એક વર્ષનું એન.ડી.એ. શાસન : સામાજિક અવનતિની દિશા
——————————————————————————
નવી સરકારે ઉત્સાહપૂર્વક રાજ્યારોહણ કર્યું તેને એક વરસ થયું. કોઈકની દૃષ્ટિએ આ એક વર્ષ કાંઈ બહુ મોટો ગાળો ન ગણાય અને કોઈક એમ પણ કહે કે ચૂંટણી દરમિયાન જે ઉત્સાહ દાખવીને વચનો ઉચ્ચારેલાં તેની દિશામાં પગલાં મંડાયાં છે કે કેમ તે વિચારવા માટે આ યોગ્ય અવસર ગણાય. તે જ રીતે અને ખાસ તો સમાજના ક્ષેત્રના બનાવોના સંદર્ભે થોડાક અનુભવો અને વિચારો નોંધીએ.
ભા.જ.પ. એક કેડર બેઝ્ડ પક્ષ છે. તેની પાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત અનેકવિધ ભગિની સંસ્થાઓ પણ છે. કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ દ્વારા સમાજનાં વિવિધ ક્ષેત્રો ઉપર તેનો પ્રભાવ તેમ જ કાબૂ પણ છે. આ ઉપરાંત કેટલાક સમાચાર પત્રો પણ તેના જ વિચારોને પુરસ્કૃત કરે છે. વિકીપિડિયાના જણાવ્યા અનુસાર સંઘ સાથે જોડાયેલી કુલ ૩૮ સંસ્થાઓ છે. તેમાં વકીલો, અધ્યાપકો, કામદારો, વિદ્યાર્થીઓ વગેરે સહિતના ક્ષેત્રોના સંગઠનો છે. તાજેતરના એક અહેવાલ મુજબ છેલ્લા પાંચેક વર્ષમાં આર.એસ.એસ.ની શાખાઓની સંખ્યામાં ૬૧ ટકાનો વધારો થયો છે. હવે ક્યાંક ક્યાંક બાલમંદિરથી પણ શાખાઓ શરૂ થઈ જાય છે.
બીજું, ભાજપની એક મોટી અપીલ ‘હિંદુત્વ’ની છે. છેલ્લાં લગભગ સાડા છ દાયકામાં આ દેશમાં એક પ્રભાવક અને વિશાળ એવો શહેરી મધ્યમ વર્ગ વિકસ્યો છે. દેશની કુલ વસતીનો લગભગ ત્રીજો ભાગ આવા લોકોનો બનેલો છે. આ વર્ગને સલમાનખાનને તેર વર્ષે પણ (હીટ એન્ડ રન કેસ) સજા સંભળાવવામાં આવે તો ઝેર ખાવાનું મન થઈ આવે છે. ટી.વી.ની બધી જ ચેનલો આખો દિવસ આ જ સમાચારની વિગતો પ્રસારિત કરે છે કારણ કે ટી.વી. જોનારા વર્ગની આ જ માંગ છે. આ વર્ગને સમગ્ર દુનિયાના કોઈ પણ વિસ્તારમાં અચાનક જ શ્રી ગણેશની મૂર્તિ દૂધ પીતી હોય તેમ જણાય છે.
