ભારતીય બનવાના ફાયદા
ખેડૂતોને આપવામાં આવતી કે આપવી જોઈતી કર્જમાફી વિષે દેશમાં ચર્ચા ચાલી રહી છે. આખું જગત કૃષિસંકટ અનુભવી રહ્યું છે અને ભારત તેમાં અગ્રેસર છે. ભારત તેમાં અગ્રેસર શા માટે છે એની ચર્ચા આગળ આવશે. આમ તો ખેડૂતોના અવાજની ઉપેક્ષા થઈ શકી હોત, છેલ્લાં અનેક વર્ષોથી કરવામાં પણ આવી રહી છે; પરંતુ હવે થઈ શકે એમ નથી. છેલ્લાં ચાર વરસથી જોવા મળી રહ્યું છે કે ખેડૂતો હિન્દુ, મરાઠા, કણબી, જાટ, પાટીદાર બનવા માગતા નથી; પરંતુ ખેડૂત તરીકે રસ્તા પર ઊતરી રહ્યા છે.
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજોના વારાની છે અને અંગ્રેજો આપણને એ વારસો આપતા ગયા છે. ભારતની પ્રજાને ઓળખોમાં વહેંચીને બને તો લડાવી મારવી અને એ શક્ય ન હોય તો કમસેકમ સંગઠિત થવા નહીં દેવી એ ફાવતી અને ભાવતી રમત છે. ગાંધીજી ભારતનાં ઇતિહાસના પહેલા ભારતીય હતા જેણે હિન્દુ, મુસલમાન, ગુજરાતી, બ્રાહ્મણ. દલિત, સ્ત્રી, પુરુષ, આર્ય, દ્રવિડ, આદિવાસી વગેરેમાંથી ભારતીય પેદા કર્યો હતો. ગાંધીજીએ ભારતીય પેદા કરી આપ્યો એટલે અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. ગાંધીજી અંગ્રેજોના દુ:શ્મન હતા, કારણ કે તેમણે હિન્દુ કે મુસલમાનને ભારતીય બનાવ્યો અને ગાંધીજી આપણા પણ દુ:શ્મન છે, કારણ કે ગાંધીજી આપણે જે કાંઈ છીએ એ રહેવા દેતા નથી.
આમ ખેડૂતો જો કણબી, મરાઠા, પાટીદાર, જાટ કે હિન્દુ તરીકે વિભાજિત રહ્યા હોત તો તેમને કર્જમાફી આપવામાં તો ન આવી હોત; તેના વિષે ચર્ચા પણ ન થતી હોત. બન્યું એવું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ખેડૂત ખેડૂત બનવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે શાસકો મૂડીવાદીઓના ખિસ્સામાં છે અને અત્યારના શાસકો તો સમૂળગા તેમનાં જ છે. ચૂંટણીપ્રચાર વખતે ખેતી વિષે અઢળક વાતો કરનારા વડા પ્રધાન ખેતીની અવસ્થા વિષે એક શબ્દ ન બોલે એ તેમણે જોઈ લીધું. શરૂઆતમાં અમુક રાજ્યોમાં કેટલાક ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યા, કોઈ પ્રતિસાદ નહીં. એ પછી કેટલાંક રાજ્યોમાં ખેડૂત સંગઠનોએ ભેળા મળીને આંદોલન કર્યા, કોઈ પ્રતિસાદ નહીં. ખેડૂતોએ રાજ્યોની રાજધાનીઓમાં જઇને પ્રભાવી આંદોલન કર્યા, કોઈ પ્રતિસાદ નહીં. ખેડૂતોના એકસો કરતાં વધુ સંગઠનોએ દિલ્હી જઇને આંદોલન કર્યા, કોઈ પ્રતિભાવ નહીં. કેન્દ્રના કૃષિ પ્રધાન કોણ છે એ જાણવા દરેક વખતે ગૂગલનો આશરો લેવો પડે એવી સ્થિતિ છે. ખેડૂતોએ ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં નારાજગી પ્રગટ કરી એ પછી પણ સરિયામ ઉપેક્ષા.
