વાચક તરીકે કોઈ પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછીનો મારો પ્રથમ અનુભવ છે કે વાંચતી વખતે ઝણઝણાટીનો અને આંખોમાં આંસુ આવી ગયાં એવો અનુભવ થયો હોય! આંસુ તો કદાચ બીજાં પુસ્તકોમાંથી પસાર થતાં પણ આવ્યાં હશે, પરંતુ અહીં તો અનુભૂતિ જ અનોખી. પુસ્તક વાંચતાં વાંચતાં નજર સમક્ષ સતત બીજી વ્યક્તિ તરવરતી હતી તે હિમાંશી શેલત. ક્યારેક તો એવું પણ લાગે કે કોની વાત વાંચું છું, હોમાયબહેનની કે હિમાંશીબહેનની! અલબત્ત, બન્નેનાં કાર્યક્ષેત્ર અલગ, પરંતુ સ્વર્નિભરતાનો અને હિસાબમાં ચોખ્ખા રહેવાનો બન્નેનો આગ્રહ બરકરાર! બીરેન કોઠારીની લેખિની તો સાદી, સરળ અને સહજ. કોશિયાને સમજાય તેવી. વર્ણનમાં અતિશયોક્તિ તો હોય જ નહીં. પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી ઘટનાનું ચિત્રણ એ ખાસિયત આંખે ઊડીને વળગે. પુસ્તકનું શીર્ષક સૂચક છે, જેમાં ‘શબ્દછબી’ શબ્દપ્રયોગ થયો છે, કારણ કે હોમાયબહેન છબીકાર હતાં. પુસ્તકમાં અનેક તસવીરો છે, હોમાયબહેનના હસ્તાક્ષર છે. વૃદ્ધ વ્યક્તિ પુસ્તક સરળતાથી વાંચી શકે તે રીતે ફોન્ટ્સ રખાયા છે, એટલે જ હું પુસ્તક સરળતાથી વાંચી શકી, બાકી વાંચવાનો મોહ જતો કરવો પડે, કારણ કે હાલ હું પણ મોતિયો અને ઝામરથી ગ્રસ્ત છું. બીરેને પુસ્તક જીવનસંગિની કામિનીને અર્પણ કર્યું છે, તો એમ કરવું જ જોઈએ, કારણ કે માઈજીને સાચવવાનો ભેખ લેનાર વરની વહુ થવું કાંઈ ખાવાના ખેલ નથી ! આ બાબત તો પરેશભાઈનાં જીવનસંગિની પ્રતીક્ષા માટે પણ એટલી જ સાચી. મને પરેશ પ્રજાપતિના લેખમાં તો ખાસ્સો રસ પડ્યો. તે જ રીતે હોમાયબહેનની મુલાકાતમાં એમણે આપેલા જવાબોમાં પણ.
બીરેન કોઠારી અને પરેશ પ્રજાપતિ-પરિવારોને એમનો પરિચય થયો, ત્યારે હોમાયબહેન વડોદરા સ્થાયી થઈ ગયાં હતાં. જીવનનો એ છેલ્લો સમયખંડ હતો. ભારતનાં પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર, પદ્મવિભૂષણ હોમાય વ્યારાવાલાને બધાં જ ઓળખે, એ રીતે તો એમના વિશે ખાસ્સી માહિતી મળે છે. આ સંભારણાં વાંચવાં ગમે છે, કારણ કે એ અલગ અનુભવોના કારણે લખાયાં છે. ફોટોગ્રાફર – છબીકાર તરીકે નિવૃત્તિ લીધા પછી પણ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યાં છે. પુસ્તકમાં સતત એમનાં શિસ્તબદ્ધ, સ્વમાની, ખુદ્દાર, જીવંત વ્યક્તિત્વનો પરિચય થતો રહે છે. બાગબાની, ઇકેબાના, આયુર્વેદ, મિસ્ત્રીકામ, રસોઈ, ભરતગૂંથણ અને પોતાનાં અંગત કામમાં સ્વર્નિભરતા એ હોમાયબહેનના નિવૃત્તિકાળની પ્રવૃત્તિ હતી, જેનું વિષદ વર્ણન અહીં મળે છે. વસ્તુનો પુનઃ ઉપયોગ હોમાયબહેનની લાક્ષણિકતા છે, એટલે પોતાને મળેલાં પત્રોનાં પરબીડિયાંને ફરીથી ઉપયોગમાં લેવાં જેવી ચીવટાઈ દાખવવી એમને સહજ છે. ખર્ચનો હિસાબ કરી લેવો અને બીરેનભાઈ કે પરેશભાઈને તે રકમ ચૂકવી દેવાનો આગ્રહ તો ક્યારેક હઠાગ્રહ લાગે. પરંતુ હોમાયબહેનને વાંચીએ-સમજીએ એટલે આ લક્ષણ પણ સહજ લાગે.
