પાંસઠ થયા હવે જુદી રીતે જીવી લે,
શાંતિથી સાંભળ અને હોઠ સીવી લે.
બહુ કરી લીધી મનમાની વર્ષો પર્યંત,
મરજી વિરુદ્ધ હવે હામી ભરતા શીખી લે.
વાત મનને મારવાની તો નથી અહિંયા,
નોખી દૃષ્ટિએ જગત જોવાનું કબૂલી લે.
સલાહ ઘરખૂણે ગોપાઈ રહેવાની નથી,
આકાશને આંબવાની જીદ હવે મૂકી દે.
રોમાન્સ તો રક્ત સાથે જ વહે છે ધમનીમાં,
પ્રીત પ્રગટ કરવાની ય રીત નવી શીખી લે.
જોહુકમી તો ક્યારે ય કરી જ નથી તો હવે,
જોહુકમી ચલાવવી નથી એ પણ સમજી લે.
ગઝલ-કવિતા તો સદા ય રચાતી જ રહેશે,
ભક્તિપદ ગાવાનું પણ હવે જરા શીખી લે.
દોડભાગ બહુ કરી ભૌતિક ભોગ માટે ‘મૂકેશ’,
મોક્ષ માટે પણ હવે થોડી પૂંજી ભેગી કરી લે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com