છેલ્લા કેટલાક સમયથી માનવજાત સામે ઊભી થયેલી કોવિડ-૧૯ની અસામાન્ય ઘટનાએ આપણને વિચારતા કરી દીધા છે. કોરોના મહામારી પૂર્વે મંદીનાં નિરાશાજનક પરિણામોથી વિશ્વના દેશો સાથે ભારત પણ પીડિત હતું અને કોરોના મહામારીને કારણે આર્થિક વ્યવસ્થા વધુ કથળી છે. વૈશ્વિક સ્તરે મંદી, વૈશ્વિક બેકારી, ઉત્પાદનનાં સાધનોનું સ્થળાંતર વગેરે કેટલાક ગંભીર આર્થિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એમાં સૌથી અગત્યની સમસ્યા ઉત્પાદનનાં સાધનોના સ્થળાંતરની રહેશે. છેલ્લા કેટલાક દસકાથી મહત્તમ નફાકારકતા સાચવવા ખર્ચઘટાડાના નામે થયેલા આંતરરાષ્ટ્રીય શ્રમવિભાજન સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. દુનિયાનાં ઘણાં ઉદ્યોગગૃહો તેમના વિદેશમાં કાર્યરત ઉત્પાદનના એકમોને પોતાના દેશમાં સ્થળાંતરિત (relocate) કરવાનું વિચારી રહ્યા છે. તો બીજી બાજુ તેમના દેશમાં કામ કરતાં વિદેશી નાગરિકોને દેશ છોડવાનું ફરમાન જે તે દેશની સરકારો કરી રહી છે, એવું પણ બની રહ્યું છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ, નીતિ-ઘડવૈયાઓ, સામાજિક તથા આર્થિક વિશ્લેષકો ખર્ચની સાથે આ નવા પરિપ્રેક્ષ્યમાં જોખમના તેમ જ અવિશ્વાસના આયામને વધુ મહત્ત્વ આપીને દેશોના ઉત્પાદનના એકમોના સ્થળાંતરના નિર્ણયો લેવા સંબંધિત ઉદ્યોગપતિઓને મજબૂર કરશે.
આપણા દેશનાં સંદર્ભમાં વિચારીએ તો, દુનિયાના વિવિધ દેશોમાં કામ કરતા બિનનિવાસી ભારતીયો વતનમાં પાછા ફરવા પરિસ્થિતિ સુધરે તેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં કામ કરતા અન્ય રાજ્યોના ઘણા શ્રમિકો પણ પોતાના વતન તરફ પ્રયાણ કરી ગયા છે અને બીજા હજારો શ્રમિકો વતનમાં પહોંચવાના મરણતોલ પ્રયાસો કરી રહ્યા છે. શ્રમિકોની પોતાના વતન તરફ પાછા વળવાની પ્રક્રિયાને રીવર્સ માઈગ્રેશન કહે છે. આ પરિસ્થિતિ માટે આર્થિક કારણો ઉપરાંત સામાજિક તેમ જ મનોવૈજ્ઞાનિક કારણો પણ જવાબદાર હોય છે.
આવા સંજોગોમાં કેટલાક ટૂંકા ગાળાના તેમ જ લાંબા ગાળાના આર્થિક પ્રશ્નો પણ ઊભા થશે. આપણે ભારતના સંદર્ભમાં જોઈએ તો, બિનનિવાસી ભારતીયોનું રીવર્સ માઈગ્રેશન શહેરી વિસ્તાર તરફ વધારે અને ગ્રામ્ય વિસ્તાર તરફ ઓછું રહે, જેથી શહેરી વિસ્તારમાં એકાએક આવાસ જેવી માળખાકીય સુવિધાઓની માગમાં વધારો થશે. તેને કારણે ટૂંકા ગાળામાં મોંઘવારીની સમસ્યા વધશે. સાથેસાથે આ બિનનિવાસી ભારતીયો પોતાની કાર્યક્ષમતા મુજબ બજારમાં રોજગાર મેળવવાનો પ્રયત્ન કરશે, જેથી ટૂંકા ગાળા માટે શિક્ષિત બેકારી કે ચક્રીય બેકારી સર્જાશે. બીજી બાજુ, ગ્રામ્ય વિસ્તાર પર બે બાજુથી દબાણ વધશે. એક તરફ બિનનિવાસી ભારતીયોનું રીવર્સ માઈગ્રેશન અને બીજી તરફ દેશના શહેરી વિસ્તારના શ્રમિકોનું પોતાના વતન તરફનું રીવર્સ માઈગ્રેશન. આ બંને પરિબળોની ગ્રામ્ય વિસ્તાર પર ગંભીર અસરો ઊભી થશે. આમેય ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ છે, ત્યાં આવા ભારણથી બેકારીની સમસ્યા વિકરાળ બનશે. આ તો શ્રમિકોની વાત થઈ. અગાઉ વાત કરી તેમ, મૂડીરોકાણનું પણ રીવર્સ માઈગ્રેશન થશે. મૂડી સાધનોનું રીવર્સ માઈગ્રેશન એટલે દેશમાં થયેલા વિદેશી મૂડી રોકાણનું પાછું જવું. જો આવું થશે તો દેશના આર્થિક વિકાસ પર વિપરિત અસર થશે.
