થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને મિશે (વિશે નહીં પણ મિશે) બે શબ્દો લખું. કેમ કે હું ઉમેદવાર હતો, લેખનકારી અંગત વાતોમાં સરી જાય તેવો ભય છે એ હું જાણુંસમજું છું પણ મારું વલણ ને નેમ એક સહૃદય હોઈ શકતા નાગરિકને નાતે કંઈક બિનઅંગત વાનાં જાહેરહિતમાં છેડવા ભણી છે.
મારી દૃષ્ટિએ સાહિત્ય પરિષદની આ વખતની ચૂંટણી જે જાહેર મુદા પર લડાઈ એ સ્વાયત્તતાનો મુદ્દો હતો. આ મુદ્દો, વળી, લાગટત્રીજી ચૂંટણીમાંયે ચાલુ રહ્યો અને ત્રણ વખત વિજયનું પલ્લું સ્વાયત્તતાના હિમાયતી ઉમેદવાર તરફે રહ્યું. એ આપણા અત્યારના જાહેર જીવનની દષ્ટિએ ગુજરાતમાં પ્રવર્તી શકતા એક વિધાયક વિચારની રીતે મને અત્યંત મહત્ત્વનું લાગે છે. રાજકીય વિચારઝોકની દૃષ્ટિએ બે પૂર્વપ્રમુખો અને આગામી પ્રમુખ કદાચ એક જ ખાનામાં ન હોય. પણ સ્વયત્તતાના એકસમાન મુદ્દાએ આ ત્રણેની ઉમેદવારીને ધાર અને આધાર સંપડાવ્યાં. આ વખતની પ્રમુખીય ચૂંટણી ત્રિપાંખી હતી અને સાવ નજીવા અંતરે જિતાઈ એવી છાપ દેખીતી ખોટી નથી પણ તે ઉભડક અને ઉપલક તો બિલકુલ છે. કારણ, ત્રીજા ક્રમે આવેલા ઉમેદવાર પ્રથમ ક્રમે આવેલા ઉમેદવારની જેમ જ સ્વાયત્તતા પરત્વે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.
આ ચર્ચાને કોઈ રાજકીય ધ્રુવીકરણ લેખે ઘટાવવાની જરૂર નથી. સ્વાયત્તતા એ રાજકીય પક્ષપાત બાબત નથી, પરંતુ પ્રજાસૂય વલણ અને બંધારણીય જોગવાઈની બાબત જરૂર છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના મતદારો લાગટ ત્રીજી વખત આ રીતે સ્વાયત્તતા પરત ગઠિત અને ઉદ્યુક્ત પેશ આવ્યા એમાં જાહેર જીવનમાં નિરામય મોકળાશ માટે આવતી કાલની ઉજમાળી આશા અવશ્ય છે.
બંધારણીય મર્યાદામાં કામ કરતી ચુંટાયેલી સરકાર અને પ્રજા વચ્ચેના ધોરણસરના સંબંધની એક પદ્ધતિ અલબત્ત સ્વાયત્ત સંસ્થાઓની છે. પણ જેને આપણે પ્રજા – ખરું જોતા જો કે જનતા અગર લોક – કહીએ છીએ તે સૌ પુખ્તવય મતાધિકાર પ્રાપ્ત સમૂહને નાતે એક જરૂર છે, તેમ છતાં ભાષા, પ્રદેશ, નાતજાત, ધરમમઝહબકોમ એમ એમની આગવી ઓળખ પણ છે. જોવાનું એ છે કે ન તો એમની આગવી ઓળખને, એમના સહજ પોતાપણાને આંચ આવે – ન તો તેઓ સામસામે મૂકાઈ જઈ સહિયારી નાગરિક ઓળખ ભૂલવા લાગે બલકે, સહિયારી ઓળખનો એ તકાજો છે કે તે આગઆગવી ઓળખનો લિહાજ કરે અને આ સૌ આગઆગવી ઓળખનું એ ઐશ્વર્ય છે કે એને સાથે હોવાનું સૌંદર્ય સમજાય.
