બ્રિટિશ પાઉન્ડની ૫૦ની નોટ પર ગણિતજ્ઞ અલેન ટુરિંગની તસ્વીર છપાશે. કોમ્પ્યુટર સાયન્સ અને કૃત્રિમ બુદ્ધિ(આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)નો જનક તરીકે ટુરિંગ ઓળખાય છે. આ જાણવા જેવો માણસ છે. વિશેષ તો, ટુરિંગનો ભારત સાથે નાતો પણ છે. તે વાત પછી. પહેલાં બ્રિટિશ બેંક નોટની વાત.
નવી નોટ પર કોની તસ્વીર જારી કરવી, તે માટે બેંક ઓફ ઇંગ્લેન્ડે નવેમ્બર મહિનામાં સાર્વજનિક નોમિનેશન મંગાવ્યાં હતાં. બૅન્કને એક લાખ 14 હજાર પ્રસ્તાવો મળ્યા છે, જેમાં એક નામ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનું પણ હતું. અન્ય નામોમાં સ્ટીફન હૉકિંગ, ઍલેકઝાન્ડર ગ્રૅહામ બૅલ, પૅટ્રિક હતા. નોમિનેશનની શરત એ હતી કે એ વૈજ્ઞાનિક હયાત ના હોવો જોઈએ અને તેણે બ્રિટનને વૈજ્ઞાનિક પ્રગતિમાં આગળ રહેવામાં મદદ કરી હોવી જોઈએ.
યુરોપમાં 50 પાઉન્ડની લગભગ 3.3 કરોડ નોટો ચલણમાં છે. આ નોટોનો વધુ પડતો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે થતો હોવાના અહેવાલોનાં પગલે સરકારે નવી નોટ છાપવાની જાહેરાત કરી, જે પ્લાસ્ટિકની હશે. હાલમાં 50 પાઉન્ડની નોટ પર જૅમ્સ વૉટ અને મૅથ્યુ બૉલ્ટનની તસવીરો છે. જૅમ્સ વૉટે સૌ પહેલાં વરાળની શક્તિ પારખી હતી અને તેના થકી એન્જિન બનાવ્યું હતું, મૅથ્યુ બૉલ્ટન તેનો બિઝનેસ પાર્ટનર હતો.
ભારતમાં જે પરંપરા છે તેનાથી વિપરીત, બ્રિટનમાં બેન્ક નોટ પર ઇંગ્લિશ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનારા લોકોની તસ્વીરો છપાય છે.
ભારતમાં માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જ તસ્વીર પ્રકાશિત થાય છે. બ્રિટિશ નોટ પર મહાકવિ વિલિયમ શેક્સપિયર, વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટન, પ્રધાન મંત્રી વિન્સટન ચર્ચિલ, સમાજ સેવિકા ફ્લોરેન્સ નાઈન્ટીનગેલ, લેખક ચાર્લ્સ ડિકન્સ, માઈકલ ફરાડે, અર્થશાસ્ત્રી આદમ સ્મિથ અને અનેક ઉમરાવો આવી ચુક્યા છે.
નવું નામ અલેન ટુરિંગનું છે. આ શખ્સિયતને ઓળખવા જેવી છે.
નાઝીઓની નાલાયકીથી ત્રાસીને અમેરિકામાં સ્થાયી થયેલા, બુડાપેસ્ટના ગણિતજ્ઞ જ્હોન વોન ન્યુમેને ૧૯૪૫માં એક વાર રાત્રે ઊંઘમાંથી ઊઠીને એની પત્ની ક્લેરીને કહેલું, “અમે અત્યારે એવા રાક્ષસનું સર્જન કરી રહ્યા છીએ, જે ઇતિહાસને બદલી નાખશે, બશર્તે કે ઇતિહાસ જેવું કંઈ બચ્યું હોય.” અમેરિકન સૈન્યએ યુરોપથી ભાગીને આવેલા વિજ્ઞાનીઓને ન્યુક્લિયર હથિયાર બનાવવાનું કામ સોપ્યું હતું, અને વોન ન્યુમેન ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિયેબલ ઓટોમેટિક કમ્પ્યુટર (ઇડવેક) પર કામ કરી રહ્યા હતા. સ્ટોર મેમરીનો આ પ્રથમ ખ્યાલ હતો, જે કેલક્યુલેટર કરતાં એક-બે કદમ આગળ જતો હતો. ન્યુમેનની પત્ની ક્લેરી પાછળથી કહેવાની હતી કે ન્યુમેનને (ન્યુક્લિયર હથિયારનો નહીં) કમ્પ્યુટરનો ખ્યાલ રાક્ષસી લાગતો હતો.
