ફ્રાંસ અને તુર્કી વચ્ચે અને ફ્રાંસ અને ઇસ્લામ વચ્ચે અત્યારે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ જોઇને હિન્દુત્વવાદીઓ અને ભક્તો રાજીના રેડ થતા જોવા મળી રહ્યા છે. જો મુસલમાનોનું અને ઇસ્લામનું બુરું થતું હોય તો એનાં કરતાં રાજી થવા જેવી બીજી કઈ બાબત હોય! પણ રાજી થતાં પહેલાં થોડી સબૂરી.
હું છેલ્લા એક સદીના ઇતિહાસના કેટલાક તથ્યો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું અને એમાં તમે કોના પક્ષમાં છો એ વિચારી જુઓ અને પછી અભિપ્રાય બનાવો.
૧. મૌલાના મૌદુદી નામના ઇસ્લામ ધર્મના એક મોટા વિદ્વાન હતા. ગઈ સદીના દસ શ્રેષ્ઠ ઇસ્લામિક સ્કોલરમાં તેમની ગણતરી થાય અને આજે ઇસ્લામિક વિશ્વમાં જે બની રહ્યું છે તેમાં તેમના વિચારોનો મોટો હાથ છે.
તેમણે કહ્યું હતું કે ઇસ્લામ જગતનો સંપૂર્ણ ધર્મ છે અને આ જગતમાં એવી કોઈ ચીજ નથી જેના વિષે ઇસ્લામમાં આદેશ ન આપવામાં આવ્યો હોય. જો કોઈક નાનીમોટી ચીજ રહી ગઈ હશે તો તે બાબતે ઇસ્લામના પ્રકાશમાં વિદ્વાનો આદેશ આપી શકે છે. આનો અર્થ એ થયો કે આ-લોકની તમામ બાબતોને ઇસ્લામ સ્પર્શે છે અને એનો બીજો અર્થ એ થયો કે બંધારણ આધારિત આધુનિક રાજ્ય-રચનાની મુસલમાનોને જરૂર નથી. ભારત જો આઝાદ થઈને આધુનિક રાજ્ય બને તો તેના સેક્યુલર કાયદા-કાનૂનો મુસલમાનો પર લાગુ ન થવા જોઈએ. મુસલમાનો પાસે પોતાના કાયદા-કાનૂનો છે અને તે આધુનિક યુગમાં જીવવા માટે સક્ષમ છે. અને જો મુસલમાનોની બહુમતી સાથે પાકિસ્તાન રચાય તો તો પછી ઈસ્લામ અને સેક્યુલર કાયદાઓ વચ્ચે પસંદગી કરવાનો કોઈ સવાલ જ નથી. એ તો ઇસ્લામિક કાયદા આધારિત મુસ્લિમ દેશ જ હોવાનો.
એક મૌલવી આવી વાત કરે એમાં જરા ય આશ્ચર્ય નહીં થયું હોય. પણ થોભો, એ સલાહને ગાંડીઘેલી સલાહ નહીં માની બેસતા કારણ કે મૌલાના મૌદુદીએ તો હિંદુઓને પણ એ જ સલાહ આપી હતી જે મુસલમાનોને આપી હતી અને હિન્દુત્વવાદીઓને તે મીઠી લાગી હતી. તેમણે કહ્યું હતું કે હિંદુ ધર્મ પણ જગતનો પ્રાચીન ધર્મ છે અને એ સમૃદ્ધ તેમ જ સંપૂર્ણ ધર્મ હોવાનો હિન્દુત્વવાદીઓ દાવો કરે છે. હિન્દુત્વવાદીઓએ પણ માગણી કરવી જોઈએ કે આઝાદ ભારતમાં હિંદુઓ હિંદુ ધર્મના કાયદાઓને અનુસરશે, આધુનિક રાજ્યના બંધારણનિર્મિત સેક્યુલર કાયદાઓને નહીં. તેમણે કહ્યું હતું કે ઇસ્લામવાદીઓએ અને હિન્દુત્વવાદીઓએ મળીને આધુનિક સેક્યુલર રાજ્યને નકારવું જોઈએ.