પહેલી મુલાકાતથી જ અરસપરસ પ્રેમ પાંગર્યો એવું નથી બન્યું. પછી તે બીરેનભાઈ હોય કે પરેશભાઈ, બીરેનભાઈ અને કામિની વહેલું સમજ્યાં અને અનુકૂળ થતાં ગયાં તે સાચું. પરેશભાઈને સમય લાગ્યો, પરંતુ પછી એમનો સંબંધ માતા-પુત્રની કક્ષાએ પણ પહોંચ્યો. પરેશ-પ્રતીક્ષા એમને માટે અનિવાર્ય બની રહ્યાં. બન્ને પરિવારોનાં સંતાનોને પણ હોમાયબહેનનો પ્રેમ મળ્યો. હોમાયબહેન ન રહ્યાં, તો પરેશભાઈએ એમનું ઘર ખરીદી લીધું અને એમની સ્મૃતિ જાળવી રાખી. એમના અંતિમ સમયે પણ તે હાજર અને અસ્થિવિસર્જન માટે પણ ગંગાતટ સુધી ગયા. તે જ રીતે બીરેનભાઈએ પણ પોતાના ઘરની મિટ્ટીમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ વેર્યાં. વડોદરાનાં એક જાહેર બગીચાને હોમાયબહેનનું નામ અપાયું તેમાં મેયર જ્યોતિબહેન પંડ્યાનો ફાળો સવિશેષ, ઉપરાંત એ બાગમાં હોમાયબહેનનાં અસ્થિફૂલ પણ વેરાયાં, તે ભાવાંજલિ પણ ધ્યાનાકર્ષક. પરેશભાઈને તો પોતાના ઘરનાં અસ્થિફૂલમાંથી અંતે હોમાયબહેનની લગ્નની વીંટી પણ પ્રસાદ રૂપે મળી એ તો અદ્ભુત ઘટના!
પુસ્તકની શરૂઆતમાં એમના પૂર્વજીવનની ઝાંખી મળે છે. તે મૂળ નવસારીનાં. એમનું બાળપણ, જીવનસાથી માણેકશા, પુત્ર ફારુક, પુત્રવધૂ ધન, એમનાં જીવનચરિત્રકાર સબીના અને અન્ય મિત્રોનો ઉલ્લેખ પણ છે. તેઓ ફોટોગ્રાફર તરીકે જે ઐતિહાસિક તારીખ અને તવારીખનો હિસ્સો બન્યાં છે, તેનો સહેજ પણ ભાર રાખતાં નથી. ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરાજી, શાસ્ત્રીજી અને અનેક મહાનુભાવોની તસવીર એમણે લીધી છે. મહમદઅલી ઝીણાની યાદગાર તસવીર લેતી વખતે તે ખોખા પરથી ગબડી પડ્યાં અને બરાબર એમની સામે પડ્યાં, તે સમયે એમણે સામે એક સ્ત્રીને જોઈને દાખવેલું સૌજન્ય તે ઘટના, વલ્લભભાઈએ પ્રથમ સ્ત્રી-ફોટોગ્રાફર હોમાયબહેન માટે એ અમારી ગુજરાતણ છે એનું દર્શાવેલું ગૌરવ, ઇન્દિરાજી હોમાયબહેનના દીકરાને પોતાના દીકરાઓના જન્મદિનની ઉજવણીમાં નિમંત્રિત કરતાં એ આત્મીયતા, આ બધાં સંભારણાં તે સમયખંડ જીવંત કરી દે છે. એ સમય એવો હતો જ્યારે ફોટોગ્રાફી સરળ ન હતી. માણેકશાજી અને હોમાયબહેન બન્ને ખાસ્સી મહેનત કરતાં. માણેકશાની વિદાય પછી એમણે પણ વરસેકમાં ફોટોગ્રાફી છોડી, બાકી પતિ-પત્ની બન્નેએ ફોટોગ્રાફીનું ખાસ્સું કામ સાથે મળીને કર્યું. એમની દાંપત્યયાત્રા વિશે ઓછી માહિતી આ પુસ્તકમાં છે, પરંતુ જેટલી પણ છે, તે રસપ્રદ અને મનોહર છે. મુખ્ય બાબત તો એ છે કે ચોરાણું વર્ષે પણ કોઈ સ્ત્રી કહે કે હું ક્યાં વૃદ્ધ છું, હું તો જવાન છું. તો એનો મિજાજ સમજવો અનિવાર્ય બને છે. કોઈ પણ સલાહ કે શિખામણ વગર કોઈ પોતાની શરતે જીવન જીવી બતાવે એ બાબત અનુકરણીય છે. પોતાની નેમપ્લેટથી લઈ ઘરને બારણે ઘંટડીનો રણકાર સાંભળવાનો આગ્રહ જુઓ કે ઘરની ચાવી ક્યાં, કેવી રીતે મૂકવી, ટી.વી.નું રિમોટ હાથવગું રાખવું, મોબાઇલનો ઉપયોગ શીખવો કે ડિજિટલ ફોટોગ્રાફી સમજવી. જેવી અનેક બાબતો પર ઉદ્દભવતી ઘટનાઓ રોચક છે.
