છેવટે વિવાદાસ્પદ કૃષિકાયદા રદ્દ કરવાની જાહેરાત વડા પ્રધાનશ્રીએ કરી, જે આંદોલનને પૂર્વે વગોવવામાં બાકી રાખવામાં આવ્યું ન હતું એમાં સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે. ખેડૂતોમાં આંદોલનને ખાલિસ્તાન ચળવળ સાથે, આતંકીઓની પ્રવૃત્તિ સાથે અને માઓવાદી સાથે સાંકળવામાં આવ્યું હતું. દેશના ભાગલા પડાવવા માંગતા લોકો આ આંદોલન ચલાવી રહ્યા છે, એમ કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાનશ્રીએ પોતે આ ‘આંદોલન જીવી’ લોકો ચલાવી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો; ટૂંકમાં, જે કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે ખેડૂતોના હિતમાં ન હતો, એમ સરકાર માનતી હતી – આજે પણ સરકારની પૉઝિશન એ જ છે વડા પ્રધાનશ્રીએ પોતે સરકાર ખેડૂતોને આ કાયદા દ્વારા થનાર લાભ સમજાવી શકી નથી, એવી રજૂઆત કરી છે.
હવે સરકાર એક સમિતિ રચીને ખેડૂતો માટે નવું પૅકેજ તૈયાર કરશે. એવી જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રાજ્યસરકારોના પ્રતિનિધિઓ, કેન્દ્રસરકારના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો હશે. એ સમિતિ જે ભલામણો કરશે, તેનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સમિતિ ભલામણ નહીં કરે ત્યાં સુધી કૃષિ ક્ષેત્રે સુધારા થશે નહીં અને વર્તમાન નીતિ ચાલુ રહેશે.
આજે જે નીતિ ખેતીના ક્ષેત્રે ચાલી રહી છે, તે પચાસ વર્ષ જૂની છે. દેશમાં અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હતી અને દેશ અનાજની આયાતો ઉપર નભતો હતો, ત્યારે હરિયાળી ક્રાંતિનો અમલ કરવા માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. એમાં ખેડૂતોને હરિયાળી ક્રાંતિની ટૅક્નોલૉજી અપનાવવા માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યાં હતાં. એના એક ભાગ રૂપે લઘુતમ ટેકાના ભાવોની(એમ.એસ.પી.)ની ખાતરી આપવામાં આવી હતી, તેમ જ રસાયણિક ખાતરોનો ઉપયોગ વધે તે માટે એના ઉપર સબસિડી આપવાની નીતિ જાહેર કરવામાં આવી હતી અને ફૂડ કૉર્પોરેશનની રચના કરીને ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હવે દેશમાં અનાજની તંગી રહી નથી અને અનાજની વિપુલતાનો પ્રશ્ન ઊભો થયો છે. બીજી બાજુ કઠોળ અને તેલીબિયાંની અછત પ્રવર્તે છે. તેને કારણે અવાર-નવાર દેશને ખાદ્યતેલોની અને કઠોળની આયાતો કરવી પડે છે. બીજો એક પ્રશ્ન પણ ઊભો થયો છે. ઉદ્યોગોમાં વિકાસ દ્વારા ખેતી પરનું ભારણ આપણે ઘટાડી શક્યા નથી. ઉદ્યોગોનો એટલો વિકાસ થયો નથી કે જેથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોની સંખ્યા ઘટાડી શકાય. બીજી બાજુ, વસ્તીવધારો મોટા પ્રમાણમાં થવાથી બીજા વિકલ્પોના અભાવે ગ્રામીણ લોકો ખેતીમાંથી રોજગારી અને આવક મેળવવા પ્રયત્ન કરે છે. આને કારણે ખેડૂતો પાસે રહેતી જમીન ઘટતી જાય છે. દેશમાં આજે લગભગ ૭૦ ટકા ખેડૂતો પાસે અઢી એકરથી ઓછી જમીન છે. જેમાંથી એમને પૂરતી આવક મળતી નથી. આ ખેડૂતોને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાનું છે. એ માટે ખેતીના ક્ષેત્રે વૈવિધ્ય લાવવાની જરૂર છે. કેટલાક સુધારાઓની બાબતમાં અર્થશાસ્ત્રીઓમાં સર્વાનુમતિ પ્રવર્તે છે. જેમ કે વીજળી, રાસાયણિક ખાતરો, વગેરે પર સબસિડી આપવાને બદલે ખેડૂતોને સીધી નાણાકિય સહાય કરવી. ખેતી ક્ષેત્રે વિશેષ મૂડીરોકાણની જરૂર છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.
આમ, ખેતી ક્ષેત્રે અનેક સુધારાઓ કરવા જરૂરી છે. ખેતીક્ષેત્રે સરકારે કરેલા સુધારાની કસુવાવડ થઈ એનાથી જો સુધારાવિરોધી માનસ સર્જાશે તો એ ખેડૂતો અને ખેતી માટે પ્રતિકૂળ નીવડશે. ખેતી ક્ષેત્રે સુધારાનો સમય ક્યારનો વીતી ગયો છે. ત્રણેક દાયકા પહેલાં એ સુધારાનો આરંભ થવો જોઈતો હતો. ખેતીને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાના બદલે ‘મનરેગા’ જેવી રોજગારીસર્જક યોજનાઓ દ્વારા ખેતી ક્ષેત્રે પૂરક રોજગારી સર્જવામાં આવી, જેનાથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું, ખાસ કરીને, ખેતમજૂરોનું કેટલાક મહિનાઓ પૂરતું રોજગારસર્જન થયું પણ તેનાથી લાંબા ગાળાનું હિત સધાતું નથી. ખેતી ક્ષેત્રે આપણે જુદી રીતે વિચારવું પડે, એવી સ્થિતિ સર્જાઈ છે, ઉપર નોંધ્યું તેમ ઉદ્યોગોના વિકાસ દ્વારા આપણે ખેતીક્ષેત્રનું ભારણ ઘટાડી શક્યા નથી. દક્ષિણ કોરિયા, ચીન વગેરે દેશો એ દિશામાં સફળ થયા છે, પણ આપણે સફળ થઈ શક્યા નથી.
હવે ખેડૂતનેતાઓએ લઘુતમ ટેકાના ભાવોને કાનૂની દરજ્જો આપવાની માંગણી કરી છે. લઘુતમ ટેકાના ભાવોનાં લાભ મહદંશે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગને મળે છે. દેશના મોટા ભાગના ખેડૂતોને એના લાભ નથી મળતો એમ કહીએ તો ચાલે. કહેવાનો મુદ્દો એ છે કે ખેડૂતોની આવક વધારવા માટે લઘુત્તમ ટેકાના ભાવોની નીતિ સમગ્ર દેશમાં સફળ થઈ શકે એમ નથી. આંદોલનકારી ખેડૂતોના નેતાઓ પોતાનાં હિતનો જ વિચાર કરી રહ્યા છે. વળી, બજારતંત્ર ઉપર આધારિત અર્થવ્યવસ્થામાં ભાવોને નિયમિત કરવાનું હિતાવહ નથી. એમાંથી બજારની કામગીરીમાં વિકૃતિ સર્જાય છે. સરકાર પાસે આજે બફરસ્ટૉક માટે જોઈએ, એનાથી બમણો જથ્થો ઘઉં અને ચોખાનો છે. આનો અર્થ એ થાય કે ઘઉં અને ડાંગરનું વધારે પડતું ઉત્પાદન થાય છે. બજારને એની રીતે કામ કરવા દેવું જોઈએ અને જ્યાં અનિવાર્ય હોય, ત્યાં જ સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 03