ન્યુમેને એ ખ્યાલ ૧૦૧ પાનાં પર ઉતારેલો, પણ એ અધૂરો અને અધકચરો હતો. ઓટોમેટિક કમ્પ્યુટિંગ એન્જિનનો સંપૂર્ણ ખ્યાલ એ પછી વર્ષ ૧૯૪૬માં ૧૯ ફેબ્રુઆરીએ આવ્યો, જ્યારે અલેન ટુરિંગ નામના ઇંગ્લિશ ગણિતજ્ઞ અને ક્રિપ્ટાનાલિસ્ટે સ્ટોર પ્રોગ્રામ કમ્પ્યુટરની ડિઝાઇન રજૂ કરી અને ન્યુમેનની ભાષામાં, ઇતિહાસના બદલાવની એ શરૂઆત હતી. આધુનિક કમ્પ્યુટરના પુરોગામી ટુરિંગ મશીનના જનક એવા અલેન ટુરિંગ કમ્પ્યુટર સાયન્સ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ(કૃત્રિમ બુદ્ધિ)ના પિતામહ ગણાય છે.
ટુરિંગનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ એનો પિંડ ભારતની ભૂમિ પર બંધાયો હતો. અલેનનો પિતા જુલિયસ મેથિસન, ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે મદ્રાસ પ્રેસિડેન્સીમાં કામ કરતો હતો અને એ વખતે જ ભટકાયેલી ઇર્થલ સારા સ્ટોની નામની છોકરીને પરણ્યો હતો. ઈર્થલ મદ્રાસ રેલવેના મુખ્ય ઇજનેરની પુત્રી હતી. લગ્ન પછી બન્ને ઓરિસ્સાના છત્રાપુર શહેરમાં હતાં, જ્યાં ઇર્થલ પેટથી રહી હતી, અને ટુરિંગને જન્મ આપવા લંડન ગઈ હતી.
પિતા જુલિયસ ૧૯૨૬માં ભારતમાં નિવૃત્ત થયો, ત્યાં સુધી અલેન અને એનો ભાઈ જ્હોન સંબંધી ઇંગ્લિશ પરિવારો વચ્ચે ભટકીને મોટા થયેલા. અલેનને સ્કૂલમાં હતો ત્યારથી જ સાયન્સમાં રસ પડેલો અને એની માને એવો ડર હતો કે અલેન જો વિજ્ઞાનના ચાળે ચઢી જશે તો એને સરકારી સ્કૂલમાં એડમિશન નહીં મળે. એડમિશન (શેરબોર્ન સ્કૂલમાં) તો મળ્યું, પણ એના હેડમાસ્ટરે બહુ ઝડપથી ભવિષ્ય ભાખ્યું, “આ બાબાને જો સાયન્ટિફિક સ્પેશિયાલિસ્ટ બનવું હોય, તો સરકારી સ્કૂલમાં ટાઇમ વેસ્ટ કરે છે.’’ આ તદ્દન સાચું હતું.
સ્કૂલમાં એનાથી એક વર્ષ આગળ ક્રિસ્ટોફર મોરકોમ એનો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઇડ બન્યો. ક્રિસ્ટોફર બહુ તેજસ્વી હતો. ૧૯૩૦માં આ દોસ્તનું અચાનક અવસાન થઈ ગયું ત્યારથી ત્રણ વર્ષ સુધી ક્રિસ્ટોફરની મા સાથે અલેને પત્રવ્યવહાર કર્યો. એ પત્રવ્યવહારનો વિષય હતો: માણસનું મગજ, વિશેષ કરીને ક્રિસ્ટોફરનું મગજ. મેટર એટલે કે પદાર્થમાં કેવી રીતે આકાર લે અને મૃત્યુ થાય ત્યારે એ મગજ પદાર્થમાંથી છૂટું પડે? આ સવાલ અલેન ટુરિંગને ભૌતિકશાસ્ત્રની દુનિયામાં માઇન્ડ એન્ડ મેટરની પારંપારિક પઝલ તરફ લઈ જવાનો હતો.
કોલેજ પૂરી (૧૯૩૫) થઈ ત્યાં સુધીમાં તો ટુરિંગના મનમાં ‘માણસના મગજની જેમ કામ કરતાં મશીન’નો ખ્યાલ રોપાઈ ગયો હતો. જેને આપણે આજે અલગોરિધમ કહીએ છીએ એવી તર્કશાસ્ત્ર, મગજ અને મશીન આધારિત મેથડ ટુરિંગે ત્યારે વિકસાવેલી, જેના પાયા પર એનું ટુરિંગ મશીન આવ્યું, જે કોમ્યુટેશન અને કોમ્યુટિબિલિટીની આધુનિક પદ્ધતિનો આધાર બન્યું.