ભરોસો એવો હતો કે આ ખેડૂત નામના વ્યવસાયી પ્રાણીને હિન્દુ બનાવીશું અને તેની અંદરના હિન્દુ ભૂતને ધુણાવીશું એટલે કામ થઈ જશે. આ ઉપરાંત પાટીદાર, મરાઠા, કણબી જેવા નાના ભૂતોને પણ જગાડીશું. ભારતમાં દરેક સમાજની પોતોકી, નાનકડી અને મીઠડી ઓળખ પ્રબળ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ગાંધી ક્યાં રોજ પાકે છે અને જો કોઈ પાકે તો નથુરામની ત્રણ ગોળી તો હાથવગી છે જ.
ગણતરી તો એક દમ પાકી હતી, પરંતુ ખેડૂત સામે હવે અસ્તિત્વનું સંકટ પેદા થઈ ગયું છે. દીકરા પાસે રોજગાર નથી. દીકરા કે દીકરીને વરાવવા હોય તો ગામડામાં કોઈ દીકરી આપતું નથી કે ગામડાની દીકરી લેતું નથી. દાખલા તરીકે શહેરી હિન્દુ પાટીદાર પોતાની જ જ્ઞાતિના ગ્રામીણ હિન્દુ પાટીદારને પોતાનાથી દૂર રાખે છે. તો પછી મહાન હિન્દુ ધર્મ, હિન્દુ એકતા અને મહાન દેશભક્તિ ગયા ક્યાં? ભક્તો, પૂછી જુએ પોતાની જાતને, તમારા સમાજમાં આવું બની રહ્યું છે કે નહીં? ખેડૂતને ખેતપેદાશના ભાવ મળતા નથી. પોતાના ખેતરમાંથી નીકળેલી ડુંગળી જથાબંધ બજારોમાં ફરતી ફરતી શહેરી ગ્રાહકના ભાણામાં જાય છે ત્યારે તે શું ભાવે પહોંચે છે એની તેને જાણ છે. વચ્ચે સરેરાશ ૯૦ ટકા નફો કોના ખિસ્સામાં ગયો એની પણ તેને જાણ છે. ટૂંકમાં અવદશા ઊઘાડી છે.
જથ્થાબંધ બજારમાં ડુંગળીનો વ્યવસાય કરનારો તેમની જ જ્ઞાતિનો છે. એ.પી.એમ.સી. નાતીલો ચલાવે છે. નાતીલા નેતાનું એક કુટુંબ મુંબઈ, અમદાવાદ કે રાજકોટમાં રહે છે. નાતીલો નેતા પોતાના જ્ઞાતિબંધુ ખેડૂતને પાટીદાર કે હિન્દુ હોવાની ઓળખના ઘેનના ઘૂંટડા પીવડાવે છે. આ બધું ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી ખેડૂત સામે અસ્તિત્વનું સંકટ હજુ દૂર હતું. હવે બાપ સામે રોજગારી વિનાનો દીકરો રખડે છે અને કદાચ હતાશ થઈને મવાલીગીરી કરે છે. હવે દીકરા સામે બાપ આત્મહત્યા કરે છે. હવે મા-બાપ સામે દીકરી મોટી થઈ રહી છે અને હાથ પીળા નથી થતાં. હવે પરસાળમાં અનાજ સડે છે અને ભાવ નથી મળતા. આવા અસ્તિત્વના સંકટ વખતે કોઈ ભગવો ઝંડો લઈને આવે અને પરાણે ‘ગર્વ સે કહો હિંદુ હૈ’ એમ બોલાવડાવે કે ‘જય સરદાર’ બોલાવડાવે ત્યારે ચંપલે ચંપલે મારવાનું મન થાય કે નહીં?