રહી વાત કયો ધર્મ શ્રેષ્ઠ તો એનો નિર્ણય ભવિષ્યમાં હિંદુ અને મુસલમાનો દો-દો હાથ કરીને લઈ લેશે. તેમને ગળા સુધી ખાતરી હતી કે ભારતમાં થનારા ધાર્મિક યુદ્ધમાં મુસલમાનોનો જ વિજય થવાનો છે કારણ કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને મુસલમાન શ્રેષ્ઠ પ્રજા છે. હિન્દુત્વવાદીને પણ ખાતરી હતી કે હિંદુ ધર્મ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને હિંદુઓ શ્રેષ્ઠ પ્રજા છે એટલે વિજય તો તેમનો જ થવાનો છે. બન્યું એવું કે ૧૯૪૭માં પાકિસ્તાનની સ્થાપના સાથે જ ઇસ્લામવાદીઓ સેક્યુલર મુસલમાનોને પરાજીત કરી શક્યા, પણ હિન્દુત્વવાદીઓ સેક્યુલર હિંદુઓને પરાજીત નહીં કરી શક્યા. સેક્યુલર હિંદુઓને પરાજીત કરતા હિન્દુત્વવાદીઓને સાત દાયકા લાગ્યા. હજુ પૂરો વિજય તો થયો નથી.
હવે મારા વહાલા હિન્દુત્વવાદીને અને ભક્તોને મારે સવાલ પૂછવો રહ્યો કે મૌલાના મૌદુદીએ મુસલમાનોને અને હિંદુઓને જે એક સરખી સલાહ આપી હતી એ તમને કબૂલ છે કે નહીં? એકને આપેલી સલાહ ગાંડીઘેલી હોય અને બીજાને આપેલી સલાહ સોનાની હોય એવું તો બને નહીં, કારણ સલાહ એક સરખી હતી. ચાલો, આપણે સાથે મળીને સેકયુલરિઝમને નકારીએ એમ તેમણે કહ્યું હતું.
૨. ૧૯૨૩માં મુસ્લિમ બહુમતી દેશ હોવા છતાં તુર્કીએ સેક્યુલરિઝમને અને આધુનિક રાજ્યના ઢાંચાને અપનાવ્યો ત્યારે મૌલાના મૌદુદી જેવા ઇસ્લામવાદીઓએ ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ સેક્યુલર તુર્કીને અમે ખતમ કરીને રહીશું. ત્રણ દાયકા પહેલા મૌલાના વહીદુદ્દીન જેવા કહેવાતા ઉદારમતવાદી મૌલાનાએ એકવાર જાહેરમાં કહ્યું હતું કે ઉમ્માહ(જગતભરના મુસ્લિમ બાંધવો)નાં બે સપનાં છે; એક તો સ્પેઇનમાં મુસ્લિમ શાસન સ્થાપવું અને તુર્કીમાં સેકયુલરિઝમનો અંત લાવીને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવી. તેઓ જે મુસલમાનોની સભામાં આમ બોલ્યા હતા એ સભામાં હું હાજર હતો. લાંબા સંઘર્ષ પછી છેવટે રિસેપ તય્યીપ એર્ડોગનના નેતૃત્વમાં તુર્કીમાં સેકયુલરિઝમનો અને સેક્યુલરિસ્ટોનો પરાજય થયો.
૧૯૪૭માં આધુનિક સેક્યુલર રાજ્ય તરીકે ભારતની સ્થાપના થઈ ત્યારે હિન્દુત્વવાદીઓએ પણ ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ ભારતની સેક્યુલર ઓળખ મિટાવીને તેને હિંદુ ઓળખ આપીશું. જગતભરના હિંદુબાંધવોનું આ સપનું છે એવો તેઓ દાવો કરતા હતા. સાત દાયકાના સંઘર્ષ પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિન્દુત્વવાદીઓને ભારતની સેક્યુલર ઓળખ ખતમ કરીને હિંદુ ઓળખ આપવામાં ઠીકઠીક સફળતા મળી ચૂકી છે. જેમ ઇસ્લામવાદી તુર્કી મુસલમાન રાજીનો રેડ છે અને એર્ડોગનનો ફેન છે એમ ભારતમાં હિન્દુત્વવાદી સેક્યુલરિઝમને નબળું પાડવા માટે અને ભારતને હિંદુ ઓળખ આપવા માટે રાજીનો રેડ છે અને નરેન્દ્ર મોદીનો ફેન છે.
