કોરોના કૅપિટાલિઝમ (૨)
ગુજરાતી ગઝલકાર અમૃત ‘ઘાયલ’ની એક ગઝલનો મત્લા કંઈક આવો છે :
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.
કોરોના વાઇરસનું કારણ શોધવાનું આટલું બધું દુષ્કર લાગે તેમ છે. કોરોના વાઇરસે મૂડીવાદી અર્થવ્યવસ્થાને લગભગ આવા અગોચર સ્તરે લાવીને મૂકી દીધી છે. મૂડીવાદનાં નયનો કામણ પાથરનારાં છે. કારણ કે એમાં અમાપ વપરાશનું અને અતિ ઉચ્ચ જીવન ધોરણનું કાજળ ભરપૂર માત્રામાં ઠાંસીઠાંસીને ભર્યું છે. એ મુઠ્ઠીભર અમીર લોકોની પસંદ છે, એટલું જ નહીં પણ તે તેમની સાથે તાલ મિલાવતા દુનિયાભરના સત્તાધીશોને વધુ ગમે છે. પણ આ કાજળની કાળાશ છતી થઈ ગઈ છે. હવે એ કેટલી કોને ગમે છે એનું માપ કોરોના પછીના અર્થતંત્ર – રાજતંત્રનો પાયો બનશે.
લગભગ છેલ્લા ચાર દાયકાથી દુનિયાભરમાં વૈશ્વિકીકરણ એક એવી પ્રક્રિયા બની ગયું છે કે તેની સામે અવાજ ઉઠાવનારને કહેવાતા વિકાસના અને વીજાણુ સાધનોને સહારે આવી રહેલી નૂતન દુનિયાના વિરોધી ગણવામાં આવે છે. પ્રશ્ન નૂતન પ્રાંગણનો નથી, પ્રશ્ન તો એમાં માનવજાતને શાંતિથી સમ ખાવા પૂરતો રહેવાનો અવકાશ મળે તેનો છે. કોરોનાનું કામણ એ તો ‘કર લો દુનિયા મુઠ્ઠીમેં’ વૃત્તિને વિજયમંત્ર સમજનારા મૂડીવાદી અર્થતંત્ર અને રાજતંત્રના સહિયારા કાવતરાનું પરિણામ છે, એ સમજીએ તો કંઈક વાત બને.
બ્રિટિશ સમાજશાસ્ત્રી વિલિયમ ડેવિસ કહે છે કે “હાલ જે મૂડીવાદ વૈશ્વિક સ્તરે અસ્તિત્વમાં છે, તે ઉદ્યોગધંધાલક્ષી પ્રવાસ, પ્રવાસન અને વ્યાપારમાં વ્યક્ત થાય છે. કોરોનાનો ફેલાવો પણ તેને લીધે જ થયો છે અને તેની સામે કોઈ અર્થશાસ્ત્રી સવાલ ઉઠાવતા નથી. દુનિયાભરના લોકો એકબીજા સાથે પ્રવાસન, વ્યાપાર અને સંચાર વ્યવસ્થાને લીધે ખૂબ જોડાઈ ગયા છે અને ઉત્પાદનની આખી સાંકળ શ્રમબજાર ઉપર વધુ ને વધુ આધારિત છે.” તેમની વાત સાચી છે. અમેરિકાની કે યુરોપની કંપનીઓ ભારતમાં કે ચીનમાં કારખાનાં અથવા કૉલ સેન્ટર ખોલે છે તેનું કારણ એ છે કે તેમને સસ્તા મજૂરો કે કર્મચારીઓ જોઈએ છે. ચીન અને ભારત તેમને આવકારે છે, કારણ કે તેઓ રોજગારી પૂરી પાડે છે અને બીજી તરફ નિકાસ વધારીને ડૉલર કમાઈ આપે છે કે જે ડૉલર વધુ આયાત કરવા માટે કામ લાગે છે.
