ચાલો અમેરિકા … કેટલાક બનાવો (4)
મહાયાત્રા એટલે મરણ. એ એવી મોટી અનન્તની યાત્રા છે જેમાંથી પાછા ફરવાનું કદ્દીયે હોતું નથી. વિદ્યા મેળવવી એટલે આ જીવનને, આ જગતને, જાણવું. માણસ દરેક પળે કંઈ-ને-કંઈ જાણતો રહે છે. એમ પણ કહેવાય કે જીવતા રહેવા માટે જાણતો રહે છે. એમ છે, તો વિદ્યાયાત્રા એટલે, સમજો, જીવન.
જીવે ત્યાં લગી માણસે બધું જાણ્યા જ કરવું પડે છે. એ માટે એ અહીંથી તહીં જતો-આવતો રહે છે, ભમતો-ભટકતો રહે છે. વિદ્યા માટે નાનપણમાં એ બાળમન્દિરે જાય, પછી નિશાળે. મોટપણે કૉલેજ જાય, દેશમાં ભણે, વિદેશ જાય.
આ લેખમાળાને હું ‘મારી વિદ્યાયાત્રા’ કહું છું એથી ખાસ શું સમજવાનું છે? એ કે બાળમન્દિરથી હું જ્યાં જ્યાં ગયો, જે કંઈ શીખ્યો, જે કંઈ પામ્યો – તે બધું જ. ડભોઇથી વડોદરા અમદાવાદ, ભારતનાં વિવિધ શહેરોમાં, ઈન્ગ્લૅન્ડ અમેરિકા આમ્સ્ટર્ડામ તેમ જ યુરપ અને આફ્રિકાનાં બીજાં શહેરોમાં; જ્યારે જ્યારે ગયો ત્યારે ત્યારે જે કંઈ મારા વડે આત્મસાત્ થયું ને એ પ્રકારે જિવાયું – તે બધું જ.
અમારે પહેલી માર્ચે ફિલાડેલ્ફીઆ પહોંચી જવાનું’તું. આમ્સ્ટર્ડામથી KLM-ની ફ્લાઈટ ડીટ્રૉઇટ થઇને ફિલા૦ પ્હૉંચાડે. આમ્સ્ટર્ડામના સાઉથ-વેસ્ટથી પંદરેક કિલોમીટર પર આવેલું શિફોલ ઍરપોર્ટ દુનિયાનાં કેટલાંક મહા મહા ઍરપોર્ટોમાંનું એક છે. જોવા-અનુભવવાલાયક મનાય છે. તે વખતના આંકડા અનુસાર કહું કે, ૧૦૦ જેટલા દેશોને અને ૨૦૦થી વધુ શહેરોને જોડે છે. હવે તો આ આંકડા કેટલા ય આગળ નીકળી ગયા છે. મુમ્બઇ-આમ્સ્ટર્ડામ-મુમ્બઈ જેવી અનેક ડેઈલી ફ્લાઈટ્સથી સુખ્યાત KLM, કહે છે, દુનિયાની પહેલી ઍર-ફ્લાઈટ છે. પણ એણે અમને બન્નેને કેવી તો વીતાડી એ વાર્તા સાંભળવા જેવી છે :
અમે ઘરેથી વહેલી સવારે નીકળેલાં. રીપોર્ટિન્ગ ટાઈમથીયે પ્હૅલાં પહોંચેલાં. જોયું તો, ઍરપોર્ટ પર ખાસ્સી ભીડ હતી. બૅગેજીસ ચૅક-ઈન કરાવવા માટેનાં લગભગ બધાં જ કાઉન્ટરો પર લાંબી લાંબી લાઇનો હતી. એટલે અમારે ચિ. મદીર, પૌત્ર તેજ અને પુત્રવધૂ લેતિઝ્યાથી મહાબૅળે પણ છૂટાં પડવું પડેલું. અમારા સૌના ચહેરે એક જ પ્રશ્ન ખૅંચાયેલો હતો – ફરી ક્યારે મળાશે …
ફરીથી તો અનેકાનેક વાર મળ્યાં છીએ. પણ એ દિવસ તો ઠીકઠીક વસમો હતો.
તરત અમે ટૂંકામાં ટૂંકી દેખાતી લાઇનમાં અમારી બૅગેજીસની બન્ને કાર્ટ અને વળી બે ઍટેચી સહિત ઉચાટભર્યાં ઊભાં રહી ગયેલાં. ધીરે ધીરે ખસનારી અમારી એ લાઈને છેવટે અમને કાઉન્ટર અને તે પરની રૂપાળી બાળાનો સાક્ષાત્કાર કરાવ્યો.
હું પાસપોર્ટ અને ટિકિટ રજૂ કરું એ પહેલાં જ એ સ-સ્મિત બોલી : આર્યુ ઈન્ડિયન? : મેં પણ એવા જ સ્મિતથી ‘યસ્સ’ કહ્યું ને હું અને રશ્મીતા એને આતુર જિજ્ઞાસાથી જોઇ રહ્યાં. કહે : માય હસબન્ડ ઈઝ ઈન્ડિયન, પંજાબ સે હૈ : મને મનમાં થતું’તું આ જગ્યા શું કોણ કોનું સગું છે એના વાર્તાલાપ માટે થોડી છે … કામ પતાવે તો, અગાઉની વીતકથી આગળ ધપાય. છતાં મેં પૂછ્યું : આપકો હિન્દી આતી હૈ? : થોરી થોરી : હું શોધી રહેલો કે – હવે શું પૂછવું. રશ્મીતાને ઈશારાથી પૂછ્યું તો એ પણ ચૂપ. પરિણામે, બાળા કશું બોલી નહીં. વિધિ પૂરો થયો.
