ગુજરાતી સાહિત્ય પર અત્યારે જો સૌથી મોટો ખતરો હોય તો ક્ષમતા વિના સાહિત્યકાર બનવા નીકળી પડેલા NRGઓનો અને એ NRGઓને સાહિત્યકાર બનાવવા નીકળી પડેલા ગુજરાતી સાહિત્યના કેટલાક ફેરિયાઓનો. આ NRGઓ પાસે સાહિત્યસર્જન માટે જોઈએ એવી કોઈ સજ્જતા નથી હોતી. એમનામાં કલ્પનાશક્તિનો ભારોભાર અભાવ હોય છે. એટલું જ નહિ, એમની પાસે જ કંઈ કલ્પનાશક્તિ હોય છે એમાં આપણી વાસ્તવિકતાનું વિશ્લેષણ કે વિવેચન કરવાની કોઈ ક્ષમતા નથી હોતી. એ લોકો મોટે ભાગે તો અગાઉના નીવડેલા સર્જકોની કલ્પનાશક્તિનું નબળું recycling જ કરતા હોય છે. એમને ગુજરાતી સાહિત્યમાં અત્યારે શું ચાલી રહ્યું છે એની ભાગ્યે જ કશી જાણ હોય છે. અભ્યાસનો અભાવ એમના માટે ‘શામળો ધરેણું’ બની ગયું હોય છે. જેમ ગુજરાતમાં છે એમ અહીં પણ ગીતગઝલનો રોગચાળો ફાટી નીકળેલો છે અને એ રોગચાળોમાં જેમ ગુજરાતમાં છે એમ નરસિંહ, બાઈ મીરાં, કબીર ને એવું બધું અર્થાત્ ભેળપુરી જેવું આધ્યાત્મિક તત્ત્વ આવ્યાં કરતું હોય છે. આ લોકોને એ વાતની ખબર જ નથી હોતી કે રમેશ પારેખ, ચિનુ મોદી કે આદિલ પહેલાં પણ ગુજરાતી સાહિત્ય હતું. આ NRGઓના recyclingમાં ગુજરાતી ભાષાને કે ગુજરાતી સાહિત્યને પોષવાની કોઈ ક્ષમતા હોતી નથી. કેમ કે એ પોતે જ પરોપજીવી હોય છે. એને કારણે એ લોકો જે સર્જન કરતા હોય છે એનાથી ગુજરાતી સાહિત્યના ઉકરડાની લંબાઈપહોળાઈ અને ઊંચાઈ સતત વધ્યા કરતી હોય છે.
આ NRGઓના કથાસાહિત્યમાં પણ ન તો સામગ્રીનું ઠેકાણું હોય છે, ન તો આકારનું. એમની મોટા ભાગની સામગ્રી ચીલાચાલુ હોય છે. ક્યારેક એના પર અમેરિકાનું મરચુંમીઠું ભભરાવેલું હોય ખરું. મંછીબેન ગુજરાતમાં હતાં ત્યારે બસસ્ટેશન પર ઊભાં રહેતાં હતાં અને કોઈક મોહનભાઈના પ્રેમમાં પડતાં હતાં (ઊભાં રહે તો પણ પડે!) હવે અહીં એ ગાર્ડનમાં ઊભાં રહેતાં હોય છે. પણ એમનું પડવાનું, અલબત્ત પ્રેમમાં, હજી ચાલું રહ્યું છે. આ લોકો ક્યારેક વિષય નાવિન્ય લાવવા માટે હબસી માણસને પોતાની કથાનો નાયક બનાવે અને એને અને કોઈક ગરવી ગુજરાતણ વચ્ચે પ્રેમ કરાવે. ક્યારેક હબસીને બદલે કોઈક ગોરાને લઈ આવે, ક્યારેક ગરવી ગુજરાતણ વૃદ્ધા પણ હોય. એનાં સંતાનો એની કાળજી ન લેતાં હોય અથવા લેતાં હોય તો પણ એને જીવન એકાકી લાગતું હોય વગેરે વગેરે મસાલા કથાઓમાં આવે છે એવો જ મસાલો આ કથાસાહિત્યમાં પણ. ફરક માત્ર એટલો કે એ મસાલો અમેરિકામાં વેચાયેલો પણ મેઇડ ઇન ચાઇનાની ઘંટીમાં દળેલો હોય છે.