તો હવે જ્યારે ખેડૂતો સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ ગયું છે ત્યારે ખેડૂત બીજું બધું ભૂલીને ખેડૂત બની રહ્યો છે. છેલ્લાં ચાર વરસથી ખેડૂત ખેડૂત તરીકે રસ્તા પર ઊતરી રહ્યો છે અને હવે તો ખેડૂત ખેડૂત તરીકે મત પણ આપવા લાગ્યો છે. ૧૯૨૦ પછી અંગ્રેજોને જે અનુભવ થયો હતો એ અત્યારે ભારતીય શાસકોને થઈ રહ્યો છે, પછી પક્ષ ગમે તે હોય. આવી જ માનસિકતા યુવાનોનાં માનસમાં પણ વિકસી રહી છે. પ્રચંડ હતાશા તેમને ગ્રસી રહી છે અને હવે તેઓ નિરાશાઓની વચ્ચે પોતાને બેરોજગાર નવજુવાન ભારતીય તરીકે જોઈ રહ્યા છે. પહેલાં તેણે હિન્દુ બનીને નસીબ અજમાવ્યું હતું અને હાથ કશું લાગ્યું નહીં. એ પછી તેણે પાટીદાર અને મરાઠા તરીકે નસીબ અજમાવવાનો પ્રયાસ કરી જોયો હતો (પાટીદાર, મરાઠા, બહુજન સમાજ અને દલિતોના વિરાટ મોરચા યાદ હશે) અને તેમાં ય હાથ કશું લાગ્યું નહોતું. હવે દિવસના અંતે તેને સમજાઈ ગયું છે કે તે માત્ર અને માત્ર બેરોજગાર- લાંબી જિંદગી જીવવાની બાકી છે એવો નવજુવાન- ભારતીય છે. ફરી એકવાર સમજી લો; બેરોજગાર, નવજુવાન, ભારતીય. છેલ્લી ચૂંટણીઓ એમ બતાવે છે કે યુવાનો પણ હવે બેરોજગાર નવજુવાન ભારતીય તરીકે મત આપી રહ્યા છે.
એક તો સંકટ વધતાં વધતાં નાક સુધી પહોંચી ગયું અને ત્યારે જ નસીબજોગે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. નરેન્દ્ર મોદી હેપી ગો લકી વડા પ્રધાન છે. તેમને કોઈ પ્રશ્નો સમજાતા નથી. સમજાવી શકે એવા તેમની પાસે માણસો પણ નથી. ખરું જોતા સમજવાની કોઈ દરકાર પણ નથી. થોડી ઇવેન્ટો કરીશું, થોડાં પોરસ ચડે એવા જુમલા ફેંકશું, થોડી વિરોધીઓને ગાળો દઈશું, થોડાં સામાજિક વિભાજનો અને ધ્રુવીકરણ કરીશું, થોડાક આરતી ઉતારનારાઓને ખરીદી લઈશું અને પછી બે કે ત્રણ મુદ્દત લહેર કરીશું! આ હતું ગુજરાત મોડેલ જે હવે રાષ્ટ્રીય મોડેલ છે. કમાલનો નિયતનીનો ખેલ હતો, નહીં! આર્થિક અને કૃષિસંકટ જોઇને વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જવાબના અભાવમાં મૂંગા થઈ ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે મારી પાસે જવાબ છે. મારી પાસે આ ધરતી પરના દરેક પ્રશ્નના જવાબ છે. જોઈ આવો મારા ગુજરાત મોડેલને. હૈ કી નહીં? સામે હા, હા, હા કરનારી એક ફોજ હતી.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન તો બની ગયા પણ પેલા વિકટ પ્રશ્નનું શું કરવું જે જોઇને વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પણ ચૂપ થઈ ગયા હતા? નરેન્દ્ર મોદીએ ક્ષણભર માટે આ એક પ્રશ્ન પોતાની જાતને પૂછી જોવો જોઈતો હતો કે એવું તે શું હતું કે ડૉ. મનમોહન સિંહ ઉકેલના અભાવમાં બાઘા થઈ ગયા હતા. જ્યારે બાહોશ માણસ હથિયાર હેઠાં મૂકી દે ત્યારે સંકટનું સ્વરૂપ કેવું હશે એવો એક પ્રશ્ન મનમાં થવો જોઈતો હતો. નરેન્દ્ર મોદીને પોતાના પર ભરોસો હતો અને આર્થિક અને વિશેષરૂપે કૃષિસંકટ તરફ ધ્યાન નહોતું આપ્યું. હવે જ્યારે પ્રશ્નને હાથ લગાડવામાં નહીં આવ્યો, તેમ જ આડુંઅવળું ધ્યાન દોરવાની તરકીબ પણ નિષ્ફળ નીવડી અને આ બાજુ ખેડૂત હવે ખેડૂત તરીકે વર્તી રહ્યો છે ત્યારે ટેન્શન વધી ગયું છે. ઓછામાં પૂરું હવે દિવસો પણ ઓછા બચ્યા છે.
