દીપાવલિનું પર્વ ગયું. તેણે અનેક વિટંબણાઓ વચ્ચે પ્રકાશ વેર્યો અને ઝગમગતું 2077 બારણે લાવી મૂક્યું છે તો નૂતન વર્ષને સત્કારીએ. દરેક ભારતીયને હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ.
વિક્રમ સંવત 2076 કે 2020 લખી વાળવું પડે એવી સ્થિતિ વિશ્વની રહી છે. કોરોના વાયરસથી લાખો લોકો પ્રભાવિત થયા ને વિશ્વના લાખો લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા એ સૌને ભાવભરી અંજલિ આપીએ અને જેઓ સંક્રમિત થવા છતાં જીવનમાં પાછા ફર્યા એ સૌને શુભેચ્છાઓ પાઠવીએ. બહુ કપરો સમય ગયો છે ને હજી જોખમો છે જ ત્યારે સૌ સ્વસ્થ અને સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરીએ.
પ્રકાશની અનેક ઝગારા મારતી ડિવાઈસિસ આપણે વિકસાવી છે, છતાં આપણે દીવા સળગાવીએ છીએ. એકઝેટ જ્યોત જ લાગે એવી ઈલેક્ટ્રિક આરતીઓ મળે છે, પણ કેટલાક ઘરોમાં હજી ઘીના દીવાની જ આરતી થાય છે. હવે તો બજારમાં આરતીનું ઘી અલગથી મળે છે. એ આરતી પણ પ્રકાશ તો આપે જ છે, પણ એનું અજવાળું મનમાં પડતું નથી, કારણ મન સચ્ચાઈ જાણતું હોય છે. જેટલી સચ્ચાઈ મન જાણતું હોય તેટલું અજવાળું મનમાં ઓછું પડે છે ને એનો ગુણાકાર જેમ જેમ વધે છે તેમ તેમ અંધકાર વધતો જાય છે ને એ વ્યક્તિને નિસ્તેજ કરે છે.
જગત આખાનું દુખ, સાચું જાણીએ છીએ અને તે પ્રમાણે વર્તી શકતા નથી એ છે. આપણે આપણને ઢાંકતા જઈએ છીએ ને તેમ તેમ કાળાશ મનમાં વધતી જાય છે ને એવી સ્થિતિ આવે છે કે છેવટે અંધકાર જ શેષ રહે છે. ખબર જ નથી પડતી કે આપણું તેજ ઘટાડતા જઈને આપણે અંધકાર જ ઘૂંટ્યા કરીએ છીએ. આ પાછું આપણે વધુને વધુ પ્રકાશ, સંપત્તિ ને ઐશ્વર્ય મેળવવા કરીએ છીએ. એને માટે એ બધું જ કરીએ છીએ જે સત્ય નથી. આપણે “અર્થ” માટે તમામ અનર્થ કરી શકીએ છીએ ને આજની લગભગ તમામ ચિંતાનું કારણ જ “અર્થ” છે.
પૃથ્વીનો સૂર્ય એક જ છે ને આપણે સૂર્ય થવા મથીએ છીએ. મથવું ખોટું નથી, પણ તેને માટે જે માર્ગ અપનાવીએ છીએ એ સૂર્ય નહીં, અંધકાર વધારનારા છે. સૂર્ય થવા આપણે તેજ નથી વધારતા, અહંકાર વધારીએ છીએ ને અહંકાર ગમે તેટલો પ્રખર હોય તો પણ તેનું પરિણામ અંધકારમાં જ આવે છે.
