શા માટે ગાંધીજી જે કહી ગયા છે એનો એ જ અર્થમાં સ્વીકાર કરવામાં આવતો નથી? ગાંધીજીને કોઈ ગાળો દે તો એની પીડા થતી નથી એવો અનુભવ તમને નથી થતો? આવું શા માટે બની રહ્યું છે? તમે ક્યારે ય આ વિશે વિચાર્યું છે?
ગાંધીજી નસીબદાર તો ખરા જ. કોઈ તેમના પર કબજો નથી જમાવતું કે કોઈ તેમના પર દાવો નથી કરતું. શિવાજી, લોકમાન્ય ટિળક, મહાત્મા ફુલે, ડૉ. આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરે પર તેમની કોમના કે પ્રાંતના લોકોએ કબજો જમાવ્યો છે અને માલિકીપણાનો દાવો કરી રહ્યા છે; પરંતુ ગાંધીજી આમાં બચી ગયા છે. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા એ પછી ઘણા સમય સુધી ભારતના નેતાઓને ગાંધીજી સમજાતા જ નહોતા. એવો તે કેવો નેતા જે ધર્મ, કોમ, જ્ઞાતિ કે પ્રાંતની વાત જ નથી કરતો અને જો કોઈ વાત કાઢે તો એનો અસ્વીકાર કરે છે? માનવ વિશેષ (જ્ઞાતિ, ધર્મ, પ્રાંત, ભાષા, દેશ જે વિશેષતા વહાલી હોય એ) માટે રાજકારણ કરવાનું હોય, સકલ માનવજાત માટે રાજકારણ થોડું હોય! અધ્યાત્મ પણ સકલ માનવજાત માટે રહેવા દીધું નથી, જ્યારે આ માણસ તો રાજકારણમાં સકલતા લાવવા માગે છે.
જરૂર આ કોઈ ધૂર્ત માણસ હોવો જોઈએ. એ સમયના નેતાઓના એક જૂથે ગાંધીજી વિશે આવું અનુમાન કર્યું હતું. નહીં, નહીં, આ માણસ ભોળો સંન્યાસી છે જેને રાજકારણનું ભાન નથી એવું અનુમાન એ સમયના રાજકારણીઓના બીજા જૂથે કર્યું હતું. બીજા તો ઠીક, લોકમાન્ય ટિળકને આ કોયડાનો ઉકેલ જડતો નહોતો. તેમણે તેમના એક ખાસ વિશ્વાસુ સાથીને કહ્યું હતું કે અલ્યા, તપાસ તો કર આ કઈ જ્ઞાતિનો છે? આ માણસ નથી બહુજન સમાજની ભાષામાં બોલતો, નથી સવર્ણોની ભાષામાં બોલતો, નથી જહાલોની ભાષામાં બોલતો કે નથી મવાળોની ભાષામાં બોલતો. તે અંગ્રેજોની પણ ટીકા કરે છે તો દેશીઓની પણ ટીકા કરે છે, તે મંદિરમાં નથી જતો; પણ સવાર-સાંજ પ્રાર્થના કરે છે, તે બૅરિસ્ટર છે પણ દેશી ખેડૂત જેવાં કપડાં પહેરે છે, તે મેલું ઊંચકે છે અને ફાંકડું અંગ્રેજી બોલી જાણે છે. આખરે આ માણસ છે કોણ? કઈ જ્ઞાતિ કે ધર્મ આવાં લક્ષણો ધરાવે છે જેમાંથી આવો માણસ પેદા થઈ શકે?
