કોવિડ-૧૯ની સૌથી વધુ અસર મોટી ઉમરની વ્યક્તિઓને થાય છે. એટલે અમદાવાદ મહાનગરપાલિકાએ લૉક ડાઉનના માસિયે વડીલોની સવિશેષ સંભાળ માટેનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. પરંતુ વડાપ્રધાને તો લૉક ડાઉન શરૂ થયું ત્યારથી જ આવું અભિયાન શરૂ કરી દીધું હતું. કોરોના તો એની ગતિએ વધઘટ થયા કરશે, પણ નવરાશ મળી છે તો લાવ, જરી ખબરઅંતર લઈ લઉં — એમ માનીને વડાપ્રધાને વડીલસ્મરણવંદનાનો કાર્યક્રમ શરૂ કરી દીધો.
અખબારી અહેવાલો મુજબ, વડાપ્રધાનનું આ અભિયાન “તને સાંભરે, મને કેમ વિસરે રે” પ્રકારનું છે. અત્યાર સુધી તેમણે ગુજરાત અને ગુજરાત બહાર જેમનો પણ ટેલિફોનિક સંપર્ક કર્યો છે તેને, “તમે મને યાદ કરતા હતા કે નહીં?“ એવું જરૂર પૂછ્યું છે. અહેવાલો મુજબ તો તે, લૉક ડાઉનમાં વડાપ્રધાનની લોકપ્રિયતા માપતી એજન્સીઓની જેમ, “મારા લૉક ડાઉનના પગલાંથી લોકોને કેવું લાગે છે?” તેવું પણ પૂછતા હોવાનું જાણવા મળે છે.
આત્મરાગના જણ તરીકે વડાપ્રધાન માટે આવા સવાલોની નવાઈ ન લાગવી જોઈએ. પરંતુ તેમણે જે લોકોનો સંપર્ક કર્યો છે તે તમામ કાં તો જન સંઘના કે ભા.જ.પ.ના નિવૃત્ત રાજકારણીઓ છે. વડાપ્રધાનને અને તેમના સમર્થકોને તે ભા.જ.પ.ના નહીં, દેશના વડાપ્રધાન છે એમ કહેવડાવવાનું બહુ ગમે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વડાપ્રધાન જો આખા દેશના હોય તો તેમને શું થોડા ય પોતાના પક્ષ બહારના લોકો આવા આફત કાળમાં ખબરઅંતર લેવા જેવા નથી લાગતા? વળી માત્ર રાજકારણી જ કેમ તેમની યાદીમાં છે? વાંકદેખાઓ તો એમ પણ પૂછી શકે કે નરેન્દ્રભાઈ પંદર વરસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે, આજે તે જે વડીલોની સ્મરણવંદના કરે છે તેમનો ક્યારે ય ભાવ પૂછ્યો હતો ખરો?
વડાપ્રધાનને રાજકારણના અને તે ય માત્ર પોતાના પક્ષના જ રાજકારણીઓ સાથે સંબંધ હોય તે તેમના પુરોગામી વડાપ્રધાનોનું બૌદ્ધિક કદ જોતાં અનેક સવાલો જન્માવે છે. ૨૦૧૪ પછી પદ્મશ્રી પામેલા ડઝનેક ગુજરાતીઓ વડાપ્રધાનની વડીલવંદનામાં સામેલ થઈ શકે તેવા છે. તેમાંના ઘણા તો વડા પ્રધાને તેમના મુખ્ય મંત્રી અવતાર વખતે અમદાવાદમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં જણાવી હતી તેવી વ્યાખ્યા મુજબના રાજકારણીઓ પણ છે. વડાપ્રધાન એમના પણ ખબરઅંતર ન લે એ તો કેવું ? વડાપ્રધાને ભા.જ.પ.ના વડાપ્રધાન મટી ભારતના વડાપ્રધાન થવું હશે તો તે માટેનો પ્રયત્ન તેમણે જાતે જ કરવો પડશે. સૌનો સાથ જ નહીં લો તો સૌનો વિશ્વાસ ક્યાંથી મેળવી શકશો?
e.mail : maheriyachandu @gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020