મિ. સેનનો બંગલો હતો એ આખો વિસ્તાર ‘સેનવાડી’ના નામે ઓળખાતો. જેમ જેમ ઉમ્મર વધતી જતી હતી, એમ મિસીસ સેનને બંગલાની સાફ-સફાઈ કરવી અઘરી લાગતી હતી. પતિ-પત્ની હીંચકે ઝૂલતાં હોય, ત્યારે મોટે ભાગે વાતનો મુદ્દો આ જ રહેતો,
‘આ કામવાળીઓનાં કંઈ ઠેકાણાં નથી. એ બધીઓની પાછળ ફરી ફરીને હું તો થાકી જાઉં છું.’
‘તે કોણ કહે છે તને થાકી જવાનું? તારાથી થાય એટલું કર ને કરાવ. બાકીનું છોડી દે.’
‘લો, બોલ્યા, છોડી દે! એમ કંઈ થોડું છોડી દેવાય છે? કોઈ આવે તો કહેશે, આટલો સરસ બંગલો પણ આ બાઈને સાચવતાં જ નથી આવડતું.’
પત્નીની ફરિયાદનું નિવારણ કેવી રીતે કરવું એ મૂંઝવણમાં હતા, ત્યાં મિ. સેનને એક દિવસ અચાનક જ ઉપાય મળી ગયો. ઑફિસેથી આવતાની સાથે ખુશ થઈને એમણે કહ્યું :
‘આજે ઑફિસમાં ગુપ્તાએ કહ્યું કે, ગાંધી મેદાનમાં કબીલાવાળા વણઝારા આવ્યાં છે અને એમની સ્ત્રીઓ ઘરકામ માટે તપાસ કરે છે. આપણાં ઘર માટે એક બાઈ સાથે નક્કી કર્યું છે. કાલ સવારથી એ આવશે.’
આમ ચંપા આ ઘરમાં આવી. શ્યામ વર્ણ પણ મોટી ને પાણીદાર આંખો, ઘાટીલો દેહ અને ઘટ્ટ લાંબા વાળ. સાડી ભલે જૂની-પુરાણી; પણ એવી ચીવટાઈથી પહેરેલી કે બે ઘડી જોયા જ કરીએ. જો કે મિસીસ સેનને તો પોતાનાં કામ સાથે જ લેવા-દેવા હતી અને એમની પરીક્ષામાં ચંપા જોતજોતામાં પાસ થઈ ગઈ. એનાં કામથી ખુશ થયેલાં શેઠાણી, પછી તો એની સાથે અલક-મલકની વાતો ય કરતાં …
‘ઘરમાં તમે કેટલા લોકો રહો છો?’
‘અમીં ચાર છૈયે.’
‘તમે બે ને બે છોકરાંઓ?’
‘નંઈ. મીં ને મારા તઈણ મરદ.’
‘ત્રણ મરદ? એ વળી કેવી રીતે?’
‘અમારામાં એવું જ હોય સે …. પેલી દરપદીને તો પાંસ હતા ને? મારે બે ઓસા.’ કહીને એ હસવા લાગેલી. જ્યારે એમણે પોતાના પતિને આ વાત કરી ત્યારે એ મોઢું બગાડતાં બોલેલા ….
‘આ બધાં હલકી વરણનાં લોકો. લોકોને લૂંટી લેવા એ જ એમનો ધંધો. એમનો ભરોસો ન કરાય. ક્યારે ચોરી-ચપાટી કરીને છુમંતર થઈ જાય ખબરે ય ન પડે. તું એની પર નજર રાખતી રહેજે.’ પણ મિસીસ સેનને ચંપાની કમ્પની ગમી ગઈ હતી. પોતાની સાથે ચા-નાસ્તો કરાવતાં અને કેટલી ય વાર એને તો પોતાનાં ઘરે જમાડતાં જ; પણ ઘરે લઈ જવા પણ કંઈક ખાવાનું આપતાં.
અમાસની એક રાતે ચંપા એના ત્રણ મરદોની વચ્ચે નીચીમૂંડી કરીને બેઠી હતી. દેશી દારુની બાટલી મોઢે માંડતાં ત્રણમાંનાં એકે સટાક કરતો તમાચો મારીને કહ્યું,
‘ક્યારના પુસ પુસ કરીએ છ, તે જબાપ આપતાં હું જોર પડે સ? આંઈ કિયા કામે આયા સીએ ઈ ખબર સે ને? આટલા દી’થી ‘સેનવાડી’માં જા છ, તે હું બાતમી લાયી છ?’
ચંપા કંઈ બોલ્યા વિના ઊભી થઈને ચાલવા માંડી. ત્રણમાંથી એકે એની પાછળ જતાં કહ્યું, ‘બૌ ચરબી ચઢી સે તે હીધી કરવી પડસે.’
બીજે દિવસે ચંપા કામ પર ગઈ ત્યારે એનો આખો ચહેરો સૂઝી ગયેલો. શરીર પર ઠેકઠેકાણે મારના નિશાન અને સોળ ઊઠી આવેલા. મિસીસ સેને ચીસ પાડી ઊઠતાં પૂછેલું,
‘અરેરે ચંપા આ શું? કોણે મારી તને આમ જંગલીની જેમ?’