અહીં મારા હિન્દુત્વવાદી મિત્રને અને ભક્તને પૂછવાનું રહે કે મારું આ કથન ખોટું છે? વિચારીને જવાબ આપજે, ઉતાવળ નહીં કરતો.
૩. તુર્કીમાં સેક્યુલરિઝમના પરાજયના પ્રતિક તરીકે, સહઅસ્તિત્વના પરાજયના પ્રતિક તરીકે અને ઇસ્લામના વિજયના તેમ જ સાંસ્કૃતિક સરસાઈના પ્રતિક તરીકે તુર્કીના એક હજાર વરસ જૂના હેજીયા સોફિયા ચર્ચને મસ્જીદમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. ગયા ઓગસ્ટ મહિનાની આ ઘટના છે. ખુદ એર્ડોગન ધર્મસ્થાનના પરિવર્તનના સમારંભમાં હાજર રહ્યા હતા અને એ રીતે તેમણે જગતને મેસેજ આપ્યો હતો કે તુર્કી ઇસ્લામિક મુસ્લિમ દેશ છે. ઇસ્લામવાદી તુર્કીઓ એર્ડોગનની ૫૬ ઇંચની છાતી જોઇને રાજીના રેડ થઈ ગયા હતા.
યોગાનુયોગ એવો છે કે ઓગસ્ટ મહિનામાં જ ભારતમાં નરેન્દ્ર મોદીએ એર્ડોગનની માફક અયોધ્યામાં મસ્જીદની જગ્યાએ રામમંદિર માટે પોતે શિલાપૂજન કર્યું હતું અને એ રીતે જગતને મેસેજ આપ્યો હતો કે ભારત હિંદુ દેશ છે. નરેન્દ્ર મોદીની ૫૬ ઈંચની છાતી જોઇને હિન્દુત્વવાદીઓની છાતી ગજગજ ફૂલી હતી. ડીટ્ટો તુર્કીના ઇસ્લામવાદી મુસલમાનો.
ખોટી વાત છે? જવાબ આપવામાં ઉતાવળ નહીં કરતા.
૪. ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે ફ્રાંસ સેક્યુલરિઝમ સહિત દરેક અર્થમાં ઉદારમતવાદી દેશ છે અને રહેશે. ફ્રાંસમાં કોઈ ધાર્મિક કોમની મસ્તી ચલાવી નહીં લેવાય પછી એ બહુમતીમાં હોય કે લઘુમતીમાં. દરેકને વાણીસ્વાતંત્ર્યનો સો ટકા અધિકાર છે અને એમાં કોઈની ધાર્મિક લાગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે. જેમ બીજી દરેક ચીજનું મૂલ્યાંકન થઈ શકે અને મર્યાદા બતાવી શકાય એમ ધર્મ, ધર્મગ્રંથ, ધર્મગુરુ, મસીહા અને પેગંબરનું પણ મૂલ્યાંકન થઈ શકે અને તેની મર્યાદા બતાવી શકાય. તેમણે કહ્યું છે કે કેટલાક મુસલમાનો કહે છે એ જ જો સાચો ઇસ્લામ હોય તો ઇસ્લામ સંકટગ્રસ્ત છે અને મુસલમાનોમાં પુનર્જાગરણના ઉઘાડની જરૂર છે. ફ્રાંસમાં ઘડિયાળના કાંટાઊંધા નહીં જ ફરે.
મારા વહાલા હિન્દુત્વવાદીઓ અને ભક્તો, તમારે કોની સાથે ઊભા રહેવું જોઈએ? એર્ડોગન સાથે કે મેક્રોન સાથે? પ્રામાણિક હો તો તમારે એર્ડોગનને પડખે ઊભા રહેવું જોઈએ અને મૌલાના મૌદુદીએ આપેલા ઈજનનો સ્વીકાર કરવો જોઈએ. ચાલો, આપણે સાથે મળીને પહેલા તો સેક્યુલરિઝમને ધ્વસ્ત કરીએ. એ પછી લડી લઈશું, જે ધર્મ અને પ્રજા શ્રેષ્ઠ હશે એ જીતશે.
પણ નરેન્દ્ર મોદીએ મેક્રોનને ટેકો આપ્યો છે. માર્ગ એર્ડોગનનો અને ટેકો મેક્રોનને! વિચિત્ર નથી લાગતું?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 નવેમ્બર 2020