આ મુશ્કેલ સમયમાં, ચાલો, પાછા જઈએ મારા ને આપણા પ્યારા કવિ રુમિ પાસે.
ભાવાનુવાદ : સુમન શાહ
સાંભળો, રુમિ કેટલું તો આશ્વાસક કહે છે :
બધાં પાણીને જમ્પી જવા દે – તારા પોતામાં જ જોઈશ ચાંદ-તારાને ઝલમલતા …
વિચારો, એ કેટલું તો ઉપકારક કહે છે :
તારા અન્તરમનને ઢંઢોળે એવા દરેક સંદેશને ઝીલજે.
તને ડરાવે ને તારામાં ઉદાસી ભરી દે એ બધાંને મેલજે બાજુ પર.
તને દુ:ખ આપે ને તને મૉત ભણી ધકેલે એને પણ મેલી દેજે કોરાણે.
હવે, રુમિનાં આ ૪ કાવ્યોથી આજના દિવસને અર્થવતો કરીએ.
૧
મેં ઈશ્વરને પૂછ્યું : મારી આ આંખોનું શું કરું?
કહે : એને માર્ગ જોતી રાખ
મેં પૂછ્યું : મારી વૃત્તિનું શું કરું?
કહે : એને બળતી રાખ
મેં પૂછ્યું : શું કરું મારા આ હૃદયનું?
તો કહે : જણાવ મને કે એમાં શું સંભર્યું છે તેં
મેં કહ્યું : દુ:ખ ને પીડા
તો ઈશ્વરે કહ્યું :
જીવી જા એની સાથે
કેમ કે ઘા
એવી જગ્યા છે જ્યાંથી
અજવાળું તારામાં દાખલ થવાનું છે
+ + +
૨
હું જ છું તારો ચાંદ ને તારી ચાંદની
હું જ છું તારાં પુષ્પોનો બગીચો ને
હું જ છું તારું પાણી
તને ઝંખતો ઝંખતો
જો ને
આમ જ પ્હૉંચી ગયો
નથી પગમાં જૂતાં કે નથી છાતીએ કામળો
મારી એ જ ઇચ્છા છે
તારાં લાલનપાલનને સારુ
તારી ચિન્તાઓના નાશને સારુ
તું બસ
હસ
તું બસ
પ્રેમ કર
+ + +
૩
મારું હૃદય મને કહૅ કે
તારી પાસેથી
એક ચુમ્બન જોઈએ છે મને
હા પણ
એની પ્રાઇસ છે તારું જીવન આખું
હૃદય તો મારું
આનન્દથી
ઉછળી પડ્યું
ને કહૅ
પ્રાઇસની કોને પડી છે યાર !
+ +
૪
કાવ્યો તો છે કાળાંભમ્મર વાદળ
ને હું છું પાછળ સંતાયેલો ચન્દ્રમા
તું મને વાદળથી ન વાંચ
વાદળની પાછળ છે
એને વાંચ …
એ છે
ઝળહળતો ચન્દ્રમા
= = =
(April 27, 2020 : Ahmedabad)