આમ, આયાત અને નિકાસની એક આખી સાંકળ ઊભી થાય છે. આ વ્યાપાર સમગ્ર વૈશ્વિક સમાજને સાંકળે છે અને તે દુનિયાભરમાં વૈશ્વિકીકરણને વેગ આપે છે. પરંતુ આ સમગ્ર વ્યાપાર પ્રક્રિયામાં ક્યાં કેટલું કોનું શોષણ થાય છે તે વધારે અગત્યનું છે. ૧૯મી સદીમાં દક્ષિણ આફ્રિકામાં જેમ ભારતીયો ગિરમીટિયા હતા તેમ ભારતની અંદર જ ભારતના કરોડો સ્થળાંતરિત મજૂરો ગિરમીટિયા જેવા થઈ ગયા છે કે શું?
વૈશ્વિક વ્યાપારના તાણાવાણા સમજવા જેવા છે. વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના ૧૯૯૫માં થઈ તે અગાઉ તેના પૂર્વાશ્રમ જેવી સમજૂતી GATTનો અમલ કરનારા જિનિવાના સચિવાલયે એક અભ્યાસ 1993ના અંત ભાગમાં બહાર પાડ્યો હતો. તે એમ કહેતો હતો કે WTOની સ્થાપના થવાથી દુનિયાભરમાં વ્યાપાર વધુ ને વધુ મુક્ત થશે અને તેને લીધે દુનિયાભરમાં જી.ડી.પી.માં ૭૬૦ અબજ ડૉલરનો વધારો માત્ર દસ વર્ષમાં જ એટલે કે વર્ષ ૨૦૦૪ સુધીમાં થશે. તેણે આ વધેલી આવક કોના ખિસ્સામાં જશે તે પણ કહેલું. તેના અંદાજ મુજબ આ વધેલી આવકના ૮૬ ટકા સમૃદ્ધ લોકોને અને ૧૪ ટકા આવક જ ગરીબોને મળવાની હતી. ૨૦૦૪ પછી પણ પંદર વર્ષ વીતી ગયાં છે. કોરોના ફેલાયો તેમાં આવો અસમાનતા વધારનારો વૈશ્વિક વ્યાપાર કેટલો કારણભૂત છે, તેનો અંદાજ મેળવવાની જરૂર લાગે છે.
ગઈ સદીના અંત ભાગમાં વિશ્વ બેંકના હર્ષમેન નામના એક અર્થશાસ્ત્રીએ એક વિચારપ્રેરક લેખ લખ્યો હતો અને તેમાં તેમણે કેવો વિચિત્ર વેપાર દુનિયામાં થાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે અમેરિકાથી ૪૦૦ જાતની ચીઝની નિકાસ ફ્રાન્સમાં થાય છે અને ફ્રાન્સથી એ જ જાતની ફ્લેવર ધરાવતી ૪૦૦ જાતની ચીઝની નિકાસ અમેરિકામાં થાય છે. એટલે કે અમેરિકામાં પેદા થતી મેંગો ફ્લેવરની ચીઝ ફ્રાન્સના લોકો ખાય છે અને ફ્રાન્સમાં પેદા થતી મેંગો ફ્લેવરની ચીઝ અમેરિકાના લોકો ખાય છે! તેઓ પછી સવાલ ઉઠાવે છે કે શું આ ચીઝે એટલાન્ટિક મહાસાગર ઓળંગવાની જરૂર ખરી? જરા શોધવું પડશે હવે કે આવો કેટલો ફાલતુ પ્રકારનો વેપાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યો છે. શું એ બંધ કરવાની તૈયારી સરકારોની છે ખરી?
