પોતાના ગમતી વ્યક્તિઓના લેખ લખવા સૌથી સહેલા અને સૌથી અઘરા, કારણ કદી પૂરા ઠલવાયા એમ મન ના માને!
વાલકેશ્વર લખીએ એટલે એક સાથે ઘણુંબધું મન સપાટીએ આવી તરવા માંડે. એમાં સૌથી મોટાં બા − વ્હાલાં, નરમ, ચાંદી જેવી ચળકતી ગોરી ચામડીવાળા એ ગોકળીબાઈ એટલે મારા ગોપી બા.
સૌ પહેલાં એ લખીશ કે એ મને ખૂબ ચાહતાં.( તરત મારો મિત્ર કેકે કહેશે, તારા કરતાં મને વધુ!!) પણ એક દિવસ ખબર પડી કે એમના દીકરાને પણ હજુ એવો જ બાળક સમજે છે અને ચાહે છે, મા ખરી ને.
થયેલું એવું કે કોઈ વાતે મારો તોબરો ચઢેલો, હું તાયફો કરી ભૂખ્યો રહેલો. શનિવાર હતો પપ્પાનો અડધો ઉપવાસ. સાંજે વહેલાં જમે. બા કહે, “દીકરા, જમી લે. એ જાણશે તો એ સવારનો ભૂખ્યો આવશે અને તું નથી જમ્યો જાણશે તો એ ક્યાંથી ખાવાનો? માની જા દીકરા, ચલ ..”. અને હું માની ગયેલો. મમ્મી કશે ગઈ હોય, અને મને સાંજ પડે કંઈક ચટપટું જોઈએ. મમરામાં તે મીઠું મસળી ધરે, કે રોટલી પર તેલ ધાણાજીરું, મીઠું, મરચું મૂકી ગોળ વાળી આપે. એના કોમળ ગોરો હાથનો એ નાસ્તો અમૃત! એકાદશીના દૂર એમનો ગ્યાસ, ચૂલો. એમાં ફરાળ થાય. પાતળું શરીર, ખાવું સહેજ. પણ અમને બાળકોને પ્રસાદમાં કાકડીની વઘારેલી ખીચડી અને દહીં મળે ક્યારેક કુટુના ઢોકળા અને કાચું તેલ..
બહુ નાની વયે વિધવા થયેલાં અને સફેદ સાડલો જ પહેરતાં. પણ રૂપ ઇશ્વરે રાજકુમારી જેવું આપેલું. બોલવાનું ધીમે, ઋજુ અને સ્નેહ નિતરતું. દાદા બ્રાહ્મણ અને બા વૈષ્ણવ ધર્મ તરફી જણાયાં હતા. હવેલી જાય તો હું નાનકડો. મને કહે, “ચલ સાથે, દીકરા.” એ એમનો હાથ ઝાલી બાણગંગા જવું એ યાત્રાઓ હતી. ધાર્મિક ખરાં, પણ અંધશ્રદ્ધા જેવું કશું નહીં. ભાવથી ભજનારા. ઘરે કૃષ્ણજન્મ વખતે રાતે આરતી પહેલાં ભોગની થાળીઓ ધરાવાય. મારી નજર પ્રસાદ પર. અને એમની નજર મારા પર! જેવો જ્ન્મ થયો નથી, આરતી પતી નથી કે પ્રસાદની લાડુડી મારા મોઢામાં ઉત્સાહથી મૂકે! હું આનંદ આશ્વર્યમાં એમને જોઈ રહું.
એમનું ચાર બહેનપણીઓનું ગ્રૂપ. સાથે ભજન કરવા સાંજે નીકળે. ઉપર કુન્દન બા, પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડમાં ચંચળ બા (એ તો ઔર નાજુક, ગોરાં) ત્રીજા બચુબહેન એ શ્યામળાં, ચશ્માં પહેરતાં અને હેતાળ. બા ને કશે જવું જ એવો આગ્રહ નહીં, ફરવું, કરવું બહુ ગમે નહીં. પાછલાં વર્ષોમાં હાર્ટ પહોળું થતું હતું તે ખાટલે બારીએ જોતાં બેસી રહે. ખાસ ઉધામા નહીં, બોલવાનું ઓછું. હા, ચિંતા ચાવતાં! બીજું વ્યસન નહીં.
મહેમાન આવવાના હોય તો પ્રેશર વધી જાય; ત્યારે પહેલે માળે મશીન વગર પાણી ન ચઢે. એ પણ માંડ કલાક દોઢ કલાક આવે. એ એમનું મોટું ટેન્શન. મૂળે દિલ પોચું. કદી ઊંચો અવાજ સાંભળ્યો નથી. પ્રાન્જલિ, સ્વપ્નિલ નાના, ઘરમાં બેસીને રમાડે. વિશેષ આ કરું કે તે કરું ઓછું. મહેમાન આવે ત્યારે મદદમાં એક નજીક દેવલક્ષ્મીબહેન હતાં, એકલાં રહેતાં. એમને મદદે બોલાવે. એ ય શાંત, ઠેઠ ધીમું બોલે, સજ્જન નારી.
થોડાં દિવસે વ્હાલી 'જમની' એમની નાની પ્રેમ છલકતી બહેન આવે અને નિરાંતે સૌ સાથે થોડા દિવસ રહે. એ બે બહેનો શાંતિ અને મૃદુતાનો પર્યાય. સફેદ સાડલામાં જાણે શાંતિ સાંચવીને ઘરમાં વેરતાં હશે. દીકરા, દીકરી પણ તેવાં જ થયાં. સૌ ફકીર જેવા. પૈસા બનાવવા, ઘરના રાચરચીલું સજાવવા કરવા વગેરેમાં એમનો ભાવ નિર્લેપ. કર્મ, પ્રેમ, સન્ગીત, સાહિત્ય એ જ ઘરના સંસ્કાર. હું સાંજ પડે સહેજ ઝાપટ ઝુપટ કરું. સહેજ ઘર ગોઠવું એ બાને ગમે. સૌ પડોશી બહેનો, નાના મોટાં એમની પાસે બેસી શાંત થાય, એ હજુ યાદ કરનારાં કરે છે. ખરું કહું તો ઘરમાં એ સાક્ષાત્ સંતબાઈ હતી, શાંતિ પ્રેમની મૂર્તિ.
— પીજીજી