સામગ્રીની વાત તો જાણે સમજ્યા પણ આકાર? એ કઈ બલાનું નામ છે. એક વાર એક આવા NRGની વાર્તા વાંચી મેં કહેલું કે તમે અહીં પ્રથમ પુરુષને બદલે ત્રીજો પુરુષ વાપરો તો તમારી વાત વધારે સ્પષ્ટ બને. તો એ કહે, ‘મેં ક્યાં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું છે?’ એ સર્જકને એમ જ હતું કે આવી બધી કાળજી ગુજરાતી વિષય સાથે એમ.એ. કરેલા લેખકો જ લે! પછી એમણે એમ પણ ઉમેરેલું કે મેં આ વાર્તા મારા ફેઇસબુક પર મૂકી તો ચારસો માણસોએ Like કરેલું અને તેમ કહો છો કે આ વાર્તા નબળી છે? ફેઇસબુકના જમાનામાં વિવેચકના સ્થાન પર એક અલગ લેખ જ લખવો પડશે. અત્યારે તો એમ લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં, અને કદાચ બીજા સાહિત્યમાં પણ, ફેઇસબુક સંપ્રદાય ફૂલ્યોફાલ્યો છે. એ સંપ્રદાયના મોટા ભાગના સભ્યો પાછા NRG છે.
આ લોકો પાસે કથનશાસ્ત્રની કોઈ સભાનતા નથી હોતી. કોઈક મંછીબેન બગીચામાં ઉદાસ બેઠાં હોય ત્યારે પવન કેમ મંદ મંદ વાતો હશે એવો પ્રશ્ન આપણને થાય. એ વખતે આકાશ પણ સ્વચ્છ હોય. અમેરિકામાં કોયલ નથી એટલે સારું છે. નહીં તો દર બે કે ચાર પાને એકાદ વાર કોયલ બોલતી હોત. એમનું પાત્રાલેખન પણ બીબાંઢાળ. એવું લાગે છે કે આ બધા લેખકોએ બધા મળીને બે કે ચાર જ સ્ત્રીઓ કે બે કે ચાર પુરુષો જ જોયા હશે. હા, આ પાત્રોની નોકરીઓમાં વિવિધતા ઘણી જોવા મળે. પણ, એમાંથી ય જે તે નોકરીઓની વિશિષ્ટતા તો ગાયબ જ હોય.
આ સર્જકોની ભાષાનું વ્યાકરણ જોઈને આત્મહત્યા કરવાનું મન થઈ આવે. જો કે એ બાબતમાં આપણા RG સાહિત્યકારો પણ પાછા પડે એવા નથી એની નોંધ લેવી પડે. આ લોકોનાં લખાણોમાં અનુસ્વાર યાદૃચ્છિક વિહાર કરતાં હોય. આખરે પશ્ચિમની સંસ્કૃિત સ્વતંત્રતામાં માને છે એટલે આ લોકો એનો લાભ અનુસ્વારને પણ આપે. હ્રસ્વ દીર્ઘ સાથે પણ આ લોકો એવો જ વ્યવહાર કરતા હોય છે. અમારા એક મિત્રે કહેલું કે બાબુભાઈ, હું હ્રસ્વ અને દીર્ઘને સરખી તક આપતો હોઉં છું. એક વાર ‘દીપ’ લખું તો બીજી વાર ‘દિપ’ લખું. આ માનવતાવાદ મોટા ભાગના NRGઓનાં લખાણમાં સોળે કળાએ ખીલેલો જોવા મળે. આ લોકોને કર્તા ક્યારે પડતો મૂકી શકાય એ વિશે ખબર નથી હોતી. એમનાં લખાણોમાં આવતો ભૂતકાળ આપણાં છાપાંમાં કે આપણાં અન્ય સમૂહમાધ્યમોમાં આવે એવો હોય છે. એમાં નજીક અને દૂરની ઘટનાઓ વચ્ચે ભાગ્યે જ ભેદ દેખાય. આ લખાણો ક્યારેક તો એટલાં બધાં કૃતક લાગતાં હોય છે કે એમને વાંચવા માટે સહૃદયની નહીં સહિષ્ણુ વ્યક્તિની જરૂર પડે.
ઘણા NRGઓ પાછા પત્રકારો પણ છે અને કટારલેખકો પણ. એમનાં લખાણોમાં કશું ઊંડાણ જોવા ન મળે. એ લોકો મોટે ભાગે તો અમેરિકામાં ઉતરાણ કઈ રીતે ઉજવાઈ કે રાવણદહન કઈ રીતે થયું એવા વિષયો પર લખતા હોય છે અને એ લેખોમાં ઊડતા પતંગ કે ભડ ભડ બળતા રાવણના ફોટાઓને બદલે અમેરિકન ભારતીય સમુદાયના નેતાઓના ફોટા, એ પણ એમની પત્નીઓ સાથે વધારે હોય છે. આવા લેખો છાપતાં સામયિકો અને છાપાં પણ કદાચ એટલું જ બતાવવા માગતાં હશે કે અમેરિકામાં પણ આપણી ભવ્ય સંસ્કૃિત ટકી રહી છે.