આ વર્ગના ઘણા બધા યુવાનોને નોકરી નથી. તેમને શાળાઓ કે કૉલેજો / યુનિવર્સિટીઓમાં ઊંચી ફી ભરવા છતાં અને ટ્યુશન ક્લાસોમાં ખાનગી કોચિંગ લીધું હોવા છતાં ગુણવત્તાવાળું શિક્ષણ મળ્યું નથી. આ વર્ગને રાજ્યની કામગીરી અને હિસાબોની નિષ્પક્ષ તપાસ રાખનારી સંસ્થા કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલ(કેગ)ના વાર્ષિક હેવાલોની ખબર નથી. ગુજરાત સરકાર તો વર્ષોથી આ અહેવાલો ઉપર વિધાનસભામાં ચર્ચા જ ચલાવતી નથી તેની પણ આ વર્ગને ક્યાં તો ખબર નથી; અથવા તેની ખાસ દરકાર પણ નથી. સમગ્ર દેશમાં અક્ષરજ્ઞાનનો દર હવે લગભગ સિત્તેર ટકાએ પહોંચ્યો છે પણ સ્ત્રીઓ, ગામડાં અને પછાત વિસ્તાર અને દલિતો તથા આદિવાસીઓ શિક્ષણ પામતા નથી. બધા જ જો ભણશે તો સમાજમાં મજૂરી કોણ કરશે ?
આ દેશને ‘अच्छे दिन’ આવશે તે આશા આપીને આ રાજ્યારોહણ થયું. બાકી આ દેશને કોઈક ‘મહાસત્તા’ બનાવી દેવાનો છે તેવો ખ્યાલ પણ પેલા શહેરી મધ્યમવર્ગના મનમાં ખરો જ. આ વર્ગના લોકો પૈકી ઘણા બધાને વિદેશો સાથે સારો ઘરોબો પણ ખરો જ. એટલે ‘અમે અહીં રહીને પણ તમારી જેમ મહાસત્તા બન્યા’ એવું સ્વપ્ન પણ માફકસરનું ગણાય. એન.આર.આઈ.ઓને પોતાના વતનના વિસ્તારો આ નવા વસવાટના મુલકની સમાંતરે આવીને ઊભતા લાગે તો ‘મેડિસન સ્કેવેર’માં ડોકિયું કરી આવવામાં વાંધો શું હોય ?
વર્ષાન્તના આ લેખાંજોખાંમાં આ જ હિન્દુત્વ, મુખ્ય શાસક પક્ષ તથા તેની ભગિની સંસ્થાઓ અને પેલા વિશેષ વર્ગની માનસિકતાનો મેળ ‘મહાસતા’ના સમાજ સાથે બેસતો નથી. આ શાસનકાળના પ્રારંભની ‘શ્રી જણસે પુરાંત’નો તાળો મહાસત્તાના સમાજ સાથે બેસતો નથી. હવે ગણેશોત્સવો કે રથયાત્રાઓની સંખ્યા તેમ જ તેમાં સંકળાતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પગે ચાલીને અંબાજી અને ડાકોર જનારા અને રસ્તામાં ઠેર ઠેર તેમની ‘સેવા’ કરનારાની પણ સંખ્યા મોટી છે. બાબા બરફાની, વૈષ્ણોદેવી કે છેક કૈલાસ-માન સરોવરના યાત્રિકોની સંખ્યામાં એક્સ્પોનન્સિયલ વધારો થતો જાય છે. રાધે મા, આસારામ ઉપરાંત અનેક પ્રકારના ‘સાક્ષાત્કારી સંતોની’ ચરણરજથી ભારતવર્ષ ધન્ય બનતું જાય છે !
આ મહાસત્તાનો સમાજ કેવો હોય ?
પહેલ પરથમ વાત તો એ કે તેમાં માત્ર કાયદાનું શાસન પ્રવર્તતું હોય, તેટલું જ નહીં, કાયદા માટે સૌને સન્માન હોય. આપણા વડા પ્રધાનશ્રી પોતે જ ઊઠીને ન્યાયાધીશોની સભાને વી.આઈ.પી. એન.જી.ઓ. બાબતે અણછાજતો કટાક્ષ ન જ કરે. આ દેશમાં કાયદો કે ન્યાયતંત્રની ગરીમા ઘણા રાજકારણીઓએ ઘટાડવાનો પ્રયાસ કર્યે રાખ્યો છે.
