સ્ત્રી-પુરુષની શરીરની રચના અલગ હોવાથી કાર્ય પાર પાડવાની રીત અને મુલવણીના માપદંદ અલગ રાખવા પડે
ભારતને ક્રિકેટઘેલો દેશ કહી શકાય, પણ આઈ.સી.સી. વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ટૂર્નામેન્ટ પણ હોય છે અને અત્યારે ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે એ વાતની કેટલાં લોકોને ખબર હશે? ક્રિકેટને પોતાની સૌથી મનપસંદ રમત ગણાવનારને, મિતાલી રાજ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે એ ખબર પણ નહિ હોય. એમાં કોઈનો વાંક ક્યાં કાઢવો? ખેલકૂદ એટલે જાણે પુરુષોનો વિષય, એવી જ પ્રચલિત સમજ સમાજમાં છે. એટલે મહિલાઓની રમત પ્રત્યેની ગંભીરતા ઓછી જ છે. એને માટેનું બજેટ ઓછું હોય, જરૂરી વ્યવસ્થાનો અભાવ હોય, મીડિયા પણ એને જરૂરી કવરેજ ના આપે તેમ જ કોર્પોરેટ સ્પોન્સરશિપ પણ માંડ મળે.
આઈ.સી.સી. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆતમાં પ્રેસ રાઉન્ડ ટેબલમાં એક પત્રકારે મિતાલીને પૂછી જ લીધું કે એનો સૌથી મનપસંદ ‘પુરુષ’ ક્રિકેટર કોણ છે? જાણે કે આદર પામનાર, પ્રેરણામૂર્તિ પુરુષ ખેલાડી જ હોઈ શકે! મનપસંદ ખેલાડી અંગે પ્રશ્ન પૂછવો વાજબી હતો, જેના જવાબમાં પુરુષ કે મહિલા કોઈ પણ ખેલાડીનું નામ આવી શક્યું હોત. પણ ખેલાડી શબ્દની આગળ લાગેલા ‘પુરુષ’ના વિશેષણમાં પુરુષોનું આધિપત્ય અભિપ્રેત છે.
આ ભારતનો જ નહિ, પણ વિશ્વભરનો પ્રશ્ન છે. વિકસિત દેશોમાં પણ રમતગમતનું વિશ્વ પુરુષકેન્દ્રી જ છે અને શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને પણ ક્યાંક ને ક્યાંક લૈંગિક ભેદભાવ કે પછી જાતિવિષયક ટિપ્પણીઓનો સામનો કરવો જ પડે છે – આજની તારીખમાં પણ કે જ્યારે વધુ ને વધુ સ્ત્રીઓ ખેલકૂદને ગંભીરતાપૂર્વક પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી રહી છે!
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઓલિમ્પિકના મીડિયા કવરેજ પર એક અભ્યાસ થયો. તેમાં તેમણે નોધ્યું કે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓમાં 45 ટકા મહિલા હતી, છતાં કોમેન્ટ્રીમાં ‘મેન’ શબ્દનો ઉપયોગ ‘વુમન’ શબ્દ કરતાં ત્રણ ગણો વધારે વખત થયો હતો. કોઈ પુરુષ ખેલાડીના પરિચય એની રમતની શૈલી, એણે સર્જેલા વિક્રમ, સૌથી ઝડપી, સૌથી ઊંચો વગેરે જેવી તેની લાક્ષણિકતાઓ દ્વારા અપાતો હતો, જ્યારે મહિલા ખેલાડીના પરિચયમાં તેની ઉંમર, તેનો વૈવાહિક દરજ્જો અને તેનાં બાળકોની સંખ્યાનું મહત્ત્વ વધારે દેખાતું હતું.
