હમણાં ૨૦મી જુલાઈના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં એક સરસ કાર્યક્રમ યોજાઈ ગયો. સરસ એટલા માટે કહું છું, કારણ આ પ્રકારના કાર્યક્રમ તો બહુ થાય પણ બીજાની ચિંતા કરનાર પ્રકાશ ન. શાહની ગુજરાતીઓએ ચિંતા કરી. કાર્યક્રમના આયોજકો જુદી-જુદી રીતે ઘણા હતા. પરંતુ જવાબદારીની મોટો હિસ્સો ઉર્વીશ કોઠારી અને તેની ટીમે ઉપાડ્યો હતો. આ કાર્યક્રમનું નામ ‘પ્રકાશોત્સવ’ રાખવામાં આવ્યું હતું. તેનું કારણ એવું હતું કે ૮૦ વર્ષીય પ્રકાશ ન. શાહનું નાગરિક-અભિવાદન રાખવામાં આવ્યું હતું. અત્યંત ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ લેનાર પ્રકાશ ન. શાહને ક્યારેક શ્રીમંતાઈ સ્પર્શી નહીં અને રૂપિયા સાથે લગાવ થયો નહીં. આજે ઘણા તેમને ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીના વિરોધી માને છે, પરંતુ કટોકટીમાં ઇન્દિરા ગાંધીના શાસનનો તેઓ એ જ રીતે વિરોધ કરતા હતા. જો કે નરેન્દ્ર મોદી ત્યારે જેલમાં ગયા નહોતા. પરંતુ આજે નરેન્દ્ર મોદીના જેમને વિરોધી ગણવામાં આવે છે, તેવી જમાતના એક ડઝન કરતાં વધુ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પ્રકાશ ન. શાહને પહેલાં પાલનપુર અને પછી વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા હતા.
ખેર, આ તો આડવાત એટલે થઈ કે પ્રકાશ ન. શાહ ત્યારે જે માનતા હતા અને આજે જે માને છે, તેની ઉપર તે હંમેશાં વળગી રહ્યા છે. બાકી પરિસ્થિતિ અને સંજોગોને કારણે મેં અનેકોને બદલાતા જોયા છે. પણ ૮૦ વર્ષે પણ મનમાં કોઈની પણ પ્રત્યે કડવાશ રાખ્યા વગર તેમની અંદરની લડાયકતાને તેમણે જીવતી રાખી છે, જેના ભાગ રૂપે જ નાગરિક અભિવાદન રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સારા માણસ મરી જાય ત્યાર બાદ તેમના બેસણામાં હકડેઠેક માણસોથી ઊભરાતા હૉલમાં જોયા છે. પણ પ્રકાશ ન. શાહ જેવો માણસ જેને ચહેરો બતાવવાથી કોઈ લાભ થવાનો નથી, તેમ છતાં પ્રકાશ ન. શાહ નાગરિક અભિવાદન કાર્યક્રમમાં આખો હૉલ તો ભરાઈ ગયો પણ હૉલની ક્ષમતાં કરતાં વધુ લોકો આવ્યા હોવાને કારણે હૉલનાં પગથિયાં ઉપર બેસી લોકોએ તેમનું અભિવાદન કર્યું. સુંદર કાર્યક્રમ હતો. મૉક કોર્ટનું આયોજન થયું હતું.
આરોપીના પાંજરામાં ખુદ પ્રકાશ ન. શાહ હતા. તેમનાં લખાણો સરકારવિરોધી જેને હવે દેશવિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવે છે, પ્રવૃત્તિઓ કૂકરમાં ચા બનાવવાની ઘટના અને એક ઍક્ટર તરીકે પ્રકાશ ન. શાહને રજૂ કરવામાં આવ્યા હતા. વકીલ તરીકે આરોપ મુકનાર ઉર્વીશ કોઠારી હતા. જ્યારે સાક્ષી તરીકે રજૂ થનારમાં રતિલાલ બોરીસાગર, આશિષ મહેતા, મનીષી જાની અને અશ્વિન ચૌહાણ સહિત પ્રકાશ ન. શાહનાં પત્ની નયનાબહેનને રજૂ કરવામાં આવ્યાં હતાં. જજ તરીકે હસમુખ પટેલ (પૂર્વશિક્ષણમંત્રી નહીં) હતા. તેઓ પણ પ્રકાશ ન. શાહ જેવાં વર્ષો પછી પણ રહ્યા છે. કટોકટીમાં તેઓ પણ પ્રકાશ ન. શાહ સાથે જેલયાત્રી રહ્યા હતા. આમ કોર્ટ પ્રકાશ ન. શાહ ઉપર હાસ્યના ફુવારાઓ વચ્ચે આરોપો મુકી રહી હતી. કદાચ આખી ઘટનાને શબ્દચિત્ર દ્વારા રજૂ કરવું છે, પણ કાર્યક્રમના અંતે સન્માનનિધિ અર્પણ કરવાનો હતો.