ટુરિંગ મશીન, જેને સાદી ભાષામાં જગતનું પ્રથમ સાદું કમ્પ્યુટર (કાગળ પર) કહી શકાય, તેને બનાવતાં પહેલાં ટુરિંગે ૧૯૫૦માં એક માપદંડ તૈયાર કરેલો કે શું મશીન (માણસની જેમ) વિચાર કરી શકે? અને જો કોઈ મશીનમાં વિચાર કરવાની ક્ષમતા હોય તો એ આપણને કેવી રીતે ખબર પડે? ટુરિંગનો જવાબ સરળ હતો: જેવી રીતે કોઈ મનુષ્ય કે પશુ સાથેના ઇન્ટરકનેક્શન દ્વારા આપણને ખબર પડે છે કે એ વિચારી શકે છે, એ જ વાત મશીનને લાગુ પડશે. એટલે કે જો કોઈ માણસ કોઈ એક મશીન અને કોઈ એક માણસ સાથે સંપર્ક કરે, અને એ નક્કી ન કરી શકે એની સાથે ઇન્ટરકનેક્શન કરનાર મશીન છે કે માણસ, તો એનો પ્રેક્ટિકલ મતલબ એ થયો કે મશીન પણ વિચારી શકે છે!
ટુરિંગ મશીનના આ ખ્યાલમાંથી ‘સ્ટોર પ્રોગ્રામ’ની મેથડવાળા કમ્પ્યુટરનો જન્મ થયો હતો. ૧૯૩૬માં ‘યુનિવર્સલ મશીન’ અને ૧૯૪૪માં ‘મગજ બનાવવા’નો ટુરિંગનો ખ્યાલ આજના કમ્પ્યુટર અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો જનક છે. ઉપર જેની વાત કરી, એ ગણિતજ્ઞ જ્હોન ન્યુમેનને મગજની જેમ યાદદાસ્તવાળા ટુરિંગના મશીનની ખબર હતી અને હિટલર બોમ્બ બનાવે છે એવી ‘અફવા’માંથી અમેરિકાનો બોમ્બ બનાવવાનો જે ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ શરૂ થયેલો, એમાં ન્યુમેને આ મશીન પર કામ કર્યું અને ૧૯૪૮ના જૂન માસમાં ટુરિંગના કમ્પ્યુટર પ્રિન્સિપલનું પ્રેક્ટિકલ નિર્દેશન થયું.
અલેન ટુરિંગના અંતિમ દિવસો દર્દનાક હતા. તેનામાં સમલૈંગિક વૃત્તિ હતી અને ત્યારના બ્રિટનમાં એ અપરાધ ગણાતી હતી. તેની સજા રૂપે અલેનનું 'કેમિકલ ખસીકરણ' કરવામાં આવ્યું હતું. તેની અસર હતી કે પછી અલેને ખુદ ઝેર ઘોળ્યું હતું, તે તો સ્પષ્ટ નથી, પણ તે કમોતે માર્યો હતો. બેન્ક નોટો પર દિગ્ગજોને સન્માનતા બ્રિટને, તેમને જીવતે જીવ કેટલા અન્યાય કર્યા હતા, તેને જાહેર કરવાની અને તેના પ્રાયશ્ચિતની પણ કોઈક વિધિ હોવી જોઈએ.
બહરહાલ, આ લેખ લખાય છે, છપાય છે અને વંચાય છે, તે પૂરી પ્રક્રિયામાં એ કમ્પ્યુટર સામેલ છે, જે કમ્પ્યુટર અલેન ટુરિંગના દિમાગની પેદાશ છે. ૧૯૪૩માં એણે કહેલું, “ના, મને કોઈ શક્તિશાળી મગજ બનાવવામાં રસ નથી. મારે તો અમેરિકા ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ (એટી એન્ડ ટી)ના પ્રેસિડેન્ટનું છે, એવું ફાલતુ મગજ બનાવવું છે.”
‘ફાલતુ મગજ’ બનાવવાનું વિચારનારનું મગજ કેવું અફલાતૂન હશે, એ વિચારી જુઓ.
https://www.facebook.com/permalink.php?story_fbid=2330432527284793&id=1379939932334062&__tn__=K-R