ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.
રાજકીય પક્ષો સત્તાની ઘોડાદોડમાં જોતરાય ત્યારે વિચારધારાઓને લૂણો ય લાગે,પણ મૂલ્યોનો દૃઢ પાયો ધરાવતી સંસ્થાઓ જેમ જેમ જૂની થાય એમ વધુ પક્વ વિકસિત અને વિચારવંત બને. ગુજરાતી સાહિત્ય પરિષદ આનું ઉદાહરણ છે. આનું કારણ પણ સાવ સીધું સાદું અને સમજાય એવું છે.પક્ષોનું ચાલક બળ વિચારધારા હોય છે અને ધ્યેય દરેક ક્ષેત્રમાં સત્તા સ્થાપવાનું હોય છે; સાહિત્યનું ચાલક બળ મૂલ્ય છે, અને ધ્યેય કલાસર્જન વડે મૂલ્ય રક્ષા અને હર્ષ આદિની પ્રાપ્તિ. આમ બંનેની પ્રકૃતિ ભિન્ન છે. સાહિત્ય એક વિવિધરંગી મેઘધનુષ છે તો રાજકીય પક્ષો એકરંગી ઓળખ ધરાવતાં સંગઠન. કોઈ એક રંગ ક્યારેય સમસ્ત સાહિત્યને પોતાનાં રંગે ન રંગી શકે. આવો પ્રયાસ જ બાલિશતા છે જે અહીં હાલની ભાજપ સરકાર કરી રહી છે. સરકારોની આવી મૂલ્ય આધારિત તુલના કે ટીકાટિપ્પણી એ સાહિત્યકારનો બંધારણે આપેલો અભિવ્યક્તિનો જ નહીં પણ કળાએ બક્ષેલો માધ્યમગત અધિકાર પણ છે. અને એ બદલ કોઈ રાજકીય પક્ષ જો સાહિત્યકારો કે કલાકારોને ટેગ કે ટ્રોલ કરે અથવા દંડિત કરે તો એ લોકતાંત્રિક રાષ્ટ્રમાં રાજસત્તાનો ઘોર દુરુપયોગ જ કહેવાય. પણ અત્યારે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપી એ વિચારીએ કે સાહિત્ય સમાજે બહુમતીથી રાજસત્તા સામે પોતાની સ્વાયત્તતા માટે લડતી આ સંસ્થામાં સરકાર તરફી પ્રમુખપદના ઉમેદવારને એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર પરાજય કેમ આપ્યો? કારણ માત્ર એટલું જ કે જુદી જુદી રાજકીય સમજણ ધરાવતા તમામ અગ્રણી સાહિત્યકારો સ્વાયત્તતાનાં મૂલ્યને પક્ષે છે. અને આનું ઉજ્જવળ ઉદાહરણ આ વખતના પ્રમુખપદ માટેના ત્રિપાંખિયા જંગે પૂરું પડ્યું છે એટલું જ નહીં પણ શાસક પક્ષને એ પણ બોધપાઠ આપ્યો છે કે સાહિત્યનું લોકતંત્ર; સાહિત્યની રાજનીતિ તમારી સત્તાની સીમિત સમજથી ઘણે દૂરની વાત છે, એનાં પર તમે ‘હું સીમિત રાજનીતિનો માણસ છું’ એવો વ્યંગ કરી શકો પણ લોભ-લાલચ કે કપટથી જેમ અન્ય ક્ષેત્રોમાં તમારો ઝંડો ફરકાવો છો એમ અહીં ન ફરકાવી શકો. અમે એ સંસ્કૃત વિદ્વાન રાજશેખરના વંશજો છીએ જે રાજાઓને પણ એ સલાહ આપતા કે રાજદરબારમાં સાહિત્યકારોનું ક્યાં અને કેવું સ્થાન હોવું જોઈએ. તમે આ નહીં સમજો તો દરબારી સાહિત્યકારો ભલે તમારો ‘જય હો.. જય હો’ કરે પણ પોતાની ‘સીમિત રાજનીતિ’ની સમજ સાથે જ સમેટાઇ જશો.