એકાદ વર્ષ પહેલાં સાનિયા મિર્ઝાનું પુસ્તક પ્રકાશિત થયું તે સંદર્ભે રાજદીપ સરદેસાઈ જેવા પત્રકાર પણ એ ક્યાં સ્થાયી થઈને રહેવા માગે છે, બાળકોનું આયોજન ક્યારે કરવાની છે – જેવા પ્રશ્ન પૂછવાનું રોકી નો’તા શક્યા. જો કે તેમને ખ્યાલ આવતાં જ તેમણે નેશનલ ચેનલ પર ચાલી રહેલા એમના લાઈવ ઇન્ટરવ્યૂમાં જ માફી માગી લીધી અને કબૂલ્યું કે આવો પ્રશ્ન તેઓ કોઈ પુરુષ ખેલાડીને પૂછતા નથી. કોઈ પત્રકાર સ્વીકારે કે એણે પૂછેલા પ્રશ્નમાં લૈંગિક ભેદભાવ પૂર્ણ હતો અને એ અંગે માફી પણ માગે એ આવકાર્ય ઘટના હતી. બાકી મોટા ભાગે તો લોકોને ખ્યાલ પણ નથી આવતો કે તેમણે કરેલી હરકતમાં ક્યાંક ભેદભાવ હતો.
ઇંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ 2015ના વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રક જીતી. ત્યારે ઇંગ્લેન્ડની ફૂટબોલ એસોસિયેશન તરફથી ટ્વીટ થયું કે આપણી સિંહણો કપ જીતીને આવી અને હવે પાછી માતા, પત્ની અને દીકરીની ભૂમિકામાં જોડાઈ જશે. જ્યારે આ અંગે ઉહાપોહ થયો ત્યારે ફૂટબોલ એસોસિયેશનના અધિકારીઓને આશ્ચર્ય થયું હતું, કારણ કે તેમણે તો ‘માતા’ અને ‘પત્ની’ઓની બીજી સિદ્ધિને વધાવી હતી. ખેર, પુરુષોને એમની ‘પતિ’ અને ‘પિતા’ની ભૂમિકા અંગે કોઈ નથી પૂછતું કે નથી કોઈ એમને એમના દૈનિક જીવનના કામ અંગે પૂછતું.
બીજી તરફ, સ્ત્રીઓની ગ્લેમરસ ભૂમિકાને રમતના વિશ્વમાં આવકારાય છે. આઈ.પી.એલ.ની ચીઅરલીડર્સ જ જોઈ લો. ટૂંકાં વસ્ત્રો પહેરીને ડાન્સ કરવાથી પ્રેક્ષકો આકર્ષાય એટલે નફાની ખાતરી. સ્ત્રીનું શરીર પ્રેક્ષકોને આકર્ષવાની એક વસ્તુ માત્ર. કોમેન્ટ્રી બૉક્સમાં બેઠેલી સ્ત્રીઓ માટે પણ તેમના રમતના જ્ઞાન કરતાં તેમની ગ્લેમર અપીલની લાયકાત વધી જાય છે.
બેડમિન્ટનમાં તો રમતના બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને (BWF) રમતમાં ગ્લેમરનો રંગ ઉમેરવા મહિલા ખેલાડીઓ માટે 2011થી સ્કર્ટ પહેરવાનું ફરજિયાત રાખ્યું છે. ફેડરેશને ખુલ્લેઆમ કહ્યું કે એનાથી ખેલાડીઓ વધુ આકર્ષક લાગશે, વધુ પ્રેક્ષકો સ્ટેિડયમમાં આવશે. પરિણામે રમતને વધુ કોર્પોરેટ પ્રાયોજક મળશે. આ પહેલાં મહિલા ખેલાડીને સ્કર્ટ પહેરવું કે શોર્ટસ, એની પસંદગી કરવાની છૂટ હતી. એટલે ઘણી ખેલાડી શોર્ટસ પહેરીને જ મેદાનમાં ઉતરતી. કારણ કે એનાથી રમવામાં વધુ અનુકૂળતા રહેતી. સાયના નેહવાલ પણ શોર્ટસ પહેરીને જ મેદાનમાં ઉતરતી. પણ નિયમ બદલાતાં બધી મહિલા ખેલાડીઓ માટે વસ્ત્રોની પસંદગી રહી નહિ. મહિલા ખેલાડીઓને લોકપ્રિયતા મેળવવા માટે એના રેકેટની ગતિ, રમતની વ્યૂહરચના અને કૌશલ્યપૂર્ણ રમેલા માસ્ટર સ્ટ્રોક્સ કરતાં તેમનાં ગ્લેમરસ દેખાતાં વસ્ત્રો વધુ મહત્ત્વના સાબિત થયાં. સાયના નેહવાલના પિતા હરવીરસિંઘે એ સમયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડ્રેસ કોડ બદલાતાં સાયના થોડા દિવસો માટે ઘણી મૂંઝાઈ ગઈ હતી. એનું ધ્યાન એની રમત કરતાં વધારે એનાં વસ્ત્રો પર જતું હતું.
