કોરોનાની આગાહી શક્ય છે? 2003માં આવેલો ‘સાર્સ’ વર્તમાન મહામારીનું ટ્રેઇલર હતું? અગાઉની મહામારીઓને ભૂલીને હાલની કટોકટી આવી છે? … આવા અનેક પ્રશ્નોના આસપાસના જવાબોને શોધવાની મથામણ ચાલી રહી છે, પરંતુ તેનો કોઈ તાળો મળતો નથી. કેટલાંક લોકોની વાતોમાં, ફિલ્મ અને લેખનમાં આ પ્રકારની મહામારી પૂરા વિશ્વને પાંગળી બનાવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ‘કન્ટેજન’ ફિલ્મમાં તો અદ્દલ હાલની સિચ્યૂએશન જોવા મળે છે. એ પ્રમાણે અમેરિકાના લેખક ડિઅન કુન્ટઝ દ્વારા 1981માં લખાયેલી નવલકથા ‘ધ આઇસ ઓફ ડાર્કનેસ’માં વુહાનની લેબમાં વાઇરસ તૈયાર થવાની વાત લખી છે. આશ્ચર્યની વાત એ છે કે ચાળીસ વર્ષ પૂર્વે લેખકે વુહાનમાંથી જ વાઇરસ જન્મવાની કલ્પના કરી હતી!
કોરોનાની કલ્પના આ પ્રમાણે અમેરિકન લેખક સિલ્વીઆ બ્રાઉને પણ કરી છે. સિલ્વીઆ બ્રાઉનના પુસ્તકનું નામ છે : ‘એન્ડ ઓફ ડેય્સ’, જેમાં જોગાનુજોગ કોરોના જેવી બીમારી પ્રસરવાનું વર્ષ 2020 દર્શાવવામાં આવ્યું છે અને સિલ્વીઆએ આ કલ્પના બાર વર્ષ અગાઉ કરી હતી. 2018માં રિલીઝ થયેલી કોરીઅન સિરીઝમાં ‘માય સિક્રેટ ટેરીઅસ’માં કોરોનાથી નિર્માણ પામેલી સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ સિરીઝમાં પણ ચૌદ દિવસનો ઇનક્યુબનેશન પીરિયડ, ‘સાર્સ’ પરિવારનો વાઇરસ અને સ્ટે હોમ જેવી વાતો વણવામાં આવી છે. આ સિવાય પણ સંક્રમિત વાઇરસને અનુલક્ષીને જુદી જુદી ફિલ્મ-સિરીઝ અને પુસ્તકોમાં કલ્પના કરવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં બનેલી ફિલ્મ અને પ્રકાશિત પુસ્તકોમાં તો ‘સાર્સ’-‘મેર્સ’નું બેકગ્રાઉન્ડ ઝીલાયેલું છે.
ફિલ્મ-પુસ્તકોની આ કલ્પના મનોરંજન માટે હતી, પરંતુ કેટલાંક વ્યક્તિઓએ આ પ્રકારની બીમારીનું પ્રેડિક્શન કર્યુ હતું જે ગંભીર બાબત હતી, પણ તેની અવગણના કરવામાં આવી છે. આમાં અગત્યનું નામ બિલ ગેટ્સનું આવે છે. 2015માં ‘ટેડ’ નામના જાણીતા પ્લેટફોર્મ પર ‘ધ નેક્સ્ટ આઉટબ્રેક?’ વિષય પર તેમણે વક્તવ્ય આપ્યું હતું. ગેટ્સે આ વક્તવ્યમાં ચેતવણી ઉચ્ચારી હતી કે, “ભવિષ્યની મહામારી અંગે આપણે તૈયાર નથી. હું નાનો હતો ત્યારે મોટા ભાગે પરમાણુ બોમ્બની ચિંતા સતાવતી હતી. આજના સમયમાં જોખમ વાઇરસનું છે, જે આવનારા દાયકામાં એક કરોડ લોકોનાં જાન લેશે. આપણે એક સમયે મસમોટું રોકાણ અણુમાં કર્યું, પરંતુ હવે મહામારી સામે લડવા માટે તૈયાર થવાનું છે.” બિલ ગેટ્સે આ આગાહી આફ્રિકામાં પ્રસરેલા ઇબોલા મહામારીને અનુલક્ષીને કરી હતી, પરંતુ પાંચ વર્ષ અગાઉની ચેતવણી આજે સાચી પડી ચૂકી છે. એ રીતે અમેરિકાના સંક્રમિત બીમારીના નિષ્ણાત માઇકલ ઓસ્ટરહોમે પણ 2005માં જ ‘ફોરેન અફેર્સ’ના નામના મેગેઝિનમાં વાઇરસ મોટા પ્રમાણમાં પ્રસરવાની શક્યતા દર્શાવી હતી. માઇકલ ઓસ્ટરહોમે લખ્યું છે : “મહામારી સામે લડવાનો સમય ઝડપથી વીતી રહ્યો છે. હવે આપણે નિર્ણય લેવાની ક્ષણ આવી ચૂકી છે.” તેમણે 2017માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક “ધ ડેડલિએસ્ટ એનેમી : અવર વોર અગેન્સ્ટ કિલર જર્મ્સ”માં પણ એમ લખ્યું છે કે અમેરિકા મહામારી સામે લડવા માટે તૈયાર નથી! આ બધી આગાહી અમેરિકામાંથી આવી છે, કારણ કે મહામારીનું સૌથી મોટું જોખમ અમેરિકામાં જ હતું, જે આજે આપણે જોઈ પણ રહ્યાં છીએ.
એ પ્રમાણે વાઇરોલોજિસ્ટ અને ફ્લૂ એક્સપર્ટ રોબર્ટ વેબસ્ટાર ડિસેમ્બરમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તકમાં ખતરનાક વાઇરસ હૂમલો કરવાનો છે અને આપણે તૈયાર થવાનું છે તેમ આગાહી કરી હતી. મહામારીની આગાહી આપનારાઓમાં પૂર્વ વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યૂરિટી કાઉન્સિલ ડો. લુસિઆના બોરીઓ, યુ.એન.એઇડ ડિરેક્ટર જેરેમી કોન્યડિક, અમેરિકાના ઇન્ટેલિજન્સ ટીમે પણ આ પ્રકારના ખતરા સામે ચેતવણી આપી ચૂક્યા હતા.
ફિલ્મ-પુસ્તકોનો આધાર ઇતિહાસની ઘટનાઓ છે, જ્યારે મહામારીના ક્ષેત્રમાં કામ કરનારા લોકો આ જોખમને સામે જ જોઈ રહ્યા હતા. કેટલાંકે તે નજીકના ભવિષ્યમાં ત્રાટકશે તેવી પણ આગાહી વ્યક્ત કરી હતી. પરંતુ ઇબોલાના જાણીતા ફ્રન્ટ વોરીઅર્સ ડો. જેરી બ્રાઉન કહે છે તેમ લોકો મોતને સામે જોતા નથી ત્યાં સુધી મહામારી તેમના ઘરઆંગણે આવી ચૂકી છે તેવો વિશ્વાસ કરતા નથી.
e.mail : kirankapure@gmail.com