બીજું, એક મહાસત્તાવાળા સમાજમાં વંશ, પ્રદેશ કે ધર્મ અને જાતિગત ઊંચનીચના ભેદભાવ હોવા ન જોઈએ. આવી મહાસત્તાના લોકોના હૃદય જ એવા હોય છે કે તેમને આવા ભેદભાવ અડતા નથી. ધાર્મિક સહિષ્ણુતા તેમ જ ઉદારતા પણ ઘણા વ્યાપક હોય છે. વળી પોતાનાથી સાવ જ વિરોધી વિચાર ધરાવનારાને પણ અભિવ્યક્તિની છૂટ હોય છે. હવે થોડીક આપણી વાત :
(૧) ફેબ્રુઆરી, ૨૦૧૫માં પશ્ચિમ બંગાળના એક ચર્ચમાં ૭૦ વર્ષની એક (ખ્રિસ્તી) સાધ્વી ઉપર સામૂહિક બળાત્કાર થયો. પોલીસના કહેવા મુજબ આ લોકો ‘બહારથી આવેલા’ હતા. રાત્રે અઢી વાગ્યે, પહેરેદારને મારીને તે ઘૂસી આવ્યા. બળાત્કાર કર્યા બાદ, ત્યાંના વિદ્યાર્થીઓ માટેની ચોકલેટ, કેક, પ્રેસ્ટ્રી વગેરે પણ તેમણે આરોગ્યા.
(૨) ગયા વર્ષના મે મહિનાથી આ વર્ષના માર્ચ સુધીમાં ધાર્મિક અસહિષ્ણુતાના ૬૦૦થી વધુ કિસ્સા નોંધાયા છે. તે પૈકી લગભગ ૧૫૦ કિસ્સા ખ્રિસ્તીઓ સામે તથા ૪૫૦ કિસ્સા મુસલમાનો સામે થયા છે. તેમાં ૪૯ નિર્દોષોનો જીવ ગયા છે.
(૩) ભાજપના સાંસદ હોય તેવા લોકો હિંદુત્વને ઉશ્કેરવા વાસ્તે પાંચથી દસ બાળકો પેદા કરવાનો મત, પોતાની ભરી સભાઓમાં વ્યક્ત કરે છે. આ માટે કારણ એમ અપાય છે કે મુસલમાનો ચાર પત્નીઓ કરે છે અને દરેકના ચાર-ચાર પાંચ-પાંચ બાળકો હોય છે. જો આમ જ ચાલતું રહે તો ભારતમાં જ હિંદુઓ લઘુમતીમાં મુકાઈ જશે. ખરેખર તો આ બાબત સાવ નિરાધાર છે. આમ છતાં, ૨૦૦૨નાં રમખાણો વખતે પણ અસરગ્રસ્ત મુસ્લિમ વિસ્તારોને મુસલમાનો પેદા કરવાની ફેક્ટરી, ગણાવવામાં આવ્યા હતા. આવા વિચારો, સમજ કે અભિવ્યક્તિઓ ‘મહાસત્તા’વાળા સમાજમાં હોય ખરી ?
