રાષ્ટૃની ખુદની સાંકડી ને ઝનૂની વ્યાખ્યા સહિતના સવાલો વાંસોવાંસ ન જાગે તો, બને કે, મોડું પણ થઇ ગયું હોય
અડસઠમા પ્રજાસત્તાક દિવસની વળતી ઉષાએ (શુક્રવારે) બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે ચિત્ત ચાર દાયકા પાછળ જવા કરે છે: 1977નો એ જાન્યુઆરી સ્તો હતો જ્યારે અમેરિકામાં કાર્ટરની પ્રમુખપોશી થઈ હતી, અને એના એકબે દિવસ આગમચ આપણે ત્યાં કટોકટી હળવી કરવા સાથે ચૂંટણી જાહેરાત થઈ હતી. વસ્તુત: 1976 ઊતરતે જ્યારે કાર્ટરની ફતેહ સાફ જણાઇ એ વખતે જ રાજકીય નિરીક્ષકો એક એવી સમજ પર ઠરવા લાગ્યા હતા કે આપણે ત્યાં કટોકટીરાજ સંકેલવાની દિશામાં દબાણ વધશે. તે વખતનાં આંતરરાષ્ટ્રીય બલાબલ અને કાર્ટરના ભાવવિશ્વની વિશેષ ચર્ચામાં નહીં જતાં આ ક્ષણે એટલું જ કહેવું બસ થશે કે ઇંદિરા ગાંધીની ખુદમુખત્યારીના વિલય અને કાર્ટરના ઉદયનો ચાળીસ વરસ પરનો જોગસંજોગ આજના નમો-ટ્રમ્પ માહોલમાં એક અજબ જેવી સહોપસ્થિતિ સરજે છે.
એક વિલક્ષણ વાત જો કે એ પણ છે કે ત્યારે અહીં ખુદમુખત્યારી સંકેલાવાનાં ઓસાણ હતાં જ્યારે અત્યારે એ ખુદમુખત્યારી તરેહના સંજોગો ટ્રમ્પની ફતેહ સાથે પોષણ અને પ્રતિપોષણનો સંબંધ ધરાવતા હોવાના સંકેતો સિસ્મોગ્રાફ પર ઝિલાઈ રહ્યા છે … સંકેતો જ કે, કમ્પનપૂર્વક સ્થિતિ પણ; કેમ કે નમો મંડળી ટ્રમ્પની ફતેહમાં પોતાનું વિચારધારાકીય — અને સવિશેષ તો નેતાકીય –અનુમોદન વાંચવામાં રાચી રહી છે. નમોએ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભાવનાની એક સુલભ વ્યાખ્યા (હિંદુત્વ પરના વિકાસઢોળ વગેરેથી દામન બચાવવાની ગણતરીએ કે અન્યથા) આ ગાળામાં ચલાવી છે તે ‘નેશન ફર્સ્ટ’ છે. આ સૂત્ર સંક્ષિપ્ત એટલું જ સચોટ છે, અને પ્રથમ શ્રવણે ખેંચી પણ લે. માત્ર રાષ્ટ્રને નામે નાગરિક સ્વતંત્રતાના સંભવિત હ્રાસથી માંડીને રાષ્ટ્રની ખુદની સાંકડી ને ઝનૂની વ્યાખ્યા સહિતના સવાલો વાંસોવાંસ ન જાગે તો, બને કે, મોડું પણ થઇ ગયું હોય.
તમે જુઓ કે ટ્રમ્પનું પ્રથમ સત્તાવાર ભાષણ આ પળથી, અમેરિકા, પહેલું-પહેલું-ને-પહેલું એ જ મંત્ર(‘ફ્રોમ ધીસ મોમેન્ટ ઓન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અમેરિકા ફર્સ્ટ’)ની તરજ પર હતું. વસ્તુત: ‘નેશન ફર્સ્ટ’નું આ સૂત્ર કે મંત્ર પહેલપ્રથમ ઉછાળેલ તે અમેરિકા હવાઈ દળના આલા અધિકારી ચાર્લ્સ લિન્ડબર્ગે 1941માં. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા કિનારો કરે એવી એ ફાસીવાદતરફી સજ્જનની મંછા હતી. સમજવાની વાત, જોડાજોડ, એ પણ છે કે ટ્રમ્પની એકંદર વિચારરૂખ પોતાને પ્રમુખપદથી પણ ઉપર મૂકવાની ધાટીએ છે. એટલે પૂર્વે કેનેડી-કાર્ટર-ક્લિન્ટન-ઓબામા પરિપાટીથી ઉફરાટે એ આખી લિબરલ અમેરિકી ધારાને અંગે તોડમરોડથી તહસનહસ કરવા ભણીની એમની ગતિમતિ છે.
આ લિબરલ ધારા તે શું — છેલ્લાં વરસોમાં જે કાર્યક્રમ ઓબામા કેર તરીકે જાણીતો થયો, કલ્યાણસંભાળનો, એનાથી માંડીને યુરોપી કુળમૂળના ગોરાઓ ઉપરાંતના સૌ અમેરિકાવાસીઓને અંગે સર્વસમાવેશી અભિગમથી પ્રેરિત પગલાં સહિતની શાસકીય નીતિ! ટ્રમ્પના ભાવવિશ્વમાં આ સૌને અંગે અેક અંતર, કંઇક આશંકા-અવિશ્વાસ, કિંચિત્ નફરત છે અને અમેરિકા કેમ પાછું પડી ગયું એવી એમની શત્રુખોજનો ઉત્તર પણ તે એકંદરે આ બીજાઓમાં જુએ છે. અહીં નમો નીતિવ્યૂહ ઠીક ઠીક ચર્ચવાનો થયેલો છે. અરુણ શૌરીના ભરીબંદૂક શબ્દોમાં તેનું નિરૂપણ કરીએ તો એ ‘કોંગ્રેસ વત્તા ગાય’ની પરિપાટીએ ચાલે છે. (ગાય એ જે બધા બીજાઓ — ધ અધર — છે એમને જુદા પાડીને નિશાન બનાવવાનું પ્રતીક છે.) વીસમી સદી જો અમેરિકાની હતી તો એકવીસમી સદી ભારતની એટલે કે હિંદુત્વની હોવાની છે એવું સંઘવર્તુળોમાંથી સંભળાતું હોય છે.
‘વિજીગીષુ વૃત્તિ’ અને ‘કૃણવન્તુ વિશ્વં આર્યં’નાં આ સૂત્રમંત્રએક બાજુએ, તો બીજી બાજુએ પી.ડી.પી. સાથે સમજૂતી એવા વાસ્તવિકતાના તકાજા પણ છે. પ્રજાસત્તાક દિવસના અરસામાં ભારત અને યુનાઇટેડ અરબ અમીરાત (યુ.એ.ઇ.) સાથે મળીને મજહબને નામે ચાલતા આતંકવાદ સામે એકત્ર હોવાનું કહે ત્યારે હિંદુત્વે ‘ધ અધર’ સબબ પુનર્વિચચાર કરવાનો રહે, એવું પણ બને. પણ આ સામસામા પ્રવાહો વચ્ચે હમણાં સુધી તો ગળથૂથીગત જે છે તે છે. ‘ધ અધર’માં યથા સમય સુધારાવધારા જરૂર થતા હોય છે — જેમ કે વિકાસવિરોધી, રાજદ્રોહી, રાષ્ટ્રવિરોધી. છત્તીસગઢમાં માનવહક કાર્યકર્તા બેલા ભાટિયા સાથેનો સત્તાવાર દુર્વ્યવહાર આનું તાજું ઉદાહરણ છે. જે હવા બની રહી છે એનું કમકમાટી ઉપજાવનારું દૃષ્ટાંત તો મુંબઇ હાઇકોર્ટના એ હજુ હમણેના મોહસીન શેખ હત્યા કેસનું છે, જેમાં ખૂનના આરોપીઓને જામીન આપતી વેળાએ કોર્ટે એ મતલબનું અવલોકન કર્યું છે કે ‘કેમ કે તે જુદા ધરમમજહબનો હતો એ બીના પ્રોવોકેટિવ હોઇ શકે છે.’ છત્તીસગઢના આદિવાસી વિસ્તારને ભૂખમરાથી બચાવવાનું શ્રેય જેમને નામે જમે બોલે છે તે વિનાયક સેનને પરબારા નક્સલવાદીઓ સાથે ભળેલા જાહેર કરીને પૂરી દેવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટની દરમ્યાનગીરી પછી જ એમને જામીન મળી શક્યા એ જાણીતું છે.
ચાળીસ વરસ પરની કાર્ટર-મોરારજી સંક્રાન્તિ ટ્રમ્પ-નમો સંદર્ભમાં સંભારવા પાછળ એક ધક્કો એ વાતનો પણ છે કે આપણે ક્યાંથી ક્યાં આવી ગયા. સોવિયેત સામ્રાજ્યના વિઘટન પછીની એ ફુકુયામાની માંડળી સુપ્રતિષ્ઠ છે કે હવે વિશ્વ સમક્ષ એક જ રાહ છે — લિબરલ ડેમોક્રસી. ‘એન્ડ ઓફ હિસ્ટરી’ નામે જાણીતી આ થીસિસ એક અર્થમાં મુક્ત દુનિયા માટેની વધામણી લેખે પણ પોંખાઈ હતી અને સંકેલાતી વીસમી સદી ખરેખર અમેરિકાની સદી હતી એવી છાપ પણ એથી ઘુંટાઇ હતી. અલબત્ત, એ વખતે પણ ભલે કેવિયટનુમા તો કેવિયટનુમા અંદાજમાં બે અવલોકનો લાજિમ હતાં. એક તો, સોવિયેત સામ્યવાદનું પતન પોતે થઇને માર્કસવિચારને અપ્રસ્તુત બનાવી શકતું નથી. બીજું, લોકશાહીની વિકાસયાત્રામાં સત્યાગ્રહની ગાંધીકલમ એક રેડિકલ શક્યતા છે જેની હજી પાધરી કદરબૂજ નથી થઈ. ‘એન્ડ ઓફ હિસ્ટરી’ને આ બંને ધોરણે નવેસર વ્યાખ્યાયિત કરવાપણું હતું અને છે.
જ્યારે સોવિયેત અને અમેરિકી, વોર્સો ને નાટો છાવણીઓનો જમાનો હતો ત્યારે જવાહરલાલ નેહરુએ બિનજોડાણવાદની વિદેશનીતિ વાટે એક જુદો જ પથ પ્રશસ્ત કર્યો હતો. આજે એવી કોઈ ત્રીજા રસ્તાની ગુંજાશ આપણી પાસે છે કે કેમ તે જોવું રહે છે. હવે ફુકુયામા થીસિસ રશિયામાં પુટિનની ખુદમુખત્યારી લોકશાહીથી તેમ જ અમેરિકામાં ટ્રમ્પશાહીથી એક રીતે સવાલિયા દાયરામાં મુકાઇ છે. કોઇ પણ નવા ચૂંટાયેલા પ્રમુખે શપથના અરસામાં જોવા ન પડ્યા હોય એ હદના વિરોધદેખાવો ટ્રમ્પને ફાળે આવ્યા છે તેમાં વસ્તુત: આ સવાલિયા દાયરામાંથી સત્યખોજ ભણી જવાની કાલીઘેલી પણ ગુંજાશ છે. નમોવલણો પરત્વે વૈકલ્પિક/વિરોધ નિદર્શનોએ આપણે ત્યાં એવું કાઠું દેખીતું કાઢ્યું નથી. પણ વ્યક્તિગત મતને ધોરણે જેમ ટ્રમ્પ પાછળ છે તેમ ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ની તરાહમાં નમો પણ કેવળ એકત્રીસ ટકે સત્તારૂઢ છે.
સ્વતંત્રતા સંગ્રામની પ્રણાલીમાં તેમ ગાંધીમાર્કસ ઉજાસમાં ચાર દાયકાને છેડે આટલું સામયિક સહચિંતન પ્રજાસૂય ચાલનાવશ, નાગરિક નિસબતથી.
સૌજન્ય : ‘ટૃમ્પ-ધારા’, “દિવ્ય ભાસ્કર”, 28 જાન્યુઆરી 2017