આ NRGઓને સાહિત્યકાર બનવું છે. એમાંના કેટલાક નિવૃત્ત થઈ ગયા છે. બીજું કંઈ કામ કરવાનું નથી. એમાંના ઘણા લોકો ગૌરવભેર કહેતા હોય છે કે હવે હું નિવૃત્ત થઈ ગયો છું, મારે બીજું કંઈ કરવાનું નથી એટલે મેં સાહિત્યમાં રસ લેવા માંડ્યો છે. મેં મુક્તકથી શરૂઆત કરી છે અથવા તો મેં હમણાં મારો બ્લોગ શરૂ કર્યો છે. તાજેતરમાં જ મેં ભારતની ભવ્ય સંસ્કૃિતમાં વેદૌપનિષદના સ્થાન પર એક નોંધ લખી છે. તો વળી ઘણા NRG પાસે નવરાશનો સમય વધારે હોય છે. એમણે મૂડી રોકાણ એ રીતે કરેલું હોય છે કે આવકનો પ્રવાહ ચાલુ રહે. એ પોતે ‘નજર રાખે’, કામ બીજા કરે. એ લોકો પણ નવરાબેઠા ગુજરાતી સાહિત્યનું નખ્ખોદ વાળવામાં પોતાનું પ્રદાન કરતા હોય છે. એ પણ લખે પાછા આપણને કહે કે મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું નથી પણ હું લખું છું. કોણ જાણે કેમ આ લોકોના મનમાં એવું ઘુસી ગયું છે કે ગુજરાતી વિષય સાથે એમ.એ. કરે એને જ સાહિત્ય લખતાં આવડે. એ લોકો પણ કાં તો મુક્તકથી, કાં તો લઘુકથાથી, કાં તો વાર્તાથી, કાં તો ગીત કાં તો ગઝલથી શરૂઆત કરે અને પહેલાં બ્લોગ પર જાય. સગાંવહાલાં મિત્રો ત્યાં એમનાં લખાણનાં વખાણ કરે. એ સાથે જ બંગલામાં રહેતા એ NRGઓ છાપરે ચડી જાય. સાલા મેં તો સાહિત્યકાર બન ગયા.
જ્યારે કોઈ મને કહે કે સાહિત્ય મારી ‘હૉબી’ છે ત્યારે મને એના પર અપાર ગુસ્સો આવતો હોય છે. માણસ જાત જે કટોકટીનો સામનો કરી રહી હોય એ કટોકટીના કોઈક એક પાસાને વ્યક્ત કરવાની વાત ‘હૉબી’ કઈ રીતે હોઈ શકે? સાહિત્ય એક ગંભીર પ્રવૃત્તિ છે. એ નવરા બેઠા નખ્ખોદ વાળવાની પ્રવૃત્તિ હોઈ શકે જ નહીં. આ હું લખી રહ્યો છું એ મારી ‘હૉબી’ નથી. હું જોઈ શકું છું કે મારી ભાષામાં એક પ્રકારની કટોકટી પ્રવર્તી રહી છે. એમ હોવાથી મારું કામ એ કટોકટીનું વિશ્લેષણ કરવાનું છે. કોઈને કદાચ આ કટોકટી એક ઓચ્છવ પણ લાગતી હોય. મને એની સામે વાંધો નથી. અલબત્ત, હું એટલી અપેક્ષા જરૂર રાખું કે આ પરિસ્થિતિ કઈ રીતે ઓચ્છવ બને છે એ મને એ સમજાવે. ટૂંકમાં, મોટા ભાગના NRG લેખકો માટે સાહિત્ય નવરા બેઠા કરવાની પ્રવૃત્તિ છે અને એમાંના મોટા ભાગના માને છે કે નવરા બેઠા કરવામાં આવતી આ પ્રવૃત્તિ આપણને સર્જક તરીકેની ઓળખ અવશ્ય અપાવશે. જો નહીં અપાવે તો આપણે એને ‘વેચાતી’ ખરીદી શકીશું.