(૪) આ સરકારના વડા પ્રધાનશ્રીએ લાલ કિલ્લા ઉપરથી પંદરમી ઑગસ્ટ(૨૦૧૪)ના દિવસે કરેલા પ્રવચનમાં એ મતલબનું વિધાન કર્યું હતું કે દેશમાં દસ વર્ષ માટે સાંપ્રદાયિક ઝઘડા બંધ રાખવામાં આવે. વડા પ્રધાનશ્રી આવા ગંભીર પ્રસંગે અને આવા ઉચ્ચસ્થાનેથી વ્યક્ત કરેલી ઇચ્છાનો પડઘો આ સમાજમાં કેમ પડતો નથી તે વિચારવું રહ્યું. આ દિશામાં વિચારવામાં મદદ મળે તે માટે કેટલાક બનાવો નોંધીએ :
(ક) ગયા વર્ષની સામાન્ય ચૂંટણીઓ પછી જ્યાં પણ પેટાચૂંટણી કે અન્ય ચૂંટણીઓ આવી ત્યાં ધાર્મિક અથડામણો ઊભી થઈ છે. ઈકોનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલી (ઈ.પી.ડબલ્યુ.) નોંધે છે તેમ આ માટે સંઘ પરિવારે હિંદુત્વની ભાવનાને ઝકઝોરીને ગ્રામક્ષેત્રો સુધી વિસ્તારી દીધી છે. આ માટે ભારત-પાક. સંબંધોના તનાવને ભારતમાં આંતરિક રીતે હિન્દુ-મુસ્લિમ સંઘર્ષના પ્રતીકરૂપ જોવામાં આવે છે. ‘ક્યાં તો ભારત રાષ્ટ્રને વફાદાર બનો અને નહીં તો પાકિસ્તાન ચાલ્યા જાવ !’ આવી વાતો ૨૦૧૪ની ચૂંટણી પ્રચારમાં પણ કહેવાતી હતી.
(ખ) ફલી નરીમાનનું નામ દેશના એક પ્રખર ન્યાયવિદ્દ તરીકે જાણીતું છે. તે રાજ્યસભાના સભ્ય તરીકે પણ કામ કરી ચૂક્યા છે. દેશમાં કોમી સૌહાર્દ જાળવવા મથતી એક સંસ્થા – નેશનલ ઇન્ટીગ્રેશન કાઉન્સિલ-ના પણ તે સભ્ય છે. આ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે વડા પ્રધાનશ્રી હોય છે. આ ફલી નરીમાન કહે છે, હિંદુ ધર્મ તો તેની સહિષ્ણુતા વાસ્તે જાણીતો છે પરંતુ હમણાંથી સાંભળવા મળતી ધિક્કારની ભાષા ઘણા ઉચ્ચ સ્થાનોએથી અને વારંવાર બોલાય છે. આના જ અનુસંધાને, ગુજરાતના કોમી રમખાણો વખતે પોતાની કાર્યદક્ષતા અને નિષ્પક્ષતાના કારણે ‘સુપર કોપ’નું લોકબિરુદ પામેલા જુલીયસ રીબેરોને પણ યાદ કરીએ. તેમણે ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણો વખતે રાજ્યની મુલાકાત લીધી હતી. પોતાના ખેદને વ્યક્ત કરતા તેમણે કહેલું ‘અહીં મને કોઈ કલિંગ અસર’ જોવા મળી નથી. આવા મોટા સંહાર પછી શાસકોને આત્મગ્લાનિ થઈ ન હતી. પણ આ તો ૨૦૦૨ની વાત થઈ; આપણે તો ગત એક વર્ષની વાત કરતા હતા. હા, તેમાં જ, ફલી નરીમાનના વિચાર સાથે મેળ બેસાડતો વિચાર આ સુપર કોપનો પણ છે. રીબેરોને દેશની આ માનસિકતા ભયજનક જણાઈ છે.
