પહેલાં નાણા મંત્રીએ અને પછી ગૃહ મંત્રીએ વધામણી આપી છે કે અત્યારે દેશમાં વડાપ્રધાનની લોકપ્રિયતા સાતમા આસમાને છે. મોદી મંત્રીમંડળના આ બે વરિષ્ઠ મંત્રીઓની આ દિવસોમાં ઉપસ્થિતિ આ રીતે દેખાય તે પણ વડાપ્રધાનની સિદ્ધિ ગણાવી જોઈએ! માનવજાત જ્યારે તેના અસ્તિત્વની લડાઈ લડતી હોય ત્યારે પણ, કાયમ ઈલેકશન મોડમાં રહેતા પ્રધાનસેવક અને તેમના દરબારીઓને લોકપ્રિયતાના ગાણાં ગાવાના સૂઝે તેનાથી આશ્ચર્ય ન થવું જોઈએ. કોરોનાકાળના પૂર્વ દિવસોમાં દિલ્હીના દંગાઓમાં માર્યા ગયેલા લોકોને ભરી લોકસભામાં દેશના ગૃહમંત્રી કેવી માસૂમિયતથી હિંદુ કે મુસ્લિમ નહીં, પણ ભારતીયો ગણાવતા હતા. અને આજે કોવિડ-૧૯ની મહામારીમાં કેટલા જમાતીઓ છે અને કેટલા ભારતીયો છે એવાં વિભાજનો ખુદ સરકાર કરે છે અને સત્તાવાર રીતે એવા આંકડા જાહેર કરે છે. વડાપ્રધાનની લોકપ્રિયતાનું રહસ્ય આ હશે?
જગતે ભાગ્યે જ જોયેલી એવી હાલની આ આફત વખતની સરકારની તૈયારીઓ કેવી છે તેનું એક ઉદાહરણ મોદી જે ‘ગુજરાત મૉડેલ’ના તુંબડે વડાપ્રધાન પદની વૈતરણી તરી ગયા હતા તે ગુજરાતની વર્તમાન સ્થિતિ દર્શાવે છે. જ્યારે કોરોના અસરગ્રસ્તો વધી ગયા ત્યારે હજારો બેડની કોવિડ હૉસ્પિટલોનું પોલ ખૂલી ગયું. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના દરવાજે છઆઠ કલાકથી રઝળતાં કોરોનાપીડિતોએ સ્વયં વીડિયો મારફતે રાવ ખાધી, ત્યારે તંત્ર એકશનમાં આવ્યું. પછી તેણે કર્યું તો શું કર્યું? અમદાવાદની ત્રણ ખાનગી હોસ્પિટલોને એ જ દિવસે કોરોના સારવારની મંજૂરી આપી! બીજે દિવસે આ હોસ્પિટલોની લાખોની ફીની વાત ખૂલી તો સરકાર ચૂપ! આરોગ્યના ક્ષેત્રે ખાનગીકરણ એ જો મુખ્યમંત્રી મોદીને દેન હોય તો તે લોકપ્રિય સાચા.
સરકારે જનતા કરફ્યૂના દિવસથી જ રેલવે અને બસ સેવા બંધ કરી અને બે દિવસ પછી માત્ર ચાર કલાકની મુદતમાં આખા દેશમાં લૉક ડાઉન જાહેર કરી દીધું. તેના કારણે કરોડો સ્થળાંતરિત કામદારો આજે ય હાલાકી વેઠી રહ્યાં છે. મહામારીમાં સારવારના અગ્રીમ પંક્તિનાં લોકો એવા સફાઈકર્મીઓ સહિતના આરોગ્યકર્મીઓની પાસે સુરક્ષાનાં સાધનો નથી. દિલ્હી, લખનૌ, મુંબઈ અને અમદાવાદની હૉસ્પિટલોમાં મોટા પાયે ડોકટર સહિતનો સ્ટાફ સંક્રમિત થતાં આ બધી હૉસ્પિટલ બંધ કરવી પડી છે. પી.પી.ઈ., વેન્ટિલેટર, આઈસોલેશન વોર્ડ, દરદી માટેની પથારીઓ અને અન્ય સુવિધાઓના અભાવની બૂમો સંભળાય છે અને વડાપ્રધાનની લોકપ્રિયતા વધી રહી છે.
