પશ્ચિમ બંગાળમાં તાજેતરની ચૂંટણી પછીની વિધાનસભાની પહેલી જ બેઠકમાં સત્તાધારી તૃણમૂલ કાઁગ્રેસે વિધાનપરિષદની રચનાનું વિધેયક પસાર કર્યું છે. આ વરસે પશ્ચિમ બંગાળ સરકારે વિધાન પરિષદની રચનાનું બિલ મંજૂર કર્યું છે તો ગયા વરસે આંધ્ર પ્રદેશની વાય.એસ.આર. કાઁગ્રેસ સરકારે વિધાન પરિષદની નાબૂદીનું બિલ મંજૂર કર્યું હતું! અગાઉ રાજસ્થાન, અસમ, તમિલનાડુ અને ઓડિસા વિધાનસભાઓએ વિધાનપરિષદની રચના કરવા સંબંધી બિલ પસાર કર્યાં હતાં. આ સઘળા બિલોને સંસદની મંજૂરી મળે ત્યારે ખરું, પણ આ નિમિત્તે વિધાનપરિષદ કે રાજ્યસભા જેવા ઉપલા ગૃહની ભૂમિકા અને ઉપયોગિતાની ચર્ચા થવી જોઈએ.
વિશ્વના સંસદીય લોકશાહી ધરાવતા મોટા ભાગના દેશોમાં દ્વિગૃહી વિધાનગૃહો છે. તેનાં મૂળિયાં સત્તરમી સદીના ઇંગ્લેન્ડમાં જોવા મળે છે. ઇંગ્લેન્ડના ઉમરાવો સામાન્ય નાગરિકોથી પોતાને જુદા ગણતા હોઈ તેમનું વિધાનગૃહ પણ અલગ હતું. આજે પણ બ્રિટિશ પાર્લામેન્ટના બે ગૃહો હાઉસ ઓફ લોર્ડસ (ઉમરાવ સભા) અને હાઉસ ઓફ કોમન્સ (આમ સભા) તરીકે ઓળખાય છે.
આઝાદ ભારતની સંસદના બે ગૃહો – લોકસભા અને રાજ્યસભા પૈકી રાજ્યસભાનો આરંભ તો અંગ્રેજ રાજમાં, ૧૯૧૮માં, થયો હતો. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે ઓળખાતું સંસદનું એ ગૃહ ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્ય ધારા મુજબ દેશી રાજ્યોના પ્રતિનિધિઓનું બનેલું હતું. આઝાદી બાદ તે વડીલોનું ગૃહ કે ઉપલું ગૃહ બન્યું. તેનું રાજ્યસભા એવું નામકરણ તો છેક ૨૩મી ઓગસ્ટ ૧૯૬૪માં થયું હતું. ૨૫૦ સભ્યો ધરાવતી રાજ્યસભા સંસદનું કાયમી ગૃહ છે અને તેના સભ્યો પરોક્ષ ચૂંટણીથી ચૂંટાય છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૬૮ મુજબ વધુ વસ્તીવાળા રાજ્યો – ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ અને પંજાબ-ની વિધાનસભા બંધારણીય પ્રક્રિયા અનુસરીને પોતાના રાજ્યોમાં વિધાન પરિષદની રચના કરી શકે છે. તે મુજબ મધ્યપ્રદેશ સિવાયના રાજ્યોમાં વિધાનપરિષદની રચના થઈ છે, કેટલાંકમાં નાબૂદ થઈ છે અને એકબેમાં ફરી સ્થાપિત થઈ છે. તે બાબતનો ઇતિહાસ રસપ્રદ છે.
પશ્ચિમ બંગાળમાં ૧૯૬૭માં પ્રથમવાર બિનકાઁગ્રેસી સંયુક્ત મોરચાની સરકાર અજય મુખરજીના મુખ્ય મંત્રી પદે રચાઈ હતી. બહુમતી છતાં તેને આઠ જ મહિનામાં બરખાસ્ત કરવામાં આવી. અને અપક્ષ પ્રફુલ્લચન્દ્ર ઘોષ કાઁગ્રેસના સમર્થનથી અને વિધાન પરિષદમાં બહુમતીના જોરે મુખ્યમંત્રી બન્યા હતા. પણ તે સરકાર લાંબુ ન ટકી. નવી ચૂંટણીમાં બહુમતી મેળવી ૧૯૬૯માં સંયુક્ત મોરચો ફરી સત્તામાં આવ્યો અને તેણે વિધાનપરિષદ નાબૂદ કરી હતી. હવે ૨૦૧૧થી મમતા બેનરજી વિધાનપરિષદની રચના કરવા માંગે છે. આંધ્રમાં ૧૯૬૮થી વિધાનપરિષદ હતી. પણ ૧૯૮૫માં તેને નાબૂદ કરી દેવાઈ હતી. ૨૦૦૭માં તેની પુન:સ્થાપના થઈ અને હવે ૨૦૨૦માં તેને નાબૂદ કરવાનો પ્રસ્તાવ પસાર થયો છે! પંજાબમાં ૧૯૬૯માં અને તમિલનાડુમાં ૧૯૮૬માં વિધાનપરિષદ નાબૂદ થઈ હતી.