(ગ) લવ-જેહાદ, ઘર-વાપસી અને આક્રમકતા આ વર્ષ દરમિયાનના ઊડીને આંખે વળગે તેવા બનાવો છે. આ બનાવો અચાનક કે આપોઆપ નથી બનતા. બે વ્યક્તિ વચ્ચે પ્રેમ, અકસ્માતે કે અચાનક જન્મી શકે અને તેમાં ધર્મ, પ્રદેશ કે જાતિ તરફ ખાસ ધ્યાન ન જાય તેમ બને. પુખ્ત ઉંમરના છોકરા-છોકરીને પ્રેમ નામની કોઈક લાગણી થાય ખરી પણ તેની ‘જેહાદ’ હોય ? પણ હિન્દુત્વવાદની સંસ્થાઓ તથા વ્યક્તિઓની દલીલ એમ હોય છે કે આવી ‘જેહાદ’ મુસલમાન છોકરાઓ ચલાવે છે અને તેને રોકવા કે પાઠ ભણાવવા વાસ્તે સામે પણ એવા જ પગલાં જરૂરી છે. આ લેખના પ્રારંભે નોંધ્યું છે તેમ, હિન્દુત્વવાદી શહેરી-મધ્યમવર્ગીય માનસિકતા આ ‘પ્રતિશોધ’ના વિચારને સ્વીકારે છે અને તેમાં જ પોતાની કાલ્પનિક સલામતી પણ અનુભવે છે. આવી ‘જેહાદ’ ચલાવનારાઓનું સૂત્ર છે : ‘બહુ લાઓ ઔર બેટી બચાવો.’ હિન્દુ છોકરાઓએ ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મની છોકરીઓને પરણી લાવી તેમનું હિંદુ ધર્મમાં પુનરાગમન કરાવવું અને હિંદુ છોકરીઓને ખ્રિસ્તી કે મુસલમાનને પરણતા રોકવી તે ખ્યાલ છે. આ રીતના લગ્ન બે આત્માઓનું મિલન હશે કે ?
(ઘ) લવ જેહાદની જેમ જ ઘર વાપસીરના પણ અનેક કિસ્સા બન્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ વગેરેના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખ્રિસ્તી-મુસ્લિમ પરિવારોને પાછા હિંદુ બનાવવાનો આ પ્રયાસ છેલ્લા એક વર્ષમાં વધુ વેગવાન તેમ જ અસરકારક બન્યો છે. ઘણા કિસ્સાઓમાં, આ કારણે ઊભા કરાતાં દબાણો, ધાકધમકી કે મારામારી સામે પોલીસનું રક્ષણ માંગવા છતાં મળ્યું નથી. વહીવટીતંત્ર સમક્ષ કરાતી ફરિયાદો પણ ભાગ્યે જ પરિણામ લાવી શકે છે.
તો એક વર્ષની જણસે પુરાંત અને હિસાબ-કિતાબ જોતા જણાય છે કે દેશ ખરેખર તો મહાસત્તા બની શકે તેવા સમાજનાં નિર્માણની દિશામાં કદમ માંડી શક્યો નથી. ‘અચ્છે – બૂરે દિન’ તો ઠીક છે હંમેશા કોઈકના બુરા દિનના આધારે જ અન્યના અચ્છે દિન આવતા હોય છે, પણ બધાના અચ્છે દિન માટે તો જાતપાત, ધર્મ, ભાષા, પ્રદેશ કે અન્ય કોઈ પણ પ્રકારના ઉચ્ચાવચ્ચતાની ભ્રામક માન્યતાઓમાંથી સમાજે સૌ પ્રથમ તો બહાર નીકળવું પડે.
આ પહેલું ડગલું માંડવાના પ્રયાસો પણ પૂરતા નિષ્ઠાવાન જણાતા નથી. જમા પક્ષે, સરકારના મોવડી તરત જ કહેશે : કેમ પેલા અફઘાનિસ્તાનમાં ફસાયેલા ખ્રિસ્તીને અમે ઉગાર્યો કે નહીં ! અને અમારી યમનની કામગીરી તો જુઓ. આ બાબતો જમાપક્ષે ખરી જ. પણ સોનિયા ગાંધીના ચામડીના રંગ વિશે લોકસભામાં જ શાસક પક્ષના એક મંત્રી જે રીતે બોલે છે તે કઈ માનસિકતા ગણાશે ?
વળી, ઘરવાપસી, લવ જેહાદ, નાનાં ગામો અને કસબાઓ સુધી વિસ્તરતું કોમી માનસ, પોલીસ અને વહીવટીતંત્રની નિંભરતા – આ બધી એન્ટ્રીઓને ઉધાર ખાતે ખતવવી તો પડશે જ ને !
સરવાળે શું પામીશું ?
