સંકટ સમયે માણસની માણસાઈમાં વધારો થાય કે ઘટાડો? મને ખબર છે, તમારો જવાબ શું હશે! તમે કહેશો કે સંકટ સમયે માણસની માણસાઈમાં વધારો થાય. લોકો હિદુ-મુસલમાન, દલિત-બ્રાહ્મણ, દોસ્તી-દુશ્મની ભૂલી જાય અને એકબીજાને મદદ કરવા લાગે, વગેરે.
તમારી આ ધારણા ખોટી છે, અથવા એમાં આંશિક સત્ય છે. જો અચાનક કુદરતી આફત જેવું સંકટ આવે (જેમ કે ધરતીકંપ) તો લોકો માણસાઈ વચ્ચેના અવરોધો ભૂલીને માણસ તરીકે વર્તવા લાગે અને એકબીજાને મદદ કરવા લાગે. પણ આવું ત્યારે જ બને જ્યારે આફત અચાનક આવી હોય, સાર્વત્રિક હોય અને બચવાના વિકલ્પો, (જો હોય તો) બધા પાસે એકસરખા હોય. ન વધુ ન ઓછા. પરંતુ આફત જો ધીરેધીરે ઘેરાતી હોય તો માણસની માણસાઈમાં વધારો તો નથી જ થતો ઘટાડો થાય છે. કહો કે નીચતામાં વધારો થાય છે. અત્યારે કોરોનાસંકટ વખતે આ જ જોવા મળી રહ્યું છે અને તે જરા ય આશ્ચર્યજનક નથી. હકીકતમાં ઘેરાતા સંકટ વખતે માણસાઈ જાળવવી એ માણસની પરીક્ષા છે.
માની લો કે કોઈ એક ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવાર ધીરે ધીરે આર્થિક સંકટમાં ઘેરાવા લાગે છે. એ ભાઈ શું કરશે? થોડો સમય તે પરિવારને આર્થિક સંકટમાંથી કાઢવા પ્રયત્ન કરશે, પણ જ્યારે તેને ખાતરી થઈ જાય કે સંકટ કપરું છે અને બચી શકાય એમ નથી ત્યારે સગા ભાઈઓના ભોગે પોતાનો સ્વાર્થ જોવા લાગશે. સગા ભાઈને ડૂબાડીને બચી શકાય એમ હોય તો તેને ડૂબાડીને પણ બચી નીકળવાની કોશિશ કરશે. ઉપરથી પરિવારના આર્થિક સંકટ માટે ‘પોતા’ને છોડીને ‘બીજા’ને (અહીં ભાઈને) દોષિત ઠેરવશે. મહાન હિંદુ હોવા છતાં કે મહાન મુસલમાન હોવા છતાં કે કહેવાતો પવિત્ર બ્રાહ્મણ હોવા છતાં! અરે, રોજ મંડપોમાં સંસાર અસાર હોવાનું કહીને માણસાઈ શીખવનારા બાવા-બાપુઓ પણ જો નૈતિકતાની પીઠિકા મજબૂત ન હોય તો ઠેકડો મારીને ભાગી જાય. બાબા રામદેવનો ઐતિહાસિક ઠેકડો યાદ હશે.
કહે છે ને કે માણસાઈની કસોટી સંકટ વખતે જ થાય છે. હિટલરના જર્મનીમાં લગભગ પ્રત્યેક જર્મનની માણસાઈની કસોટી થઈ હતી. દરેકે અંતરાત્માની હયાતીની પરીક્ષા આપવી પડી હતી અને એમાં થોડાક જર્મનોને છોડીને બાકીના જર્મનો નાપાસ થયા હતા. ભારતના વિભાજન વખતે પ્રત્યેક હિંદુ, મુસલમાન અને શીખની માણસાઈની કસોટી થઈ હતી. દુર્ભાગ્યે એ વખતે પણ જેમની કસોટી થઈ હતી તેમાં પાસ થનારા બહુ ઓછા હતા. પેલી બાજુ પાકિસ્તાનમાં હિંદુ પોતાનો જીવ, બહેન દીકરીનું શિયળ અને કિંમતી માલસામાન કેમ બચાવવાં એની ચિંતામાં હતો તો આ બાજુ ભારતમાં હિંદુ પાડોશી મુસલમાનની માલમિલકત કેમ પડાવી લેવી તેની બેતમાં હતો. જેવી સ્થિતિમાં પેલી બાજુ હિંદુ હતો એવી જ સ્થિતિમાં આ બાજુએ મુસલમાન હતો, પણ પેલી તરફ મુસલમાન હિંદુની માલમિલકત ઉપર નજર નાખતો હતો. ઉપરથી પાછા બંને પક્ષો ‘પોતા’ને વિક્ટીમ અને ‘બીજા’ને ગુનેગાર ઠરાવતા હતા. વાસ્તવમાં કોમી હુલ્લડોનો ઉપયોગ જ નીચતાપૂર્વક ‘બીજા’ને રસ્તામાંથી દૂર કરવા માટે થાય છે.
અત્યારે ધીરે ધીરે ઘેરાઈ રહેલા કોરોનાના સંકટ વખતે આવું જ બની રહ્યું છે. આપણે બે મહિના ઘરમાં બેસીને ઘરના રોટલા ખાઈ શકવા જેટલા સમર્થ છીએ, એટલે રોજેરોજ કમાનારા ગરીબોની વ્યથા સ્પર્શતી નથી; પછી ભલે એ હિંદુ હોય. મારો સહધર્મી જો મારા મોતનું કારણ બને એમ હોય તો ધર્મ ગયો ભાડમાં તેને ઝૂંપડામાં ગોંધી રાખો. એ ભૂખ્યો મરી જતો હોય તો મરી જવા દો, પણ મારો જીવ બચવો જોઈએ. હિન્દુત્વ, હિંદુએકતા, હિંદુભાતૃભાવ, દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ વગેરે ગરીબ હિંદુને મોતના મોંમાં ધકેલતી વખતે વચમાં આવતાં નથી.
પણ એને એ ભૂલ્યો નથી. એનો ઉપયોગ એ મુસલમાનો સામે કરે છે. કોરોના માટે ‘બીજા’ને જવાબદાર ઠરાવવા માટે એ ખપનાં છે. ટૂંકમાં ગરીબ મજૂરના ભોગે (પછી ભલે હિંદુ હોય) બચી નીકળવું છે અને જો બચી નીકળવા મળે તો ‘બીજા’ને ‘ગુનેગાર’ ઠેરવવા માટે મુસલમાનને શોધતો ફરે છે.
એટલે કહ્યું છે કે સંકટ વખતે માણસાઈની કસોટી થતી હોય છે અને મોટા ભાગે માણસાઈની જગ્યાએ નીચતામાં જ વધારો થતો હોય છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઍપ્રિલ 2020