કોવિડ-૧૯નાં ટેસ્ટ ખૂબ જ ઓછા કરવામાં આવે છે (બિહારની બાર કરોડની આબાદી માટે આખા રાજ્યમાં માત્ર બે જ ટેસ્ટિંગ સેન્ટર છે અને ગુજરાતના પાટનગરમાં લોકડાઉનના એકત્રીસમા દિવસે ટેસ્ટિંગની સગવડ થઈ શકી છે.) અમદાવાદમાં જ્યારે ટેસ્ટિંગને લીધે પૉઝિટિવ કેસ વધવા માંડ્યા તો સરકારે સવાર-સાંજ આંકડા આપવાના બંધ કરીને ટેસ્ટની સંખ્યા ઘટાડી દીધી હોવાની વાત છૂપાવવાંનો પ્રયાસ કર્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર એ બે જ રાજ્યોએ જાહેર વિતરણ વ્યવસ્થા મારફત લોકોને જે મફત અનાજ આપ્યું તેની સંખ્યા, સરકારી જાહેરાતો મુજબ, રાજ્યની પોણા ભાગની વસ્તી જેટલી છે. જો આ સાચું હોય તો વિકાસના સરકારી દાવા કેટલા જૂઠા છે અને ગરીબી – બેરોજગારી કેટલાં વ્યાપક છે તેનો પુરાવો છે. આ એ બે રાજ્યો છે જેણે સરદાર અને શિવાજીની આભ આંબતી પ્રતિમાઓ ખડી કરી છે કે કરવાનાં છે. વડાપ્રધાનની વધતી લોકપ્રિયતા માટે નિ:શુલ્ક અનાજના લાભાર્થીઓની આ મોટી ફોજ હોવી અને સરકારી આરોગ્યસેવાઓ પાંખી હોવી એ જ શું પૂરતું નથી? કર્મચારીઓ-અધિકારીઓના મોંઘવારી ભથ્થા પર કાપ મૂકતી સરકાર બુલેટ ટ્રેન કે સંસદની નવી ઈમારતના અતિ ખર્ચાળ પ્રોજેકટ બંધ રાખવા અંગે હરફ પણ બોલતી નથી. એટલે જ વડાપ્રધાનની લોકપ્રિયતા વધે છે.
કોંગ્રેસશાસિત રાજસ્થાનના સત્તાપક્ષના ધારાસભ્યે વિના મૂલ્યે સરકારી રાશન લેવા આવેલ મહિલાને પૂછ્યું કે ‘કોણ સારું? મોદી કે ગેહલોત?’ મહિલાએ મોદી એવો જવાબ શું આપ્યો કે ધારાસભ્ય મહાશયે અનાજ ખૂંચવી લીધું અને કીધું કે ‘રાશન મૂકો ને જાવ થાળી વગાડો, દીવડા પ્રગટાવો.’ આ ઘટનાથી રંગમાં આવી ગયેલા ભા.જ.પી. રાવણાએ ધારાસભ્યની નહીં, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની માફીની માંગણી કરી. ન તો ગેહલોત ખિસ્સાના પૈસે અનાજ આપે છે કે ન તો મોદી. એ વાત કેન્દ્રના અને રાજ્યના સત્તાપક્ષોએ સમજી લેવાની જરૂર છે. કલ્યાણરાજ્યમાં આફતના ટાણે આમ કરવું તે તેમની ફરજ છે અને આમ કરીને ન તો તે ધર્માદું કરે છે કે ન તો કોણ સારો ને લોકપ્રિય નેતા છે, તેનો જનમત ઉઘરાવે છે.
કાયમ મનની વાત કરવા ટેવાયેલા, એકાલાપ કે આત્મસંવાદના માણસ એવા પ્રધાનસેવક મહામારીમાં લોકપ્રિયતા ઊભી કરવાના પ્રયાસો કરે અને તેમના સમર્થકો તેની ઉજવણી કરે તે કોરોના કેરના સમયની મોટી કારુણી છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020