શ્રીનગરની ત્રણ દિવસની મુલાકાતમાં ચક્રવ્યૂહનો સાવ સહેજ જ અંદાજ મળ્યો
શ્રીનગરમાં ગયા ગુરુવારે મધ્યરાત્રી પછી ટોળાએ એક પોલીસ અધિકારીની જામિયા મસ્જિદ ખાતે હત્યા કરી. શનિવારની સાંજે શહેરના પાન્થા ચોક વિસ્તારમાં લશ્કરે તોઈબાના આતંકવાદીઓના હુમલામાં સી.આર.પી.એફ.ના બે જવાન શહીદ થયા. બંને બનાવો બન્યા ત્યારે આ લખનાર, ઘટનાસ્થળોથી પંદરેક કિલોમીટર પર દલ સરોવરને કાંઠે એક વિશ્રામ ગૃહમાં મરાઠી-ગુજરાતી પત્રકારો-લેખકોના જૂથમાં હતો. ગુજરાતી ભાષામાં લખતા અમે પાંચ ત્યાં હતા. અમે જમ્મુ અૅન્ડ કાશ્મીર ટુરિઝમ ડિપાર્ટમેન્ટના મહેમાન તરીકે કાશ્મીરનાં પર્યટન સ્થળોની કુદરતી શોભા માણી. ઉપરાંત વિદ્યાર્થીઓ અને નિસબત ધરાવતા નાગરિકોને મળ્યાં.
શુક્રવારે સવારે યુનિવર્સિટી સંકુલમાં અધ્યાપકો તેમ જ ગ્રંથાલયની મુલાકાત પછી શ્રીનગરના સહુથી સંવેદનશીલ ડાઉન ટાઉન વિસ્તાર અને તેમાં આવેલી જામિયા મસ્જિદની પાસેથી પસાર થવાનું આવ્યું. હઝરતબલ મસ્જિદની અંદર પણ જવાનું થયું. અમારી ટુકડીના મુંબઈના વરિષ્ટ અભ્યાસી કટારલેખક તો રમજાન ઇદની પૂર્વ સંધ્યાએ જામિયા મસ્જિદની અંદર જઈને લોકો સાથે કલાકેક વાતચીત કરીને આવ્યા. પાન્થા ચોકનો હુમલો ચાલુ હતો તે કલાકો દરમિયાન અમે ધરણાં-દેખાવોના સ્થાન એવા લાલ ચોકના ધમધમતાં બજારમાં હતા. એ રાત્રે એક મોટા અખબારના તંત્રીની સાથે બેઠક હતી જે બારેક વાગ્યે પૂરી થયા પછી અમે ઊતારે આવ્યા. કેટલાક પત્રકારો કારગિલ પણ ગયા. એકંદર અનુભવ કાશ્મીરમાં સહેલાણીઓ માટે સલામતી તેમ જ શાંતિ પ્રવર્તે છે, અને કાશ્મીરના લોકો સદ્દભાવવાળા છે એવો રહ્યો.
રાજ્યની આવી છાપ અખબારી પત્રકારો થકી દેશમાં પહોંચે એ કાશ્મીરના આ પ્રવાસના આયોજક એવા ટુરિઝમ વિભાગનો હેતુ હતો. કાશ્મીરની જીવાદોરી સમું પ્રવાસન ગયાં કેટલાંક વર્ષોથી પડી ભાંગવાને આરે છે. ટુરિઝમ વિભાગના મતે તેનું એક મોટું કારણ ખાનગી ટેલિવિઝન ચૅનલો છે. તે હંમેશાં કાશ્મીરનું હિંસક ચિત્ર રજૂ કરે છે અને તેને કારણે સહેલાણીઓ આવતાં અટકી ગયા છે. આ વાત પ્રવાસન વિભાગના અધિકારીઓએ ગયા ગુરુવારે પત્રકાર પરિષદમાં આંકડા અને દાખલા સાથે મૂકી. તેમાં ટુર અને કાર ઑપરેટર્સ, હૉટેલિઅર્સ વગેરેનાં મંડળોનાં પ્રતિનિધિઓ પણ હતા. તે સહુએ ટૂંકી પણ લાગણીભરી વાત કરી. તેમાં અનેક મુદ્દા સામે આવ્યા : ટી.આર.