ઘણાંની દલીલ હોય છે કે પુરુષની રમત જેવી મહિલાઓની રમત જોવામાં મઝા ન આવે. કારણ કે તેઓ પુરુષો જેવો સ્કોર ન કરી શકે. પુરુષમાં શારીરિક તાકાત વધુ હોવાથી માન્યું કે મહિલા ખેલાડી પુરુષ ખેલાડી જેવા ફટકા ન મારી શકે. સ્ત્રી અને પુરુષના શરીરની રચના અલગ છે. પણ એનાથી એનું કૌશલ્ય ઓછું નથી થતું. રમત એ માત્ર ફટકાબાજી નથી. બંને વચ્ચેની તુલના જ અવાસ્તવિક છે. તાજેતરમાં જ જૉન મેકેનરોએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે (વિખ્યાત ટેનિસ સ્ટાર અને વિલિયમ્સ બહેનોમાંની એક) સેરેના વિલિયમ્સ ભલે પહેલા નંબરની મહિલા ખેલાડી હોય, પણ જો તેને પુરુષ ખેલાડી સાથે રમવાનું હોય, તો એ 700મા સ્થાને આવે. બોલો, આવી સરખામણીનો કોઈ અર્થ ખરો?
પંચતંત્રની બગલા અને શિયાળની વાર્તા યાદ છે? લુચ્ચુ શિયાળ બગલાને ઘરે જમવા બોલાવીને થાળીમાં ખીર પીરસે. લાંબી ચાંચ સાથે બગલો ખાઈ ન શકે એટલે શિયાળ ધારી લે કે એને નહિ ખાવું હોય અને જ્યારે બગલો શિયાળ ને કુંજામાં ખીર આપે ત્યારે મોઢું વકાસીને જોવાનો વારો શિયાળનો હોય છે. સાર એટલો જ કે શરીરની રચના અલગ હોય તો કાર્ય પાર પાડવાની રીત અને મૂલવણીના માપદંડ અલગ રાખવા પડે. આ બોધ આપણે બાળકોને સમજાવીએ છીએ, પણ વાસ્તવમાં કેટલું સમજીએ છીએ? અને કેટલું અપનાવીએ છીએ?
‘ચક દે ઇન્ડિયા’ અને ‘દંગલ’ જેવી ફિલ્મોએ મહિલા રમતની કઠણાઈ અંગે સંવેદનશીલ રજૂઆત કરી છે. પણ મંઝીલ દૂર છે. આજે આશ્વાસન એટલું છે કે મિતાલી રાજ પેલા પત્રકારને ફટાક દઈને સામે પૂછી શકે છે કે શું એ કોઈ પુરુષ ક્રિકેટરને જઈને પૂછશે કે તેમની પ્રિય મહિલા ક્રિકેટર કોણ છે? આવો રોકડિયો જવાબ સોશિયલ મીડિયા પર વધાવી લેનાર ઘણા લોકો મળી રહે છે.
સૌજન્ય : ‘સમજવાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2017