હાલમાં દેશના છ રાજ્યો, ઉત્તરમાં ઉત્તર પ્રદેશ અને બિહાર, પશ્ચિમમાં મહારાષ્ટ્ર અને દક્ષિણમાં કર્ણાટક, આંધ્ર અને તેલંગણામાં, વિધાનપરિષદો અસ્તિત્વમાં છે. તે પૈકી યુ.પી., બિહાર અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીઓ પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાયેલા વિધાનસભાના નહીં પણ પરોક્ષ ચૂંટણીથી રચાતી વિધાન પરિષદના સભ્યો છે. આ ત્રણ રાજ્યોમાં વિધાનપરિષદની બેઠકો અનુક્રમે ૧૦૦, ૭૫ અને ૭૬ છે. કર્ણાટક વિધાનપરિષદની સભ્ય સંખ્યા ૭૫, આંધ્રની ૫૮ અને તેલંગણાની ૪૦ છે. વિધાનપરિષદમાં વિધાનસભાની સભ્ય સંખ્યાના ૧/૩ પણ ઓછામાં ઓછા ૪૦ સભ્યો રાખવાની જોગવાઈ છે.
રાજ્યોનું પ્રતિનિધિત્વ, કાયદાના ઘડતર પર નિયંત્રણ અને સમતુલા, ચૂંટણીથી દૂર રહેતા મહાનુભાવોના અનુભવ અને જ્ઞાનનો લાભ મેળવવા તથા સંસદીય લોકશાહીમાં બૌદ્ધિકોની ભૂમિકા વધારવા – કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ઉપલા ગૃહની રચના કરવામાં આવી છે. પરંતુ આ ઉદ્દેશ ભાગ્યે જ ફળીભૂત થાય છે.
લોકસભાના સભ્ય બનવા દેશના કોઈ પણ ભાગમાંથી ચૂંટણી લડી શકાય છે પણ રાજ્યસભાના સભ્ય જે તે રાજ્યના નિવાસી હોવા અનિવાર્ય છે. જે રાજનેતા પોતાના રાજ્યમાંથી ચૂંટાઈ શકે તેમ ન હોય તે અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડે છે અને તેના નિવાસી હોવાનો પુરાવો ઊભો કરી દે છે પણ ખરેખર તે રાજ્યના નિવાસી હોતા નથી. મનમોહન સિંહ તેમના પ્રધાનમંત્રીત્વ કાળમાં અસમમાંથી રાજ્યસભાના સભ્ય હતા પણ તે અસમના નિવાસી હતા કે રાજ્યસભામાં તે અસમ રાજ્યનું ખરેખર જ પ્રતિનિધિત્વ કરતા હતા તેવું કહી ન શકાય. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા પ્રણવ મુખરજી, પી. શિવશંકર, લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, જના કૃષ્ણમૂર્તિ કે હાલના એસ. જયશંકરે ગુજરાતના નિવાસી હોવાના પુરાવા તો આપ્યા હશે પણ તેનાથી તે ગુજરાતના પ્રતિનિધિ ઠરતા નથી. એટલે રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે તે હેતુ પૂર્ણ થતો નથી.
રાજ્યસભાના સભ્યો સંબંધિત રાજ્યના ધારાસભ્યોના વોટથી ચૂંટાય છે. પણ વિધાનપરિષદના સભ્યપદ માટેનું મતદારમંડળ વિશિષ્ટ છે. ધારાસભ્યો, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમ જ સ્નાતક અને શિક્ષકોનું મતદાર મંડળ ઠરાવેલા પ્રમાણ મુજબ સભ્યો ચૂંટે છે. ભારતના બંધારણે તેના તમામ નાગરિકને એક સરખો મતદાનનો અધિકાર આપ્યો છે વળી મતદાર માટે કોઈ શૈક્ષણિક કે વ્યવસાયિક લાયકાત ઠરાવી નથી. વિધાનપરિષદ માટે સ્નાતક અને શિક્ષક એવી શૈક્ષણિક લાયકાત કે વ્યવસાયના આધારે રચાયેલા મતદારમંડળ પાછળનો કોઈ તર્ક સ્પષ્ટ થતો નથી. જો કે આવું મતદાર મંડળ ‘એક વ્યક્તિ, એક મત, એક મૂલ્ય’ના મતદારની બંધારણીય સમાનતા અધિકારનો ભંગ કરે છે. અને શિક્ષિત-અશિક્ષિત કે શિક્ષક અને અન્ય વ્યવસાયી વચ્ચે ભેદ ઊભો કરે છે.