આ NRGની નબળી સાહિત્યિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારા RG સાહિત્યકારોના પણ કોઈ તોટો નથી. હકીકતમાં તો એવા RGઓની એક નાત ઊભી થઈ ગઈ છે. એ અહીં આવતા હોય છે, સાહિત્યકાર બનવા ઉત્સુક NRGઓને મળતા હોય છે અને પછી એમનાં પુસ્તકો પ્રકાશમાં આણવાનું કામ કરતા હોય છે. આ કામ કરતાં પહેલાં એ લોકો જે તે સર્જકની સર્જકતાને ભાગ્યે જ ધ્યાનમાં લેતા હોય છે. એઓ મોટેભાગે તો એમની આર્થિક સદ્ધરતાને વધારે ધ્યાનમાં લેતા હોય છે. એક વાર આવા સર્જકોનાં પુસ્તકો પ્રગટ કરવાનું નક્કી થઈ જાય પછી એ લોકો પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કે લખાવવાનું સ્વીકારી લેતા હોય છે. ઘણા લેખકો અમુકતમુક લેખકો પાસે જ પ્રસ્તાવના લખાવવાનો આગ્રહ રાખતા હોય છે અને એ અમુકતમુક લેખકો પણ મોટે ભાગે તો લોભથી ને ક્યારેક પરોપકારવૃત્તિથી પ્રસ્તાવનાઓ લખી આપતા હોય છે. ક્યારેક મને થતું હોય છે કે આપણે પ્રસ્તાવના લેખકોની એક અલગ કોટિ સ્વીકારવી જોઈએ. NRGઓનાં પુસ્તકોની પ્રસ્તાવનાઓનો કોઈકે અભ્યાસ કરવા જેવો ખરો? એ પ્રસ્તાવનાઓ કોણે લખી છે? ક્યારે લખી છે? એમનો આશય શો છે? જેવા પ્રશ્નો પૂછાવા જોઈએ. ઘણા પ્રસ્તાવનાલેખકો ગોળ ગોળ, પોતે પકડાઈ ન જવાય એ રીતે પ્રસ્તાવનાઓ લખતા હોય છે. એવી પ્રસ્તાવનાઓની કોઈકે તપાસ કરવી જોઈએ. એમાં ‘એકંદરે’ જેવા શબ્દોનું વર્ચસ્વ જોવા મળશે. ઘણા પ્રસ્તાવનાલેખકો કવિ મોટલ ચલાવે છે છતાં કવિતા લખે છે, અથવા તો કવિ પોતે ડૉક્ટર છે છતાં એમણે વિદેશી ભૂમિ પર ગુજરાતી ભાષાનું સર્જન કરવાનું સ્વીકાર્યું છે એમ કહીને જે તે કવિનાં વખાણ કરતા હોય છે. આવાં વખાણોમાં propositional truth જવલ્લે જ જોવા મળે. એમાં મોટેભાગે તો સુગંધ વગરનાં પુષ્પો વેરાયેલાં જોવા મળે.
પ્રસ્તાવના અને ક્યારેક તો પ્રસ્તાવનાઓ પછી એ પુસ્તકના પ્રકાશનમાં RGઓનો બહુ મોટો ફાળો હોય છે. કેટલાલ RGઓ આ NRGઓનાં પુસ્તકો પ્રકાશકો પાસે છપાડાવતા હોય છે. આપણા પ્રકાશકો પણ NRGનું પુસ્તક જોતાં જ એને પ્રગટ કરવા તૈયાર થઈ જતા હોય છે કેમ કે એમને ખબર હોય છે કે આવાં પુસ્તકો પ્રગટ કરતા પહેલાં જ વેચાઈ જતાં હોય છે. પેલા NRGઓ એમને જે તે પુસ્તકના ઉત્પાદનનો ખર્ચ અગાઉથી આપી દેતા હોય છે. આવા પ્રકાશકો વાસ્તવમાં તો એમની સામાજિક જવાબદારી ભૂલી જતા હોય છે. એમણે એ વાત વિશે વિચાર કરવો જોઈએ કે પુસ્તક પ્રગટ કરવું મહત્ત્વનું છે કે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવાનું વધારે મહત્ત્વનું છે. આપણા પ્રકાશકો હજી દેશી ઘંટીવાળા જેવા છે. અનાજ દળાવા જાઓ એટલે દળવાના પૈસા તો લે પણ ઉપરથી લોટ પણ કાપી લે. એ લોકોમાં હજી જોઈએ એટલો વ્યવસાયિકતાવાદ આવ્યો નથી. એટલે જ તો જે તે પુસ્તક પ્રગટ કરવા જેવું છે કે નહીં એ બાબતનો નિર્ણય એ લોકો પોતે જ લેતા હોય છે. એમની પાસે કોઈ editorial board જેવું કશું નથી હોતું. એટલું જ નહીં, એમના પ્રૂફ રીડર્સ પણ નબળા હોય છે. એટલું જ નહીં, એમની પાસે કૉપી એડીટર્સ પણ નથી હોતા. એટલે પેલો NRG નબળાં વાક્યો લખે તો એ વાક્યો જેવાં છે એવાં જ છપાઈને બહાર આવી જતાં હોય છે.