અમેરિકામાં ૧૯૨૯-૩૩ દરમિયાન જે મહામંદી આવી તેમાંથી બહાર નીકળવા માટે તે સમયના રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ દ્વારા ન્યૂ ડીલ નામે એક પેકેજ ૧૯૩૩-૩૯ના સમયગાળા માટે જાહેર થયું હતું. તેમાં ત્રણ R-મુદ્દા હતા : બેકારો અને ગરીબોને રાહત (relief), અર્થતંત્રને પાછું સામાન્ય સ્તર પર લાવવું (recovery) અને નાણાં વ્યવસ્થામાં સુધારો (reform). કોરોના મહામારીની કટોકટીના સંદર્ભમાં કેનેડાનાં વિદ્વાન નાઓમી ક્લેઇન એમ કહે છે કે આ કટોકટીને લીધે ઇતિહાસમાં એક ઉત્ક્રાંતિજનક કૂદકો મારવાની તક ઊભી થઈ છે અને તેને ઝડપી લેવાની જરૂર છે. તેઓ પર્યાવરણની હાલની ગ્લોબલ વોર્મિંગની કટોકટીને ધ્યાનમાં રાખીને કહે છે કે હવે સરકારોએ કે કેન્દ્રીય બૅન્કોએ ગઈ સદીના ગંદા ઉદ્યોગોને બચાવવાની જરૂર નથી, પણ તેને બદલે આપણને નવી સદીમાં સુરક્ષા તરફ લઈ જતા સ્વચ્છ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આને તેઓ ગ્રીન ન્યૂ ડીલ કહે છે.
મહામંદી સમયે વિશ્વના દેશો અને લોકો આજે જેટલા સઘન રીતે જોડાયેલા છે, તેટલા જોડાયેલા નહોતા. સંચાર, પ્રવાસ અને પ્રવાસન પ્રેરિત વૈશ્વિકીકરણનો વાયરો એટલો ફૂંકાયેલો નહોતો કે જેટલો અત્યારે વાયેલો છે. પણ શું જેઓ નફાખોરીને જ ભગવાન સમજે છે તેઓ આ નવું કંઈ પણ દુનિયામાં થવા દેશે ખરા? માનવજાતના ઇતિહાસમાં જે આઘાતો આવે છે તે ઘણી અરાજકતા ઊભી કરે છે, તેમાંથી સ્થિરતા અને સાલસતા જન્મે તો જ એ આઘાત કામના. જે કારણ છે એને મારણ કઈ રીતે સમજાય? ઝેર જ ઝેરનું મારણ છે એવી ગુજરાતી કહેવત કેટલી સાચી?
જરા થોડા સવાલના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. લોકો કોરોનાગ્રસ્ત ના થાય તે માટેનું ખર્ચ કરે છે કોણ? વળી, કોરોનાગ્રસ્ત લોકોની સારવાર માટેનું ખર્ચ કરે છે કોણ? આ બંને પ્રશ્નોના જવાબમાં સરકાર અને ખાસ કરીને ભારતમાં સરકારની સાથે સમાજ જ આવે છે, બજાર નહીં. એટલે કોરોના મહામારીએ ફરી એક વાર સાબિત કર્યું કે સામાજિક કરારથી ઊભી થયેલી એક સંસ્થા તરીકે રાજ્ય મનુષ્યની જિંદગી માટે કેટલી આવશ્યક સંસ્થા છે. મનુષ્યના જીવન અને જીવનનિર્વાહ માટે બજારની અનિવાર્યતા હોવા છતાં લોકોનું જીવન ટકાવવામાં બજાર કરતાં રાજ્ય અનેક ગણું વધારે સહાયરૂપ થાય છે.
૨૦૦૮માં જ્યારે અમેરિકામાં મંદી આવી અને તેનો ફેલાવો દુનિયામાં બધે થયો. ત્યારે પણ રાજ્ય જ મદદે આવ્યું હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવનારા અમેરિકામાં બેકાર કામદારો, બંધ થઈ ગયેલી બૅન્કો અને નાણાંસંસ્થાઓ તથા કારખાનાં ધરાવતી મોટી કંપનીઓ માટે ત્યાંની સરકાર અને કેન્દ્રીય બૅન્ક ફૅડરલ રિઝર્વ સહારો બની હતી. બજાર નામના ભગવાન પર જ જો તે સમયે આધાર રાખવામાં આવ્યો હોત તો હજારો કે લાખોનાં મોત થઈ ગયાં હોત અને એ બૅન્કો અને નાણાંસંસ્થાઓ સહિત સમગ્ર અર્થતંત્ર તૂટી પડ્યું હોત. એટલે જ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા’ને બદલે એ ‘યુનાઇટેડ સોશ્યાલિસ્ટ અમેરિકા’ (USA) થઈ ગયું એવો ટોણો પણ કેટલાકે તેને માર્યો હતો. માત્ર અમેરિકામાં નહીં, પણ ભારત સહિતના જે દેશોમાં એ મંદીની અસર વર્તાઈ હતી તે બધા દેશોમાં સરકાર અને કેન્દ્રીય બૅન્કોએ જ ધ્વસ્ત થતા અર્થતંત્રને અને મરતા લોકોને બચાવ્યાં હતાં.