સૂર્ય થવાય તો થવું, પણ દીવો થવાય તો પણ ખોટું નથી. આરતીની જ્યોત કાયમી નથી એમ જ સૂર્ય પણ કાયમી નથી. સૂર્ય હોય અને આપણે જ ન હોઈએ તો એ સૂર્યનો શો અર્થ છે? મહત્ત્વ સૂર્યનું તો છે જ પણ એથી વધુ મહત્ત્વ તો મનુષ્યનું છે. મનુષ્ય પહેલાં પણ આ પૃથ્વી તો હતી જ, પશુપંખી હતાં, તારા નક્ષત્રો પણ હતાં જ ! સૂર્ય હતો, ચંદ્ર હતો, જળ, વાયુ, અગ્નિ … બધું હતું, પણ પૃથ્વીને, એ પૃથ્વી છે એવી ઓળખ મનુષ્યે આપી. સૂર્યના પ્રખર તાપનો પ્રભાવ જીવજંતુ, વૃક્ષ, પાન, જળ, સ્થળ પર હતો જ, પણ એને અભિવ્યક્તિ આપી મનુષ્યે. મનુષ્ય ન હતો ત્યાં સુધી દેવીદેવતાઓ પણ ન હતાં, સ્વર્ગ ન હતું, નરક ન હતું. પાપ ન હતું, પુણ્ય પણ ન હતું. આ બધું આવ્યું મનુષ્યને પગલે. એ મનુષ્ય હવે પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો છે. લાખો મનુષ્યોનો કેવળ સત્તા માટે મનુષ્યે સર્વનાશ કર્યો છે. શાસ્ત્રો માટે સંપત્તિનો કરવાનો ઉપયોગ હવે શસ્ત્રો માટે થાય છે. અનેક વખત આ પૃથ્વીનો નાશ કરી શકાય એટલાં શસ્ત્રો આપણે વિકસાવ્યાં છે ને નાશ જ કરવો હોય તો જરૂર તો એક વખતનાં શસ્ત્રોની જ છે. સર્વાર્થ હવે સ્વાર્થમાં પરિણમ્યો છે. આપણે કૃશનું વધાર્યું છે એટલું મહત્ત્વ કૃષિનું વધાર્યું નથી.
ઈશ્વરની સાક્ષીએ પુણ્ય કમાવાની વાત હવે પાપ કમાવા પર આવી છે. કદાચ પાપ જ પુણ્ય થઈ ગયું છે. ગમે એટલું અસત્ય વધે તો પણ તે સત્ય થતું નથી. ગમે એટલો અંધકાર, પ્રકાશ થઈ શકતો નથી. ગમે એટલો નાનો દીવો છે તો પ્રકાશ જ. તેનું અંધકાર કૈં જ બગાડી શકતો નથી. એ દીવાનું તેજ સમજીએ. દીવાનું તેજ સ્નિગ્ધ છે, તે પ્રખર નથી. સૂર્યનું તેજ કોમળ હોય એ જ રીતે તે પ્રખર પણ હોય. ગમે તેટલો પ્રખર સૂર્ય રાત્રે કામ આવતો નથી, ત્યારે તો દીવો જ કામ લાગે છે. દીવો સૂર્યની સામે કૈં જ નથી, પણ તે અંગત છે. સૂર્ય વિશ્વનો છે, દીવો ઘરનો છે. ઘરમાં તો દીવો જ સળગે. ત્યાં કૈં સૂર્ય ન પ્રગટાવાય. સૂર્ય વિના ન જીવાય, પણ દીવા વગર પણ માર્ગ ન મળે એ પણ એટલું જ સાચું છે.
દીવો આગળનું જ જુએ છે. કોઈ પણ પાછળ જવા દીવો પ્રગટાવતું નથી, તે તો આગળનો માર્ગ જ બતાવે છે. અજવાળું બહાર થાય તેમ મનમાં પણ થાય છે. આત્માને સૂર્ય નહીં, દીપ કહ્યો છે. જેને આત્માનું અજવાળું છે તેને અંધકાર સ્પર્શતો નથી. આ અજવાળું બાળકમાં સૌથી વધુ હોય છે. તે એટલે કે તે નિર્દોષ હોય છે.