લોકસભા કે વિધાનસભાના ઉમેદવાર માટે પચીસ વરસની ઉંમર અને સભ્યપદની મુદ્દત પાંચ વરસની છે પણ રાજ્યસભા કે વિધાનપરિષદના સભ્યપદ માટે ત્રીસ વરસની ઉંમર અને છ વરસની મુદ્દત ઠરાવી છે, એટલા માટે જ કંઈ તે વડીલોનું ગૃહ નથી. ચૂંટણી હારેલા, અસંતુષ્ટ અને ઘરડાઠચ્ચ રાજનેતાઓનાં આશ્રયસ્થાન અને વગર ચૂંટણીએ રાજનેતાઓની પાછલે બારણે સત્તામાં ઘૂષણખોરીના સાધન તરીકે ઉપલા ગૃહો બદનામ છે.
લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં અનામત બેઠકો હોય છે. ઉપલા ગૃહ(રાજ્યસભા અને વિધાનપરિષદો)ના સભ્યપદમાં કોઈ અનામતની જોગવાઈ ન હોવાથી અનુસૂચિત જાતિ અને જનજાતિને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અને ક્યારેક તે ઉપલું ગૃહ છે કે કથિત ઉપલી જ્ઞાતિઓનું ગૃહ છે તેવો સવાલ ઊઠે છે. અત્યાર સુધીમાં ગુજરાતના રાજ્યસભાના કુલ ૯૪ સભ્યોમાં દલિત અને આદિવાસી સભ્યો છ-છ જ ચૂંટાયા છે. જે તેમની વસ્તીના પ્રમાણમાં ઘણાં ઓછા છે.
રાજ્યસભા અને વિધાનપરિષદ કાયમી ગૃહ હોઈ તે કદી વિસર્જિત થતું નથી પણ દર બે વરસે તેના ૧/૩ સભ્યો નિવૃત્ત થાય છે. તેને કારણે સત્તા પક્ષની તેમાં હંમેશાં બહુમતી હોતી નથી. અઢીસો સભ્યોની રાજ્યસભામાં બી.જે.પી. હજુ બહુમતીમાં નથી. અઠ્ઠાવન સભ્યોની આંધ્ર વિધાન પરિષદમાં સત્તાધારી પક્ષના માત્ર આઠ જ સભ્યો છે. એટલે સત્તાપક્ષોને ઉપલા ગૃહો, તેમના મનપસંદ કાયદા ઘડવામાં વિલંબ કરનારા, આડખીલી રૂપ અને ઉપલા ગૃહોમાં બહુમતી ધરાવતા વિપક્ષોનું વલણ રાજનીતિથી પ્રેરિત અને નકારાત્મક લાગે છે.
જો કે ચૂંટાયેલા ગૃહો કરતાં ઉપલા ગૃહોની સત્તાઓ ઓછી છે વિધાનપરિષદના સભ્યો રાજ્યસભાના સભ્યો, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. રાજ્યસભા અને વિધાનપરિષદો નાણા ખરડા નામંજૂર કરી શકતી નથી કે કોઈ વિધેયકને અનિશ્ચિત સમય માટે રોકી શકતી નથી. તેમ છતાં ઉપલા ગૃહમાં પસાર ન થઈ શકતાં અગત્યના અને અનિવાર્ય બિલ સરકારો બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી પસાર કરાવી શકે છે. પરંતુ તેમ કરવાને બદલે તેને આડખીલીરૂપ અને ખર્ચાળ ગણાવી, નાબૂદીની માંગ કરાય છે.