‘સાહિત્ય’ એ શબ્દઓળખના સગડ કાઢતાં આપણી શોધ ‘સહિત’ પર લાંગરે છે. આ સહિતતા અહીં સહિત (હેવ્ઝ) અને રહિત(હેવ નૉટ્સ)ના અર્થમાં અભિપ્રેત નથી. અહીં અપેક્ષિત અર્થ સહિતતાનો – સાથે, રિપીટ, સાથે-હોવાપણાનો છે. આ સાથે હોવાપણાનું કાવ્ય કહો તો કાવ્ય અને વ્યાકરણ કહો તો વ્યાકરણ, શી વાતે છે વારું. તમે અરસપરસ, એકમેકનો, નાનામોટાનો સમાદર કરો, સાથે રહો અને છતાં એક બીજાને સ્પેસ આપો. બીજી પાસ, અધિકારોની સમાનતા જરૂર છે, પણ એના ભોગવટામાં સમાનતા દૂર છે, કેમ કે વિકાસક્રમમાં કે સામાજિક કોટિક્રમમાં કેટલાક પાછળ તો કેટલાક વળી ખાસા પાછળ છે. એમને સાથે લેવાનું માત્ર બંધારણી આદેશ અને જોગવાઈથી ન બની શકે.
એને માટે સમજ અને સહૃદયતાની કેળવણી જરૂરી છે. જેને સાહિત્ય પદારથ કહીએ છીએ એની વશેકાઈ આ સહૃદયતાની કેળવણીમાં છે. સ્વાયત્તતા અને સમાનતા વચ્ચેના સંબંધની રેશમદાર અને સાર્થક રમઝટ, બને કે, સાહિત્યના સેવન અને પ્રસારથી આવે. સાહિત્ય સંસ્થાઓની ઊઠવેઠ આમ તો શેક્યો પાપ ન ભાંગે – પણ આ ઊઠવેઠ આ રમઝટ, બને કે, એક એવી સમજ પ્રસારે જે તમને નવી દુનિયા સારુ કેળવી રહે.
પણ આ બધી કામગીરીના કેટલાક દુનિયાદારી તકાજા પણ છે સ્તો. એને સારું નાણાકીય જોગવાઈ ન જોઈએ એવું તો ક્યાંથી હોય. સરકાર સંસ્થાઓને ગ્રાન્ટ (અનુદાન) આપે છે, પ્રજાના પૈસા પ્રજાકીય સંસ્થાઓને આપે છે પણ એના ચૂકવણાં એટલાં અનિયમિત હોય છે કે તમારે વૈકલ્પિક તૈયારી પણ રાખવી પડે. આ તો ગ્રાન્ટની વાત થઈ પણ બીજા ખર્ચાનું શું? સાહિત્ય પરિષદે અકાદમીની સ્વાયત્તતા હરાઈ ગઈ તે પછી તેની મારફતે જે તે પ્રસંગવશ કે નિમિત્તવશ મળતું નાણું લેવું બંધ કર્યું છે. છેલ્લાં વર્ષોમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત), અને વિદ્યામંદિર (પાલનપુર) જેવી શિક્ષણ સંસ્થાઓએ અધિવેશન કે સત્ર અંગેની જવાબદારી ઉઠાવી નાણાં સ્રોતનો પ્રશ્ન બિનસરકારી રાહે ઉકેલી આપ્યો છે અને સરકારી નહીં તે અસરકારી એવી કાકા કાલેલકરની ઉક્તિ અક્ષરશઃ ચરિતાર્થ કરી છે. ગમે તેમ પણ, અકાદમી મારફતે મળતું નાણું જતું કરી જાણતી સાહિત્યસંસ્થાની દાઝ જાણનાર મહાજન ગુજરાત મળતું રહે એ જરૂરી હોવાનું છે.
વિજયી બનેલા ઉમેદવારને સાહિત્યકાર કહેવાય કે નહીં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો એમાં પરિષદ એ કેવળ લેખકોની સંસ્થાઓ નથી પણ વ્યાપક સાહિત્યરસિક સમાજની સંસ્થા છે એ મુદ્દો ચૂકી જવાયો એટલું જ નહીં પણ સાહિત્યિક લેખનની જે વ્યાપક વ્યાખ્યા આજે વિશ્વસ્વીકૃત છે જેમ કે ૨૦૧૫નું નોબેલ જેને મળ્યું, રૂસી લેખિકા સ્વેતલાના, એનું તો મુખ્ય કામ જ પત્રકારત્વ છે, એનોયે લિહાજ ન રહ્યો.
ગુજરાતના નાગરિક સમાજની, સવિશેષ એના સાહિત્યરસિક તબકાની ખિદમતમાં આ થોડીએક વાતો, ઊહ અને અપોહની અપેક્ષાએ!
ઑક્ટોબર ૨૬, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 01-02