આ બાજુ કૉન્ગ્રેસ તક જોઇને ફરી ઊભી થવા મરણિયા પ્રયાસ કરી રહી છે. કૉન્ગ્રેસે યુવાનોને યુવાન તરીકે અને ખેડૂતોને ખેડૂત તરીકે સંબોધવાનું શરૂ કરી દીધું છે. કૉન્ગ્રેસે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કર્જમાફીના વચન આપ્યાં હતાં અને હવે તેનો અમલ પણ કર્યો છે. હવે કેન્દ્ર સરકાર પણ ખેડૂતને હિન્દુ બનાવવાની જગ્યાએ ખેડૂત તરીકે સ્વીકારીને તેના પગમાં પડવાની તૈયારી કરી રહી છે. આવતા અઠવાડિયે કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે.
એમ માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તરે કર્જમાફી આપવાનું વિચારી રહી છે. કદાચ બીજી કોઈ રાહતો પણ જાહેર કરે. બી.જે.પી. શાસિત રાજ્યો કોઈને કોઈ પ્રકારની રાહતો ખેડૂતોને આપી રહી છે. ખેડૂતો વિરોધ કરતા હોય એવી યોજનાઓ અટકાવી દેવામાં આવી છે. નાના વેપારીઓને પણ જી.એસ.ટી.માં રાહતો આપવા માંડી છે, કારણ કે તેઓ પણ જ્ઞાતિ અને ધર્મની ઓળખ છોડીને વેપારી તરીકે મત આપવા લાગ્યા છે. મધ્ય પ્રદેશમાં બી.જે.પી.નો ગઢ ગણાતાં ઇન્દોર શહેરમાં બી.જે.પી.નો પરાજય થયો પછી આંખ ઉઘડી ગઈ છે. ગણીગાંઠી ચીજોને છોડીને બાકીની બધી જ ચીજોને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવી દેવામાં આવી છે. મૂળ યુ.પી.એ.ની જી.એસ.ટી.ની સ્કીમમાં ૨૮ ટકાનો સ્લેબ જ નહોતો. આ તો થોડું અનોખાપણું બતાવવાનો દંડ છે. જો ચુપચાપ યુ.પી.એ.ની સ્કીમને એમને એમ લાગુ કરી હોત તો નાક ન કપાયું હોત અને મત ન ગુમાવવા પડ્યા હોત.
જોઈ ભારતીય બનવાની કમાલ? વેપારી હિન્દુ મટીને વેપારી બન્યો અને સરકાર નરમ પડી ગઈ. ખેડૂત હિન્દુ, મરાઠા કે પાટીદારની ઓળખ બાજુએ મૂકીને ખેડૂત બની ગયો કે તરત સરકાર કૂણી પડી ગઈ. શાસકોને કૂણા પાડવા હોય અને શાસનના મોરચે સ્થિર રાખવા હોય તો ભારતીય બનીને મત આપો. જ્યાં સુધી વહેંચાયેલા રહેશો અને આપસમાં લડતા રહેશો ત્યાં સુધી શાસકો પોતાનાં ખિસ્સા જરૂર ભરશે, પોતાનાં સગાંઓને પણ ઠેકાણે પાડશે; પરંતુ તમારું કલ્યાણ નહીં કરે. તેમને ઊભા પગે રાખવા હોય તો હિન્દુ, મરાઠા કે પાટીદારની જગ્યાએ ભારતીય નાગરિક બનો, એ રીતે જ વરતો પછી જુઓ શાસકો કેવા રેવાળ દોડે છે.
દરેક ટૂંકી ઓળખ કચરાના ડબ્બામાં ફગાવીને સવાલ કરો કે કર્જમાફી એ કૃષિસંકટનો ઈલાજ છે? હા, રાહત જરૂર આપશે, પણ ઉપાય નથી. તો પછી ઉપાય શો છે? આનાં કરતાં પણ વધારે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કૃષિસંકટનાં કારણો શું છે અને ભારત કેમ એમાં અગ્રેસર છે? ભારતીય બનશો તો દેશ વહાલો લાગશે, ભેદભાવ વિના દેશની પ્રજા વહાલી લાગશે, નિસ્બત વિકસશે, પ્રશ્નો થશે, પોતાની જાતે જવાબ શોધશો, જેમને જવાબ આપવા જોઈએ તેમની પાસે જવાબ માગશો. આમ કરશો તો ઉપેક્ષાથી બચશો અને ઈલાજનો લાભ પણ મળશે. ભારતીય બનવામાં ફાયદા જ ફાયદા છે, નુકસાન જરા પણ નથી. કોઈ નુકસાન હોય તો બતાવો.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 30 ડિસેમ્બર 2018