શબ્દની સુગંધ • દીપક બારડોલીકર
મનના મોંઘા ઉમંગ લાવ્યો છું
સ્નેહ ચૂગતા વિહંગ લાવ્યો છું
જીવકોઠી ભરી લો, ઓ લોકો
શબ્દની હું સુગંધ લાવ્યો છું
*
કોઈ બેઠું છે લૈને ખુશનુમા વીણા
અને રોશન છે દીપક પણ ઝરૂખામાં
જુઓ, શોધી રહી છે ચાંદની અમને
છે ખુશબૂદાર પગરવ પણ ઝરૂખામાં
*
ચંદ્રમા,
મારા પડખે હોવો જોઇએ.
સળગતા સૂર્યને
હું પહોંચી વળીશ!
*
હું
ચપાટીનો ચાહક છું.
એની અંદર હોય છે
મિટ્ટીની મીઠાશ,
ખેડુશ્રમની સુવાસ !
*
ભાત ભાતનાં જલચર, જોખમી તરંગો છે
આ શહેર, ઘૂઘવતો જાણે એક દરિયો છે
*
ફણગાને
ફૂટતાં રોકી શકાય નહીં,
વિચારો
ફણગાના ભેરુ હોય છે !
*
તારો સાદ,
જાણે વરસાદ !
જીવન આબાદ !
*
તમારો માર્ગ જાતે કંડારો,
સિદ્ધિ મળવા આવશે.
*
અજવાશ ઉષાઓમાં.
ના ભિન્ન છીએ આપણ
ખુશબૂ છે હવાઓમાં !
*
શું
એ ગુલાબ છે ?
માહતાબ છે ?
નહીં,
ઇન્સાનનો ચહેરો લાજવાબ છે !
અને
એટલો વહાલો છે અલ્લાહને
કે નિષિદ્ધ કીધો છે એને
જહન્નમની આગ માટે !
*
ઘડિયાળની
અ ‘ટકટક’ શું છે ?
એને તમો
કહી શકો છો
સમયસુંદરીનો પગરવ !
*
આ છોકરીઓ
શા માટે પહેરે છે
સ્લીવલેસ ફ્રોક ?
એટલા માટે
કે સ્લીવમાં
યાને આસ્તીનની અંદર
હોય છે સાપોલિયાં !
*
ઈચ્છા જાણે શોપિંગ સેન્ટર
ખ્યાલો જાણે ઓક્ષફર્ડ સ્ટૃિટ
છોકરી છે કે કોઈ આફત
ને ઉપરથી એ છે બ્રિટ
*
ધીરજની સીડી
ચડવાનું ચાલુ રાખો,
હિમાલય
તમારાં ચરણોમાં હશે !
*
દાળે ડાળે રંગ, સુગંધ
જાણે તારા ઘરનો પંથ
*
11, Croston Terrace, Ayres Road, Old Trafford, MANCHESTER M16 7FD [U.K.]