બંધારણના ઘડવૈયાઓએ ‘વી ધ પીપલ’ને બંધારણમાં મૂળભૂત અધિકારો આપ્યા હતા. પરંતુ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક અધિકારો અભરાઈ પર ચઢાવી દીધા હતા. ૧૯૭૬માં કટોકટી દરમિયાન થયેલા બેતાળીસમા બંધારણ સુધારા દ્વારા, જેમ આમુખમાં ધર્મનિરપેક્ષતા અને સમાજવાદી શબ્દ ઉમેરાયા હતા તેમ નાગરિકની મૂળભૂત ફરજો પણ ઉમેરાઈ હતી. ૨૦૧૫માં બંધારણના પ્રમુખ ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સવાસોમા જન્મ જયંતી વરસથી વર્તમાન વડાપ્રધાને ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે રાષ્ટ્રીય ધોરણે મનાવવાનું શરૂ કર્યું છે.
નરેન્દ્ર મોદી ગાંધીનહેરુ કુટુંબના અન્ય નેતાઓની જેટલી ટીકાઓ કરે છે તેટલી ઇન્દિરા ગાંધીની કરતા નથી. નાગરિક અધિકારોના અમલ બાબતે ઉજળા ન જણાતા નરેન્દ્ર મોદીને ઇન્દિરાના કુખ્યાત બંધારણસુધારા દ્વારા અસ્તિત્વમાં આવેલી નાગરિક ફરજો બહુ પ્રિય છે. ૨૦૧૯માં જ્યારે સંસદના સેન્ટ્રલ હૉલમાં વિપક્ષની ગેરહાજરીમાં બંધારણનાં ૭૦ વરસની ઉજવણી થઈ, ત્યારે પણ તેમણે નાગરિકોની ફરજોની જ વાત સવિશેષ કરી હતી. એ વરસે શાળા-મહાશાળાઓમાં, સરકારી કચેરીઓમાં અને સંસદથી સડક સુધી સરકારે બંધારણ દિવસની ઉજવણીમાં બંધારણના અમુખનું નહીં, પણ નાગરિક ફરજોનું પઠન કરવાનો આદેશ કર્યો હતો !
આજે નાગરિક ફરજો યાદ આવવાનું નિમિત્ત અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાનો એક વીડિયો સંદેશ છે. અમદાવાદના નાગરિકોને શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના સંદેશની અપેક્ષા હોય, પણ આ મહામારીમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘરમાં ભરાઈ રહેવાનું અને શાસન આખું વહીવટી તંત્ર કે અધિકારીઓને સોંપી દેવાનું પસંદ કર્યું છે. આ વરસ તો પાછું મહાનગરપાલિકાઓની ચૂંટણીનું છે છતાં રાજકીય નેતાઓ ઘરમાં છે અને મતદારો અધિકારીઓના ભરોસે છે. અમદાવાદમાં કોવિડ-૧૯ની કામગીરી અંગે કેટલાક નાગરિકોના અસંતોષ વ્યક્ત કરતા વીડિયો શું વહેતા થયા કે શ્રીમાન નહેરા પોતાનો પક્ષ નહીં, પણ દુ:ખ વ્યક્ત કરવા ઉપસ્થિત થયા. સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા દરદીઓ ક્રિકેટ રમતા હતા તે વીડિયોનો ઉલ્લેખ કરી કમિશનરે તરત જ સમરસ હોસ્ટેલના ગંદકી અને અન્ય સમસ્યાઓના વીડિયોનો ઉલ્લેખ કર્યો અને નાગરિકોને તેમની ફરજો સમજાવી.
કમિશનરસાહેબને પોતાના કર્મચારી એવા એક મૅડિકલ ઓફિસર બહેનને સારવારમાં રહેલી ઢીલ અને કચાશના વીડિયો અંગે પણ દુ:ખ વ્યક્ત છે. તે કહે છે કે સમગ્ર તંત્ર જ્યારે કોરોના સામે યુદ્ધ લડે છે ત્યારે આવા વીડિયો યુદ્ધ લડતા સૈનિકના બૂટને પોલીશ નથી કરી કે શર્ટનું એકાદ બટન ખુલ્લું છે — તેવા છે. આમ જણાવી તે આવા કૃત્યને ‘નકારાત્મક’ ગણાવે છે. આ જ વીડિયો મેસેજમાં કમિશનર એમ પણ કહે છે કે આ વીડિયોને કારણે આખો દિવસ મારું તંત્ર દોડતું રહ્યું છે. જો નાગરિકોની ફરિયાદો સૈનિકોના બૂટની પોલીશ કે શર્ટનાં બટન જેવી ક્ષુલ્લક હતી કે તેમાં કોઈ દમ ન હતો કે માત્ર નકારાત્મકતા જ હતી, તો તંત્ર આખો દિવસ દોડતું શા માટે રહ્યું? સરકારની કે તંત્રની ટીકા એ નકારાત્મકતા નથી. એ તો લોકતંત્રની પાયાની બાબત છે, લોકશાહીનો પ્રાણ છે. મિસ્ટર નહેરાને કોણ સમજાવે કે કટોકટી વખતે નગર અમદાવાદના લોકસભા સભ્ય પુરુષોત્તમ માવળંકરે લોકસભામાં કટોકટી વિરોધી જે પ્રવચનો આપેલાં, તેના પુસ્તકનું નામ જ “નો, સર“ છે !
નાગરિકોને તેમની ફરજો યાદ કરાવતા અને પોતાની જવાબદારીઓ ભૂલી જતા કમિશનરસાહેબ, કોવિડ કેર સેન્ટર જે વિસ્તારોમાં શરૂ થાય છે તેની આસપાસના નાગરિકો તેનો વિરોધ કરે છે તેની પણ જિકર કરે છે. અને નાગરિકોને સહકાર આપવા, સંવેદનશીલ બનવા, નકારાત્મકતા છોડવા જણાવે છે. આપણે પૂછી શકીએ કે નાગરિકોને આ સ્થિતિમાં કે આવા ભયમાં મુકવા માટે જવાબદાર કોણ છે? સરકાર, તેના અધિકારીઓ અને તંત્રએ કોવિડ-૧૯ વિશે કરેલો પ્રચાર તો નથી ને? અમદાવાદના નાગરિકોને તેમનું કર્તવ્ય યાદ કરાવતા અધિકારીસાહેબે એ વાતનો પણ જવાબ આપવો જોઈતો હતો કે શહેરની મ્યુનિસિપલ હૉસ્પિટલોના, ખાસ તો એલ.જી. હૉસ્પિટલનાં ડૉક્ટરો અને સફાઈ કામદાર સહિતના આરોગ્યકર્મીઓએ તેમને સુરક્ષા ઉપકરણો નથી મળી રહ્યાં, તે માટે જાહેરમાં ધરણા દેખાવો કેમ કરવા પડ્યા છે? શું આ જ છે આપણી તૈયારી?
સરકારની ટીકા એટલે નકારાત્મકતા અને નાગરિકે મહામારીના સમયે ચૂપચાપ સરકારને સહકાર જ આપવાનો, કોઈ ટીકા નહીં કરવાની — એવું વલણ કદાચ નાગરિકફરજપ્રિય રાજકારણીનું હોઈ શકે. વરિષ્ઠ સનદી અધિકારીને તો એ ન જ શોભે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020