પણ એણે છેલ્લે જે કહ્યું તે મહત્ત્વનું હતું. એણે સમજાવ્યું કે : હમણાં તમને બન્નેને હું જુદા જુદા સીટનમ્બર્સ આપું છું, આયૅમ ઍક્સ્ટ્રીમલિ સૉરિ, ક્રાફ્ટ ઈઝ સો ક્રાઉડેડ; આફ્ટર અ વ્હાઇલ, ધિસ વિલ્બી ઓકે : મેં ઈશારાથી પૂછેલું -'નમ્બર્સ?’ : એણે ડોકું હલાવી ‘યસ્સ’ કહેલું.
મને ગમેલું નહીં. કેમ કે એના કહેવાનો મતલબ એ હતો કે મારે અને રશ્મીતાએ જુદાં જુદાં બેસીને એ બારેક કલાકની યાત્રા કરવી. ફરજ્યાત વિ-યોગ વેઠવો. અને સાચે જ એમ બન્યું.
અમે પસાર થતાં’તાં ત્યાં બે-ત્રણ છોકરીઓ સૌ મુસાફરોને હથેળીમાં સમાય એવો એક એક નાનો ફૅન – પંખો – ભેટમાં આપતી’તી. મેં ન લીધો પણ રશ્મીતાએ લીધો. કેમ કે, એ પંખાથી હવા ખાવાની મારા શરીરની કે મારા મનની તૈયારી ન્હૉતી.
એ ચૅક-ઈન કાઉન્ટર પછીના ત્રણેક તબક્કે દરેક વખતે અમને કહેવામાં આવ્યું કે ‘ઈટ વિલ્લ બી ઓકે’ અને અમે બન્ને જુદાં જુદાં બેઠાં પછીયે ઍરહૅસ્ટોસોએ પણ એમ જ કહ્યું કે ‘ઇટ વિલ્લ બી ઓકે સૂન’. અમે જુદે જુદે બેઠાં ને શ્રદ્ધા રાખી કે ઓકે થઇ જશે …
Schiphol Airport, Amsterdam, NL.
જે શુભ અને રસપ્રદ કાર્ય માટે અમેરિકા જઇ રહેલાં એને યાદ કરીને હું મન મનાવવા માંડેલો : અમદાવાદમાં મળેલા એ પત્રમાં યુનિવર્સિટીએ મને છૂટ આપેલી કે રાઈટર-ઈન-રૅસિડેન્સ કાર્યક્રમને મારે જે ઘાટ આપવો હશે એ આપી શકાશે. જો કે એક માગણી પણ મૂકેલી કે મારે એક પબ્લિક લૅક્ચર તો આપવું જ.
એ જાહેર વ્યાખ્યાનના મને કેટલાક વિષયમુદ્દા સૂચવેલા – જેમાંથી મેં ગ્લોબલિઝેશનનો મુદ્દો પસંદ કરેલો અને વ્યાખ્યાનનું શીર્ષક બાંધેલું : ‘ફેટ ઑફ અ રીજ્યોનલ રાઇટર ઈન ધ ડેઝ ઑફ ગ્લોબલિઝેશન’ : ‘ગ્લોબલિઝેશનના દિવસોમાં પ્રાદેશિક ભાષાના લેખકની નિયતિ’.
ગુજરાત એક પ્રદેશ કહેવાય અને એમાં લખતા સૌ લેખકોની જેમ હું પણ પ્રાદેશિક લેખક કહેવાઉં. એની, એટલે કે, આમ તો મારી, અથવા એ સૌની, આજે નિયતિ શું છે, ગ્લોબલિઝેશનના દિવસોમાં એનું ભાગ્ય શું છે – એટલે કે, આવનારા સમયમાં પ્રાદેશિક ભાષાના લેખકનું ભાવિ શું છે, વગેરે વિશે મારે સુગઠિત વ્યાખ્યાન આપવું એમ નક્કી થયેલું.
મને કદાચ પહેલી વાર ગડ બેઠેલી કે હું અને ગુજરાતીમાં લખતા બધા જ લેખકો પ્રાદેશિક છીએ, રાષ્ટ્રીય નહીં, વૈશ્વિક પણ નહીં. વિષય નક્કી કરતાં તો કરી નાખેલો પણ ધીમેથી આ વાત ખૂંચવા લાગેલી. કેમ કે શું વૈશ્વિક, કે શું રાષ્ટ્રીય, અરે લેખક માત્ર, મૂળે તો કોઈ ને કોઈ પ્રદેશની જ પેદાશ હોય છે ને ! એ હકીકતને ભૂલીને કશી પણ વાત થાય જ શી રીતે? મેં નક્કી રાખેલું કે વ્યાખ્યાનમાં આ વાતનું બરાબરનું પૃથક્કરણ કરવું ને કહેવું કે યોગ્ય શું હોઇ શકે છે – ખૂંચારો સંઘરી નથી રાખવો.
= = =
(December 12, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર