કાગડો ને કોયલ ને મોરલો ને શ્વાન
બધા આવી ગયા છે કાંઈ ગેલમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
હાલતાં ને ચાલતાં ડફણાં મારે
ના બેસવા દે ક્યાંયે નિરાંતે
એને તે દઈ જાણે શું રે થયું
એ તો પુરાયો પોતાની જાતે
ઝૂંપડી હતી એ ઝૂંપડી મહીં,
ને મહેલ હતો એ મહેલમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
માણસની પહેલાં જે ધરતી હતી
એની યાદ થઈ આંખોમાં તાજી
અમે કદી એવું ધાર્યું નહોતું
કે પલટાશે એક દિવસ બાજી
પાંજરાનો પોપટ કાંઈ ખંધુ હસે છે,
ને નદીઓ પડી છે જે ડેમમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
જોયો ને કુદરતનો વળતો જવાબ
પડવા ગયો તો એની સામે
આખી ધરા એના બાપની ના હો
જાણે કરવી હો પોતાને નામે
બેટા એ બેટા ને બાપ એ બાપ,
નહિ ફાવી શકીશ કદી ખેલમાં
પેલો માણસ પુરાયો છે જેલમાં
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020