આ આર્થિક, સામાજિક કે પર્યાવરણીય સમસ્યાઓ માટે પ્રવર્તમાન આર્થિક મૉડેલ જવાબદાર છે, એ વાત નિર્વિવાદ છે. દુનિયાના દેશોએ પણ આર્થિક આયોજનની વ્યૂહરચના બદલવી પડશે. તેમાં સ્થાનિકીકરણ મહત્ત્વનો ભાગ ભજવશે. અહીં ગાંધીજીના અન્ય ગ્રામોદ્યોગો દ્વારા આર્થિક રીતે સ્વનિર્ભરતા આવે તો સ્વાભાવિક રીતે દેશ સ્વનિર્ભર બનશે.
ગાંધીજીના આર્થિક વિચારો નૈતિકતા, અહિંસા (માનવ અને કુદરત પ્રત્યે), માનવીની સર્વોપરિતા, કરકસર, જાતમહેનત, લોકો માટે લોકો દ્વારા ઉત્પાદન, ટ્રસ્ટીશીપ, સ્વદેશી અને સર્વોદય જેવા ખ્યાલો પર આધારિત છે. કોરોના મહામારીના સંકટના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો, ગાંધીજીના આર્થિક વિચારો જ બંધબેસતા છે. ગાંધીજીના આર્થિક વિચારો પ્રવર્તમાન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની મૂળભૂત ધારણાઓથી અત્યંત જુદા છે, પરંતુ અત્યારે અર્થશાસ્ત્રના તજ્જ્ઞો જે વિકલ્પો બાબતે સૂચનો કરી રહ્યા છે તેમાં ગાંધીવિચાર જ તો છે. ગાંધીજીના આર્થિક વિચારો પર આધારિત કોઈ પદ્ધતિસરનું મોડેલ ન હોવાને કારણે તેમના વિચારોની પ્રસ્તુતતા અંગે ઘણા મતમતાંતર છે. હાલના ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા સંજોગોમાં ગાંધીવાદી સંસ્થાઓ, ગાંધીવાદી તજ્જ્ઞોએ સાથે મળીને, આ તબક્કે જે તે સ્થળને અનુરૂપ ટ્રાયલ એન્ડ એરરના ધોરણે મૉડલ વિકસાવીને માનવકલ્યાણની દિશામાં ઠોસ કાર્ય કરવું જોઈએ. દા. ત. અત્યારે લૉક ડાઉન તથા રીવર્સ માઈગ્રેશનની સ્થિતિમાં ઘેર બેઠા ખાદી કાંતવાનું કામ આપીને લોકોને રોજગાર આપી શકાય. ખાદી વણાટની કામગીરીને મનરેગા જોડે પણ જોડી શકાય. અને ભવિષ્યમાં આજ પદ્ધતિ બીજા ગ્રામોદ્યોગોને લાગુ કરીને સ્વનિર્ભર ગ્રામોધ્ધાર કરી શકાય.
આ તક ઝડપીને ગાંધીવિચાર આધારિત નવા આર્થિક મૉડેલની રચના કરીને ખૂબ સુખદ પરિણામ મેળવી શકાય તેમ છે. આપણા દેશની સરકારે પણ આ દિશામાં ગંભીર વિચાર કરવો જોઈએ. એ રીતે દેશ પણ સ્વનિર્ભરતાની દિશામાં આગળ વધશે. એમ થશે તો આપણા પોતાના ‘સ્વદેશી’ આર્થિક મૉડેલનો લાભ આપણા દેશને અને અન્ય જે દેશો એને અનુસરવા માગે એમને થશે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020