મને ખબર છે કે પ્રકાશ ન. શાહના સન્માનનિધિમાં કંઈક આપો, તેવી ઉર્વીશ કોઠારીની અપીલ વિવિધ રીતે અનેક મિત્રોને મળી, ત્યારે અનેકના મનમાં સવાલ હતો કે ખરેખર પ્રકાશ ન. શાહને પૈસાની જરૂર છે, અમદાવાદના સમૃદ્ધ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં વડીલોપાર્જિત બંગલામાં પ્રકાશ ન. શાહને પૈસાની જરૂર છે, તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પણ ઉર્વીશ કહે છે આ પ્રકાશ ન. શાહને મદદ નથી, સન્માનનિધિ તેમણે કરેલા કામની કદર છે. મારો વ્યક્તિગત અનુભવ પણ રહ્યો છે. જ્યારે ચાર વર્ષ પહેલાં પત્રકારોના પગારધોરણ માટેની લડાઈ લડ્યો અને મારો પગાર બંધ થઈ ગયો, ત્યારે હું એકદમ આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. ખિસ્સા અને બૅંકબેલેન્સ ખાલી થઈ ગયાં હતા. આ વખતે મને અનેક મિત્રો પૂછતા : કોઈ મદદની જરૂર હોય તો કહેજે, પણ મારે જરૂર છે તેવી કહેવાની મારી હિંમત ક્યારે ય થઈ નથી.
સારો માણસ મરતા સુધી સારો રહે તેવી આપણી અપેક્ષા હોય, તો તે સારી રીતે જીવી શકે છે, તે જોવાની પણ જવાબદારી આપણી છે. પ્રકાશ ન. શાહને પૈસાની જરૂર છે કે નહીં તેની મને આજે પણ ખબર નથી. પણ ઉર્વીશ કહે છે, આ મદદ નથી, કદર છે. અને કદર માત્ર શબ્દોથી નહીં પૈસા સ્વરૂપે પણ થવી જોઈએ, કારણ પ્રકાશ ન. શાહનાં પત્ની નયનાબહેન કરિયાણાવાળાને ત્યાં જાય ત્યારે દુકાનવાળો પ્રકાશ ન. શાહ સારા માણસ છે, માટે કરિયાણું મફત આપતો નથી. તે જે રિક્સામાં ફરે છે, તેને ભાડું આપવું જ પડે છે. પ્રકાશ ન. શાહને જરૂર હશે, આપણે આપીશું અથવા તેમને શું જરૂર છે, તેવો પોતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરનો જવાબ પોતે જ આપી આપણો હાથ પાછળ લઈ લેવો તે વાજબી નથી. વાત માત્ર પ્રકાશ ન. શાહ પૂરતી સીમિત નથી. આપણી પાસે સદ્નસીબે આવા અનેક પ્રકાશ શાહ જુદા જુદા સ્વરૂપે છે. તેની ચિંતા આપણે પૈસામાં કરવી પડશે. પ્રકાશ ન. શાહને મળેલી માનનિધિની તેમને જરૂર નહીં હોય, તેઓ અચૂક કોઈ સારા કામમાં કોઈને આપી દેશે. પણ આ રકમનું તેઓ શું કરશે તે તેમને નક્કી કરવા દો.
પ્રકાશ ન. શાહનું ખરા અર્થમાં નાગરિક અભિવાદન થયું એટલા માટે મને લાગે છે કે કાર્યક્રમની બપોર સુધીમાં જે પોણા ચૌદ લાખનો નિધિ એકત્ર થયો તેમાં કૃષ્ણકાન્ત વખારિયા અને વિપુલ કલ્યાણીની મોટી રકમને બાદ કરતાં સો-પાંચસો-હજાર-બે હજાર-પાંચ હજાર રૂપિયા જેવી રકમો ઘણી હતી. છતાં આટલી રકમ એકત્ર થઈ. અહીં જાણીતા કવિ ધૂની માંડલિયાની જાણીતી પંક્તિ ’ઓ હવા તારી સખાવતને સલામ, ક્યાં ય તારા નામની તકતી નથી’ સાથે વિરમું છું.
(લેખકની ‘મેરા ન્યુઝ’માં પ્રકાશિત કોલમમાંથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 16 તેમ જ 09