સ્નેહાદરણી / નવનિર્વાચિત પ્રમુખશ્રી પ્રકાશભાઈ,
તમને ને નવી મધ્યસ્થ સમિતિના મિત્રોને હાર્દિક અભિનંદન આપીને તરત જ એમ કહેવાનું થાય છે કે તમારી સૌની જવાબદારી બેવડી થઈ જાય એવી આજે પરિષદની સ્થિતિ છે. પ્રશ્નો ઘણા છે ને એટલે દૃષ્ટિપૂર્વકનો પરિશ્રમ પણ એટલો જ રહેવાનો …
પરિષદની એક તાસીર એ રહી છે કે કેટલાંક ઉત્તમ કામો આદરીને એણે અધૂરાં મૂકી દીધાં છે. પરિષદમાં ‘માતૃભાષા સંવર્ધન કેન્દ્ર’ ચાલતું હતું, સરસ રીતે ચાલતું હતું. સાહિત્યના લેખકો-શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપરાંત પણ કેટલા બધા જિજ્ઞાસુઓને ગુજરાતી ભાષાની સમજ અંગેના એ વર્ગોમાં રસ પડતો હતો ને પ્રતિપોષણ મળતું હતું. પણ પછી એનું શું થયું? એ જ રીતે, બીજું એક અત્યંત જરૂરી ‘અનુવાદ કેન્દ્ર’ સ્થપાયું હતું. એ કાગળમાંથી બહાર નીકળીને કેટલું કાર્યરત રહ્યું? અનુવાદના વર્ગો પણ કેટલોક વખત ચાલીને વિરામ પામ્યા. છેલ્લાં વર્ષોમાં આવા વિરામોની સંખ્યા જ વધી છે. ભૂતપૂર્વ પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પરિસંવાદના કેટલાક નવતર કાર્યક્રમો ઉપરાંત પરિષદ-પ્રકાશનોના વક્તવ્ય-વિમર્શની પરિપાટી રચેલી. પછી એ અટકી તે અટકી. જ્ઞાનસત્રોમાં, સરજાતા સાહિત્યનું બે વર્ષનું સરવૈયું રજૂ થાય એવી, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યવાળી પરંપરા હતી એ પણ સમેટાઈ ગઈ. દલપતરામની દ્વિજન્મશતાબ્દી અને ઉશનસ્- જયંત પાઠકની જન્મશતાબ્દીઓ ગઈ, પણ એની કોઈ ગુંજ પરિષદમાં સંભળાઈ?
પરિષદે કર્યો જ છે, ને પરિષદ જ કરી શકે એવાં કેટલાંક કામ સાતત્યથી ચાલતાં રહેવાં જોઈતાં હતાં. ૧૯૮૦ આસપાસ આરંભાયેલું ને સતત ચાલતું રહેલું સાહિત્ય-કોશનું કાર્ય ૧૯૮૯ પછી પ્રકાશિત થતું રહ્યું પણ પછી એનું કોઈ સાતત્ય રહ્યું? જેમ કે, અર્વાચીનકાળને લગતો કોશનો ખંડઃ૨ પ્રગટ થયો (૧૯૯૦) ત્યારે એમાં ૧૯૫૦ સુધીમાં જન્મેલા લેખકોનો સમાવેશ થયેલો. ૧૯૫૦ પછી જન્મેલા લેખકમાંના કેટલાક હવે ૭૦ની વયના થવા આવ્યા, ને એમનાં સર્વ લેખનકાર્ય સાથે એ કોશની બહાર છે! એ કોશખંડનું પરિષદે શું વિચાર્યું? એ કાર્યનું કોઈ અનુસંધાન કે સાતત્ય રહ્યું છે ખરું? સાહિત્યસમાજની અપેક્ષા આવાં મૂળગામી અને ઇતિહાસદર્શી કાર્યોની હોય. હવેના પ્રમુખ અને વહીવટી મંડળી આવાં કાર્યોને અગ્રતા આપશે એવી અપેક્ષા રાખીએ.
પરિષદની એક ઊજળી પરંપરા હતી સાહિત્ય અને સાહિત્યવિદ્યા-વિમર્શ અંગેની કેન્દ્રવર્તી પ્રવૃત્તિઓની. નજીકનાં વર્ષોમાં પરિષદભવનમાં એવા કોઈ મહત્ત્વના પરિસંવાદો થયા? કોઈ સઘન પરિચર્ચાઓ યોજાઈ? ('અનુબંધ’, ‘આનંદની ઉજાણી’, વગેરે પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલી એ તો સાહિત્યના વ્યાપક પણ પ્રાથમિક સંપર્ક માટેની, પરિઘ પરની પ્રવૃત્તિઓ ગણાય. કેટલીક ઉત્તમ શાળાઓ પણ આવા કાર્યક્રમ કરતી હોય છે). એ અલબત્ત,એક ઉપયોગી વિસ્તરણ-પ્રવૃત્તિ ગણાય, પણ પરિષદનું એ મુખ્ય કેન્દ્રીય કામ ગણાશે? સાહિત્યના સુજ્ઞ રસિકોની ને વિદગ્ધોની, પરિષદ જેવી માતૃસંસ્થા પાસે રહે એવી વાજબી અપેક્ષાઓ કેટલી સંતોષાઈ? નવી મંડળી આના પર કેન્દ્રિત થાય એવી આશા અને અપેક્ષા છે.