યાદ છે, શેરીને નાકેથી ડોલમાં માટી ખોદી લાવતા હતાં તે? મહોલ્લામાં નવા નવા લાઈટના થાંભલા નંખાયા હતાં ને તેનું અજવાળું રસ્તા પર બેચાર ઘરે જ પહોંચતું હતું, યાદ છે? ડામરની સડક આવવાની હતી ને પેલી માટીની, આંગણે ઓટલી બનતી હતી, ખબર છેને? તેને છાણ લીંપીને લીસી કરતાં હતાં. ઉપર ગેરુ ફેરવતાં અને દિવસોની મહેનત પછી ઓટલી ચકચકવા લાગતી. શેરીનાં છોકરાઓનું આ જ તો ભક્તિકાર્ય હતું. એ પછી કરોઠી ખરીદાતી ને લારીવાળો રંગોની નાની નાની શંકુ આકારની ઢગલીઓ લાવતો અને માંડ થોડા સિક્કાઓમાં જાણે મેઘધનુષ ઘરમાં આવતું. ત્યારે આજના જેવા રેડીમેડ સાથિયા કે સ્ટિકર્સ ન હતાં. હવે તો ઓટલીઓ જ ગઈ ત્યાં –
પણ ત્યારે ઓટલીમાં જીવ રહેતો. કોઈ મીંડાંના સાથિયા કરતું તો કોઈ બીબાં પર કરોઠી ભભરાવી વાઘ કે લક્ષ્મી ઓટલી પર પાડતાં. ત્યારે ખબર ન હતી કે એ વાક્બારસ છે. વાક એટલે વાણી ને વાણીની દેવી એટલે સરસ્વતી એવું ભાન જ નહીં. અંબામાતાનું વાહન વાઘ એટલે વાઘબારસ, આટલી જ સમજ. વાઘમાં રેતી અને હળદર પૂરીને ચટાપટાવાળો વાઘ તૈયાર થતો ને તેની જીભમાં કંકુ પુરાતું કે એવું લાગતું જાણે અંબામા તેના પર સવારી કરશે. આખી શેરીમાં 40ના કે 100ના બલ્બ સળગતા અને શેરી ફાનસ જેવી ઝગમગી ઊઠતી. મોડી રાત સુધી શેરી વાતે વળગતી ને અનેક સાથિયાઓથી રંગીન થઈ ઊઠતી. બા રસોડામાં ખડખડિયાં, થાપડાં કે રવાના કાંગરીવાળા ઘૂઘરા તળવામાં પડી હોય અને તેની સુવાસ સાથિયા સુધી ઊતરી આવતી. ..
એવામાં સવારે ખબર પડતી કે કોઈ ગાય ઓટલી પરનો સાથિયો ખોદી ગઈ છે તો જીવ ગયા જેવો ચિરાડો પડતો. આખો દિવસ આંખો લૂંછવામાં જતો. એમાં વળી કોઈ દિવસે લોટ, ઘી, ખાંડ લઈને નાનખટાઈ પડાવવા જતાં. રાત્રે ગરમાગરમ નાનખટાઈનો ડબ્બો ભાઈબહેનો માથે મૂકીને લાવતાં ને તેનો અડધો ટુકડો મોમાં મૂકતાં જે મીઠાશ ફેલાતી તે હજી જીભ પર રવરવે છે. ચણાની ઘારીની બાએ મોંમાં મૂકેલી મીઠાશ ઘરડી જીભ હજી શોધે છે ને જવાબમાં ખારાશ આંખે આવે છે.
– ત્યારે ટોટી ફૂટતી ! પિત્તળના વાઘનાં ડોકાં મળતાં. તેનાં મોઢામાં ટોટી મૂકવાની ને તેને ઉછાળો એટલે તે ભોંયે પટકાય ને “ફટ્ટ !” અવાજે દિવાળી શરૂ થતી. લાલપીળાં બપોરિયાં દિવસે સળગતાં ને રાત્રે કનકતારાને છેડેથી વાળીને ગોળગોળ ફેરવવાથી જે સળગતું વર્તુળ રચાતું તે અનેકના ચહેરા સોનેરી રંગી જતું. તે વખતે ચાંદબીબી છાપ 24 ફટાકડાની લૂમ મળતી. એના એક એક ફટાકડા છૂટા પાડીને ફોડવાના. એક બે લૂમમાં તો દિવાળી પૂરી થતી. કાળી ચૌદશે લક્ષ્મી બોમ્બ મળતા. તે પાંચ મોટા ફટાકડાનું પેકેટ. નાકેના હનુમાનના મંદિરે વડાપૂરી ને તેલ ચડાવતાં ને આવતી વખતે બોમ્બ ફોડતા. તે વખતે 10,000 ફટાકડાની લૂમ ન હતી. આખી જિંદગીનો સરવાળો હજાર ફટાકડા નહીં થાય કદાચ ! જે હતું તે ઓછું હતું, પણ સાત્વિક હતું ને તેનો આનંદ હતો, હવે તો તે ય રહ્યું નથી, પણ એનો અફસોસ કરવાનો અર્થ નથી. હતું તે સારું હતું ને હશે તે ય સારું જ હશે … કારણ ગમે તેટલું કરીએ તો પણ પૃથ્વીને અવળા આંટા તો મરાવી શકાવાના નથી. ગતિ એ જ વિકલ્પ છે ત્યાં ભવિષ્ય એ જ આશ્વાસન પણ છે. આપણે ખરાં થઈએ ને ખરાં ઊતરીએ તો ય ઘણું છે, ખરુંને? ફરી એક વાર સૌને અભિનંદનો …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 16 નવેમ્બર 2020