ધીમે ધીમે ધર્મ સહિષ્ણુ બનતો જતો સમાજ હવે વેર અને તિરસ્કારથી ભર્યો ભર્યો બનતો જાય છે. અહીં હવે ‘ગોડસે મંદિર’ બનાવવાનું પણ વિચારી શકાય છે. હિન્દુ ધર્મ અને હિન્દુવાદની એવી જબરદસ્ત ભેળસેળ થઈ ગઈ છે કે જો તમે સામાજિક ન્યાય, બંધારણીય જોગવાઈઓ કે માનવ અધિકારોના રક્ષણના સંદર્ભે, આ વકરતા જતા ‘હિન્દુત્વ’નો વિરોધ કરો તો આપોઆપ જ હિંદુ ધર્મ વિરોધી પણ બની જાવ છો. આ હિન્દુત્વમાં ‘સાંઈબાબા’ને સ્થાન નથી. જરાક જેટલી સંવેદનશીલતા દાખવીને પણ જો ‘સર્વસમાવેશી વિકાસ’ની વાત કરો તો તમે વિકાસના જ વિરોધી બની જઈ શકો છો.
આ એક વર્ષમાં શાસનના સામાજિક ક્ષેત્રના આ સામાન્ય અનુભવના કેટલાક ફતિલાર્થો સ્પષ્ટ થાય છે.
એક તરફ કેટલાક સાંસદો તથા ભા.જ.પ.ની ભગિની સંસ્થાઓના નેતાઓ આર્થિક, ધાર્મિક, અસહિષ્ણુતા, ધિક્કાર અને ઝેર ભરેલો પ્રચાર કરે જાય છે; તો બીજી તરફ કેટલાક અન્ય નેતાઓ પોતાનું શાસન બંધારણ અનુસાર ધાર્મિક સહિષ્ણુતા સાથે જ ચાલી રહ્યું હોવાનો દાવો કરે છે. જ્યારે પોલીસ કે વહીવટીતંત્ર દ્વારા પેલા વિઘાતક પગલાં કે વિદ્યાનો સામે અસરકારક કામગીરીની વાત આવે છે ત્યારે ભા.જ.પ.નું ભગિની સંસ્થાઓ સાથેનું ગઠબંધન છતું થાય છે.
હિન્દુ ધર્મની મહાનતા અને આદર્શો સાથે જરાય મેળ ન બેસે તેવાં કાર્યોને ‘હિન્દુત્વ’ના નામે આગળ ધપાવવામાં આવે છે. બાજપાઈજીના સમયમાં ‘મુખૌટા’ કે ‘હીડન એજન્ડા’ જેવી થોડીક પણ આમન્યા અને વિવેક હતા. હવે તે શોધવા મુશ્કેલ બનતા જાય છે.
આ આખો કાર્યક્રમ જે રીતે ચાલે છે અને ચલાવાય છે તે જોતા ભારતના સમાજને સમતળ અને સૌહાર્દપૂર્ણ તથા ખુલ્લો અને ઉદારમતિ બનાવવાને બદલે સંકુચિત અને આત્મશ્લાધી – પોતે જ પોતાના વખાણ કરે તેવો -બનાવાઈ રહ્યો છે.
જગતના કોઈ પણ દેશે ધર્મ કે જાતિની સામે ધિક્કાર ફેલાવીને વિકાસ કર્યો હોય તેવું ઇતિહાસ ક્યાં ય કહેતો નથી. હિટલર, મુસોલીની, ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન વગેરે તેનાં ઉદાહરણો છે.
એક શાણા અને સમજુ સમાજ તરીકે ભારતે પણ આ એક ઇતિહાસ ફરીથી યાદ કરી લેવો પડશે, ઇતિહાસનું ઝનૂન નહીં પણ તેના બોધપાઠની સમજ વધારે ખપના ગણાય.
‘નયા માર્ગ’, ૧૬-૫-૨૦૧૫