પારસીઓ પર અંગ્રેજિયતની અસર વધારે ખાસ કરીને પોતાની ‘પ્રાઇવસી અને પ્રાઇવેટ સ્પેસ’ બાબતે તો એ લક્ષણ આંખે ઊડીને વળગે પણ પ્રેમસંબંધ બંધાયા પછી બીરેન-પરેશ પરિવાર સાથે એમનો સંબંધ અનૌપચારિક થતો રહેલો. અમારો આભાર ન માનવો એવા બીરેન-પરેશના આગ્રહ સામે તેઓ એમને આશીર્વાદ આપતાં અને એમને માટે પ્રાર્થના કરતાં. બીરેનના મતે એમનો જીવંત રહેવાનો ગુણ ધ્યાનાકર્ષક. પોતાના જીવનસાથી માણેકશા અને દીકરા ફારુકની વિદાય પછી એકલાં રહેવાનું આવ્યું, પરંતુ તેઓ એકલાં હતાં – એકલવાયાં કે એકલતાથી પીડાતાં ન હતાં. વિયોગનું દુઃખ હોય, પણ એને પચાવવાનું એમણે ભાગ્યના લેખ તરીકે સ્વીકાર્યું હતું. ફારુકનાં લગ્નમાં મા-દીકરો જાનૈયા તરીકે બે જ ગયેલાં અને નવવધૂ ધન સાથે પાછા ફર્યાં, ત્યારે ત્રણ એ સાદાઈ પણ ધ્યાન ખેંચે. પોતે આટલાં પ્રતિષ્ઠિત તેનો કોઈ ભાર નહીં તેમ ફારુક આઈ.આઈ.ટી.માં ભણેલો તેનું પણ અભિમાન નહીં. ફારુકની જીવનસંગિની ધન સાથે પણ એમણે હૂંફાળો સંબંધ જાળવી રાખેલો.
મુંબઈ, દિલ્હી, પિલાની અને વડોદરા આ ચાર શહેરોમાં તેઓ રહ્યાં. નવમા દાયકામાં અમેરિકાની મુલાકાતે પણ ગયાં. મુંબઈ અને દિલ્હીમાં તેઓ ફોટોગ્રાફીમાં સતત કાર્યરત હતાં, પરંતુ પિલાની અને વડોદરામાં પ્રમાણમાં નિરાંત હતી, છતાં તેઓ સતત કામ તો કરતાં જ રહેતાં. પોતાની ફિયાટ ગાડી ડાલ ડા-૧૩ માટે આખું પ્રકરણ છે. આ વાંચતી વખતે મને અમૂલકાકાનો એમની ગાડી મોરિસ માટેનો પ્રેમ, મારા પિતાનો અને અમારું સ્ટૂથબેકર કમાંડર માટેનું વળગણ યાદ આવતાં હતાં. એકસો પચીસ પાનાંમાં સમાવિષ્ટ આ સંભારણાં વર્ધન-વર્ધનાઓને સમજવાં અને એમની સાથે કેવી રીતે અનુકૂલન સાધી શકાય, તેની ઝાંખી કરાવે છે. પુસ્તકમાં નિમિષા-ઓળખ, રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી જેવાં જાણીતાં નામોનો ઉલ્લેખ ગમે છે. બીરેનભાઈએ આ સંભારણાં લખીને એક અનોખા સંબંધની પીમળનો અહેસાસ કરાવ્યો, તે બદલ એમનો આભાર.
હોમાય વ્યારાવાલા : તેમની સાથેનાં સંભારણાંની શબ્દછબિ – લેખક : બીરેન કોઠારી – પૃષ્ઠસંખ્યા : ૬ + ૧૩૦ = ૧૩૬, – કિંમતઃ રૂ.૧૨૫/- – વળતર સાથેની કિંમતઃ રૂ. ૧૧૦/- (ભારતભરમાં શિપિંગ ફ્રી – ) દસ નકલ કે તેથી વધુ નકલ મંગાવનાર માટે વિશેષ કિંમતઃ રૂ. ૯૦/- – પુસ્તક મંગાવવા માટે સંપર્કઃ કાર્તિક શાહ – ફોન/વૉટ્સેપ : ૯૮૨૫૨ ૯૦૭૯૬
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 13 તેમ જ 06