પ્રશ્ન એ છે કે જેમ ૨૦૦૮માં સરકારોએ અને કેન્દ્રીય બૅન્કોએ મૂડીવાદી અર્થતંત્રને બચાવી લીધું હતું, એમ અત્યારે કોરોના મહામારી ટાણે પણ તેઓ મહાકાય કંપનીઓને બચાવી લેશે અને નાના સાહસિકોને ખતમ કરશે? ભારતમાં લૉક ડાઉનના બીજા તબક્કાના એક સપ્તાહમાં ઈ-કોમર્સ કંપનીઓને ધંધો કરવાની છૂટ મળે અને નાના છૂટક વેપારીઓને એવી રાહત ના મળે, તે એમ દર્શાવે છે કે દેશના અર્થતંત્રને સરકાર ઑનલાઈન વેપાર કરતી મહાકાય કંપનીઓના શરણે લઈ જવા માંગે છે.
આંબેડકરજયંતીએ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી પ્રવચનમાં સમગ્ર ભારતમાં લૉક ડાઉન લંબાવતાં એમ કહ્યું કે, “જો આપણે રાષ્ટ્રવ્યાપી લૉક ડાઉનને માત્ર આર્થિક દૃષ્ટિએ જોઈશું તો તે ચોક્કસપણે ખર્ચાળ નિર્ણય લાગશે. પણ મનુષ્યની જિંદગીના મહત્ત્વ સાથે તેની કોઈ તુલના થઈ શકે તેમ નથી.” અર્થતંત્ર કરતાં મનુષ્યની જિંદગીને મહત્ત્વની ગણવાની વાત છે આ. એનું કારણ એ છે અર્થતંત્ર કે બજાર મનુષ્યને માટે હોય, મનુષ્ય અર્થતંત્ર કે બજાર માટે ના જ હોય, ન હોવો જોઈએ. હવે આપણે આ શબ્દોને ખરેખરા કાર્યમાં પરિવર્તીત થતા જોવા છે. કારણ કે કાર્ય સિવાયનો વિચાર તો વંધ્ય ગણાય. વિશ્વગુરુ બનવા થનગનાટ કરતું અને ધમપછાડા કરતું ભારત શું કોઈ નવો રાહ દુનિયાને ચીંધશે કે પછી એ જ મૂડીવાદી વૈશ્વિક રગશિયા ગાડામાં ફરી એક વાર બેસી જશે કે જેમાં બજાર તથા નફો ભગવાન છે અને રાજકીય સત્તા તેની ભક્તિ કરે છે?
મૂડીવાદ બહુમતી પ્રજાનું માત્ર આર્થિક અને રાજકીય શોષણ જ કરે છે એવું નથી, એ ગરીબો અને વંચિતો તેમ જ શાંતિ અને અહિંસા પ્રત્યે અમીરોના દિમાગમાં નફરત પણ પેદા કરે છે. આ નફરતની દુનિયામાં પ્યાર શોધવો પડશે. સાહિર લુધિયાનવી કહે છે તેમ, नफरतों के जहानमें हमको प्यारकी बस्ती बसानी है, दूर रहना कोई कमाल नहीं, पास आओ तो कोई बात बने.
e.mail : hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 ઍપ્રિલ 2020