પી. ખાતર ચૅનલોનાં કાશ્મીર વિશેનાં જૂઠાણાં, કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન , યાત્રાઓમાં જળવાતો કોમી એખલાસ, દેશવાસીઓનો કાશ્મીર તરફનો અલગાવ, અહીંના લોકોના જીવનની વિચ્છિન્નતા, તેમની ટુરિસ્ટો માટેની ન્યોચ્છાવરી અને અન્ય. આ બાબતો કાશ્મીરનાં મુખ્ય મંત્રીએ શુક્રવારે બોલાવેલી પત્રકાર પરિષદમાં પણ દોહરાવી. વધારામાં તેમણે એ પણ કહ્યું કે કાશ્મીરની સરકારની તેમ જ જનતાની સારપ અને સિદ્ધિઓ ચૅનલવાળા બતાવતા નથી. વડા પ્રધાન મોદીની ક્ષમતાઓને તેમણે બિરદાવી, પણ કેન્દ્રના કાશ્મીર તરફના વલણ અંગે સાફ વાત ન કરી. જો કે દેશના લોકોનું સહેલાણીઓ તરીકે કાશ્મીરમાં આવવું એ ‘ઇન્વેસ્ટમેન્ટ ઇન પીસ’ એટલે કે ‘શાંતિ માટેનું મૂડીરોકાણ છે’ એવું તેમનું ઉચ્ચારણ મહત્ત્વનું ગણાય.
આ મૂડીરોકાણ સફળ થાય તો પણ ખુદ કાશ્મીરી જનતાને કેટલી શાંતિ લાધશે તે કહેવું મુશ્કેલ છે. કાશ્મીરના લોકોમાં ભારે અજંપો અને હતાશા છે એવું સંવેદનશીલ નાગરિકો સાથે વાત કરતા સમજાયું. તેમાં અધ્યયન – અધ્યાપન, પત્રકારત્વ, સમાજકાર્ય અને ધંધા-રોજગાર સાથે સંકળાયેલ વ્યક્તિઓ હતી. એમની સાથે સંપર્ક-સંવાદ, અમારી ટુકડીની અનૌપચારિક માર્ગદર્શક યુવા કર્મશીલ રિમ્મી વાઘેલા થકી થઈ શક્યો. રિમ્મીએ સપ્ટેમ્બર 2014માં શ્રીનગરને તબાહ કરનાર પૂરસંકટમાં ત્યાં લાંબા સમય માટે રહીને તબીબી રાહતકાર્ય કર્યું હતું. તે દરમિયાન અનેક વર્ગના લોકો સાથે તે સંકળાઈ હતી.
એમાંના એક અધ્યાપકને અમે મળ્યા. તે નાનપણમાં એમની સોસાયટી પર થયેલાં લશ્કરી ક્રૅકડાઉનમાં મિત્રોને નજર સામે ગુમાવી ચૂક્યા હતા. અનેક વિષયોનું વાચન ધરાવતો અને ઇમ્પોર્ટ સાથે સંકળાયેલો એક યુવાન બિઝીનેસમન તેના કહેવા મુજબ ‘દો હેબિયસ કૉર્પસ ખા ચૂકા થા’. તેણે કાશ્મીરી પંડિતો વિશે મારા માટે ઓછી જાણીતી વિગતો આપી, કારણ કે તેનો ઉછેર કાશ્મીરી પંડિતોના કુટુંબો વચ્ચે આવેલા ઘરમાં થયો હતો. તેના હમઉમર વકીલ દોસ્તના જણાવ્યા મુજબ ગયાં વર્ષે આઠમી જુલાઈએ બુરહાન વાણીના મોત પછી અત્યાર સુધીમાં હજારેક હેબિયસ કૉર્પસ થયા છે ! એક યુવતીએ તાજેતરમાં દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાંથી કાયદાની માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેના લઘુશોધ નિબંધનો વિષય ‘એનફોર્સડ ડિસઅપરન્સેસ ઇન કાશ્મીર’ એવો હતો. તેના પિતા કાશ્મીરમાં માનવઅધિકાર માટે લડનાર વકીલ હતા. તે 1996માં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિન્ગ્સનો ભોગ બન્યા હતા. તેમની આ દીકરીએ 2009માં શોપિયન જિલ્લામાંથયેલા બળાત્કારોના વિરોધમાં મહિલા કૉલેજના ઇતિહાસમાં પહેલવહેલી રેલી કાઢી હતી.