ખોજ ગાંધીની નહોતી કરવામાં આવતી, ગાંધીનાં મૂળ અને કુળની કરવામાં આવતી હતી. આ જગતમાં એવી કઈ જાત છે જે આવો માણસ પેદા કરી શકે. જાતિ-ધર્મનાં ઓળખી શકાય અને પકડી શકાય એવાં કોઈ લક્ષણો આ માણસ ધરાવતો જ નથી. એ ખોજ ત્યારે કરવામાં આવી હતી એવું નથી, ગાંધીજીના ભારતઆગમન પછીથી આજે સો વર્ષેય આ ખોજનો અંત નથી આવ્યો. જાતિ-ધર્મનાં ઓળખી શકાય અને પકડી શકાય એવાં કોઈ પ્રકારનાં લક્ષણો નહીં ધરાવતો માણસ હોઈ શકે જ કઈ રીતે અને જો હોય તો તે રડ્યો ખડ્યો સંન્યાસી હોય; જ્યારે આ માણસે તો રાજકારણમાં પોતાની જગ્યા બનાવી છે અને લોકોનાં દિલ જીત્યા છે. જરૂર આ માણસ ધૂર્ત છે. ધૂર્ત નહીં, મહાધૂર્ત છે એમ પણ કેટલાક લોકોને લાગતું હતું અને આજે પણ લાગે છે.
એ ટકલુ (ગાંધીજી માફ કરે) દલિત વિરોધી હતો. જોતા નથી આખો દિવસ રામ-રામ કરતો હતો અને ડૉ. આંબેડકર પાસે ધરાર પુનાનો કરાર કરાવ્યો હતો. એ ધૂર્ત સંન્યાસીના વેશમાં હિન્દુ વિરોધી કામ કરતો હતો. વિલાયતીઓનો એજન્ટ હતો એટલે એવા માણસનો તો વધ જ કરવો જોઈએ. વો નંગા ફકિર તો ફકિર કે લિબાસ મેં કાફિર થા, મુસલમાન કાફિર પર કૈસે ભરોસા કર સકતા હૈ? અરે વો તો ઐયાશ બુઢ્ઢા થા. દો-દો લડકિયોં કો દોનોં તરફ રખ કર ઘૂમતા થા વગેરે-વગેરે. તમે પણ આમાંનો કોઈ એક અભિપ્રાય ધરાવતા હશો અને જો ન ધરાવતા હો તો તમારે સત્વરે મનોચિકિત્સક પાસે જવું જોઈએ.
આવું શા માટે બની રહ્યું છે? શા માટે ગાંધીજી જે રીતે જીવ્યા એને એ રીતે અપનાવવામાં આવતા નથી? શા માટે ગાંધીજી જે કહી ગયા છે એનો એ જ અર્થમાં સ્વીકાર કરવામાં આવતો નથી? ગાંધીજીને કોઈ ગાળો દે તો એની પીડા થતી નથી એવો અનુભવ તમને નથી થતો? આવું શા માટે બની રહ્યું છે? તમે ક્યારે ય આ વિશે વિચાર્યું છે?
મન તો થાય છે કે આ પ્રશ્નો આ જ રીતે ઊભા રાખીને લેખ પૂરો કરું અને ઉત્તર શોધવાની જવાબદારી તમારા પર નાખું, પરંતુ બીજો વિચાર આવે છે કે મારે મારો ઉત્તર આપી દેવો જોઈએ.
મારો ઉત્તર એવો છે કે જ્ઞાતિ, ધર્મ અને બીજી ઓળખના DNA ગાંધીજીમાં જડતા નથી એને કારણે આપણે પરેશાન છીએ. ગાંધીજીમાં નિર્ભેળ નર્યા માણસનાં DNA છે જે સ્વીકારવામાં આપણને તકલીફ પડે છે. લાખો વર્ષ પહેલાં માનવી માનવના DNA લઈને જ જન્મ્યો હતો અને એ રીતે જ જીવતો હતો. કેટલાંક હજાર વર્ષ પહેલાં માણસે સમાજની રચના કરી અને પોતપોતાના સમાજની ઓળખનાં લક્ષણો વિકસાવ્યાં. આ લક્ષણો માનવીએ વિકસાવેલાં છે, જન્મજાત નથી. પેઢી-દર પેઢી આપણે એ લક્ષણોને એટલી હદે ઘનીભૂત કર્યા છે કે હવે એ આપણને જન્મજાત લાગવા માંડ્યાં છે; પરંતુ વાસ્તવમાં એ કુદરતી નથી, માનવીય છે. માણસ અંગત સ્વાર્થની લડાઈમાં એકલો ન પડી જાય એ માટે ઓળખનાં લક્ષણોનો આશરો લઈને તે સમાજની ઓથ લે છે. નોંધી લો; સમાજ ઓથ માત્ર છે, ખરી લડાઈ તો અંગત સ્વાર્થની અને ગમા-અણગમાની છે.