અલબત્ત, પ્રવૃત્તિઓના સંચાર માટે આર્થિક ચાલક બળની જરૂર રહે. પરંતુ પરિષદની એ મુશ્કેલીનો ઉકેલ તો કર્યે જ છૂટકો. નહીં તો પરિષદના અસ્તિત્વનો જ પ્રશ્ન થાય. પરિષદ સરકારી સંસ્થા નથી, પ્રજાની – સાહિત્યરસિક પ્રજાવર્ગની સંસ્થા છે. પ્રકાશભાઈ, તમારો એક ગમતો શબ્દ છે – ‘પ્રજાસૂય’. તો લેખકો-ભાવકોની આ સંસ્થાના સંચાલન માટે, જરૂર પડ્યે, દરેક સાહિત્યરસિકની યથાશક્ય હિસ્સેદારીનું, સહાયનું પણ વિચારી શકાય. એવી પણ એક ઝુંબેશ હોઈ શકે. નવી મંડળી, ઉત્તમ સાહિત્યપ્રવૃત્તિઓથી સૌને પ્રતીતિ કરાવી શકે તો એ ઝુંબેશ સફળ થઈ પણ શકે.
અહીં જ સ્વાયત્તતાનો મુદ્દો પણ વિચારી લેવા જેવો છે. સ્વાયત્તતા આમ તો લેખકમાત્રના વ્યક્તિગત સ્વમાનનો ને ગૌરવનો મુદ્દો છે. પણ સરકારી અકાદમી સાથેના સંબંધો બાબતે આપણા ઘણા લેખકોએ સ્વમાનનું તળિયું બતાવી દીધું છે! આપણને જાણે ટટ્ટાર રહેવાનું ફાવતું (કે પાલવતું?) જ નથી!. સાહિત્ય પરિષદે સ્વાયત્તતા અંગે જે સંકલ્પ કરેલો છે – ને આજસુધીના બધા જ પ્રમુખો એને વળગી રહ્યા છે – એ આનંદનો વિષય છે. પણ સ્વાયત્તતાની લડત અંગે બે મુદ્દા વિચારી લેવા જેવા છે. એક તો એ કે, માત્ર ઠરાવો કે વિચારોથી સ્વાયત્તતા હાંસલ નહીં થઈ શકે, આંદોલન જ પરિણામગામી રસ્તો છે. બીજું એ કે, ગુજરાત સાહિત્ય અકાદમીની કોઈપણ પ્રવૃત્તિ સાથે ન જોડાવા અંગે મધ્યસ્થ-કારોબારી-હોદ્દેદારોને માટે પરિષદે નીતિલક્ષી નિર્ણય લીધો હોય તે બરાબર છે પણ સર્વ લેખકોને માટે પણ એની અજમાયશ કરવી એ બરાબર નથી. પરિષદના હોદ્દેદાર ન હોય એવા પણ ઘણા લેખકોએ ગુજરાત સાહિત્ય અકાદમીનો સ્વૈચ્છિક બહિષ્કાર કરેલો છે, કેટલાકે ન પણ કર્યો હોય, એટલે પરિષદના કાર્યક્રમોમાં વક્તવ્ય, ‘પરબ’માં લેખન, એ બધું દરેક લેખક માટે – એની યોગ્યતા-અનુસાર – ખુલ્લું રહેવું જોઈએ. વળી આ પ્રકારની અતાર્કિકતા અને મતાગ્રહ-આવેશ લોકશાહી-નિષ્ઠ સંસ્થાને શોભે નહીં. એને કારણે તો, પરિષદ જે ક્યારે ય ઈચ્છતી નથી એ પ્રતિસ્પર્ધા ભાવ નાહક વ્યાપક બનતો જશે.
સ્વાયત્તતાનો આગ્રહ એ પરિષદનો એક સ્પષ્ટ સંકલ્પ છે, પણ એ આગ્રહમાં જ પરિષદની ક્રિયાશીલતા સમાપ્ત થતી નથી, ન થવી જોઈએ. ખરેખર તો, પોતીકી મુદ્રા ઉપસાવતી ઉત્તમ અને નક્કર સાહિત્યપ્રવૃત્તિઓથી જ પરિષદ સ્વાયત્ત સંસ્થા એટલે શું એનું, વગરબોલ્યું, પ્રતિમાન રચી શકે – બલકે એ જ કર્તવ્ય કાર્ય છે.
આસન્ન ભૂતકાળના અનુભવોથી રહીરહીને એવો સંદેહ થાય છે કે આ નવું વહીવટી મંડળ એ જ ચાલતા ઢાળ પરથી ઢળી જવાનો સુકર રસ્તો લેશે કે કાર્યસઘન નવી ઉપત્યકાઓ રચવાનું સ્વીકારશે?
પરંતુ એવી આશા રાખવી જ અત્યારે તો ઈષ્ટ લાગે છે, પ્રકાશભાઈ, કે તમારા સરખા વિચારશીલ પ્રમુખની નરવી દોરવણીથી ને તમારી સંવાદી – પણ ક્રિયાવર્તી બનનારી – કાર્યશૈલી સાથે આ નવી મંડળી પરિષદને વિશ્વસનીયતાથી અને કાર્યનિષ્ઠાથી નવું અજવાળું આપે. એ પડકાર પણ આનંદદાયક નીવડે.
— ર.સો.
ઑક્ટોબર ૨૮, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 04