ગઈ બે ચૂંટણીમાં સરકાર પક્ષે પરિષદ પ્રમુખપદ માટે ટોપીવાળા અને સિતાંશુ ‘એઝ અ બ્રાન્ડ’ (ભા.જ.પ.) પોતાનાં ઉમેદવાર સામે અનુક્રમે નાનુભાઈ નાયક અને બળવંત જાની ઉતાર્યા હતા. આ બંને ભલે જુદી રાજકીય સમજ ધરાવતા હોય પણ આપણાં માટે સાહિત્યકાર તરીકે સન્નમાનનીય જ છે; પણ રાજસત્તાનું પૂરું પીઠબળ હોવા છતાં તેઓ જંગી બહુમતીથી પ્રમુખપદ માટે પરાજિત થયા. આ વખતે રણનીતિ બદલાઈ. ઉમેદવાર તરીકે પરિષદ સાથે સતત સંકળાયેલા રહેલા ગુજરાત સાહિત્ય અકાદમીનાં ત્રણ ભૂતપૂર્વ મહામાત્રોને પરિષદનો કોઠો ભેદવા મેદાનમાં ઉતાર્યા જેમના એક ૬૩ વર્ષનાને પ્રમુખપદના યુવાન ઉમેદવાર તરીકે મૂક્યા. પ્રચાર પણ કમાલનો કર્યો. અન્ય બે ઉમેદવારમાં પ્રકાશ. ન. શાહ (૮૧ વર્ષ) અને હરિકૃષ્ણ પાઠક (૮૩ વર્ષ). હર્ષદ ત્રિવેદી તરફે સરકાર તરફી બળો અગાઉની જેમ જ કાર્યરત રહ્યાં, ‘પેલી સીમિત રાજનીતિના માણસવાળી’ દલીલની જેમ એમણે ‘યુવાનોનાં હાથમાં પરિષદનું સુકાન સોંપો’નું ‘નાગપુરી’ લૉજિક આગળ કર્યું અને પ્ર.ન. શા. ઘરડા છે ને’ સાહિત્યકાર તરીકે નહીં પણ પત્રકાર તરીકેની ઓળખ ધરાવે છે એવો ‘ડંક-નાદ’ કર્યો. પાઠકસાહેબનો પણ ‘વૃદ્ધ છે’ના લૉજિકથી છેદ ઊડાડવાની કોશિશ થઈ. સાહિત્યની રાજનીતિ પોતાની લીટી લાંબી કરવાની વિધેયાત્મક રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. ‘સીમિત રાજનીતિની’ સમજમાં નહીં. પરિષદના શાણા મતદારોએ પરિણામ આ પ્રમાણે આપ્યુંઃ પ્રમુખપદના વિજેતા પ્રકાશ. ન. શાહ; ૫૬૨ મત, હર્ષદ ત્રિવેદી ૫૩૩, હરિકૃષ્ણ પાઠક ૧૯૭, કુલ મત ૧૨૯૨. સાર એ કે સાહિત્ય પરિષદ સાહિત્યની સંસ્થા છે એટલે એમાં મૂલ્ય આધારિત લોકતંત્ર જ ચાલે છે. પ્રકાશભાઈ અને પાઠકસાહેબ (ઘરડા, પણ ગાડાં વાળે એવા) બંનેની રાજકીય વિચારધારામાં તફાવત હશે, પણ સ્વાયત્તતાના મુદ્દે બંને સ્પષ્ટ હતા, જ્યારે હર્ષદ ત્રિવેદી અસ્પષ્ટ. આ વિજય સ્વાયત્તતાના મૂલ્યનો – પ્રકાશભાઈ ૫૬૨ + હરિકૃષ્ણભાઈ ૧૯૭, બહુમતીએ થયેલો સ્વાયત્તતાનો વિજય છે. સ્વાયત્તતાની આ હૅટ ટ્રિકને વધાવી આપણે સહુ હારજીત ભૂલીને કામે લાગીએ.
તારીખઃ ૨૬/૧૦/૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 03