કલા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, સમાજસેવા વગેરે ક્ષેત્રે કાર્યરત મહાનુભાવોની ઉપલા ગૃહમાં નિયુક્તિની જોગવાઈ છે. બંધારણ નિર્માતાઓની આ જોગવાઈ પાછળની દૃષ્ટિ પક્ષીય રાજનીતિથી અળગા રહેતા લોકોને કાયદાના ઘડતરની પ્રક્રિયામાં જોડવાની હતી. પરંતુ રીઢા રાજકારણીઓએ આ જોગવાઈને પણ દૂષિત કરી છે. હાડોહાડ રાજકારણી મણિશંકર ઐયરને કાઁગ્રેસે તો સુબ્રમણ્યમ સ્વામીને બી.જે.પી.એ આ જોગવાઈ હેઠળ રાજ્યસભામાં નિમણૂક આપી હતી. આટલા વિશાળ દેશમાં પ્રતિભાની ખોટ હોય તેમ રાજ્યસભામાં અત્યાર સુધીમાં પચીસ કરતાં વધુ નિયુક્તસભ્યોને એક કરતાં વધુ ટર્મ મળી છે. રાજ્યસભા કે વિધાનપરિષદના સભ્ય પ્રધાન મંત્રી, મુખ્ય મંત્રી અને મંત્રી બની શકે છે પરંતુ નિયુક્તસભ્ય આ પદ મેળવી ન શકે. કોરોનાકાળમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉધ્ધવ ઠાકરે એ વિધાનપરિષદના નિયુક્તસભ્ય બનવા પ્રયત્ન કર્યો હતો. બિહારના વર્તમાન મંત્રીમંડળના બે સભ્યોને વિધાનપરિષદના નિયુક્ત સભ્ય બનાવાયા છે.
મહાત્મા ગાંધી અને મહંમદ અલી જિન્હા બંને ઉપલા ગૃહની રચનાના વિરોધી હતા અને તેને ગરીબ દેશને ન પરવડે તેવાં બિનજરૂરી તથા ખર્ચાળ માનતા હતા. પરંતુ અવારનવાર રાજકીય ગણતરીઓથી તેની રચના અને નાબૂદીની માંગ ઊઠતી રહે છે. ઉપલા ગૃહને કારણે રાજકારણીઓને પાછલા દરવાજેથી સત્તામાં પ્રવેશનો પરવાનો મળી રહે છે. બિહારના નીતિશ કુમાર મુખ્ય મંત્રીપદની લાંબી રાજવટ દરમિયાન ધારાસભાની ચૂંટણી એકેય વાર લડ્યા નથી. માયાવતી, યોગી આદિત્યનાથ, રાબડી દેવી, ઉધ્ધવ ઠાકરે, સુશીલકુમાર મોદીએ ચૂંટણી લડવાને બદલે ઉપલા ગૃહના સભ્ય બનવાનો સરળ માર્ગ અપનાવ્યો છે.
સરકારિયા કમિશનની ભલામણ મુજબ વિધાનગૃહની કુલ સભ્ય સંખ્યાના પંદર ટકા સભ્યોનું પ્રધાનમંડળ રચી શકાય છે. જો દ્વિગૃહી વિધાનગૃહ હોય તો લોકસભા અને રાજ્યસભા કે વિધાનસભા અને વિધાનપરિષદની કુલ સભ્ય સંખ્યા ગણતરીમાં લેતાં વધુ લોકોને પ્રધાનો બનાવી શકાય છે. એટલા માટે પણ વિધાનપરિષદની રચનાની માંગ થાય છે.
ઉપલા ગૃહની જરૂરિયાત માત્ર આર્થિક આધારે જ મૂલવીને તે ખર્ચાળ છે તેમ ગણી તેની નાબૂદીની માંગ ન કરી શકાય. કેમ કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ ખૂબ જ ખર્ચાળ છે એટલા જ કારણસર ચૂંટણીઓની નાબૂદીની માંગ આપણે કરતા નથી. કેમ કે ચૂંટણીઓ વિનાની લોકશાહીની કલ્પના કરી ન શકાય. એટલે આવી લોકશાહી સંસ્થાઓને ખર્ચના કારણે નાબૂદ કરી નાંખવાને બદલે ખર્ચના ઘટાડાની ચર્ચા થવી જોઈએ.
જે દેશો કે રાજ્યોની સંસદ કે વિધાનગૃહો એકગૃહી છે તેમના કાયદા ઘડતરના સ્તરના આધારે પણ ઉપલા ગૃહોના ઔચિત્યની ચર્ચા કરી શકાય. ઉપલા ગૃહના નિયંત્રણ અને સમતુલા વિના એકગૃહી વિધાનમંડળના કાયદાનું સ્તર નીચું હોય છે કે તેના કાયદાને વધુ બંધારણીય સમીક્ષાની જરૂર પડે છે તે ચકાસવું જોઈએ. દેશના છએક રાજ્યોની વિધાનપરિષદની રચના અને નાબૂદીની માંગ સંસદ સમક્ષ પડતર છે ત્યારે ઉપલા ગૃહોના ઔચિત્યના સર્વ પાસાંઓ અંગે રાષ્ટ્રીય ચર્ચા આવશ્યક છે.
e.mail : maheriyachandu@gmail.com