ગાંધીજી આમાં નોખા નીકળ્યા. તેમની અંદર તો નિર્ભળ માનવીના DNA હતા. માનવીને જ વફાદાર રહ્યા અને સકલ માનવજાતની ઉપાસના કરી. તેઓ ત્યાં પહોંચી ગયા જ્યાં આપણે પહોંચી શકતા નથી અને પહોંચવા માગતા પણ નથી. શા માટે? કારણ કે ડર લાગે છે. ત્યાં હરિનો મારગ છે શૂરાનો જેવી સ્થિતિ છે. આપણને માફક આવતા અને હૂંફ આપનારાં સુપરિચિત ઓળખનાં લક્ષણો આધારિત સમાજની ઓથ ત્યાં નથી. ગાંધીજીએ સુરક્ષા આપનારી ઓળખની ઓથ ઝૂંટવી લીધી અને એનાથી ઉપર રહેલા માનવીને જગાડ્યો. બીજા શબ્દોમાં કહીએ તો આપણી સ્વાર્થની અને ગમા-અણગમાની લડાઈમાં ગાંધીજી કામમાં તો આવતા નથી, ઊલટું આડા આવે છે.
માનવીની અંદર રહેલા માણસને ઓળખવાની અને જગાડવાની વાત ગાંધી પહેલાં બીજા અનેક દાર્શનિકોએ કરી છે અને એ બધાને આપણે આદરપૂર્વક યાદ કરીએ છીએ. કેટલાકને તો મંદિરોમાં બેસાડીને પૂજીએ પણ છીએ. ગાંધીજી પણ જો આટલેથી અટકી ગયા હોત તો તેમને પણ પૂજવામાં આવતા હોત. ગાંધીજીનો અપરાધ એ હતો કે તેમણે માનવકેન્દ્રી સમાજકારણ દાખલ કર્યું, જે ચિરપરિચિત ઓળખ આધારિત સામાજિક ઓથના ભાંગીને ભુક્કા કરી નાખે છે. ભગવાં પર્હેયા વિના અને સમાધિ લગાવ્યા વિના લોકોની વચ્ચે રહીને, લોકોના પ્રશ્નો ઉઠાવીને, લોકોને આંદોલિત કરીને, લોકોને નિર્વ્યાજ પ્રેમ કરીને શુદ્ધ અદ્વૈત સાધી શકાય છે એ ગાંધીજીએ પહેલી વાર જગતને બતાવી આપ્યું. ગાંધીજી આંગળી પકડીને માનવીને ઓશન ઑફ હ્યુમેનિટી સુધી લઈ ગયા, જ્યાંની વ્યાપકતા જોઈને જ આપણને ડર લાગે છે.
એટલે તો ઐયાશ બુઢ્ઢા ટકલુનો આજના દિવસે વધ કરવામાં આવ્યો હતો અને એ પછી પણ નડતા રહે છે એટલે આપણે ગાળો દઈને રોજેરોજ વધ કરીએ છીએ. સિતાંશુ યશન્દ્ર કહે છે એમ મારો વાલો ગાંધીડો જિંદગીની વાટમાં ભટકાયા જ કરે છે અને કહો તો આડો આવે છે અને કહો તો રસ્તો બતાવે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2017