુષ્કૃત્યની ફરિયાદ જ ન થતી ને થતી તો કેસ રફેદફે કરી દેવાતો. કેસનો નિકાલ આવતા વર્ષો વીતી જતાં અને પીડિતા સાથેનો વ્યવહાર ગુનેગાર જેવો થતો રહેતો. એમાં ઘણો સુધારો થયોં છે. કોર્ટમાં પીડિતાને મૂંઝવવાનું ઘટયું છે. કેસનો નિકાલ ઝડપી થયો છે ને ગુનેગારોને આકરી સજા ફટકારવામાં આવે છે, છતાં દુષ્કર્મની ઘટનાઓ ઘટતી નથી તે હકીકત છે. ફાંસીની સજાનો ખોફ પણ ગુનેગારોને લાગતો નહીં હોય, નહિતર દુષ્કર્મની ઘટનાઓમાં ઓટ તો આવે ને !
ક્યારેક વિધર્મીઓ પોતાનો ધર્મ છુપાવીને મહિલાઓને પ્રેમમાં પાડે છે ને લગ્ન કરે છે. લગ્ન પછી પત્નીને પોતાનો ધર્મ અપનાવવાની ફરજ પડાય છે ને સ્ત્રી અસહ્ય યાતનાનો શિકાર બને છે. તે પતિને એટલે છોડી નથી શકતી, કારણ તેનાં પિયરે તો તેનું નાહી નાખેલું હોય છે. બીજી તરફ કેટલાંક કુટુંબો પણ પ્રતિષ્ઠા કે આબરૂ જવાની બીકે, પ્રેમ કે લગ્ન કરી બેઠેલી દીકરી કે બહેનને જાતે જ મારી નાખે છે. એવું નથી કે સ્ત્રી પર જુલમ બીજાઓ જ કરે છે, ઘણીવાર તો સ્ત્રી પોતે જ પોતાને ખતમ કરી નાખે છે. બે દિવસ પર જ એક પરિણીતાએ પોતે તો આત્મહત્યા કરી જ, પણ તે પહેલાં પોતાનાં વહાલસોયા દીકરાનું પણ ગળું દબાવીને હત્યા કરી. એમાં વાંકમાં ન તો સ્ત્રી હતી કે ન તો દીકરો ! વાત એમ હતી કે પતિ પોતાની ભાભી સાથે પ્રેમમાં હતો ને તે તેને છોડવા તૈયાર ન હતો, એટલે ત્રાસીને તેણે દીકરાને અને પોતાને મૃત્યુ આપ્યું.
એવું નથી કે કેવળ સ્ત્રી જ શોષણનો ભોગ બને છે. હવે કાયદાઓ સ્ત્રી તરફી થયા છે એટલે સ્ત્રીઓ તેનો લાભ લેતી પણ થઈ છે. પિતાની મિલકતમાં તેનો હક થયો છે તો તે મેળવવાનું પણ તે ચૂકતી નથી. સાસુ, સસરા, પતિ કે દિયરને દહેજ માંગ્યું – એવું જાહેર કરીને તે પોલીસ સુધી વાત પહોંચાડી શકે છે. પતિ નરમ હોય તો તેનાં પર આધિપત્ય જમાવવાનું પણ તેને ફાવે છે ને જ્યાં સત્તા પર છે ત્યાં પોતાની આણ વર્તાવવાનું તેને નવું નથી લાગતું, આ બધું છતાં સ્ત્રીનું શોષણ થાય જ છે ને અનેક રીતે થાય છે એ વાત સ્વીકાર્યા વિના ચાલે એમ નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ડિસેમ્બર 2021