જાહેર આરોગ્ય માટે સરકારને સક્રિય કરનાર માહિતી અધિકાર કાર્યકર્તાઓને મળવાનું થયું. સરકારી નોકરી છોડીને સામાજિક કાર્ય કરનાર તબીબને મળ્યા. તેમણે શ્રીનગરથી દક્ષિણે સાઠ કિલોમીટર પર આવેલા તોસા મૈદાન નામના તેર ચોરસ કિલોમીટર જેટલા રળિયામણા વિસ્તારને લશ્કરની ફાયરિંગ રેઇન્જ તરીકેના તાબામાંથી છોડાવવા માટેની લડત ચલાવી હતી. લશ્કરની અનેક પ્રકારની ફાયરિંગ અૅક્ટિવિટીને લીધે પચાસેક ગામના લોકોના જાનમાલ અને સમૃદ્ધ કુદરતને મોટા પાયે હાનિ પહોંચતી હતી. કર્મશીલોએ માહિતી અધિકાર અને જાહેર વિરોધ થકી પાંચેક વર્ષ ચલાવેલાં આ લોકઆંદોલનને ગયાં વર્ષે જૂનમાં પૂરી સફળતા મળી. હવે તોસા મૈદાન વિશે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ચમકદાર માહિતીપત્રક બહાર પાડ્યું છે ! એક મહિલા સંપાદકે અત્યારની પરિસ્થિતિ ઉપરાંત નેવુંના દાયકામાં મીડિયાની કસોટીની વાત કરી – બંદૂકધારી આતંકવાદીઓ અખબારના દફ્તરમાં ધામા નાખતા ! દિવાલો પર આતંકવાદીઓ અને અલગતાવાદીઓ તરફી સૂત્રો પણ વાંચ્યાં. મહિલાઓ બધે હતી. બુરખામાં કોઈ ન હતી, અને હિજાબમાં દરેક હતી. ભારત કે પાકિસ્તાન કોઈની સાથે ન રહેવા માંગતાં અલગ કાશ્મીર માટેનાં અરમાનના અણસાર પણ મળ્યા. તેમાં ક્યારેક સીધી તો ક્યારેક આડકતરી રીતે મજહબ પણ હતો.
અમે જેમને મળ્યા તે કલાક સુધી વાત કરતાં રહેતાં. સમયને અભાવે અટકવું પડતું. દિલચોરી રાખ્યા વિના પૅશનેટલી કરાયેલી તેમની વાતમાં વેદના, વિચ્છેદ, વંચિતતા, મજબૂરી, આક્રોશ, હતાશા, હતબલતાની લાગણીઓ ઊભરાતી. લગભગ દરેકની વાતના મોટા પટમાં આ સંઘર્ષમય ભૂમિના ઇતિહાસ-વર્તમાનના માહિતીપૂર્ણ તાણાવાણા ગૂંથાયેલા-ગૂંચવાયેલા રહેતા. ભારતીય રાષ્ટ્રવાદીને મળવાનું ના થયું, પણ તેની બાજુ પણ ઘણી આક્રોશપૂર્ણ હોઈ જ શકે. મોટા મીડિયા હાઉસના સન્માનનીય પીઢ સંપાદક સહિત બધાની સાથેના સંવાદમાં મળતી આવતી વાત કંઈક આમ હતી : ‘હંમેશાં ડર રહેતા હૈ. કિસી પે ભરોસા રખના મુશ્કિલ હો ગયા હૈ. લેકીન ટુરિસ્ટ સેઇફટી કા નૅરેટીવ ભી ગલત નહીં હૈ. બચ્ચોં ઔર જવાનોં મેં સે પુલીસ – આર્મી તો ક્યા મૌતકા ખૌફ ભી ખતમ હો ગયા હૈ. પતા નહીં હમારા યહ મસલા કબ સુલઝનેવાલા હૈ. અલ્લા બચાયે હમેં ઈસમેં સે !’
આ લખનારની કાશ્મીર ચક્રવ્યૂહ અંગેની માનવીય સમજ ઉઘડી અને રાજકીય સમજ વધુ ઉલઝી.
+++++++
29 જૂન 2017
(‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 30 જૂન 2017)