આ RG સાહિત્યકારો કેવળ પ્રકાશન કે પ્રસ્તાવના પૂરતા જ મર્યાદિત નથી રહેતા. એ એમના ઘરાકનાંપુસ્તકોનું વિમોચન પણ કરતા હોય છે. જેમ ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તાવનાલેખકોની એક નાત છે એમ વિમોચકોની (વિમોચન કરનારી) પણ એક જમાત છે. આ વિમોચકો પણ અદ્ભુત હોય છે. કોઈના પણ પુસ્તકની પ્રશંસા કરતાં એ લોકો શું સાચેસાચ આ પુસ્તકો વાંચીને એમના વિશે બોલતા હશે કે? ઘણા NRGઓ તો વધારે પડતા સાહજિક હોય છે. એ લોકો એમના એક જ પુસ્તકનું ચારેય દિશાના એક એક નગરમાં વિમોચન કરાવતા હોય છે. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત. કોઈ રહી જવું ન જોઈએ. હું તો હવે આ NRGઓ એમનાં પુસ્તકોની હાથી પર સવારી કાઢે એની રાહ જોઈ રહ્યો છું. તાજેતરમાં મેં એવું પણ વાંચેલું કે એક જ NRGના એક જ પુસ્તકનું એક જ ઠેકાણે બે કે તેથી વધારે વિમોચકોના હાથે વિમોચન થયેલું! આ NRGઓ ખૂબ ઉદાર હોય છે. કોઈ વિમોચકને ખોટું લાગવું ન જોઈએ.
વિમોચનનું ગોઠવી આપ્યા પછી પેલા RGઓ જે તે પુસ્તકની સમીક્ષાઓનું પણ ગોઠવી આપતા હોય છે. જો કે આ લાભ બધાંને મળતો નથી. બહુ ઓછા NRGઓનાં પુસ્તકોની સમીક્ષા થતી હોય છે. કેમ આવું થતું હશે? એ એક વિચારવા જેવો પ્રશ્ન ખરો.
મને લાગે છે કે આ NRGઓનો અને RGઓનો ખતરો ઘટાડવા આપણે કંઈક કરવું પડશે. આવાં પુસ્તકોની સમીક્ષા કરી એમાં રહેલી નબળાઈઓને પ્રગટ કરવી પડશે. નહીં તો એ નબળાઈઓ જ આપણાં લક્ષણો બની રહેશે. એટલું જ નહીં, સાહિત્યિક સંસ્થાઓએ પણ બને ત્યાં સુધી આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનું બંધ કરવું જોઈએ. NRG સર્જકોને યોગ્ય તાલીમ મળે એની વ્યવસ્થા સંસ્થાઓએ કરવી જોઈએ. આ સર્જકોને ભારતથી આવતા સાહિત્યકારો સાથે મોઢેમોઢ કરવા જોઈએ. એમની સાથે આ લોકોનો સંવાદ થાય એવી વ્યવસ્થા ખાસ કરવી જોઈએ.
જો કે, મારા કહેવાનો અર્થ એવો નથી કરવાનો કે NRGઓએ લખવાનું કે છપાવવાનું બંધ કરી દેવું જોઈએ. ના, હું માનું છું કે દરેક માણસને પોતાની જાતને વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે પણ પોતે જે વ્યક્ત કરે છે એનો પૈસાના જોરે કે વગના જોરે એણે સાહિત્યજગતમાં પ્રવેશ કરાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એમણે એક વાત સમજી લેવી જોઈએ કે નબળી કૃતિઓ પરોપજીવી બનીને ટકી રહેતી હોય છે. જ્યારે વાડ સુકાઈ જાય ત્યારે પેલો વેલો પણ સુકાઈ જાય. જે લોકો સાહિત્યના ફેરિયા બનીને અહીં આવે છે એમાંના મોટા ભાગના વાડ જેવા હોય છે. એ આજે નહીં તો કાલ તો સુકાઈ જ જવાના છે.
સૌજન્ય : ‘ચોતરેથી’, “સન્ધિ”, વર્ષ: 10-2016; અંક: 3; સળંગ અંક: 39; પૃ. 03-09