‘દીદી, એવું બધું તો હાઈલે રાખે અમારી બસ્તીમાં. અમને બૈરાંઓનેય ટેવ પડી ગઈ માર ખાવાની.’
આવી તે કંઈ ટેવ હોય? મિસીસ સેન વિચારી રહ્યાં પણ એમને લાગ્યું કે ચંપા આ બાબતમાં વધારે બોલવા નથી માગતી; એટલે પછી વાત પડતી મૂકી.
થોડા દિવસ પછી બંગલાનાં બારણાં બરાબર બંધ કરીને પતિ-પત્ની સૂતાં ને હજી આંખ મીંચાય ન મીંચાય ત્યાં ધાબા પર કોઈના દોડવાનો અવાજ સંભળાયો. મિ. સેન પથારીમાંથી ઊભા થઈને ઉપર જવા જતાં હતા; પણ મિસીસ સેને કહ્યું, ‘કોઈ નથી, વાંદરા છે. હમણાં હમણાં વાનરસેનાએ બહુ ઉપાડો લીધો છે. સૂઈ જાવ શાંતિથી.’ થોડીવારમાં અવાજ આવતો બંધ પણ થઈ ગયો.
સવારે દસ અગિયાર થયા તો ય ચંપા ન આવી. મિસીસ સેન રઘવાયા થઈ ગયાં. ‘કેમ નહીં આવી હોય? આમ તો બહુ નિયમિત છે. એ નહીં આવે તો હું ક્યારે આ બધું કામ કરીશ?’ એમનો આવો બધો બબડાટ ચાલુ હતો ત્યાં પોલીસ ચોકીએથી ફોન આવ્યો. ‘સેન સાહેબ, જરા પોલીસ સ્ટેશને આવી જાવ ને! તમારું કામ છે.’ મિ. સેન તો ગભરાયા! ત્યાં વળી મારું શું કામ હશે?
ત્યાં પહોંચ્યા ત્યારે ઈન્સપેક્ટરે પૂછ્યું, ‘સાહેબ, તમારા ઘરમાં કપડાંનાં કબાટની પાછળની દીવાલમાં તીજોરી છે ને? ને તમારાં પત્ની રાત્રે સૂતી વખતે પહેરેલા બધા દાગીના કાઢીને એક ડબ્બામાં મૂકી દે છે એ વાત સાચી?’
‘અરે, તમે તો કોઈ દી’ મારા ઘરે આવ્યા પણ નથી. તો પછી તમને આ બધી કેવી રીતે ખબર પડી?’
‘આ બધા કબીલામાં રહેતા લોકો જે ગામમાં જાય ત્યાંના પૈસાપાત્ર લોકોનાં ઘરોની માહિતી મેળવી લે. ઝાંસીમાં તમારું મોટું નામ સાંભળીને એમણે મોટી ધાપ મારવાનો પ્લાન કરેલો. આ માટે એમણે પોતાની પત્ની ચંપાનો ઉપયોગ કર્યો. ખૂબ મારી એટલે એણે મોઢું તો ખોલવું પડ્યું; પણ કાલે રાત્રે જ્યારે એ તમારે ત્યાં ધાડ પાડવા આવ્યા ત્યારે ચંપા આડી ફરી વળી. એક જ વાત કરતી હતી કે, ‘મેં દીદીનાં ઘરનું નમક ખાધું છે. હું નમકહરામી નહીં કરું.’ આ ઈમાનદાર ઓરતને લીધે તમે બચી ગયાં નહીં તો …….’
મિ. સેન ફાટી આંખે આ બધું સાંભળી રહ્યા અને વિચારી રહ્યા કે હું કોને ‘હલકી વરણ’ કહેતો હતો?
(‘અશોક કુમાર’ની ‘બંગાળી’ વાર્તાને આધારે)
(‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર… ..ઉ.મ..)
સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર, વલસાડ – 396 001
eMail : avs_50@yahoo.com
♦●♦
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 471 – January 31, 2021
♦●♦
આવી ‘ટચુકડી’ વાર્તાઓની ‘ઈ.બુક’
તમને આવી નાનકડી, માત્ર 750 શબ્દોની મર્યાદામાં રચાયેલી વાર્તાઓ વાંચવાનો શોખ હોય તો તમારે માટે એક શુભ સમાચાર છે. 2005થી પ્રકાશિત થતી આ ‘સ.મ.’માં આવી વાર્તાઓ, બહુ વખાણાઈ અને વિશેષ આદર પણ પામી છે.
અમે તેવી પચીસ વાર્તાની એક રૂપકડી ઈ.બુક બનાવી છે.. તમને તે જોવા–વાંચવાનો ઉમળકો થાય તો, તમારું પૂરું નામ, સરનામું અને કૉન્ટેક્ટ નંબર લખીને જ, મને ઈ.મેલ લખજો.. (વૉટસેપ મારફત તે મોકલી શકાય તેમ નથી, તેથી ..) તમને તે મોકલી આપીશ .. ..ઉત્તમ.મધુ ગજ્જર.. e.mail : uttamgajjar@gmail.com
અથવા
https://www.aksharnaad.com/downloads/
ઉપરથી 71મી બુક મફત ડાઉનલોડ કરજો. બીજાં ય ઘણાં પુસ્તકો ત્યાંથી મળશે.